24 February, 2024 11:16 AM IST | Mumbai | Rashmin Shah
પંકજ ઉધાસ, ગઝલકાર- પદ્મશ્રી ૨૦૦૬
ચિઠ્ઠી આયી હૈ, આયી હૈ ચિઠ્ઠી આયી હૈ...
આ સૉન્ગ આજે પણ જો કર્ણપટલ પર ઝિલાય તો ઘડી-બે ઘડી તમારા હાથ કામ કરતા થંભી જાય અને જો તમે હિન્દુસ્તાનથી દૂર હો તો તમારી આંખો પણ થોડી ક્ષણોમાં ભીનાશ પકડવાનું શરૂ કરી દે. માત્ર એક ગીતથી દુનિયાભરમાં પથરાયેલા ભારતીયોના દિલમાં છવાઈ જનારા પંકજ ઉધાસે ગાયેલા આ ગીતે માત્ર વતનની યાદ નહોતી અપાવી, પણ વિદેશમાં રહીને વતનને હૈયામાં રાખનારા સેંકડો લોકોને વિદેશની શોહરત છોડીને વતન પાછા આવવા માટે મજબૂર પણ કરી દીધા હતા અને તેઓ વતન પાછા પણ આવી ગયા હતા. પંકજ ઉધાસ કહે છે, ‘એ ગીતમાં અવાજ મારો હતો, શબ્દો (આનંદ) બક્ષીસાહેબના હતા; પણ જે અસર ઊભી થઈ હતી એ હિન્દુસ્તાનની હતી. ભારતીય સંગીતની આ તાકાત છે. એ ભલભલાને ધ્રુજાવી દે, ચમરબંધીની આંખમાં પણ આંસુ લાવી દે અને ગમે એવા પથ્થરદિલને પણ પોતાના પ્રેમનો એકરાર કરવા માટે મજબૂર કરી દે. ભારતીય સંગીતને ભલે આપણે ભારતના, દેશના નામ સાથે જોડીને ઓળખાવતા; પણ હું કહીશ કે ભારતીય સંગીત ખરા અર્થમાં વિશ્વસંગીત છે. દુનિયા પાસે જેટલું સંગીત હશે એટલું, કદાચ એનાથી પણ વધારે સંગીત આપણી પાસે ફોકના રૂપમાં છે. એમાંથી માંડ પાંચ ટકા સુધીનું સંગીત જ આપણે લોકો સુધી પહોંચાડી શક્યા છીએ. બાકીનું ૯પ ટકા સંગીત તો હજી પણ વણખેડાયેલું એમ જ પડેલું છે. એના સુધી હજી આપણે પહોંચવાનું છે. જરા વિચાર કરો કે તમે એ સંગીત સુધી પહોંચશો ત્યારે તો વિશ્વમાં ભારતનો કેવો ડંકો વાગશે.’
પંકજભાઈની વાત સહેજ પણ ખોટી નથી. ભારતીય સંગીતના વૈવિધ્યને પામવાનું અને એને જાણવાનું કામ આપણે ત્યાં બહુ ધીમી ધારે થયું છે.
હાઉસ ફુલનું બોર્ડ
પંકજભાઈને આજે પણ કૉન્સર્ટ દરમ્યાન એકાદ વ્યક્તિ તો એવી મળી જાય જે તેમની પાસે આવીને આ વાતનો સ્વીકાર કરે અને સહર્ષ તેની વાઇફ સાથે ઓળખાણ પણ કરાવે. પંકજ ઉધાસ કહે છે, ‘ભારતીય સંગીતની આ રેન્જ છે. તમને કહ્યું એમ એ પોતાનામાં સૌકોઈને ઓતપ્રોત કરી દે. બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આપણા ભારતીય સંગીતના કે પછી ગઝલના કાર્યક્રમો વિદેશમાં થાય ત્યારે એ માણવા માટે માત્ર ભારતીયો જ નહીં, એશિયાભરના લોકો આવે અને યુરોપિયન, અમેરિકન કહેવાય એવા લોકો પણ અઢળક જોવા મળે. હું માનું છું કે તેઓ કોઈ મને જોવા નથી આવતા. તેઓ ભારતીય સંગીત અને ભારતીય રાગો માણવા, એમાં ઓતપ્રોત થવા આવે છે. હું તો માત્ર માધ્યમ છું. મારે માધ્યમ બનીને તેમને ભારતના વૈવિધ્યસભર સંગીતના સાગરમાં ફેરવવાના છે.’
પંકજ ઉધાસ દેશના પહેલા એવા ગઝલ-સિંગર છે જેમણે ષણ્મુખાનંદ હૉલ જેવા ૩૦૦૦થી પણ વધારેના ઑડિયન્સની ક્ષમતા ધરાવતા ઑડિટોરિયમમાં શો કર્યો હોય અને શો શરૂ થતાં પહેલાં હાઉસ ફુલનું બોર્ડ પણ બૉક્સ-ઑફિસ પર ઝુલાવ્યું હોય. પંકજભાઈ કહે છે, ‘ભારતીય શાયરોની ક્ષમતાઓને બહુ ઓછી આંકવામાં આવી છે. જો તેમનું સાહિત્ય, તેમનું સર્જન દુનિયા સુધી પહોંચાડવામાં આવ્યું હોત તો ચોક્કસપણે આપણા શાયરો આજે વૈશ્વિક નામના ધરાવતા હોત અને તેમનાં ઘરોને પણ સ્મારકનું રૂપ આપવામાં આવ્યું હોત, લોકો ત્યાં જતા હોત. આ કોઈ ફરિયાદ નથી, કારણ કે તેમણે કરેલું સર્જન તો એ જ સ્તરનું છે અને તેઓ બધા સર્જન કરવામાં જ માનતા હતા. પ્રસિદ્ધિ કે પછી માર્કેટિંગ આપણા ભારતીય સર્જકોને ક્યારેય આવડ્યું જ નથી. તમે આપણા ફિલ્મી ગીતકારોને પણ જુઓ, તેમના સર્જનને સાંભળો. શાહિર લુધિયાનવીથી લઈને આપણા ગુજરાતી શેખાદમ આબુવાલા, આનંદ બક્ષીથી લઈને બરકત વીરાણી ‘બેફામ’ સુધીના સૌ સર્જકોનું સાહિત્ય તમને અંદરથી હચમચાવી દે એવું છે અને આ જ ભારતીય સર્જકોની ખૂબી છે, ખાસિયત છે. ‘મિડ-ડે’ના ઍન્યુઅલ અંકની આ જે થીમ છે ભારત ભાગ્ય વિધાતા... એ પણ આપણી નૅશનલ ઍન્થમના જ શબ્દો છે અને એના રચયિતા રવીન્દ્રનાથ ટાગોર છે. તેમનું સર્જન જુઓ. હું કહીશ કે અત્યારે આપણી આંખ સામે જે ભારત છે એ ભારતને રજૂ કરવાનું કામ આપણા આ સર્જકોએ કર્યું છે. જે દેશ પાસે આવા સર્જકો હોય એ દેશ કેવી રીતે પાછળ રહે? કેવી રીતે એ વિકાસની હરણફાળ ન ભરે?’
મારા માટે મારો દેશ
ગઝલસમ્રાટ તરીકે પૉપ્યુલર થયેલા પંકજભાઈનાં ચાલીસથી વધારે ગઝલ આલબમ આવી ચૂક્યાં છે એ સહેજ તમારી જાણ ખાતર. એ પણ કહેવાનું કે પંકજ ઉધાસ એક એવા ગઝલ-સિંગર છે જેમની ગઝલોનાં આલબમની સૌથી વધારે પાયરસી થઈ છે અને એ પાયરસીમાં પણ મોટા ભાગનાં આલબમોનાં નામો શરાબ કે દારૂના પર્યાય પર રાખવામાં આવ્યાં છે. પંકજભાઈએ પાયરસી સામે અને કૉપીરાઇટ્સ માટે પુષ્કળ લડત આપી, પણ મજાની વાત એ છે કે તેમણે ક્યારેય પોતાના અલગ-અલગ આલબમમાંથી પાયરસી સાથે તૈયાર કરીને નાના પાયે બિઝનેસ કરતા અજાણ્યા આલબમ-માલિકો સામે ઍક્શન લેવાની ભાવના દર્શાવી નહીં. જો તેમણે એ સમયે ગંભીરતા સાથે એ બધા સામે કેસ કર્યો હોત તો રૉયલ્ટી તરીકે તેમને એ સમયના કરોડો રૂપિયા મળ્યા હોત. પણ ના, એવું તેમણે કર્યું નહીં. પંકજભાઈ કહે છે, ‘એવાં આલબમ લેવાનું કોણ પસંદ કરે? ગાડીમાંથી ઊતરનારો તો એ ન જ લે. રેંકડીવાળો કે પછી ચાના ગલ્લાવાળો, ટ્રક-ડ્રાઇવર એ આલબમ ખરીદતો હોય છે. જો નાનો માણસ પણ ગઝલ માણતો હોય તો તેનો એ આનંદ શું કામ આપણે ઝૂંટવી લેવાનો? એ કામ ન જ કરવું હોય એ જાણતો હોવા છતાં પણ હું કહીશ કે દિલ વિશાળ રાખવાની ક્ષમતા હિન્દુસ્તાન આપે છે. રાજાશાહીના સમયમાં દુશ્મન રાજાને બંદી બનાવ્યા પછી મૃત્યુદંડ આપવાને બદલે તેને છોડી મૂક્યાના સેંકડો કિસ્સાઓ ઇતિહાસમાં લખાયેલા છે. જ્યારે મારો દેશ મને આટલો સરસ ભાવ શીખવી જતો હોય ત્યારે મારે ચોક્કસપણે એ ભાવને મારા મનમાં, હૈયામાં રાખવો જોઈએ. જો આપણે સૌ એ રાખીએ તો જ ભારત ભાગ્ય વિધાતા બને અને એ વિધાતામાં માફીનો ભાવ પણ અકબંધ રહે જેની આજના સમયમાં ખૂબ જરૂર છે.’