પરવેઝ મુશર્રફ : કારગિલના ખલનાયક જ્યારે આગરામાં હીરો બનવા આવ્યા હતા

12 February, 2023 05:33 PM IST  |  Mumbai | Raj Goswami

વાજપેયીનું નોતરું સ્વીકારી લઈને ભારત આવવાનું તેમનું સાહસ કમાન્ડો વ્યૂહરચનાથી ઓછું નહોતું

પરવેઝ મુશર્રફ : કારગિલના ખલનાયક જ્યારે આગરામાં હીરો બનવા આવ્યા હતા

કારગિલમાં સળી કરવાનું, શરીફને ઊથલાવીને રાષ્ટ્રપતિ બની જવાનું, ભારતના વિમાનના અપહરણકર્તાઓને મદદ કરવાનું, 9/11ના ત્રણ મહિના પછી ભારતીય સંસદ પર આતંકવાદી હુમલામાં જરૂરી સહાય કરવાનું અને પછી વાજપેયીનું નોતરું સ્વીકારી લઈને ભારત આવવાનું તેમનું સાહસ કમાન્ડો વ્યૂહરચનાથી ઓછું નહોતું

માણસની જેમ-જેમ ઉંમર થાય તેમ-તેમ તેની બુદ્ધિ ઠેકાણે આવતી જાય છે. ગયા સપ્તાહે ૭૯ વર્ષની ઉંમરે દેહાંત પામેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સેનાધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફે ૨૦૦૬માં ‘ઑન ધ લાઇન ઑફ ફાયર’ નામની આત્મકથા લખી હતી. એમાં તેમણે એકરાર કર્યો છે કે મિલિટરીની તેમની કારકિર્દી દરમિયાન તેઓ એક બિનજવાબદાર, લાપરવા, અનુશાસનહીન અને વાત-વાતમાં લડી પડતા સૈનિક હતા. બેજવાબદારી એવી કે ૧૯૬૫માં ભારત સાથે પાકિસ્તાનનું જે યુદ્ધ થયું એનાં વાદળો બહુ વખતથી ઘેરાયેલાં હતાં અને એ વચ્ચે મુશર્રફ અઠવાડિયાની છુટ્ટી પર જતા રહ્યા હતા. તેમના કમાન્ડિંગ ઑફિસરે એ રજા નામંજૂર કરી દીધી હતી. 

પાછળથી તેમની સામે કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ કરાઈ હતી, પણ યુદ્ધ થયું એમાં તે બચી ગયા. તેમના લશ્કરી કાર્યકાળ દરમિયાન તેમની અનુશાસનહીનતાને કારણે અનેક વાર મુશર્રફને સજા પણ થઈ હતી. વિધિની વક્રતા કેવી કે એ જ મુશર્રફને ૨૦૧૯માં પાકિસ્તાનની કોર્ટે દેશદ્રોહના મામલે ફાંસીની સજા ફરમાવી હતી. દેહાંતદંડ પામનારા તે પહેલા પાકિસ્તાની રાષ્ટ્રપતિ હતા. એટલા માટે જ તેઓ તેમનાં અંતિમ વર્ષોમાં દુબઈ જતા રહ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

જિદ્દી અને મનસ્વી મુશર્રફને ભારત બે રીતે યાદ રાખશે : એક, કારગિલમાં નાલેશીભર્યું ઊંબાડિયું મૂકવા બદલ અને બે, આગરામાં અટલ બિહારી વાજપેયી સાથે કાશ્મીરપ્રશ્ને લગભગ સમાધાન સુધી પહોંચી જવા બદલ. બંને પરસ્પરવિરોધી મુશર્રફ છે. જે માણસે તેની ‘સદાબહાર’ લાપરવાહીને પગલે કારગિલમાં શરમજનક પરાજય થાય એવું યુદ્ધ છેડ્યું હતું એ જ માણસે તેની કોઈનું કહ્યું નહીં માનવાની મનસ્વી વૃત્તિને કારણે જ વાજપેયી સાથે બેસીને સમાધાન કરવાની હિંમત બતાવી હતી.

કારગિલવાળી ઘટના તો બહુ જાણીતી છે અને તેમના અવસાન પછી ઘણા રાજકીય લેખકો અને પત્રકારોએ તેમના એ દુ:સાહસને યાદ કર્યું હતું, પણ આગરાવાળી શિખર મંત્રણાનો ઉલ્લેખ એટલા માટે જરૂરી છે કે કાશ્મીર વિવાદના લોહિયાળ ઇતિહાસમાં એ એકમાત્ર અવસર હતો જ્યાં ભારત અને પાકિસ્તાન કાયમ માટે એનો ઉકેલ લાવવા સુધી પહોંચી ગયાં હોત. 
એમાંય મુશર્રફની લાંબી જીભ જ કારણભૂત બની હતી. ભારત-પાકિસ્તાનને સાંકળતી કોઈ પણ ઘટનામાં બને છે એમ આગરા સંમેલનને લઈને વિરોધાભાસી વાતો છે. એ વખતના પાકિસ્તાની વિદેશપ્રધાન અબ્દુલ સત્તારે તેમના પુસ્તકમાં લખ્યા મુજબ કાશ્મીરના મુદ્દે મુશર્રફ ‘અનુકૂળ’ અને ‘પ્રભાવશાળી’ હતા. ભારતના તત્કાલીન વિદેશપ્રધાન જશવંતસિંહે તેમના પુસ્તકમાં લખ્યા મુજબ મુશર્રફ ‘લડાયક’ અને ‘નુમાઇશી’ હતા અને બોલ-બોલ કરીને વાતાવરણ ખરાબ કર્યું હતું. મુશર્રફ ભારતીય મીડિયા પર છવાઈ જવા માગતા હતા, જે સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય મંત્રણાઓની રીત નથી. 

પાકિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર ટીસીએ રાઘવન લખે છે કે મુશર્રફને શિખર મંત્રણા માટેનું આમંત્રણ જ ‘અશુભ’ સમયે આપવામાં આવ્યું હતું. મે-જૂન ૧૯૯૯માં કારગિલ જંગ પછી મુશર્રફે પાકિસ્તાનમાં લોકશાહી સ્થાપવાના બહાને તખ્તાપલટ કર્યું હતું. એમાં ડિસેમ્બર ૧૯૯૯માં ભારતના વિમાનને અફઘાનિસ્તાનમાં હાઇજૅક કરી જવામાં આવ્યું, જેના બદલામાં ભારતે અમુક આતંકવાદીઓને જેલમાંથી છોડવા પડ્યા હતા.

૧૯૯૯નું એ વર્ષ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સૌથી ખરાબ હતું. મે ૨૦૦૧માં મુશર્રફને વાતચીત કરવા માટે ભારત આવવાનું નોતરું આપવામાં આવ્યું હતું. જાણકાર લોકો એવું કહે છે કે કારગિલ યુદ્ધમાં જેમ અમેરિકાએ પીછેહઠ કરવા માટે વડા પ્રધાન નવાઝ શરીફ પર દબાણ કર્યું હતું (શરીફ સામેથી અમેરિકા ગયા હતા અને મદદ માગી હતી) એવી રીતે એણે મંત્રણાના ટેબલ પર આવવા માટે ભારતને દબાણ કર્યું હતું. ‘જ્યાં સુધી આતંકવાદને સમર્થન બંધ ન થાય ત્યાં સુધી કોઈ વાત નહીં’ એવા ભારતના કાયમી અભિગમ છતાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ૨૦૦૦ની સાલમાં કહ્યું હતું કે ‘આત્મવિશ્વાસથી ભરપૂર અને સ્થિતિસ્થાપક રાષ્ટ્ર અતીતના અસુવિધાજનક મુદ્દાઓને આવતી કાલ પર ઠેલતું નથી.’

વાજપેયી પ્રધાનમંડળના બે વરિષ્ઠ સભ્યો ગૃહપ્રધાન એલ. કે. અડવાણી અને જશવંતસિંહ આ શિખર મંત્રણાના પ્રમુખ રચનાકાર હતા. મુશર્રફે પાકિસ્તાનમાં ખુદને રાષ્ટ્રપતિ તરીકે ઘોષિત કર્યા હતા અને કાશ્મીરમુદ્દે ભારતને નમાવાના બદઇરાદાથી આગરા આવવા તૈયાર થયા હતા. પાકિસ્તાનમાં પ્રધાન રહેલાં આબિદા હુસેન તેમના પુસ્તકમાં લખે છે, ‘મુશર્રફ ગરમ દિમાગવાળા કમાન્ડોના રૂપમાં પ્રખ્યાત હતા, જે હંમેશાં વગર વિચારે બિનજવાબદારીપૂર્વક નિર્ણયો કરતા હતા.’

કારગિલમાં સળી કરવાનું, શરીફને ઊથલાવીને રાષ્ટ્રપતિ બની જવાનું, ભારતના વિમાનના અપહરણકર્તાઓને મદદ કરવાનું, 9/11ના ત્રણ મહિના પછી ભારતીય સંસદ પર આતંકી હુમલામાં જરૂરી સહાય કરવામાં અને પછી વાજપેયીનું નોતરું સ્વીકારી લઈને ભારત આવવાનું તેમનું સાહસ કમાન્ડો વ્યૂહરચનાથી ઓછું નહોતું. 

આ પણ વાંચો: બીબીસી અને હિ‍ંડનબર્ગ : ભારત પર હુમલાની સાઝિશ?

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશપ્રધાન ખુરશીદ મહમૂદ કસુરી તેમના એક પુસ્તકમાં લખે છે કે કાશ્મીરનું સમાધાન બંને સરકારોના હાથમાં હતું અને તેઓ કરવા પણ માગતા હતા છતાં કેમ નિષ્ફળતા મળી? મંત્રણા બે દિવસની હતી. પહેલો દિવસ તો હરવા-ફરવા અને મહેમાનનવાજીમાં ગયો હતો. બીજા દિવસે વાજપેયી અને મુશર્રફ વચ્ચે ૯૦ મિનિટની આમને-સામને મુલાકાત થઈ હતી. એમાં બંને નેતાઓએ કાશ્મીરના પડતર પ્રશ્નો, સરહદ પારના આતંકવાદ, ન્યુક્લિયર જોખમમાં ઘટાડા, યુદ્ધકેદીઓના છુટકારા અને આર્થિક સંબંધો પર ચર્ચા થઈ હતી. 

અધિકૃત રીતે તો શું ચર્ચા થઈ હતી એ તો સાર્વજનિક કરવામાં નથી આવ્યું, પરંતુ બંને દેશોના જાણકાર લોકો અનુસાર મુશર્રફે સમાધાન માટે ચારસૂત્રી ફૉર્મુલા પેશ કરી હતી. 

કાયમી શાંતિ માટે નિયંત્રણ રેખાની બંને બાજુ લાખો સૈનિકો તહેનાત છે તેમની વાપસી કરવામાં આવે. એ કઈ રીતે થાય એ વિચારનો મુદ્દો છે.

કાશ્મીરની સીમાઓમાં (વાસ્તવિક નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા)માં કોઈ બદલાવ નહીં થાય. જોકે જમ્મુ-કાશ્મીરના લોકોને નિયંત્રણ રેખાની આરપાર સ્વતંત્ર રીતે જવાની છૂટ હશે. આવું થયું હોત તો ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર પાકિસ્તાનનો અખત્યાર મંજૂર રાખ્યો હોત અને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને ભારતનું અંગ માન્યું હોત. 

પાકિસ્તાન હંમેશાં ‘કાશ્મીરીઓના આત્મનિર્ણય’નું હિમાયતી રહ્યું છે, પરંતુ મુશર્રફ કાશ્મીરીઓને સ્વાયત્તતા આપવાની શરત જતી કરવા માગતા હતા. એની સામે જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ કાયમી કરવામાં આવે. ભાજપે એનો આ એજન્ડા છોડવો પડ્યો હોત. 

ભારત, પાકિસ્તાન અને કાશ્મીરનું બનેલું એક સંયુક્ત દેખરેખ તંત્ર બનાવવામાં આવે. મુશર્રફનો આગ્રહ હતો કે આ તંત્રમાં સ્થાનિક કાશ્મીરી નેતાઓને સામેલ કરવામાં આવે. 

જાણકાર લોકો અનુસાર સીમા પારના આતંકવાદને લઈને મુશર્રફની નિષ્ઠાથી વાજપેયી ખુશ નહોતા. આ શિખર મંત્રણા ચાલતી હત ીત્યારે પણ સીમા પર ઘૂસણખોરી અને ગોળીબાર થતાં રહ્યાં હતાં. વાજપેયી સંયુક્ત ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવાના પક્ષમાં નહોતા. એમાં મંત્રણા પડી ભાંગી અને મુશર્રફ વિલા મોઢે પાછા ગયા. 

આ મંત્રણાનાં પાંચ વર્ષ પછી ૨૦૦૪માં એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે આગરા શિખર સંમેલનનો સમાધાનપત્ર હસ્તાક્ષર માટે તૈયાર હતો, પરંતુ ભારતીય કૅબિનેટે એને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. કેમ? ૨૦૦૬માં તેમની આત્મકથામાં મુશર્રફે લખ્યું હતું, ‘રાતે લગભગ ૧૧ વાગ્યે વડા પ્રધાન વાજપેયી સાથે મુલાકાત થઈ. માહોલ ગંભીર હતો. મેં સાફ-સાફ કહી દીધું કે એવું લાગે છે કે કોઈ એવી વ્યક્તિ છે જે આપણા બંનેની ઉપર છે અને તેની આગળ આપણા બંનેનું ન ચાલ્યું. આમાં આપણા બંનેની નાલેશી થઈ છે.’

મુશર્રફનો ઇશારો એલ. કે અડવાણી તરફ હતો. ‘માય કન્ટ્રી માય લાઇફ’ પુસ્તકમાં અડવાણીએ લખ્યું હતું કે મુશર્રફે મારું નામ તો લીધું નહોતું, પણ ઇશારો મારી તરફ હતો. વાજપેયીએ મુશર્રફના બયાનને સરાસર જૂઠ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમનો અડિયલ વ્યવહાર અને કાશ્મીરના આતંકવાદને આઝાદીની લડાઈ તરીકે ખપાવવાનો પ્રયાસ આગરા સમજૂતીને નિષ્ફળતા તરફ લઈ ગયો હતો. 

પાકિસ્તાની જાણીતાં સુરક્ષા વિશ્લેષક આયેશા સિદ્દીકીને એક વાર પૂછવામાં આવ્યું હતું કે સત્તામાં હતા ત્યારે મુશર્રફની સૌથી મોટી ભૂલ શું હતી? જવાબ હતો, સત્તામાં ચીટકી રહેવાની જીદ. તે એમાંથી નીકળી શકે એમ નહોતા. દરેક જનરલ આવું જ કરતો હોય છે. છેવટે મુશર્રફની બધી વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ હતી અને દેશનિકાલ થઈને અલ્લાહને પ્યારા થઈ ગયા હતા. ભારત (અને પાકિસ્તાન માટે પણ) માટે તે એક ખરાબ સ્વપ્ન સિવાય કશું નહોતા.

‘માય કન્ટ્રી માય લાઇફ’ પુસ્તકમાં અડવાણીએ લખ્યું હતું કે મુશર્રફે મારું નામ તો લીધું નહોતું, પણ ઇશારો મારી તરફ હતો. વાજપેયીએ મુશર્રફના બયાનને સરાસર જૂઠ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમનો અડિયલ વ્યવહાર અને કાશ્મીરના આતંકવાદને આઝાદીની લડાઈ તરીકે ખપાવવાનો પ્રયાસ આગરા સમજૂતીને નિષ્ફળતા તરફ લઈ ગયો હતો.

મુશર્રફે પાકિસ્તાનમાં ખુદને રાષ્ટ્રપતિ તરીકે ઘોષિત કર્યા હતા અને કાશ્મીરમુદ્દે ભારતને નમાવવાના બદઇરાદાથી આગરા આવવા માટે તૈયાર થયા હતા.

columnists atal bihari vajpayee agra raj goswami pervez musharraf pakistan kargil war