24 November, 2024 04:55 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
દિલમાં કોઈ કસક રહી જાય તો એનું દર્દ અંતિમ શ્વાસ સુધી કનડતું કરે. અહીં બ્લૉકેજનો સંદર્ભ નથી પણ કોઈ કારણસર મનદુઃખ થયું હોય, કોઈએ છેહ દીધો હોય, દગો કર્યો હોય, વિશ્વાસઘાત કર્યો હોય એ સંદર્ભે જન્મતી પીડાની વાત છે. પડછાયાની જેમ સાથે રહેતું સ્વજન કે મિત્ર પીઠમાં ખંજર માત્ર અડાડે તો પણ ભોંકાયાની પીડા થઈ આવે. રાહુલ બી. શ્રીમાળી એને તિર્યક નજરે જુએ છે...
રગેરગમાં જેના રહી બેઈમાની
એ કહેતા ફરે છે અમે ખાનદાની
કરે કોણ પ્રશ્નો સભાગૃહ વચ્ચે?
ડરાવીને રાખે છે શિષ્યોને જ્ઞાની
પ્રશ્ન પૂછવાની કે વાણી સ્વાતંત્ર્યની છૂટ આપણા દેશમાં ઘણી છે. આપણે ધારીએ તો વડા પ્રધાન વિશે પણ એલફેલ બોલી શકીએ. ચીનમાં, રશિયામાં કે ઉત્તર કોરિયામાં કોઈ આવું કરવાની હિંમત કરે તો તેની શું હાલત થાય એ વિચારે કાંપી જવાય. અધિકારનો ઉપયોગ આવકાર્ય છે પણ દુરુપયોગ અકસર બફાટમાં પરિણમતો હોય છે, જે ચૂંટણીના પ્રચારમાં જોવા મળે છે. આપણા દેશે ચોક્કસ પ્રગતિ કરી છે, છતાં એ ચોક્કસ પાછળ રહી ગયો છે એવો અહેસાસ ઘણી વાર થાય. ભ્રષ્ટાચાર, લાલ ફીતાશાહી, અનિર્ણાયકતા, મેલી મથરાવટી, સાહસશૂન્યતા વગેરે અનેક કારણોસર આપણે કમ સે કમ બે દાયકા પાછળ છીએ. હરકિસન જોષી ફિલસૂફી દૃષ્ટિકોણ દર્શાવે છે...
સડક ચાલનારાની પાછળ રહી છે
અને સાવ એકલતા એણે સહી છે
સમર્પણનો રસ્તો પ્રસિદ્ધિથી પર છે
નદી નામ પાડ્યા વિના પણ વહી છે
નદીને કોઈ હારતોરા નથી જોઈતા. અરે આપણે એને પ્રદૂષિત ન કરીએ તો પણ ગનીમત છે. દિલ્હીમાં શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય એ રીતે પ્રદૂષણ વકરી રહ્યું છે. દર વરસે એકની એક ઘટનાનું પુનરાવર્તન થયા કરે છે. શાળાઓ બંધ કરવી પડે, કામધંધા અટકાવવા પડે એ સ્થિતિ પ્રદૂષણની વિકરાળતા દર્શાવે છે. એની અસર અર્થતંત્ર પર પડવાની. મનોજ ખંડેરિયા અભાવને નિરૂપે છે...
પથરાઈ ગઈ છે આંખમાં સપનાંની શૂન્યતા
કોઈ વહી ગયું, રહી છાયાની શૂન્યતા
સ્પર્શી રહી નગરનાં મકાનોની ભીંતને
જૂનાપુરાણા ધૂળિયા કિલ્લાની શૂન્યતા
ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લેવાનું થાય ત્યારે વાતાવરણમાં છુપાયેલા અતીતને આલિંગન આપવાનું મન થઈ આવે. સદીઓ પહેલાંનો માહોલ આંખ સામે ખડો કરવા ઇતિહાસમાં ઊંડા ઊતરવું પડે. કિલ્લાની ભવ્યતા જોઈ ધન્યતા અનુભવાય તો કિલ્લાનો ખાલીપો ગમગીન બનાવી દે. કેટલીયે વાર્તા પથ્થરોમાં દબાઈને પડી હોય. જવાહર બક્ષી એકાકીપણાને આરાધે છે...
એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા
કોઈ ગયું છે એ છતાં કોઈ નથી ગયું
ખાલીપણાના ભારમાં પગ ઊપડી ગયા
પગમાં ખાલી ચડી જાય ત્યારે ડગલું ભરવું પણ મુશ્કેલ થઈ પડે. ઘણી વાર ઊઠતાં કે બેસતાં પગની નસ ચડી જાય તો હાંફળાફાંફળા થઈ જવાય. જિંદગીમાંથી પ્રિયજન વિદાય થઈ ગયું હોય ત્યારે જીવને ખાલી ચડી જતી હોય છે. સાયુજ્યમાંથી સણકા તરફ લઈ જતી સ્થિતિનો સામનો કરવો ભારે પડી જાય. ભરત વિંઝુડા આવી સ્થિતિને આલેખે છે...
તમે ગયાં તે પછી શબ્દસાધના જ રહી
વિયોગ-યોગની કેવળ વિભાવના જ રહી
હતી ખુશીઓ, હવે એની કામના જ રહી
રહી રહીને વધારામાં વેદના જ રહી
વેદના વિચિત્ર કારણોસર પણ આવતી હોય છે. એક અખબારી અહેવાલ પ્રમાણે પચાસથી ઉંમરનાં પતિ-પત્નીના કિસ્સામાં છૂટાછેડાની ટકાવારી વધી છે. એના એક કારણમાં સંતાનનો વિયોગ કે સંતાન દ્વારા ઉપેક્ષા પણ સામે આવી છે. બે જણ સાથે હોય તો પણ એક કૉમન આલંબન જોઈએ જે બન્નેને જોડી રાખે. આદિલ મન્સૂરી વાસ્તવિકતા નિરૂપે છે...
આપણો સબંધ તો અટકી ગયો
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી
હા બધા લાચાર થઈ જોતા રહ્યા
હાથમાંથી જિંદગી સરતી રહી
લાસ્ટ લાઇન
એ નજર કંઈ એ રીતે તાકી રહી
આપણી સૌ વાત બસ બાકી રહી
હાલ પૂછ્યો છે અમસ્તો એમણે
કેમ કહેવું, ખૂબ હલાકી રહી
સાથેસાથે હમકદમ ચાલ્યાં ખરાં
ચાલવામાં થોડી ચાલાકી રહી
છે સમંદર, પણ હલેસાં-નાવ ગુમ
આપણી કિસ્મતમાં તૈરાકી રહી
ખારે ત્યાં એણે ઊછળકૂદ બહુ કરી
જિંદગી મારે ઘરે, થાકી, રહી
આમ તો છેડો છૂટ્યો સંસારથી
નામની બસ ખાધાખોરાકી રહી
જીવ્યો દુનિયાની આ ભરચક ભીડમાં
મારી દુનિયા તોય એકાકી રહી
- રઈશ મનીઆર