એવી રીતે જીવું છું જાણે આજે જ છેલ્લો દિવસ છે

23 October, 2024 04:10 PM IST  |  Mumbai | Rajul Bhanushali

આ સ્પિરિટ છે થૅલેસેમિયા મેજર નામની લોહીની અસાધ્ય બીમારી ધરાવતાં વડાલાનાં બીજલ વોરા સાવંતનો, જેમને દર દસ દિવસે લોહી ચડાવવું પડે છે. આયર્ન ઓવરલોડને કારણે આ રોગના દરદીઓ વધુમાં વધુ પચીસ વર્ષનું આયુષ્ય ધરાવે છે

બીજલ વોરા સામંત

આ સ્પિરિટ છે થૅલેસેમિયા મેજર નામની લોહીની અસાધ્ય બીમારી ધરાવતાં વડાલાનાં બીજલ વોરા સાવંતનો, જેમને દર દસ દિવસે લોહી ચડાવવું પડે છે. આયર્ન ઓવરલોડને કારણે આ રોગના દરદીઓ વધુમાં વધુ પચીસ વર્ષનું આયુષ્ય ધરાવે છે. એની સામે બીજલબહેને આ રોગ સામે એટલી સહજતાથી બાથ ભીડી છે કે અત્યારે ૪૫ વર્ષની ઉંમરે તેઓ માત્ર સામાજિક રીતે જ નહીં, બિઝનેસમાં પણ સફળતાનાં શિખરો સર કરી રહ્યાં છે

આપણે ઘણાબધા લોકોને અત્યંત વસમી પરિસ્થિતિમાં ટકી જતા જોતા હોઈએ છીએ. એ પરિસ્થિતિ ભૌગોલિક, આર્થિક અને સામાજિક કે પારિવારિક પણ હોઈ શકે. એવી પરિસ્થિતિનો સામનો કરવા માટે બહુ જ હિંમતની જરૂર પડતી હોય છે, પરંતુ શારીરિક વિષમતાનો સામનો કરવો પ્રમાણમાં અઘરો છે. જોકે કેટલાક લોકો એવા હિંમતવાન હોય છે કે બધી જ શારીરિક અક્ષમતાને અતિક્રમી જાય છે.

માંડીને વાત કરીએ. ૧૯૭૯ની વાત છે. આજે આપણે જેમને મળવાના છીએ તે વડાલામાં રહેતાં બીજલ વોરા સાવંત ત્યારે ચાર મહિનાનાં હતાં અને તેમને થૅલેસેમિયા મેજરનું નિદાન થયું. આ અસાધ્ય રોગનું નિદાન કઈ રીતે થયું એની વાત કરતાં બીજલબહેન કહે છે, ‘મારો કઝિન ભાઈ ત્યારે મારા જેવડો જ હતો. તેની કમ્પૅરિઝનમાં મારો ગ્રોથ બહુ જ નબળો હતો. પેટ મોટું, હાથ-પગ પાતળા. બાએ મમ્મીને કહ્યું કે ડૉક્ટરને બતાવીએ, કશુંક ઠીક નથી. અને મને થૅલેસેમિયા મેજર છે એવું ડોક્ટરે જાહેર કર્યું. આ રોગમાં શરીરમાં હીમોગ્લોબિન મેઇન્ટેન થવું જોઈએ, એના માટે બ્લડ ચડાવવામાં આવે. પરંતુ એનાથી પ્રૉબ્લેમ એ થાય કે શરીરમાં આયર્ન વધતું જાય. એ સમયમાં આ વધતા આયર્નને ઠીક કરવા માટે કોઈ દવા કે ઉપાય નહોતો. પાંચેક વર્ષમાં પેશન્ટના શરીરમાં આયર્ન એટલું વધી જાય કે પછી શરીરનું એક-એક ઑર્ગન ફેલ થવા લાગે અને અંતે જીવ જતો રહે. ટૂંકમાં એ વખતે થૅલેસેમિયા મેજર પેશન્ટનું આયુષ્ય માંડ પાંચેક વર્ષનું ગણાતું. એમાંય ખર્ચા પણ ઘણા હોય. ડૉક્ટરે મારાં મમ્મીને કહ્યું કે જો તમે ફાઇનૅન્શિયલી સ્ટેબલ હો તો જ ટ્રીટમેન્ટ ચાલુ કરો, કારણ કે એક વાર ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી હું ગિવ અપ નહીં કરું; જો આગળના તોતિંગ ખર્ચા ઉપાડી શકવાને અક્ષમ હો તો પછી છોડી દો તેના હાલ પર, જેટલું જીવે એટલું. ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ અને મારાં નસીબ સારાં હતાં કે થોડાંક વર્ષોમાં જ શરીરમાંથી આયર્ન કાઢવા માટેનાં ઇન્જેક્શન શોધાયાં. આ ઇન્જેક્શનથી શરીરમાંથી વધારાનું આયર્ન યુરિન અને સ્ટૂલ દ્વારા બહાર નીકળી જાય. આમ કરતાં મારું સ્કૂલિંગ થયું. હું ટેન્થમાં હતી ત્યારે મારું આયર્ન ૧૩,૦૦૦ થઈ ગયું. મેં ડે ઍન્ડ નાઇટ ઇન્જેક્શન લીધાં અને ૭૦૦ પર લઈ આવી. ભણવામાં હું ખૂબ હોશિયાર હતી, ઍમ્બિશિયસ હતી. મેં BCom કર્યું અને પછી ફૅમિલી બિઝનેસમાં જોડાઈ ગઈ.’

પપ્પાનો સાથ છૂટ્યો

હજી તકલીફો પૂરી નહોતી થઈ. આ બધા વચ્ચે બીજલબહેન અને તેમનાં મમ્મીના જીવનમાં વધુ એક કારમો આઘાત આવ્યો. વાતનું અનુસંધાન સાંધતાં બીજલબહેન કહે છે, ‘હું છ વર્ષની હતી ત્યારે મારા પપ્પા ગુજરી ગયા. મારી મમ્મીએ પોતાની સઘળી શક્તિ મને જિવાડવામાં લગાડી દીધી. ઑફિસ સાચવતાં-સાચવતાં જ મેં MCom કર્યું. અમે ઇમિટેશન જ્વેલરી માટેનું રૉ-મટીરિયલ ઇમ્પોર્ટ કરતા. ૧૯૯૨ મેં કાકા સાથે ચાઇના જવાનું શરૂ કર્યું. હું પ્રોડક્ટ-ડિઝાઇનિંગ જોતી અને કાકા ફાઇનૅન્શિયલ કૅલ્ક્યુલેશન વગેરે કરતા. અમે બહુ પૈસા બનાવ્યા. બિઝનેસ ગ્રો કર્યો.’

જીવનમાં આવેલો સુખદ વળાંક

પતિ સાગર સાવંત સાથે બીજલ.

બીજલબહેને બંજી જમ્પિંગ, સ્કૂબા ડાઇવિંગ જેવું બધું જ ટ્રાય કર્યું છે. તેઓ કહે છે, ‘જીવન તો પાંચ વર્ષનું હતું અને પિસ્તાલીસ સુધી પહોંચવા આવી છું એને હું બોનસ જ સમજું છું. એવી રીતે જીવું છું કે આ જ દિવસ લાસ્ટ છે. કદાચ કાલની સવાર ન પણ જોઉં એટલે આજને જ આનંદથી જીવી લઉં છું. જીવનના પચીસમા વર્ષે જીવનમાં મારા હસબન્ડ સાગર સાવંત આવ્યા. મારી બધી જ શારીરિક તકલીફોની તેમને જાણ હતી છતાં તેમણે લગ્ન કરીશ તો તારી સાથે જ એવું જણાવ્યું. પરણ્યા પછી મેં મારું પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું. મારા હસબન્ડ આર્કિટેક્ટ-ઇન્ટીરિયર ડિઝાઇનર છે. તેમણે બે વર્ષ પોતાનું કામ હોલ્ડ પર નાખ્યું અને મને નવું સેટઅપ કરવામાં મદદ કરી. મેં ઇમિટેશન માર્કેટિંગની જ લાઇન પકડી પણ તદ્દન નવી પ્રોડક્ટ સાથે શરૂ કર્યું. હું અને મારા કાકા જ્યારે ચાઇનાથી માલ લાવતા ત્યારે માર્કેટમાં એકમાત્ર અમે જ હતાં

જે રૉ-મટીરિયલ ઇમ્પોર્ટ કરતાં. અમે મહિને-દોઢ મહિને ચાઇના ફ્લાય કરતાં. અમારા ઇમ્પોર્ટ કરેલા મટીરિયલમાંથી ઘણીબધી વસ્તુઓ બનતી. હું બિઝનેસમાં જોડાઈ હતી અને બિઝનેસ સંભાળવાની સાથે સાથે મેં લૉ કર્યું. LLB થયા પછી હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરવાની ઑપોર્ચ્યુનિટી હતી પરંતુ ઘરનો બિઝનેસ હોય તો પછી એમાં જોડાવું જોઈએ એટલે મેં એવો નિર્ણય લીધો. લગ્ન પછી નવેસરથી બધું ચાલુ કરવાનો નિર્ણય તો લીધો પણ સહેલું નહોતું. શું કરવું એનું મનોમંથન પણ ચાલ્યું. લગ્ન પછી મેં વેલિંગકરમાંથી MBA કર્યું. MBA થઈ રહ્યું હતું એની સાથે બધું એસ્ટાબ્લિશ પણ થઈ રહ્યું હતું. એ વાતને આજે ૧૩ વર્ષ થયાં. બધું જ અતિક્રમીને આટલે સુધી પહોંચી છું. આજે એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં હું સારુંએવું કમાઈ લઉં છું. કૉર્પોરેટ ગિફ્ટિંગમાં મારું નામ છે. ડીમાર્ટ, શૉપર્સ સ્ટૉપ, હાઇપરસિટીમાં મારો માલ સપ્લાય થાય છે. મેં મારું પોતાનું ઘર લઈ લીધું છે. આઇ ઍમ ડૂઇંગ ગુડ ઍન્ડ વર્કિંગ.’

ઝીરોમાંથી નવેસરથી ઊભું કર્યું

બીજલબહેનની કંપનીનું નામ લાઇટ ક્રાફ્ટ છે. પોતાના કામ વિશે હોંશથી વાત કરતાં બીજલબહેન કહે છે, ‘બે સેગમેન્ટમાં કામ થાય છે. અમે રૉ મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ જે ક્રીએટિવ આઇટમમાં વપરાય, પછી એ જ્વેલરી હોય કે કોઈ ફૅન્સી વસ્તુ બનાવવાની હોય. જેમ કે નેકલેસમાં વપરાતાં ચેઇન અને હુક. ઇમિટેશનની સાથે અમે ફેસ્ટિવલ પ્રોડક્ટ બનાવવાનું મટીરિયલ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ.

જુદા-જુદા તહેવારો આવે એ વખતે ગિફ્ટ આપવામાં જે વસ્તુઓ વપરાય છે એ આ મટીરિયલમાંથી બને છે. મારા હાથ નીચે સવાસો લેડીઝ કામ કરે છે. લૉકડાઉનમાં ચાઇનાથી માલ ઇમ્પોર્ટ કરવાનું થોડુંક અઘરું પડવા લાગ્યું. એ જ અરસામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ની હાકલ કરી અને મેં એ દિશામાં સાહસ કર્યું. એક કંપની હાયર કરી. એમાં હું મેટલ શીટ બનાવું છું. એમાંથી અનેક પ્રોડક્ટ બની શકે છે. ધીમે-ધીમે હું ઇમ્પોર્ટ ઓછું કરતી જાઉં છું. ઑલઓવર ઇન્ડિયામાં મારો માલ જાય છે. મને કોઈ ૫૦,૦૦૦ દીવાનો કે પછી ૨૦,૦૦૦ તોરણનો ઑર્ડર આપે તો હું પહોંચી વળવાની તાકાત રાખું છું. ક્યાંય મારી આ શારીરિક સ્થિતિ વિશે અફસોસ કે ફરિયાદ નથી કરતી. હું બેસ્ટ શું કરી શકું છું એ વિચારું. રેગ્યુલરલી વર્કઆઉટ કરું છું. હેલ્થનું ખૂબ ધ્યાન રાખું છું. તેમ છતાં ક્યારેક તકલીફ થઈ જાય. એક વાર હોળીના દિવસે મસ્તી-મસ્તીમાં હું લપસી ગઈ. સ્પાઇનલ કૉર્ડમાં કમ્પ્રેશન ફ્રૅક્ચર આવ્યું. દોઢ મહિનાનો રેસ્ટ આવ્યો. નવરી તો હું ક્યારેય બેસી ન શકું. મને એક પુસ્તક લખવાની ઇચ્છા હતી. આ દિશામાં આગળ વધાય એ માટે મેં ‘ઇન્ક્રેડિબલી યુ’ નામનો કોર્સ જૉઇન કર્યો. હવે હું મોટિવેશનલ સ્પીકર અને લાઇફ-કોચ છું. દોઢેક મહિને ઊભી થઈ અને વળી કામે લાગી ગઈ. બુક લખવાની રહી ગઈ છે, પણ લખીશ ક્યારેક.’

મારી કૅપેસિટીથી વધારે દોડવાની તાકાત મને મારી મમ્મીએ આપી છે

છ વર્ષની ઉંમરમાં ફાધર ગુજરી ગયા. એ દિવસથી લઈને આજ સુધી મમ્મીએ મારા માટે ખૂબ ભોગ આપ્યો છે. તેણે મારા અપબ્રિન્ગિંગમાં જીવ રેડી દીધો છે. શારીરિક અક્ષમતા હોવા 
છતાં તેણે જિંદગીમાં મને ક્યારેય રોકી નથી કે અટકાવી નથી. ક્યારેય આ તારાથી નહીં થાય એવું કહ્યું નથી. મારી કૅપેસિટીથી વધારે દોડવાની તાકાત મને  મારી મમ્મીએ આપી છે. આજની તારીખે પણ મારા ડોનર કોણ છે, મારી દવાઓ શું છે એ મને કશું ધ્યાન નથી હોતું. હું મારી લાઇફ નૉર્મલી જીવી રહી છું એ મારાં મમ્મીને કારણે જ. મમ્મી જ  મને ફોન કરે કે દસ દિવસ થઈ ગયા છે, બ્લડ ચડાવવા માટે ક્યારે જવું છે? બધું તે જ મૅનેજ કરે. હું બે કલાક માટે જાઉં અને પાછી ઑફિસ આવતી રહું. મારી મમ્મી ખૂબ સ્ટ્રૉન્ગ છે. સિંગલ પેરન્ટ અને જૉઇન્ટ ફૅમિલી હોવા છતાં તેણે એકલે હાથે આવી કન્ડિશન વચ્ચે મને ઉછેરી. આજે હું જ્યાં છું એ જોઈને તેને ચોક્કસ પ્રાઉડ થતું હશે. - બીજલ વોરા સામંત

columnists wadala mumbai life and style health tips mental health