06 November, 2022 12:44 PM IST | Mumbai | Chandrakant Sompura
અક્ષરધામ મંદિર બનાવવાનો વિચાર પ્રમુખસ્વામીનો. દાદર મંદિર જોઈને તેમને થયું કે આરસીસીનું મંદિર બનાવવાને બદલે આપણે સૅન્ડસ્ટોન મંદિર બનાવીએ અને એ વિચારમાંથી અક્ષરધામનો પાયો નખાયો.
અક્ષરધામ કુલ ૨૩ એકરમાં પથરાયેલું છે, પણ શરૂઆતમાં આવડા કૅમ્પસની ધારણા નહોતી રાખી. શરૂઆત મંદિર અને એની આજુબાજુના ગાર્ડનથી થઈ અને એ પછી ધીમે-ધીમે બધું વધવા માંડ્યું અને કામ દસ વર્ષ ચાલ્યું.
બ્રિટનના નીસ્ડન શહેરમાં બનેલા સ્વામીનારાયણ મંદિર પછી આપણે વાત કરીએ ગાંધીનગરમાં આવેલા અક્ષરધામની. આ અક્ષરધામ તૈયાર થયા પછી તો બોચાસણવાસી સ્વામીનારાયણ સંપ્રદાયે અનેક શહેરોમાં અક્ષરધામ બનાવ્યાં, પણ ગાંધીનગરમાં બનેલું અક્ષરધામ એ બધાં અક્ષરધામનું મૉડલ રહ્યું એ સહર્ષ કહી શકાય.
અક્ષરધામનો આ જે વિચાર હતો એ મૂળ પ્રમુખસ્વામીનો વિચાર. અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ૧૯૮પમાં, પણ એનું કામ દસ વર્ષ ચાલ્યું હતું એટલે તમે કહો કે છેક ૧૯૭પથી એનું કામ ચાલતું હતું અને અમારું કામ તો એ પહેલાંથી જ શરૂ થઈ ગયું હતું. જો માંડીને વાત કરું તો એમાં બન્યું એવું કે પ્રમુખસ્વામીને દાદરમાં આવેલું સ્વામીનારાયણ મંદિર બહુ ગમ્યું. એ મંદિર પણ અમે જ બનાવ્યું છે.
દાદર મંદિર તરીકે પૉપ્યુલર થયેલું એ મંદિર જોઈને બાપાને થયું કે જો પથ્થરનું આવું સારું કામ થતું હોય તો આપણે એ જ કરવું જોઈએ. આ પહેલાં જ તેમણે અમદાવાદમાં મંદિર માટે વિચારણા કરી લીધી હતી અને એ પણ નક્કી હતું કે ગાંધીનગરમાં મંદિર બનાવવું. જોકે તેમના મનમાં એમ હતું કે આરસીસીના બાંધકામ સાથે મંદિર બનાવીએ. સૅન્ડસ્ટોનનું મંદિર બનાવવાનો વિચાર તેમણે કર્યો નહોતો, પણ દાદર મંદિર જોયા પછી તેમને થયું કે આટલું સરસ કામ થતું હોય તો પછી આપણે સૅન્ડસ્ટોનનું મંદિર જ બનાવીએ.
તમને જાણીને નવાઈ લાગશે પણ આ સમયે તેમની પાસે બહુ મોટું બજેટ નહોતું એટલે અમે સાથે બેઠા ત્યારે તેમણે કહ્યું કે એકાદ કરોડમાં બની જાય એવું મંદિર આપણે બનાવવાનું છે. અત્યારે એકાદ કરોડ નાના લાગે, પણ સિત્તેરના દશકમાં આ રકમ નાની નહોતી અને એ સમયે સૅન્ડસ્ટોનની પણ બહુ મોટી કિંમત નહીં. પથ્થરો સસ્તા હતા અને ટ્રાન્સપોર્ટેશન પણ આજ કરતાં ક્યાંય સસ્તું એટલે અમે કહ્યું કે કામ થઈ શકશે, વાંધો નહીં આવે અને આમ અમારું કામ શરૂ થયું.
તમે માનશો નહીં પણ વાત એ સમયે માત્ર મુખ્ય મંદિર એકની જ હતી. જે ડિઝાઇન અમે બનાવીને તેમને દેખાડી એ જોઈને પ્રમુખસ્વામીએ કહ્યું કે આટલું મોટું મંદિર બનાવીશું તો બજેટ વધશે એટલે મંદિર નાનું કરો. તમે દિલ્હીનું અક્ષરધામ જોયું હોય તો તમને ખબર હશે કે ગાંધીનગરના અક્ષરધામ અને દિલ્હીના અક્ષરધામ વચ્ચે માત્ર સાઇઝનો જ ફરક છે. બાકી ઑલમોસ્ટ ડિઝાઇન સરખી જ છે. પ્રમુખસ્વામીએ કહ્યું એટલે અમે જે ડિઝાઇન બનાવી હતી એને એ જ રહેવા દઈને બધી બાજુએથી સાઇઝ નાની કરી અને એ ડિઝાઇન પછી ફાઇનલ થઈ. બજેટની જે વાત હતી એ મંદિરનું કામ શરૂ થયા પછી દૂર થઈ અને એટલું ફન્ડ આવવા માંડ્યું કે પ્રમુખસ્વામીએ અક્ષરધામ મંદિરને એક આખા સંકુલમાં ફેરવી દીધું. ફન્ડની જોગવાઈ થતી ગઈ એમ-એમ કૉરિડોરથી માંડીને ફાઉન્ટન, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો અને એવું બીજું ઘણું વધ્યું અને એ બધાં કામ અમારા હસ્તક જ થયાં. હા, લાઇટ ઍન્ડ સાઉન્ડ શોની બધી ટેક્નૉલૉજી વિદેશથી આવી, પણ બિલ્ડિંગ અને એ બિલ્ડિંગમાં જરૂરી આવશ્યકતા ઊભી કરવાનું કામ અમે કર્યું.
અક્ષરધામ કુલ ૨૩ એકરમાં પથરાયેલું છે, પણ શરૂઆતમાં આવડા કૅમ્પસની ધારણા નહોતી રાખી. શરૂઆત મંદિર અને એની આજુબાજુના ગાર્ડનથી થઈ. એ પછી ધીમે-ધીમે બધું વધવા માંડ્યું અને કામ દસ વર્ષ ચાલ્યું. અરે, આ કામ છેક ૨૦૧પ સુધી ચાલ્યું. સૌથી છેલ્લે અક્ષરધામ ગાંધીનગરમાં અભિષેક મંડપમ્ બન્યો, જેનું ઉદ્ઘાટન મહંતસ્વામીના હસ્તે કરવામાં આવ્યું.
આપણે ફરી મૂળ વાત પર આવીએ તો એ વાત છે અક્ષરધામની. દાદર મંદિર જોઈને આરસીસીના બાંધકામનું મંદિર બનાવવાનો વિચાર પડતો મૂકીને સૅન્ડસ્ટોનનું મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું, જેના માટે બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો. આ એ જ પથ્થર છે જે પથ્થરથી રામમંદિર બનવાનું છે. આખા અક્ષરધામમાં બંસી પહાડપુર સિવાય કોઈ પથ્થર વાપરવામાં નથી આવ્યો. ફક્ત ફ્લોરિંગ માર્બલનું છે. આ માર્બલ પણ રાજસ્થાનથી જ લાવવામાં આવ્યો હતો.
મંદિરનું કામ ચાલતું હતું એ દરમ્યાન પ્રમુખસ્વામી ખૂબ જ રસ લેતા હતા. અનેક વખત તે કામ જોવા આવ્યા છે. આવે, બધું કામ જુએ અને પછી એક જ સજેશન આપે...
‘સારામાં સારું કરજો...’
તેમના મોઢેથી મને હંમેશાં આ એક જ વાક્ય સાંભળવા મળ્યું છે. તેમને સાંભળીએ અને આપણને થઈ આવે કે કરીએ છીએ એના કરતાં પણ વધારે સારું કામ થાય એવા પ્રયત્નો કરીએ. અક્ષરધામ બાપાના આ શબ્દો અને તમામ લોકોની મહેનતનું પરિણામ છે. અક્ષરધામની બીજી અનેક જાણવા જેવી વાતો હવે આપણે કરીશું આવતા રવિવારે.