OPTની છેતરપિંડી માટે સ્ટુડન્ટોને નહીં, બોગસ કંપનીઓને સજા થવી જોઈએ

14 May, 2024 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદ્યાર્થીઓએ ભણતર પૂરું થાય અને OPT પિરિયડ શરૂ થાય એના ૯૦ દિવસની અંદર નોકરી મેળવી લેવાની હોય છે.

પ્રતીકાત્મક તસવીર

પરદેશી વિદ્યાર્થી અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જાય એટલે ભણી રહ્યા બાદ ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ (OPT) મેળવવા માટે એક વર્ષ અમેરિકામાં રહેવાની છૂટ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓએ અમેરિકાની યુનિવર્સિટીમાં સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ કે મૅથેમૅટિક્સ, આમાંના કોઈ પણ વિષયમાં માસ્ટર્સનો કોર્સ કર્યો હોય તેમને ભણી રહ્યા બાદ વધુ બે વર્ષ આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ ભણતર પૂરું થાય અને OPT પિરિયડ શરૂ થાય એના ૯૦ દિવસની અંદર નોકરી મેળવી લેવાની હોય છે. હજારો વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા આવે છે. એ સૌ OPT પિરિયડમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે. એ સૌને માટે ૯૦ દિવસની અંદર તેમણે જે વિષયમાં અભ્યાસ કર્યો હોય એ વિષયમાં કામ કરતી કંપનીઓમાં નોકરી મેળવવી ખૂબ જ કઠિન હોય છે. આનો લાભ લઈને અમેરિકામાં અનેકોએ બોગસ કંપનીઓ ઊભી કરી છે. તેઓ પરદેશી વિદ્યાર્થીઓને નોકરીમાં રાખે છે અને તેમને જણાવે છે કે તમારે પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ લેવી પડશે. એ માટે તમારે પાંચસો ડૉલરની ફી આપવી પડશે. થોડા દિવસોમાં જ વિદ્યાર્થીને જાણ થઈ જાય છે કે કંપની બોગસ છે. આથી વિદ્યાર્થીઓ બીજી નોકરીની શોધખોળ આદરે છે અને એ મળી જતાં એ બોગસ કંપની છોડી દે છે.

આવા વિદ્યાર્થીઓ જ્યારે તેમના OPT પિરિયડ દરમિયાન રજા લઈને થોડા દિવસો માટે સ્વદેશમાં તેમનાં માતાપિતાને મળવા, લગ્ન કરવા કે અન્ય કોઈ કારણસર આવે છે પછી જ્યારે પાછા તેમના બાકી રહેલા OPT પિરિયડમાં અમેરિકામાં કામ કરવા જાય છે ત્યારે બૉર્ડર પરના ઇમિગ્રેશન ઑફિસરો તેમને અટકાવે છે, પૂછપરછ કરે છે. પછી તેમણે બોગસ કંપનીમાં થોડા દિવસો પણ કામ કર્યો હતો એટલે તેમણે છેતરપિંડી આચરી છે, ફ્રૉડ કર્યો છે આવાં કારણોસર તેમના સ્ટુડન્ટ વિઝા રદ કરે છે. તેમને અમેરિકામાં પાછા પ્રવેશવા દેવામાં નથી આવતા. હકીકતમાં તો ઇમિગ્રેશન ખાતાએ પરદેશી વિદ્યાર્થીઓને નહીં પણ અમેરિકામાં આવેલી એ બોગસ કંપનીઓને સજા કરવી જોઈએ.

હાલમાં જ આવો એક કિસ્સો બન્યો. ઇમિગ્રેશન ખાતાની વર્તણૂકને કોર્ટમાં પડકારવામાં આવી. અમેરિકાની એક ડિક્ટ્રિક કોર્ટે એવો નિર્ણય આપ્યો કે આમાં વિદ્યાર્થીની કંઈ જ ભૂલ નથી. તેમણે એ બોગસ કંપનીમાં જ્યારે નોકરી સ્વીકારી ત્યારે જાણ નહોતી કે એ કંપની બોગસ છે અને ખોટું કાર્ય કરી રહી છે. આ નિર્ણયથી ભારતના અનેક વિદ્યાર્થીઓ, જેમણે OPT પિરિયડમાં શરૂઆતમાં નોકરી ન મળતાં આવી બોગસ કંપનીમાં નોકરી મેળવી હોય છે, તેમને ખૂબ જ લાભ થશે.

life and style columnists Sociology united states of america