આ લેખ વાંચીને તમને લાગશે કે માણસ કરતાં તો કૂતરા સારા

26 August, 2023 02:19 PM IST  |  Mumbai | Ruchita Shah

માનવજાત પર પ્રત્યક્ષ રીતે નિર્ભર એવા ડૉગ્સ માટે લોકો મનફાવે એવા અભિગમ બનાવી લેતા હોય છે. પેટ ઍનિમલ તરીકે ડૉગ તમારી સાથે હોય તો જીવન કેવું બદલાઈ જાય એનો પ્રત્યક્ષ અનુભવ ‘ડૉગ ઃ માય ગૉડ’ પુસ્તક લખી રહેલા અને આઠ કૂતરાઓને પોતાની સાથે રાખતા એક મહાત્માના

આંતરરાષ્ટ્રીય ડૉગ ડે

૨૦૦૪માં અમેરિકાની અગ્રણી પેટ ઍન્ડ ફૅમિલી લાઇફસ્ટાઇલ એક્સપર્ટ કોલીન પેગે પહેલી વાર એક ડૉગને અડૉપ્ટ કર્યો હતો અને એ પછી તેનું જીવન બદલાઈ ગયું. એટલી હદ સુધી બદલાયું કે પોતાનો મૂળ પ્રોફેશન છોડીને તે ફુલટાઇમ પેટ ઍનિમલ ઍક્ટિવિસ્ટ બની ગઈ. આજના દિવસે જ પહેલી વાર કોલીનના ઘરે ડૉગ આવેલો જ્યારે તે દસ વર્ષની હતી. તેથી આજના દિવસને દોજખમાં રહેતા કૂતરાઓને બચાવવા માટેની લોકજાગૃતિ લાવવાના ધ્યેય સાથે એની ઉજવણીની શરૂઆત થઈ હતી. આપણા કલ્ચરમાં આજેય ગામડાંઓમાં પહેલી રોટલી ગાયની અને બીજી રોટલી કૂતરાની રાખવાની પરંપરા છે તો એ પણ એટલું જ સાચું છે કે નિર્દયતાની ચરમસીમા લાગે એવા અત્યાચારો પણ કૂતરાઓ પર થવાના અનુભવો ઍનિમલ લવર્સને થતા રહેતા હોય છે. સ્વામી દત્તાત્રયે ૩૨ પશુઓને ગુરુ બનાવ્યાં હતાં એમાંથી કૂતરાઓ પણ હતા. ડૉગ માનવજાત સાથે સૌથી નજીકનો નાતો ધરાવતું પ્રાણી છે. પરંતુ કૂતરાઓને જોવાનો નજરિયો આજે પણ ક્યાંક ને ક્યાંક તુચ્છ રહ્યો છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં પોતાના સંસ્થાનમાં આઠ ડૉગ્સ સાથે રહેનારા હિમાંશુ મહારાજ (સ્વામી સત્યકૃષ્ણા)એ પોતાના વીસ વર્ષના શ્વાન સાથેના પરિચયમાં એમની પાસેથી ખૂબ શીખ્યું છે, જેના ઉપક્રમે તેમણે ‘ડૉગ ઃ માય ગૉડ’ નામના ટાઇટલ સાથે પુસ્તક પણ લખવાનું શરૂ કર્યું છે. આજે આંતરરાષ્ટ્રીય ડૉગ ડે નિમિત્તે શ્વાન પાસેથી શું શીખવા જેવું છે એ જાણીએ.

પહેલો પરિચય
નાનપણમાં દરેક બાળકને ખાસ તો ગલૂડિયા સાથે રમવું ગમે. હિમાંશુ મહારાજ માટે પણ એવી જ રીતે શ્વાન સાથેનો પરિચય સંકળાયેલો છે. પોતાના અનુભવોને શૅર કરતાં તેઓ કહે છે, ‘નાનપણમાં કૂતરાઓ સાથે રમવું એ એક સહજ ક્રીડા હતી. એમાં કંઈ બહુ પ્રેમ કે સંવેદનાનો ભાવ નહોતો. ઘરે જોકે કૂતરાઓ રાખવાનું અલાઉડ નહોતું. બ્રાહ્મણના છોકરાઓ કૂતરાને અડે નહીં એવી કમેન્ટ પણ મેં મારા દાદાજી પાસે સાંભળી છે. આ એવો સમય જ્યારે કૂતરો બહુ ભસતો હોય તો પથ્થર પણ માર્યો હશે. એક રમકડાની કે શોપીસની જેમ કૂતરાની સાથે રહેવાનું બન્યું હોય. આ એવો સમય હતો જ્યારે મેં કૂતરાને કૂતરા તરીકે જોયો, એક સમોવડિયા જીવ તરીકે નહીં. જોકે જ્યારે ૨૦૦૨માં હિમાચલ આવ્યો ત્યારે શરૂઆતમાં કોઈને કોઈ કૂતરો સાથે રહ્યો. ત્યારે પણ એમની સાથે સંવેદનાત્મક જોડાણ થયું હોય એવું કહેવાય નહીં. કૂતરાઓને નજીકથી જોવાનો, અનુભવવાનો અવસર આપ્યો નોબલે (ડૉગનું નામ). એમાં થયું એવું કે મારી કુટિર હતી એનાથી સહેજ ઉપરના પહાડ પર એક માલિકને ત્યાં આ ડૉગ રહેતો. પણ જેવો છૂટો પડે એટલે મારી પાસે આવી જતો. હું વહાલ કરું એટલે મારી પાસે રહે. ત્યાં એને દરવાન તરીકે દરવાજાની બહાર બાંધી રાખવામાં આવતો. વરસાદ આવે, વીજળી પડે તોય એની કોઈ સંભાળ રખાય નહીં. જોકે એક વાર તો સાંકળ તોડીને મારી પાસે આવી ગયો અને પછી એના માલિક સાથે એક વાર ભસ્યો એટલે તેઓ એને મારી પાસે મૂકી ગયા. ૨૦૧૦માં નોબલ સાથે આવ્યો એટલે બહુ જ સૂક્ષ્મતાથી ડૉગ્સને ઑબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું અને મારા ચિંતનમાં બહુ ફેર આવ્યો. કૂતરા અધમ યોનિના હોય એમ હું નથી માનતો. હવે હું માનું છું કે પ્રકૃતિએ બધાને સમાન બનાવ્યા છે. કોઈને ઊંચાનીચા નથી બનાવ્યા. કૂતરા પાસે સાધક તરીકે બહુ શીખવાનું છે.’ખૂબ શીખ્યો

અત્યારે હિમાંશુ મહારાજ પાસે નોબલ, ડોલમા, પ્લેટો, એથિના, તાના, રીરી, મીઠી, ટાઇકી નામના આઠ ડૉગ્સ છે જેમાંથી છ કૂતરી છે. તેઓ કહે છે, ‘ગામના લોકો માદા ડૉગ્સને રાખવા તૈયાર નથી હોતા. એટલે એક કૂતરી વિયાણી ત્યારે એનાં ચાર બાળકો રઝળી રહ્યાં હતાં. કોઈ ખાવાનું ન આપે એટલે અમે એમને અમારે ત્યાં લઈ આવ્યા. નોબલને મળ્યા પછી ખરેખર મને શ્વાન માટે ખૂબ જ કુતૂહલ થયું. ડૉગ્સ પાસેથી શીખવા જેવી તો ઘણી બાબતો છે પણ એમાં સૌથી મોટી વસ્તુ હું શીખ્યો હોઉં તો એ છે એમનું નિરહંકારપણું. ધારો કે એની ભૂલ થઈ હોય, તમે એને ખિજાયા હો અને લાફો પણ માર્યો હોય અને પછી બીજી મિનિટે તમે એને પુચકારીને બોલાવશો તો એ તમારી પાસે એવા જ ઉત્સાહથી આવશે. એને પણ ગુસ્સો આવે છે પણ એમાં ગિલ્ટ હોય છે. એની આંખોમાં તમે જુદા-જુદા ભાવો વાંચી શકો છો. બીજું, એ લોકો વર્તમાનમાં જીવે છે. ભવિષ્યની ચિંતા નથી કરતા. અતીતમાં વ્યથિત નથી. ઈવન ગહેરો ઘાવ લાગ્યો હોય તો પણ તમે બોલાવો તો એકદમ ખુશ થઈને રમવા આવી જશે. એમનો પ્રેમ હંમેશાં નવીન હોય છે. તમે પાંચ મિનિટ પહેલાં જ મળ્યા હો અને પછી તમે એમને પાછા મળો ત્યારે એવી રીતે મળે જ્યારે તમે પહેલી વાર જ મળ્યા હો. એમના વ્યવહારમાં એ તાજગી હોય છે. હું નોબલને દિવસમાં દસ વાર મળું તો દસેય વાર એવી રીતે મળશે જાણે મને પહેલી જ વાર મળી રહ્યો છે, એટલા જ વહાલ અને ઉત્સાહ સાથે. એના જીવનની એક પણ ક્ષણ વાસી થયેલી નથી હોતી. આપણને એક જ સુખ બીજી વાર મળે તો આપણને એ વાસી લાગવા માંડે છે. આપણને સતત કંઈક નવું જોઈતું હોય છે, જ્યારે એમના માટે પ્રત્યેક ક્ષણ નવી છે અને એ એને માણી જાણે છે. એમનું જો પેટ ભરાઈ ગયું હોય તો એમને માટે ગમે તેટલું ભાવતું ભોજન હોય તો પણ એક કોળિયો પણ એક્સ્ટ્રા નહીં ખાય. ધારો કે એમની તબિયત ખરાબ છે તો એ ઉપવાસ કરશે, નહીં જ ખાય. ઇન ફૅક્ટ, દસ દિવસમાં એકાદ વાર એ સંપૂર્ણ આહારનો ત્યાગ કરીને ઉપવાસ કરતા હોય છે. પ્રકૃતિ સાથે તાલમેલમાં એ જીવતા હોય છે. આપણે એ કન્ટ્રોલ નથી કરી શકતા. ધારો કે કોઈને ડાયાબિટીઝ હોય અને મીઠાઈ નથી ખાવાની છતાં એકને બદલે ત્રણ ગુલાબજાંબુ તેઓ ખાઈ લેશે. કોઈને ઍસિડિટી છે છતાં તે તીખુંતમતમતું ખાઈ લેશે.’

કૂતરાઓના અટૅચમેન્ટની વાત કરતાં હિમાંશુ મહારાજ કહે છે, ‘એક માતા-પિતા પોતાના સંતાન માટે કે પતિપત્ની એકબીજા માટે જેટલું જાણતાં હોય એના કરતાં કૂતરાઓ એમના માલિક વિશે વધુ જાણતા હોય છે. હું નિરાશ હોઉં, હું દુખી હોઉં, મારી તબિયત ખરાબ હોય તો એ નોબલને તરત ખબર પડી જાય. મારી બાજુમાં આવીને બેસે અને મને એવા કરુણાભાવથી જુએ કે વાત ન પૂછો. જાણે કહેતો હોય કે તમારું દુઃખ સમજું છું અને મારે કંઈક કરવું છે પણ હું કંઈ કરી નથી શકતો. ઘણી વાર કૂતરાઓ પોતાના માલિકના માથે આવતાં સંકટો અને બીમારીઓ પણ લઈ લે છે એવો મારો પણ અનુભવ છે અને બીજા ઘણાને આવા અનુભવો થયા છે. મારી તૈયારીઓ જોઈને નોબલને અંદાજ આવી જાય કે હું બહાર જાઉં છું તો ક્યાં જતો હોઈશ, કેટલા દિવસ માટે જતો હોઈશ. બીજી વાત, કૂતરાઓ એના માલિકના ગુણો પણ અડૉપ્ટ કરતા હોય છે. ધારો કે માલિક શાંત હોય તો એના ડૉગ્સ પણ શાંત હોય. કોઈ માલિક ખૂબ જ ચંચળ, ઝઘડાળુ અને ઇરિટેટિંગ હોય તો તેમના કૂતરાઓ પણ આવા જ ભસતા હોય છે. માણસની પરખ તેમને ખૂબ સરસ હોય. આવું મારી સાથે ચાર વાર બન્યું છે. જનરલી નોબલ અને પ્લેટો ભસે નહીં પણ જો કોઈ માણસ બરાબર ન લાગે તો એ ભસે અને તમે ચુકરાવવાની કોશિશ કરો તો પણ એમનું ભસવાનું બંધ ન થાય. આવું ચાર વાર બન્યું અને ચારેય વાર છેલ્લે અમને ખબર પડી કે જેની સામે એ ભસતા હતા એ વ્યક્તિ અમને અનુકૂળ નહોતો. ૩૦૦ પ્રકારની સુગંધને એ આઇડેન્ટિફાય કરી શકતા હોય છે.’

જનરલી કૂતરાઓ પોતાના ખોરાક માટે ખૂબ પઝેસિવ હોય. જોકે હિમાંશુ મહારાજ પાસે રહેલો નોબલ એમાં પણ જુદો છે. તેઓ કહે છે, ‘એનું નામ સેન્ટ નોબલ રાખ્યું એનું કારણ જ એ હતું કે એ ખૂબ અલગ હતો. પહેલાં તો ખાવાનુ આપો એટલે તરત તો ખાય જ નહીં. તમે ખૂબ પુચકારો પછી એકદમ ધીમેથી ખાય. એવામાં એક વાર એક ગલૂડિયું અમારે ત્યાં હતું. એ ખૂબ ભૂખ્યું હશે. એને અને નોબલને અલગ-અલગ પાત્રમાં ખાવાનું આપ્યું. ગલૂડિયાએ પોતાનું ખાવાનું તો ખાઈ લીધું પણ પછી નોબલના પાત્રમાંથી પણ ખાવાનું શરૂ કર્યું. એ સમયે નોબલ મોટો હતો. સામાન્ય રીતે મોટો કૂતરો હોય તો આવી સિચુએશનમાં સંઘર્ષ કરે. નોબલે એ પણ ન કર્યું. એ સાઇડ પર શાંતિથી ઊભો રહી ગયો અને બસ, પછી એનું નામ અમે નોબલ રાખ્યું.’

શાસ્ત્રીય દૃષ્ટિએ 
આપણે ત્યાં શું કામ એમને અધમ યોનિના ગણાય છે? હિમાંશુ મહારાજ કહે છે, ‘શાસ્ત્રીય દૃષ્ટિએ કૂતરાનું કેવું સ્થાન હતું એનો અભ્યાસ શરૂ કર્યો અને એના પરથી જ પુસ્તક લખાવાનું શરૂ થયું. હિન્દુ શાસ્ત્રમાં મૃત્યુ પછી નરકની વૈતરણા નદી શર્યમા નામની કૂતરી તમને પાર કરાવડાવે. એને યમની પુત્રી કહેવાય. જો તમે જીવનભરમાં કોઈ ડૉગની સેવા ન કરી હોય તો તમને એ નદી પાર ન કરાવડાવે. ગ્રીસ અને રોમન કલ્ચરમાં કૂતરાનું મહત્ત્વ છે. ધર્મરાજ યુધિષ્ઠિર સ્વર્ગની સીડી ચડી રહ્યા હતા ત્યારે તેમની સાથે એક કૂતરાને લઈ જવાનો આગ્રહ તેમણે રાખેલો એવું કથાઓમાં આવે છે. ભૈરવનું વાહન કૂતરો છે. દત્તાત્રય ભગવાનની આજબાજુ ચાર કૂતરાઓ હતા. વેદોમાં કૂતરાનું ખૂબ સારું સ્થાન હતું પરંતુ કર્મનો સિદ્ધાંત પ્રબળ બન્યો અને ચૌર્યાસી લાખ જીવ યોનિની ચર્ચાઓ વધી ત્યારે કૂતરાઓને અધમ યોનિમાં સ્થાન આપીને એને ધિક્કારવાનું શરૂ કર્યું. જોકે અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘ધ મૅન હુ લવ્સ ડૉગ ઇઝ અ ગુડ મૅન બટ વેન ધ ડૉગ લવ્સ ધ મૅન, ધૅન હી ઇઝ ધ બેસ્ટ મૅન.’

columnists ruchita shah life and style