સમઝો તો ઇશારા કાફી હૈ

23 September, 2022 01:00 PM IST  |  Mumbai | Jigisha Jain

સાંભળી ન શકતા લોકો માટે સાંકેતિક ભાષા જ વરદાનરૂપ છે

અમિતાભ બચ્ચનનો વાઇરલ વિડિયો

સાંભળી ન શકતા લોકો માટે સાંકેતિક ભાષા જ વરદાનરૂપ છે, પરંતુ સામાન્ય લોકો માટે પણ સાંકેતિક ભાષાના ઘણા લાભ છે. આજકાલ વધુ ને વધુ ભાષાઓ શીખવાનો ટ્રેન્ડ છે ત્યારે જો આ સાઇન લૅન્ગ્વેજ પણ આવડતી હશે તો એ તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ સુધારશે અને બીજી તરફ સાંભળી ન શકતા લોકોને પણ અભિવ્યક્તિની સારી તક મળશે

ઇન્ટરનૅશનલ વીક ઑફ ધ ડેફ હાલમાં ચાલી રહ્યું છે. ડેફ એટલે બધિર કે સાંભળી ન શકતા લોકો. જે વ્યક્તિ જન્મજાત સાંભળી શકતી ન હોવાને કારણે બોલી પણ શકતી નથી. સ્પેશ્યલ સ્કૂલ્સ અને સ્પીચ થેરપિસ્ટ મળીને કોશિશ ખૂબ કરે છે કે બધિર બાળકો બોલતાં થઈ જાય અને એ ઘણે અંશે સફળ પણ થાય છે, પરંતુ એક નૉર્મલ વ્યક્તિ જેટલું તો તેઓ નથી જ બોલી શકતા. પરંતુ દરેક માણસની મૂળભૂત જરૂરિયાતોમાંની એક એટલે કમ્યુનિકેટ કરવું, સાંભળી ન શકનારા માટે પણ કમ્યુનિકેશન એટલું જ મહત્ત્વનું છે. પોતાના વિચારો, તકલીફ, ઇચ્છા કે જરૂરિયાતોને વાચા આપવી દરેક વ્યક્તિ માટે જરૂરી છે. પણ વાચા ન આપી શકાય તો એને કોઈ પણ રીતે એક્સપ્રેસ તો કરવું અને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવું અત્યંત જરૂરી છે. બધિરોને આ માટે જે અત્યંત મદદરૂપ છે એ છે સાઇન લૅન્ગ્વેજ. આજે ઇન્ટરનેશનલ સાઇન લૅન્ગ્વેજ દિવસ છે. 

ડેવલપમેન્ટ અને ભાષા 

હાલમાં અમિતાભ બચ્ચનનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં તેમણે સાઇન લૅન્ગ્વેજમાં જન-ગણ-મનની રજૂઆત કરી હતી. એક નૉર્મલ સાંભળી શકતી વ્યક્તિ જ્યારે સાઇન લૅન્ગ્વેજમાં વાત કરતી હોય ત્યારે ચોક્કસ ગર્વ થઈ આવે પરંતુ એવા લોકો કેટલા? ભાગ્યે જ જોવા મળે. જે સામાન્ય રીતે બોલી શકે છે તે શા માટે સાઇન લૅન્ગ્વેજ શીખે? પણ જો એવી રીતે વિચારીએ તો જે લોકોને ગુજરાતી આવડે છે તેણે હિન્દી બોલવાની શું જરૂર? જે ઇંગ્લિશ બોલી શકે છે તેણે ફ્રેન્ચ શીખવાની શું જરૂર? આજની તારીખે આપણે એવું કહીએ છીએ કે બાળકોને જેટલી ભાષા આવડતી હોય એટલું સારું. મુંબઈમાં રહેતા એક સામાન્ય બાળકને ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને મરાઠી એમ ચાર ભાષા તો આવડતી જ હોય છે. છતાં ફ્રેન્ચ, ચાઇનીઝ અને રશિયન ભાષાઓ શીખવા માટે તેઓ પ્રયત્નો કરતા હોય છે. જેટલી વધુ ભાષા નાનપણથી શીખે એમના ડેવલપમેન્ટ માટે એ ખૂબ સારું છે એવું સાયન્સ કહે છે. પરંતુ આ લિસ્ટમાં આપણે સાઇન લૅન્ગ્વેજને જગ્યા આપતા નથી. આજે જાણવા અને સમજવાનો પ્રયત્ન કરીએ કે કેમ એક સામાન્ય વ્યક્તિએ પણ સાઇન લૅન્ગ્વેજ શીખવી જોઈએ.

વધુ એક્સપ્રેસિવ બની શકાય 

૨૭ વર્ષની મુલુંડમાં રહેતી મેઘા સંઘવી જ્યારે બીકૉમ કરી રહી હતી ત્યારે દરેક કૉમર્સ સ્ટુડન્ટની જેમ તેની પાસે પણ અઢળક સમય બચતો જેમાં તે તેના જ એરિયામાં આવેલી રોટરી સ્કૂલમાં ટીચર તરીકે વૉલન્ટિયર બની હતી. આ સ્કૂલ બધિરોની સ્કૂલ હતી. એ વિશે મેઘા કહે છે, ‘મારે તેમને ઇંગ્લિશ ગ્રામર ભણાવવાનું હતું, પણ મને સાંકેતિક ભાષા નહોતી આવડતી. પહેલા ક્લાસમાં જ એ બાળકોનો ભણવા માટેનો ઉત્સાહ જોઈને મને લાગ્યું કે મારે તેમને ભણાવવું જ જોઈએ પણ એના માટે મારે તેમની ભાષા શીખવી જરૂરી હતી. મેં તેમને કહ્યું કે તમે મને સાઇન લૅન્ગ્વેજ શીખવો, હું તમને ઇંગ્લિશ શીખવીશ અને આ રીતે મેં આ ભાષા શીખી.’ 

છેલ્લાં ૬ વર્ષથી મેઘા સાઇન લૅન્ગ્વેજમાં કમ્યુનિકેટ કરે છે. આ ભાષા વિશે વાત કરતાં મેઘા કહે છે, ‘મને સૌથી મોટો એ ફાયદો થયો છે કે હું વધુ એક્સપ્રેસિવ બની છું. સાઇન લૅન્ગ્વેજમાં અત્યંત જરૂરી છે કે તમે એક્સપ્રેશન આપો. ખાલી હૅન્ડ મૂવમેન્ટથી કામ થતું નથી. નૉર્મલ ભાષા શીખીને વ્યક્તિ એટલી એક્સપ્રેસિવ નથી બની શકતી, કારણ કે એમાં ફીલિંગ્સ શબ્દોથી જણાવાય છે. બીજું એ કે હું પહેલાં લોકોના શબ્દો વધુ પકડતી. લોકો જે કહે એ વાત તરફ ધ્યાન હોય. હવે તેમના શબ્દો સિવાય હું તેમની બૉડી લૅન્ગ્વેજ અને તેમના હાવભાવ પર ધ્યાન આપું છું. આ રીતે જો કોઈ ખોટું પણ બોલતું હોય તો મને સમજાઈ જાય છે. હું જે દિવસે અપસેટ હોઉં એ દિવસે મારા વિદ્યાર્થીઓને ખબર પડી જાય છે, ભલે મારા નજીકના લોકોને સમજાય કે નહીં. એનું એ કારણ છે કે આ ભાષામાં શબ્દોથી પરે જઈને સમજવામાં આવતું હોવાથી સારું કમ્યુનિકેશન સ્થાપિત કરે છે.’ 

આ ભાષા અઘરી નથી 

એમકૉમ અને બીએડ ભણ્યા પછી મુલુંડમાં રહેતા હસમુખ જૈનને નોકરી મળી મૂક-બધિર લોકોને ભણાવવાની. કોરોનાકાળમાં જ્યાં લોકો પાસે નોકરી હતી જ નહી ત્યાં આવી નોકરી છોડી શકાય એમ નહોતી. હસમુખે વિચાર્યું કે કોશિશ કરીએ. એ વિશે વાત કરતાં એ કહે છે, ‘લોકોને લાગે છે કે આ ભાષા અઘરી છે પરંતુ કોઈ ઇચ્છે તો બેઝિક નૉલેજ તો એક અઠવાડિયાથી એક મહિનાની અંદર પણ આવડી શકે. વળી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષા માટે એવું ન કહી શકે કે તેને એ પૂરેપૂરી આવડે છે, કારણ કે દરેક ભાષા ઇવૉલ્વ થતી હોય છે. શરૂઆતમાં હું દરરોજ એક કલાક આ ભાષાને આપતો. સાચું કહું તો મારો એ એક કલાક બધિર વિદ્યાર્થીઓનાં વર્ષો સુધારી શકતી હોય તો મારે એ શીખવું જ જોઈએ એમ માનીને મેં આ ભાષા શીખી એટલું જ નહીં; બધિર વિદ્યાર્થીઓ અમારી સાથે કલાકોના કલાકો બેસે છે, ભણે છે અને સમય વિતાવે છે. કારણ ફક્ત એ જ છે કે અમે તેમની સાથે કમ્યુનિકેટ કરી શકીએ છીએ,. જે કદાચ તેમના ઘરના લોકો પણ નથી કરી શકતા.’ 

ફૅમિલી મેમ્બર્સે તો શીખવી જ 

આદર્શ રીતે જેમના ઘરમાં બધિર બાળક હોય તો ભલે તેમને બોલતાં આવડતું હોય છતાં માતા-પિતા અને ઘરના બીજા સદસ્યોને સાઇન લૅન્ગ્વેજ આવડવી જોઈએ. પરંતુ એવું નથી. ૧૦૦માંથી લગભગ ૮૦ બાળકોનાં માતા-પિતાને આ ભાષા નથી આવડતી. એ વિશે વાત કરતાં ટ્રેઇનિંગ ઍન્ડ એજ્યુકેશનલ સેન્ટર ફૉર હિયરિંગ ઇમ્પેર્ડ-TEACH નામની સંસ્થાના કો-ફાઉન્ડર અમન શર્મા કહે છે, ‘જે બાળકો બધિર છે તેમનાં માતા-પિતા અને આજુબાજુના લોકોને નાનપણથી એ સલાહ આપવામાં આવે છે કે તમે સતત બાળક સાથે વાત કરો. તમારું લીપ-રીડિંગ સમજીને બાળક બોલવાનો પ્રયત્ન કરશે. બધિર બાળકોની સ્પેશ્યલ સ્કૂલમાં પણ તેમને સાઇન લૅન્ગ્વેજ નથી શીખવતા, કારણ કે એમનું માનવું છે કે જો બાળકને સાઇન લૅન્ગ્વેજ આવડશે તો તે બોલવાનો પ્રયત્ન જ નહીં કરે. લૉજિકલી આ વાત બરાબર છે પરંતુ પ્રૅક્ટિકલી થાય છે એવું કે આ બાળકો ખૂબ ઓછું બોલતાં શીખે છે, જેને લીધે ભાષા પણ પૂરી આવડતી નથી અને ભણી પણ શકતાં નથી. અમે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં તેમને સાઇન લૅન્ગ્વેજ શીખવીએ છીએ એનાથી એ બાળકો બીજાં સાંભળી શકતાં બાળકો જેટલું જ જ્ઞાન ધરાવતાં થાય છે. બસ, ભાષા જુદી છે. અમે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં પેરન્ટ્સને પણ સાઇન લૅન્ગ્વેજ શીખવીએ છીએ, જેને કારણે એ લોકો તેમનાં બાળકો સાથે વાત કરી શકે. વિચારો તો કેટલી દયનીય પરિસ્થિતિ છે કે બધિર બાળકો તેના જ ફૅમિલી સાથે વાત નથી કરી શકતાં. ફક્ત સાંભળી નથી શકતાં એને લીધે તે પોતાને પૂરી રીતે વ્યક્ત પણ ન કરી શકે એ તો અન્યાય થયો. એના બદલે એના ફૅમિલી મેમ્બર્સ જો સાઇન લૅન્ગ્વેજ શીખી જાય તો કેટલું સારું પડે.’ 

ફાયદાઓ

પોતાના ૨૧ વર્ષના દીકરા આયુષ માટે હાલમાં સાઇન લૅન્ગ્વેજ શીખવાનું શરૂ કરનાર વસઈમાં રહેતાં ૫૧ વર્ષનાં પૂર્વી આંબલિયા કહે છે, ‘આયુષને બોલતો કરવા માટે અમે સતત બોલતા રહ્યા, કારણ કે એક્સપર્ટ બધા એમ જ માનતા હતા કે બધિર બાળકો સામે બોલવું જરૂરી છે. આયુષ એને લીધે ઘણું બોલતાં પણ શીખ્યો. તેનું ભણતર પણ મેં જ કરાવ્યું. પણ નૉર્મલ બાળક જેટલું જ્ઞાન એ ન લઈ શક્યો, કારણ કે ભાષા પૂરી નહોતી શીખવાડી શક્યાં. હવે તેણે સાઇન લૅન્ગ્વેજ શીખી છે. સાચું કહું તો મેં તેને આવો ખુશ ક્યારેય નથી જોયો. તેને કેટલું બધું આવડવા લાગ્યું છે. તે જે પણ અનુભવે છે એ વ્યક્ત કરી શકે છે. મેં પણ એટલે જ સાઇન લૅન્ગ્વેજ શીખવાનું શરૂ કર્યું, કારણ કે પહેલાં મને લાગતું હતું કે હું મારા બાળક સાથે વાત કરી જ શકું છું. પરંતુ સાઇન લૅન્ગ્વેજ સમજી ત્યારે મને સમજાયું કે અત્યાર સુધી અમે વાત જ કરતાં હતાં, સંવાદ હવે શરૂ કરી શકીશું.’

સાઇન લૅન્ગવેજ શીખવી હોય તો...

સાઇન લૅન્ગ્વેજ અંગ્રેજી ભાષામાં જ હોય છે એટલે જેને પણ એ શીખવી હોય તેને અંગ્રેજી આવડવું જરૂરી છે. બીજું એ કે સાઇન લૅન્ગ્વેજ બધિર બાળકોને તેમની સ્પેશ્યલ સ્કૂલમાંથી શીખવા નથી મળતી. તેમની જ કમ્યુનિટીના વડીલ બધિરો તેમને આ શીખવતા હોય છે. અથવા માતા-પિતા જો ઇચ્છે તો તેમને કોઈ સ્પેશ્યલ સાઇન લૅન્ગ્વેજ શીખવતા ઇન્સ્ટિટ્યૂટમાં મોકલે છે ત્યારે તે શીખી શકે છે. સામાન્ય લોકોએ આ ભાષા શીખવી હોય તો બધિર લોકો પાસેથી, સાઇન લૅન્ગ્વેજ શીખવતા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી અથવા જાતે યુટ્યુબ દ્વારા શીખી શકાય છે. 

columnists Jigisha Jain