થૅન્ક ગૉડ, હવે આપણે ત્યાં પણ બ્રૉડવે લેવલના શો બનવા માંડ્યા

19 March, 2023 12:17 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

થાઇલૅન્ડમાં અલ્કાઝર શો કે પછી અત્યારે લંડનમાં ચાલતો ‘લાયન કિંગ’ કે અમેરિકામાં થતા બીજા બ્રૉડવે શો તમે એક વાર જુઓ તો તમે ૧૦૦ ટકા આફરીન પોકારી જાઓ

થૅન્ક ગૉડ, હવે આપણે ત્યાં પણ બ્રૉડવે લેવલના શો બનવા માંડ્યા

હમણાં અમારા થોડા દિવસો બહુ હેક્ટિક રહ્યા, પણ એ બિઝીનેસ કયા કારણે હતી એની અનાઉન્સમેન્ટ કરવાનો સમય આવી ગયો છે. અમે વ્યસ્ત હતા ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ શો’ની તૈયારીમાં. ‘સિવિલાઇઝેશન ટુ નેશન’ થીમ પર તૈયાર થયેલો આ શો ખ્યાતનામ થિયેટર ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાને ડિરેક્ટ કર્યો છે અને આ શો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે, જે જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રૅન્ડ થિયેટરમાં ૩ એપ્રિલથી શરૂ થશે અને ૨૩ એપ્રિલ સુધી એના શો થશે. એકદમ જાયન્ટ લેવલ પર તૈયાર થયેલા આ શોની કોરિયોગ્રાફી ટીમમાં અમે તો છીએ જ, પણ અમારી સાથે ગેસ્ટ કોરિયોગ્રાફર તરીકે વૈભવી મર્ચન્ટ પણ છે. મ્યુઝિક અજય-અતુલનું છે અને એવો તો આલા દરજ્જાનો શો બન્યો છે જે જોતાં જ લોકોની આંખો ફાટી જશે. હા, રીતસર આંખો ફાટી જશે અને લોકો એ પ્રકારની ફરિયાદ કરતા બંધ થઈ જશે કે આપણે ત્યાં બ્રૉડવે સ્તરનું પ્રોડક્શન નથી થતું. આ અગાઉ ફિરોઝ અબ્બાસ ખાને શાપુરજી સાથે જ ‘મુગલે આઝમ’ શો તૈયાર કર્યો હતો. અમે કહીશું કે એ જ સ્તરે આ શો માટે સૌએ તૈયારી કરી છે અને અદ્ભુત લેવલ પર બધાએ કામ કર્યું છે. આ શો, એના વિશેની તૈયારીઓ અને એ દરમ્યાન પડેલી તકલીફોથી માંડીને એમાંથી પાર પડવા માટે લીધેલી જહેમત સુધ્ધાંની વાતો તમારી સાથે શૅર કરવી છે, પણ હજી શોને ફાઇનલ ઓપ આપવાનું કામ ચાલે છે એટલે એ બધું પૂરું થઈ ગયા પછી આપણે એ વિશે નિરાંતે વાત કરીશું, પણ આ શોની વાત કરતાં પહેલાં અમારે તમને બ્રૉડવેની વાત કરવી છે.

બ્રૉડવે પર થનારા મોટા ભાગના શો કોરિયોગ્રાફી-બેઝ્‍ડ હોય છે. અનેક આંતરરાષ્ટ્રીય કૃતિઓ પરથી બ્રૉડવે પર શો થયા છે અને એ વર્ષોનાં વર્ષ ચાલ્યા છે તો થાઇલૅન્ડમાં પણ આવો જ એક શો વર્ષોથી ચાલે છે. અલ્કાઝર શોની મોટી ખાસિયત એ છે કે ડાન્સ-બેઝ્‍ડ એ આખા શોમાં એક પણ જેન્ટ્સ કે લેડીઝ નથી, બધા આર્ટિસ્ટ નાન્યતર જાતિના છે અને એ પછી પણ કોઈ કહી શકે નહીં કે એ લોકો મેલ-ફીમેલ નથી. અદ્ભુત રીતે કોરિયોગ્રાફ થયેલો એ શો લાઇફમાં એક વાર જોવો જોઈએ. પટાયા શહેરમાં એના શો ઑલમોસ્ટ દરરોજ થાય છે.

આવો જ એક કોરિયોગ્રાફ-બેઝ્‍ડ શો ‘લાયન કિંગ’ છે. આપણે ‘લાયન કિંગ’ ફિલ્મ જોઈ છે, કારણ કે આપણે ત્યાં શો તરીકે એ આવ્યો જ નથી, પણ આ ‘લાયન કિંગ’ શો પણ વર્ષોથી ચાલે છે. સવાબે કલાકનો એ શો જોયા પછી રીતસર તમારા શરીરનું એકેક રૂંવાડું ઊભું થઈ જાય. સ્ટેજ પર આર્ટિસ્ટ જ ફરતા હોય અને એ પછી પણ તમને એ બધેબધા આર્ટિસ્ટ જંગલનાં પ્રાણીઓ જ લાગે. અફકોર્સ તમને આઇડિયા આવી જાય કે આ હ્યુમન-ઍનિમલ છે, પણ એમ છતાં એ એકેક આર્ટિસ્ટની બૉડી-લૅન્ગ્વેજ તમે જુઓ, એના મૂવ્સ તમે જુઓ તો તમે રીતસર આફરીન પોકારી ઊઠશો. એ શો કોરિયોગ્રાફ્ડ શો છે. કોરિયોગ્રાફ્ડ શોની તમને ખાસિયત સમજાવીએ.

એમાં સીન હોય, એમાં રીતસર સ્ટોરી આગળ વધતી હોય અને એ તમે સહેલાઈથી સમજી પણ શકતા હો અને એ પછી પણ એમાં કોરિયોગ્રાફી સતત અકબંધ હોય. સીન દરમ્યાનના જે મૂવ્સ હોય એમાં કોરિયોગ્રાફી હોય તો જ્યાં પણ એવી સિચુએશન આવી હોય એમાં કોરસ સાથેની કોરિયોગ્રાફી પણ જોવા મળે. ‘લાયન કિંગ’ શોના ડાન્સ-મૂવ્સ જેણે જોયા હશે તેને ખબર હશે કે એમાં પર્ફેક્શન અને શાર્પનેસ પર કયા સ્તરે કામ કરવામાં આવ્યું હોય છે. આપણે ત્યાં ફૉરેન ટૂર કરનારાઓ ઘણા છે, પણ ભાગ્યે જ એ લોકો પોતાની ટૂર દરમ્યાન આ પ્રકારના કલ્ચરલ શો જોવા જવાનું પસંદ કરતા હોય. યુરોપ ફરવા ગયા હોય એમાંથી બહુ ઓછા લોકો એવા હશે જે ‘લાયન કિંગ’ કે પછી બીજા બ્રૉડવે જોવા માટે ગયા હોય. ઘણી વાર એવું પણ બને કે તમે ગયા હો એ સમયે એના શો ન પણ હોય અને ઘણી વાર એવું પણ બને કે તમે ઇચ્છો તો પણ તમને ટિકિટ ન મળે.

હા, બ્રૉડવે શોની ટિકિટની જબરદસ્ત ડિમાન્ડ હોય છે. ત્રણ મહિના પહેલાં ખૂલેલું બુકિંગ અમુક અઠવાડિયાંમાં જ પૅક થઈ જતું હોય છે અને સારી વાત એ છે કે એ શોની ટિકિટના રેટ પણ બહુ હાઈ હોય છે છતાં એ પૅક થઈ ગયા હોય છે. થૅન્ક ગૉડ કે ફિરોઝ અબ્બાસ ખાનને કારણે આપણે ત્યાં આ પ્રકારના શો બનવાના શરૂ થયા છે, પણ એની સાચી મજા ત્યારે આવશે જ્યારે એ જોવા માટેની ઑડિયન્સ પણ ઊભી થવાનું શરૂ થાય. આ ઑડિયન્સ એવા સમયે ઊભી થશે જ્યારે લોકો કશુંક નવું જોવા જવાની માનસિકતા ડેવલપ કરશે અને જો એ ડેવલપ કરીને તે એક વાર જોવા જશે તો ડેફિનેટલી, એક વાર નહીં, વારંવાર જોવા જશે.

columnists