આજનું છાપું તમે જોયું?

11 May, 2024 01:22 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

સત્ય કોને કહેવાય એ વાત સમજવી હોય તો કોઈ રીતે સમજાય એવી નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દુનિયાના અંતરિયાળ ખૂણે ક્યારેક કશુંક ન બનવા જેવું બની જાય છે ત્યારે પેલો ખૂણો બીજી જ મિનિટે વિશ્વવ્યાપી પણ બની જાય છે. હવે કોઈ સમાચાર બીજા દિવસના અખબારની રાહ જોવા તૈયાર નથી. આંખના પલકારામાં વિશ્વભરમાં મુઠ્ઠીમાં પકડાયેલા મોબાઇલ મારફત સર્વત્ર વ્યાપી જાય છે. પહેલાં આપણે રેડિયો મારફત સમયસર ફેલાતા સમાચારની રાહ જોતા. હવે રેડિયોની રાહ જોવાની જરૂર નથી, ટીવી પણ દૂરની વાત થઈ ગઈ. હવે બસ, આંગળીનું ટોપકું જરાક આઘુંપાછું કરો કે તરત જ આખી દુનિયા તમારી આંખ સામે! ૬૦ કે ૭૦ વર્ષ પહેલાં અખબાર એ સમાચાર માધ્યમનું વિશ્વસનીય પ્રમાણ ગણાતું. આગલા દિવસે રાતે ૧૦ વાગ્યે ગુજરાતીમાં એક સમાચાર-બુલેટિન ૧૦ મિનિટ માટે રજૂ થતું. મને બરાબર યાદ છે કે પિતાજી અને તેમના સમવયસ્ક પાડોશીઓ રેડિયો પર કાન માંડતા. રેડિયો ઘરે-ઘરે ઉપલબ્ધ નહોતો. ચાર-પાંચ કે છ પરિવારો વચ્ચે એકાદ ઘરે ત્રણ વેવનો એક રેડિયો હોય; મીડિયમ વેવ-શૉર્ટ વેવ વન-શૉર્ટ વેવ ટૂ... બસ રેડિયોમાં પણ એટલી જ દુનિયા. ૧૦ કલાક અને ૧૦ મિનિટ પૂરી થાય પછી કોઈ સમાચાર ન હોય અને છતાં સવારે ૭ વાગ્યે ઊઠતાંવેંત સૌની નજર ઉંબરામાં જાય. આંખમાં પ્રશ્ન હોય, ‘આજનું છાપું આવ્યું?’ આજે સમાચાર પૂરતું છાપાનું કોઈ મહત્ત્વ રહ્યું નથી અને છતાં છાપામાં છપાયેલા સમાચાર વાંચ્યા વિના કંઈક ખૂટે છે એવું લાગ્યા વિના રહે નહીં. 
સમય-સમયમાં ફેર છે

સાઠ કે સિત્તેર વર્ષ પહેલાં છાપું હાથમાં લઈને ઉઠાવતાંવેંત કોઈક બોલી ઊઠતું, ‘લ્યો, હવે આ સમાચાર તો સાચા જ હોયને? છાપાંમાં પણ આવી ગયું.’ આગલા દિવસે જે સમાચારનું સમર્થન મળ્યું નહોતું એને જેવું અખબારના પાને મુદ્રિત સ્વરૂપમાં જોવાય કે તરત જ વાચક કહી દેતો, ‘જુઓ, જુઓ છાપામાં સુધ્ધાં આવી ગયું એ ખોટું થોડું જ હોય?’ આજે છાપામાં છપાયેલા સમાચારને આવું સમર્થન મળે છે એમ કોણ કહી શકશે? તમે કહેશો? છાપું તો એનું એ જ છે. એમાં છપાયેલા સમાચારનો તમારો વિશ્વાસ ક્યાંથી ક્યાં આવી ગયો? આજે છાપામાં જે છપાયેલું છે એ સાચું જ છે એવું તમે કહી શકશો? હવે છાપું એટલે જ નવા શબ્દોમાં Fake અને Deep Fake. આવા પણ સમાચારનાં નામ પડે છે. સાચાની વાત છોડો, પણ હવે તો માત્ર ખોટું નહીં પણ પરમ ખોટું એટલે કે Deep Fake આ શબ્દ પણ અખબારી આલમનો શબ્દ બની ગયો છે.

સત્ય કોને કહેવાય એ વાત સમજવી હોય તો કોઈ રીતે સમજાય એવી નથી. અખબારોને સમાચાર સાથે રસ નથી હોતો, પણ એ સમાચારો ક્યાં, કેમ અને કેટલે સુધી આગળ-પાછળ લઈ જવા એની બુમરાણમાં રસ હોય છે, કારણ કે આ અખબારી બુમરાણમાં રાજકારણ છે, સમાજકારણ છે, અર્થવ્યવસ્થા છે. શું સાચું કે શું ખોટું એ છોડીને શું સારું કે શું ખરાબ છે એનો જાજલિ-તુલાધાર ન્યાય કરવાનું ત્રાજવું ક્યાંથી શોધવું? (મહાભારતનું આ કથાનક સંભારી લેવા જેવું છે : જાજલિ કસાઈ માંસ વેચે છે, પણ પરમજ્ઞાની છે. માંસ વેચવા માટે તેના હાથમાં જે ત્રાજવું છે એ ત્રાજવામાં સમગ્ર બ્રહ્માંડની તુલા થઈ જાય છે.)

સત્યનારાયણ દેવ કી જય

ગાંધીજીએ એવું કહ્યું હતું કે અખબારોએ લોકોમાં સત્યને સ્થાપિત કરવું જોઈએ, લોકોને સાચી વાતની જાણ થાય અને ખોટી વાતથી દૂર રહે એવું લખવું જોઈએ. તેમણે અખબારોમાં જાહેરખબર લેવાની ના પાડી દીધી હતી. જાહેરખબરથી ભોળવાઈને કોઈક વાચક કશુંક ખરીદે અને છેતરાઈ જાય તો આ છેતરપિંડીમાં માલના વિક્રેતા સાથે જ અખબાર પણ જવાબદાર કહેવાય. આવી જવાબદારી નહીં સ્વીકારવા માટે જ ગાંધીજીએ પોતાનાં અખબારો ‘Indian Opinion’ કે પછી ‘હરિજન બંધુ’એ ક્યાંય વ્યાવસાયિક જાહેરખબર લેવાનું બંધ કરી દીધું હતું. 
પણ અહીં સચ્ચાઈને સમજવા માટે સત્યનારાયણની કથા યાદ કરવા જેવી છે. આપણા મૂર્ધન્ય સાહિત્યકાર અને કવિ શ્રી મકરંદ દવેએ આ કથાના મર્મને બહુ જ માર્મિક રીતે સમજાવ્યો છે. આ કથાને આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. એનાં પાત્રો - પેલો રાજા, કઠિયારો, સાધુ વાણિયો, કલાવતી અને લીલાવતી એ બધી વાત આપણને ખબર છે. ભગવાન જેવો ભગવાન જેને અખિલ બ્રહ્માંડનું રક્ષણ કરવાનું હોય એ એક સાધુ વાણિયો કે લીલાવતી-કલાવતી જેવી મામૂલી સ્ત્રીઓ પાછળ હાથ ધોઈને પડે ખરા? પ્રસાદ લેવાનું ભૂલીને પતિમિલન માટે દોડેલી કલાવતી-લીલાવતી કે પછી વહાણમાં ભરેલા ધનને વેલા-પાંદડાં જેવી મામૂલી ગણાવતા વાણિયાને પ્રભુ સજા કરે ખરા?

શ્રી મકરંદભાઈ આ સ્થૂળ ઘટનાને અત્યંત હળવાશથી પણ અંતરમાં આરપાર ઊતરી જાય એમ સમજાવે છે. જે ધન અસત્યાચરણથી મેળવ્યું હોય એ વેલા-પાંદડાં જેવું જ છે. સાધુ વાણિયાએ પ્રભુને કહ્યું, ‘મારા વહાણમાં વેલા-પાંદડાં ભર્યાં છે’ અને પ્રભુએ કહ્યું તથાસ્તુ! જે ખોટી રીતે ધન ઉપાર્જન કરે છે એનું ધન વેલા-પાંદડાં જેવું જ છે એમાં ક્યાંય સચ્ચાઈ નથી. એ જ રીતે જેકાંઈ પ્રાપ્ત થાય એને પ્રભુનો પ્રસાદ માનીને તત્ક્ષણ સ્વીકારી ન લઈએ તો આપણે જે પ્રાપ્ત કરવું છે એ ક્યાંથી મળે? પહેલાં પ્રભુનો પ્રસાદ સ્વીકારીએ. એ પછી તરત જ પ્રસાદના પ્રતાપે જે મેળવવું છે એ મળી રહેશે. વાત અકર્મણિયતાની નથી, પણ અકર્તા ભાવની છે.

વસ્ત્રોની અદલાબદલીને ઓળખીએ 
પોતપોતાનાં વસ્ત્રો સરોવરને કાંઠે મૂકીને પાણીમાં સ્નાનાર્થે ઊતરેલી બે સખીઓ સત્ય અને અસત્યની કથા જાણીતી જ છે. અસત્યએ વહેલી-વહેલી સરોવરની બહાર આવીને સત્યનાં વસ્ત્રો પરિધાન કરી લીધાં અને ત્યાંથી ચાલી ગઈ. સત્ય માટે વસ્તી વચ્ચે જવું હોય તો અસત્યનાં વધેલાં વસ્ત્રો વડે દેહ ઢાંક્યા વિના છૂટકો નહોતો. બનવાજોગ છે કે વસ્ત્રોની આ ભૂલભુલામણીને કારણે સત્ય અને અસત્ય આરંભમાં ઓળખાયા વિનાનાં રહ્યાં હોય, પણ આજે એવું નથી. આજે અખબારો સત્ય-અસત્ય બન્નેને ગળા સુધી ઓળખે છે અને ઓળખ્યા પછી જ અખબારના અક્ષરો વહેલી સવારે તમારા આંગણે ઉંબરા પર ઠલવાય છે. આમાં માત્ર અખબારો જ નહીં પણ તમામ પ્રકારના સમાચાર માધ્યમોનો સમાવેશ થાય છે. એટલે આ હવે તમારી પરીક્ષાની ઘડી છે. તમે વસ્ત્રોને જ ઓળખો છો કે પછી વસ્ત્રો પાછળ ઢંકાયેલા દેહને પણ ઓળખી શકો છો? 

columnists gujarati mid-day