ઉપદેશનાં ગાંસડાં-પોટલાં અને આચરણનો અભાવ

08 June, 2024 07:37 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

નવા અભ્યાસક્રમમાં મનુસ્મૃતિના કેટલાક ઉપદેશોને સમાવી લેવાની વાતમાં વિવાદ થયો હતો. મનુસ્મૃતિમાં એવું લખાયું છે કે રાજાના હાથમાં (એટલે કે શાસકના હાથમાં) રાજ્યનું રક્ષણ કરવા માટે રાજ્યદંડ હોવો જોઈએ.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નવા શૈક્ષણિક વરસનો જ્યારે આરંભ થાય છે ત્યારે દર વરસે આરંભના દિવસોમાં અખબારોમાં પૃષ્ઠો ભરી-ભરીને કૉલેજો અને યુનિવર્સિટીઓની જાહેરખબર પ્રસિદ્ધ થતી હોય છે. કેટલીક વાર તો આપણે જેમનાં નામ પણ સાંભળ્યાં ન હોય એવા કોર્સિસ અને મૅનેજમેન્ટના અભ્યાસક્રમો વિશે જાહેરાતો થતી હોય છે. કેટલાંક વર્ષો પહેલાં આજે આપણે જેમને SSC કહીએ છીએ એને મેટ્રિકનું વરસ કહેવાતું હતું અને આ મેટ્રિકમાં પાસ થનાર વિદ્યાર્થીઓ માટે ઘણુંખરું આગળના અભ્યાસક્રમ માટે આર્ટ્સ, સાયન્સ અને કૉમર્સ એમ ત્રણ જ કૉલેજો ઉપલબ્ધ હતી. આજે SSC પછી નહીં, પણ નવમા કે દસમા ધોરણમાં જ અનેક જાતના અભ્યાસક્રમો વિશે પૂર્ણ તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. આ અભ્યાસક્રમો સાથે ટ્યુટોરિયલ ક્લાસિસ સુધ્ધાં હજારો અને લાખો

રૂપિયાની ફી ઉઘરાવતા લાઇનબંધ ઊભા હોય છે. દુનિયાભરનાં નવાં-નવાં પુસ્તકોનો થપ્પો કરી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ એ પુસ્તકો તથા ઇન્ટરનેટ પરથી ભયાનક ગોખણપટ્ટી શરૂ કરી દે છે.

એક ઘટના

એક નાનકડો પ્રસંગ અહીં યાદ કરવા જેવો છે. કહે છે કે દેવર્ષિ નારદ એક વાર રાવણની લંકા નગરીમાં જઈ ચડ્યા હતા. રાવણે પ્રસન્નતાપૂર્વક નારદનું સ્વાગત કર્યું અને પછી નારદને લંકા નગરીમાં જુદા-જુદા વિભાગો જોવા માટે લઈ ગયો. રાવણે યજ્ઞશાળા, ગજશાળા,

અશ્વશાળા એમ જુદી-જુદી વિદ્યા શીખવવા માટેની શાળાઓ દેખાડી. નારદે ધ્યાનપૂર્વક આ બધું જોયું અને પછી હળવેથી પૂછ્યું, ‘હે દશાનન! આ બધી શાળાઓ તો સુંદર છે. અહીં જ્ઞાન પણ અપાતું હશે પણ આમાં ક્યાંય આચારશાળા કેમ નથી?’

રાવણ સમજી ગયો. આચાર વિનાનું નર્યું જ્ઞાન એના જ્ઞાની અને સમાજને સુધ્ધાં ઉપયોગી થતું નથી. નારદની આ વાત સાથે જ મહાભારતના અશ્વત્થામાને યાદ કરવા જેવું છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રની વિદ્યા પિતા દ્રોણ પાસેથી હઠપૂર્વક પ્રાપ્ત તો કરી હતી, પણ એની પ્રાપ્તિ માટે જે ક્ષમતા હોવી જોઈએ એ અશ્વત્થામામાં નહોતી. અર્જુને પણ અશ્વત્થામાની જેમ જ ગુરુ દ્રોણ પાસેથી બ્રહ્માસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું; પણ આ જ્ઞાનનો ઉપયોગ ક્યાં, ક્યારે અને કેમ કરવો એ અર્જુન જાણતો હતો. અશ્વત્થામા આ જાણતો નહોતો અને પરિણામે કુરુક્ષેત્રના આ મહાયુદ્ધને અંતે ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો અને સ્વયં અશ્વત્થામા શાપિત અને પીડિત થયો.

દેનાર તો દે નયનો જ માત્ર

શું દેખવું તે કથવા ન પાત્ર

ઈસુના જીવન સાથે સંકળાયેલું આવું જ કથાનક બાઇબલમાં પણ છે. એક વાર ઈસુ એક વેરાન રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના માર્ગમાં એક આંધળા માણસે આવીને કહ્યું, ‘હું જન્માંધ છું. મેં દુનિયા જોઈ જ નથી, તમે મને આંખ આપો.’

ઈસુએ કરુણા ભાવથી પ્રેરાઈને તેના પર દયા કરી અને તેનો અંધાપો દૂર કર્યો.

થોડેક આગળ ગયા પછી તેમને એક મૂંગો માણસ મળ્યો. આ મૂંગા માણસે પણ ઈસુને આવી જ વિનંતી કરી. ઈસુએ તેને પણ અનુકંપાપૂર્વક બોલતો કર્યો. થોડેક આગળ ગયા પછી રસ્તા પર ઊભેલા એક રોગિષ્ઠે પોતાની રોગિષ્ઠ અવદશાને દૂર કરવા માટે ઈસુને પ્રાર્થના કરી. ઈસુએ તેને પણ દયાભાવથી તંદુરસ્ત કર્યો.

થોડા સમય પછી આ જ માર્ગ પર ઈસુ પાછા ફર્યા ત્યારે આ ત્રણેય સાથે તેમને ફરી વાર મુલાકાત થઈ. આ વખતે તેમણે જોયું કે પેલો આંધળો ગણિકાઓનાં નાચગાન જોઈ રહ્યો હતો, પેલો મૂંગો હવે બેફામ ગાળો બોલતો હતો અને સાજો થયેલો રોગિષ્ઠ નિર્દોષોને રંજાડીને હત્યા કરતો હતો. ઈસુ આ જોઈને વ્યથિત થઈ ગયા. તેમણે પેલા ત્રણેયને પૂછ્યું, ‘તમે આવું કેમ કરો છો?’

‘તમે મને આંખ આપી, પણ આંખનો સદુપયોગ તો શીખવ્યો જ નહોતો તો હું શું કરું?’ આંધળાએ નફ્ફટાઈથી કહ્યું.

‘અને તમે મને વાચા તો આપી, પણ આ વાચા વડે મારે શું કરવું એ તો શીખવ્યું જ નહોતું.’ મૂંગાએ પોતાની કેફિયત આપી.

‘અને હે ભગવંત, તમે મને બલિષ્ઠ અને રોગમુક્ત શરીર તો આપ્યું, પણ બળનો ઉપયોગ શું કરવો એ તો કહ્યું જ નહોતું.’ પેલા રોગીએ બેધડક કહી દીધું.

આ ત્રણેયના કહેવાનું તાત્પર્ય એ જ હતું કે તેઓ જે કંઈ દુષ્કૃત્યો કરી રહ્યા હતા એની જવાબદારી ઈસુની જ હતી. ઈસુએ તેમને અંગો આપ્યાં પણ એ અંગોનો સદુપયોગ કેમ કરવો એવું કશું કહ્યું જ નહોતું.

રાજ્યદંડ અને વિદ્યાદંડ

હમણાં-હમણાં થોડાક સમયથી આપણે અખબારોમાં મનુસ્મૃતિ વિશે કંઈ ને કંઈ વાંચતા રહીએ છીએ. નવા અભ્યાસક્રમમાં મનુસ્મૃતિના કેટલાક ઉપદેશોને સમાવી લેવાની વાતમાં વિવાદ થયો હતો. મનુસ્મૃતિમાં એવું લખાયું છે કે રાજાના હાથમાં (એટલે કે શાસકના હાથમાં) રાજ્યનું રક્ષણ કરવા માટે રાજ્યદંડ હોવો જોઈએ. પણ આ રાજ્યદંડ સક્ષમ રાજવીરના હાથમાં જ હોવો જોઈએ, ગમેતેવો નબળો શાસક રાજ્યદંડ હાથમાં લે તો એનો ઉચિત વિનિયોગ તે કરતો નથી કે કરી શકતો નથી અને રાજ્યના ગુનેગારો તથા ધાડપાડુઓ એ દંડ તેના હાથમાંથી આંચકી લઈને પ્રજાને પીડે છે. કાનૂનના નામે કાનૂનવિહોણી પરિસ્થિતિ પ્રવર્તતી જાય છે.

મનુસ્મૃતિમાં રાજ્યદંડની જે વાત કરી છે એ વાતનું ઉદાહરણ આપણે ક્યારેક-ક્યારેક અખબારોમાં વાંચીએ છીએ. વર્તમાન કાળમાં ડૉક્ટર હોય કે વકીલ હોય એ સમાજનો ઉપલો શિક્ષિત વર્ગ ગણાય છે. દરદીઓના અજ્ઞાનનો ગેરલાભ લઈને તેના દેહમાંથી કિડની કે અન્ય અંગો કાઢી લેતાં ઉદાહરણો આપણે અવારનવાર અખબારોમાં વાંચીએ છીએ. જે ખૂની છે, બળાત્કારી છે અને બધી જ રીતે અપરાધી છે એવા ગુનેગારને નિર્દોષ ઠરાવવા માટે અથવા કાયદાની છટકબારીનો લાભ લઈને તેને ઓછામાં ઓછી સજા કરાવવા માટે કેટલાય વકીલો પોતાનું જ્ઞાન ઉપયોગમાં લેતા હોય છે. કોઈક કારણોસર આવા લોકોએ પરીક્ષા તો પાસ કરી લીધી છે, પણ જે વિદ્યા તેમણે હાંસલ કરી છે એને માટે તેઓ અનુચિત છે એટલું જ સિદ્ધ થાય છે. આને ક્ષમતાવિહોણી સિદ્ધિ કહેવાય.

અધમણ ઉપદેશ અને અધોળ આચરણ

સમાજસુધારકો, ધર્મોપદેશકો, શિક્ષણશાસ્ત્રીઓ આ સહુ ગાંસડાં-પોટલાં ભરી-ભરીને ઉપદેશ જરૂર આપે છે; પણ આવા શાબ્દિક ઉપદેશો કરતાં એ જ ઉપદેશનું નાનકડું વ્યવહારિક આચરણ જો કરી બતાવાય તો એ વધુ અસરકારક હોય છે (અધોળ એ ગયા સૈકામાં વપરાતું એક માપ હતું). સંખ્યાબંધ નવા-નવા અભ્યાસક્રમો સાથે સંકળાયેલી ઉચ્ચ શિક્ષણની યુનિવર્સિટીની ડિગ્રીઓ નર્યાં ગાંસડાં-પોટલાં બની ન રહે એવી શુભેચ્છા.

columnists dinkar joshi