21 June, 2023 03:24 PM IST | Mumbai | Manoj Joshi
ફાઇલ તસવીર
મનોજ મુંતશિર શુક્લા પર રીતસર બૉમ્બાર્ડિંગ થયું છે. સાચું કહું તો તેની તો અત્યારે ઊંઘ હરામ થઈ ગઈ હશે, પણ એ હરામ થયેલી ઊંઘ વચ્ચે ડિરેક્ટર ને પ્રોડ્યુસરને તમે કેવી રીતે ભૂલી શકો. જો તમને ખબર ન હોય તો કહેવાનું, ચોખવટ કરવાની કે કોઈ પણ ફિલ્મમાં શું રાખવું અને કેવી રીતે રાખવું એનો નિર્ણય બે જ વ્યક્તિના હાથમાં હોય, ડિરેક્ટર અને પ્રોડ્યુસરના. હા, આ બન્ને ફિલ્મના કૅપ્ટન અને વાઇસ કૅપ્ટન છે. આવા સમયે તમે રાઇટર એકને દોષ આપો અને તેની એકની ઊંઘ હરામ કરી નાખો એ ન ચાલે. હકીકતમાં વાંક જો કોઈનો હોય તો એ ઓમ રાઉત અને ભૂષણકુમારનો છે. ડિરેક્ટર અને પ્રોડ્યુસરનો છે. એ બન્નેની પરમિશન વિના ફિલ્મની એક સેકન્ડ પણ તૈયાર ન થઈ હોય એ સૌકોઈએ સમજવું જોઈશે. મનોજ મુંતશિરે જો ઇચ્છ્યું પણ હોય કે પોતે આદરભાવ સાથે ડાયલૉગ્સ લખશે અને એ પછી પણ જો ઓમ કે ભૂષણ ન ઇચ્છતા હોય કે તેની ફિલ્મમાં એ પ્રકારના ડાયલૉગ્સ નહીં રહે તો એ ન જ રહે. મનોજ આખેઆખો બદલાઈ જાય, પણ એ ડાયલૉગ્સ તો એ જ રહે, જેવા ડિરેક્ટર-પ્રોડ્યુસર ઇચ્છતા હોય.
કોઈ પણ માધ્યમ હોય. નાટક હોય કે ફિલ્મ કે પછી ટીવી-સિરિયલ હોય. આપણી કમનસીબી છે કે રાઇટર ક્યાંય ફાઇનલ ઑથોરિટી નથી અને એટલે જ કહું છું કે જે ઑડિયન્સ મનોજ પર આક્રમકતા સાથે તીર છોડે છે એ પણ જરા શાંતિ રાખે. જો તમારે વારો કાઢવો હોય, દાવ લેવો હોય, પરસેવો પડાવી દેવો હોય તો એમાં મનોજનું નામ છેક ત્રીજું આવે છે. તમારે એ પહેલાં તો અટૅક કરવાનો છે ભૂષણકુમાર અને ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત પર. તેઓ જ ઇચ્છતા હતા કે આજની ભાષામાં આપણી રામાયણ રજૂ થાય. મનોજની ભૂલ એટલે કે તેણે એ લોકોની વાત માની અને એ માન્યા પછી તેમને જોઈતું હતું એ પ્રકારનું કન્ટેન્ટ લખી આપ્યું. મનોજની ભૂલ એટલી કે તેણે આજના ટીનેજર્સ અને યંગસ્ટર્સને મજા આવે એવી ભાષામાં લખી આપવાની તૈયારી દર્શાવી અને ધારો કે એવું ન હોય તો, તો મનોજને આ વિચાર આવ્યો અને ઓમ-ભૂષણ સહમત થયા એ તેમની ભૂલ પણ ફાઇનલ ઑથોરિટી માત્ર અને માત્ર ડિરેક્ટર-પ્રોડ્યુસર હોય એ સૌકોઈએ સમજવું જ રહ્યું. આ બન્ને પાત્રો સિવાય ફિલ્મનો નિર્ણય કોઈ લઈ શકે નહીં અને લે પણ નહીં.
આખી વાતનું તાત્પર્ય એટલું જ છે કે આ આખી ઘટના, તમને લાગેલા દુઃખ માટે અને તમારી જે લાગણી દુભાઈ છે એને માટે ખરેખર તો મેકર્સ જવાબદાર છે અને ડિરેક્ટરનો વાંક છે. આજે જ્યારે રાઇટરને આગળ કરવામાં આવે છે એમાં પણ આ મેકર્સની ચાલ છે. યાદ રાખજો મારી વાત, રાઇટરના બાપુજીનો બગીચો નથી કે તે ધારે એ લખે અને તે જે લખે એ બધું દેખાડવામાં આવે. ના, ના અને ના. રાઇટરે જે લખ્યું છે એ બધેબધાની ઇચ્છા મેકર્સની હતી અને એટલે જ તેણે બાપડાએ લખ્યું છે. રાઇટર મનોજ એટલો ભોળો કે તે અત્યારે બધે જઈને મળે છે. હકીકતમાં એવી કોઈ જરૂર છે જ નહીં, પણ હશે, પાપી પેટ કા સવાલ હૈ, પણ એ પેટને કારણે તમે મર્યાદા ચૂકો એ તો ન જ ચાલે.