તાતા ગ્રુપની નાવના નવા ખલાસી નોએલ

20 October, 2024 11:05 AM IST  |  Mumbai | Aashutosh Desai

આયરિશ નાગરિકત્વ ધરાવતા અને રતન તાતાના સાવકા ભાઈ નોએલ હવે તાતા ગ્રુપની ધુરા સંભાળવાના છે ત્યારે જાણીએ ૬૭ વર્ષના આ સજ્જનની કૉર્પોરેટ સફર વિશે

નોએલ તાતા

જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ અને આઇકૉનિક પર્સનાલિટી એવા રતન તાતાના અવસાન બાદ ઇન્ડસ્ટ્રીની દરેક વ્યક્તિ એમ વિચારી રહી હતી કે હવે પછી શું? એવું કોણ હશે જે હવે પછી આટલા મોટા તાતા ગ્રુપનું નેતૃત્વ કરશે? રતન તાતા જે રીતે પરિવારની લેગસી જાળવી રાખી તેને નવી ઊંચાઈએ લઈ ગયા છે, એ જ રીતે ગ્રુપ અને પરિવારની એ સફર આગળ લઈ જવા માટે ખરેખર કોઈ સક્ષમ હશે કે નહીં? અને આખરે ગયા શુક્રવારે તેમના સક્સેસર તરીકે એક નામ જાહેર થયું, નોએલ તાતા!   

નોએલને એક ઇન્ડસ્ટ્રિયલિસ્ટની સાથે-સાથે રતન તાતાના સાવકા ભાઈ તરીકે પણ ઓળખે છે. જે રીતે તાતાની અલગ-અલગ કંપનીના શૅરહોલ્ડર્સ અને ઇન્ડસ્ટ્રીના બીજા માણસો તાતા ગ્રુપના નવા સૂત્રધારના નામની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. એ જ રીતે ૬૭ વર્ષના નોએલ પણ કદાચ રાહ જોઈ રહ્યા હતા કારણ કે વાસ્તવમાં તો આ તેમને માટે બીજી વાર આવેલી તક છે. આજથી લગભગ ૧૨ વર્ષ પહેલાં પણ એક સમય એવો આવ્યો હતો જ્યારે તાતા ગ્રુપ કંપનીઝની હોલ્ડિંગ કંપની તાતા સન્સના ચૅરમૅન પદ માટે તેમનું નામ મોખરાની યાદીમાં ગણાવાયું હતું. જ્યારે રતન તાતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત થવાની હતી. નોએલનું નામ એ સમયે એટલું પ્રૉમિનન્ટ ગણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીએ તો માની જ લીધું હતું કે તેમનું જ ચયન થશે. સાલ હતી ૨૦૧૦ની અને ઑગસ્ટ મહિનો કે જ્યારે પાંચ સભ્યોની એક સિલેક્શન કમિટીની ઘોષણા કરવામાં આવી. કહેવામાં આવ્યું કે આ કમિટી તાતા સન્સના નવા ચૅરમૅનની જાહેરાત કરશે. કારણ એ હતું કે એ સમયે ૩૦ મહિના બાદ એટલે કે ૨૦૧૨ના ડિસેમ્બર મહિનામાં રતન તાતા ૭૫ વર્ષના થઈ રહ્યા હોવાથી તેઓ પોતાની સેવાઓથી નિવૃત્ત થઈ રહ્યા હતા.

નોએલનું નામ પહેલાં પણ હતું

પાંચ સભ્યોની એ સમિતિમાં હતા આર. કે. કૃષ્ણકુમાર, લૉર્ડ ભટ્ટાચાર્ય, સાયરસ મિસ્ત્રી, એન. એ. સુનાવલા અને શિરીન ભરૂચા. હવે આ પાંચ સભ્યોમાંથી એક નામ એવું હતું કે જે તાતા સન્સ કંપનીના મેજર શૅરહોલ્ડર્સમાંથી એક એવી રિયલ એસ્ટેટ કંપની શાપુરજી પાલનજીના પ્રતિનિધિ તરીકે તે મીટિંગમાં હતા અને પાંચ સભ્યોની એ કમિટીમાં કમિટી-મેમ્બર બન્યા હતા. નામ હતું સાયરસ મિસ્ત્રી, જે પાલનજી મિસ્ત્રીનો નાનો દીકરો હતો. જ્યારે આ કમિટીની જાહેરાત થઈ ત્યારે સાયરસનું નામ બધા માટે સરપ્રાઇઝ હતી કારણ કે તાતા અને શાપુરજી પાલનજીના સંબંધોમાં જે રીતે વર્ષોથી તનાવભર્યું વાતાવરણ ચાલી રહ્યું હતું એ જોતાં સાયરસનું નામ એ કમિટીમાં હોય એવી અપેક્ષા નહોતી પણ શાપુરજી પાલનજીની કંપની તાતા સન્સમાં ૧૮.૫ ટકાની હિસ્સેદારી ધરાવતી હતી. આથી સિલેક્શન કમિટીમાં રતન તાતાએ તેમનું પણ નામ સામેલ કર્યું. પણ સૌથી મહત્ત્વની વાત એ હતી કે પાંચ સભ્યોની એ કમિટીમાં એકમાત્ર સાયરસને છોડી બાકીના બધા જ રતન તાતાના વફાદાર હતા.   

રતન તાતા ચાહતા હતા કે તેમની નિવૃત્તિ બાદ નવા સૂત્રધાર તરીકે કોઈક એવા પ્રોફેશનલ એક્સ્પીરિઅન્સ્ડ વ્યક્તિનું ચયન કરવામાં આવે જે ભારત જ નહીં, વૈશ્વિક સ્તરે પણ કામ કરી શકે. એ વ્યક્તિને કમ સે કમ ત્રણ દશકનો અનુભવ હોય. વળી વિવિધભાષી અને વિવિધ પ્રદેશથી આવતા તાતાના કર્મચારીઓ સાથે પણ એ વ્યક્તિ સુદૃઢ રીતે કામ કરી શકે એટલું જ નહીં, તે ઇન્ડસ્ટ્રીનાં અનેક ક્ષેત્રોના બિઝનેસનું અનેક દેશોમાં પ્રતિનિધિત્વ કરવા માટે સક્ષમ હોય. આ બધી જ શરતોને ધ્યાનમાં રાખી મીટિંગ દરમિયાન કમિટીમાં અનેક નામો પર વિચાર થયો, જેમાં પેપ્સિકો કંપનીના ઇન્દ્રા નૂયી, વોડાફોનના અરુણ સરીન, નિસાન કંપનીના કાર્લોસ અને ગૂગલના નિકેશ અરોરા જેવાં નામો પણ સામેલ હતાં અને આ બધા સાથે બીજું પણ એક નામ હતું જે હતા નોએલ તાતા. પણ દેખીતી રીતે નોએલ તાતાના નામની ફેવર કરે એવી એ કમિટીમાં માત્ર એક જ વ્યક્તિ હતી અને એ હતા સાયરસ મિસ્ત્રી કારણ કે નોએલને માત્ર તાતા સાથે જ નહીં, શાપુરજી પાલનજીના કુટુંબ સાથે પણ સારો ઘરોબો હતો. એનું કારણ એ કે નોએલનાં લગ્ન સાયરસની બહેન આલૂ સાથે થયાં હતાં.

ટેક્નિકાલિટી ઑફ તાતા ગ્રુપ

મૂલતઃ તાતા સન્સના ઉત્તરાધિકારીનું નામ નક્કી કરવામાં એ સિલેક્શન કમિટી સામે બે મોટી કસોટી હતી અને એ કસોટી હતી હોલ્ડિંગ પૅટર્ન. ગ્રુપમાં મહત્ત્વના બે મોટા હોલ્ડર હતા. એક તાતા ટ્રસ્ટ, જે કંપનીમાં ૬૬ ટકા ઇક્વિટી હોલ્ડિંગ ધરાવતું હતું. અને બીજા હોલ્ડર હતા શાપુરજી પાલનજી જે ૧૮.૬ ટકા સ્ટેક ધરાવતા હતા. અને આ સિવાય બીજી કસોટી એ હતી કે જો કોઈ વિદેશી પ્રોફેશનલનું નામ ફાઇનલ કરવામાં આવે તો તેને પોતાનું હાલનું પદ છોડવા માટે તો મનાવવા પડે અને સાથે જ ભારતના જટિલ વ્યાપાર અને રાજકીય વાતાવરણ સાથે તાલમેલ સાધવો પણ તે પ્રોફેશનલ માટે ભારે થઈ પડે. આ બે કસોટીઓ પર હજી તો વિચાર થઈ જ રહ્યો હતો ત્યાં વળી ત્રીજી મુશ્કેલી સામે આવીને ઊભી રહી ગઈ. તાતા ગ્રુપમાં વર્ષોથી કામ કરતા સિનિયર્સ કે જેમની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુ હતી તેમણે કોઈ યુવાન ચૅરમૅનની વરણી કરવા સામે વિરોધ દર્શાવ્યો. પણ કમિટી અને સાથે જ ગ્રુપની ઇચ્છા એવી હતી કે કોઈ એવા ચૅરમૅનની વરણી કરવામાં આવે કે જે કમ સે કમ આવતાં ૧૦-૧૫ વર્ષો સુધી તો કંપનીનું નેતૃત્વ કરી શકે કારણ કે જે ચૅરમૅન નિવૃત્ત થઈ રહ્યા હતા તેમનું જ એટલે કે રતન તાતાના જ ગ્રુપનું બે દશકો સુધી નેતૃત્વ કરવાનું ઉદાહરણ તેમની સામે હતું એટલું જ નહીં, તેમના પહેલાં જેઆરડી તાતા પણ ૫૦ વર્ષો સુધી કંપનીના ચૅરમૅન પદે આરૂઢ રહ્યા હતા.

નોએલ રેસમાંથી બહાર

આ રીતે કોઈના નામની શક્યતા વાસ્તવિકતામાં પરિણમતી નહીં દેખાવને કારણે શાપુરજી પાલનજી ગ્રુપે નોએલ તાતાના નામ પર જોર લગાવવું શરૂ કર્યું. એની પાછળ ત્રણ કારણો મુખ્ય હતાં. એક તો તે તાતા પરિવારના જ એક સદસ્ય હતા. બીજું, તેમને તાતાની બીજી કંપનીઓના પ્રતિનિધિ તરીકેનો અનુભવ હતો અને ત્રીજું, તે શાપુરજી પરિવારના જમાઈ પણ હતા પરંતુ રતન તાતા નોએલ તાતાને ચૅરમૅન પદે આરૂઢ કરવાના પક્ષમાં નહોતા. એ સમયે રતન તાતાએ એક ફૉરેન ન્યુઝપેપરને ઇન્ટરવ્યુ આપ્યો હતો ત્યારે કહ્યું હતું કે તાતા સન્સને જે અનુભવીની જરૂર છે નોએલને હજી એટલો અનુભવ નથી. હવે તેમનું આ વિધાન કદાચ સિલેક્શન કમિટીના એ લોકો માટે એક ગર્ભિત સંદેશ હતો કે નોએલને તેઓ આગામી ચૅરમૅન તરીકે જોવા નથી માગતા. તેમના આ ગર્ભિત ઇશારાને કારણે એ વખતે નોએલ ચૅરમૅન પદની રેસમાંથી બહાર થઈ ગયા.

નવું નામ આવ્યું સાયરસ મિસ્ત્રી

હવે આ રીતે જ્યારે નોએલ તાતાના નામ પર ચોકડી મુકાઈ ગઈ ત્યારે બીજું એક નામ અચાનક જ એ સમયે સપાટી પર આવ્યું અને એ નામ હતું શાપુરજી પાલનજીના નાના દીકરા સાયરસ મિસ્ત્રીનું. કમિટીએ જયારે આ નવા નામ વિશે રતન તાતા સામે પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમને પણ સાયરસમાં ભાવિ ચૅરમૅન દેખાયા અને તેમણે સાયરસના નામ પર પોતાની સહમતી દેખાડી. પરંતુ સાયરસે શરૂઆતમાં આ પદ સાંભળવાના પ્રસ્તાવ સામે ના કહી દીધી. તેમણે કહ્યું કે તાતા જેવા મોટા કૉર્પોરેટ સમૂહને સંભાળવાનો તેમની પાસે પણ અનુભવ નથી. પરંતુ આખરે શાપુરજી પરિવાર અને તાતા પરિવારના મોટેરાઓએ પણ તેમને સમજાવ્યા અને તેમની કાબેલિયત પર બધાને વિશ્વાસ હોવાનું જણાવ્યું. આખરે
સાયરસ મિસ્ત્રીએ એ પદ સ્વીકારી લીધું. પણ આપણે બધા જાણીએ છીએ કે ૨૦૨૨ની સાલમાં એક રોડ-અકસ્માતમાં સાયરસનું અકાળે મૃત્યુ થયું અને ફરી એક વાર ચૅરમૅન પદ ખાલી પડ્યું. તાકીદના ધોરણે વરણી કરવાની હોય એ સમયે એન. ચંદ્રશેખરને તાતા સન્સના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પરંતુ ત્યાર બાદ રતન તાતાનું નિધન થતાં નોએલ તાતા માટે ફરી એક વાર તાતા ટ્રસ્ટના ચૅરમૅન પદ માટે મોટી તક ઊભી થઈ.

પરિસ્થિતિ સકારાત્મક હતી

સાયરસ મિસ્ત્રી ચૅરમૅન બન્યા અને નોએલ માટે એ સમયે અધૂરી રહી ગયેલી તક હવે રતન તાતાના નિધનને કારણે ફરી એક વાર ખુલ્લી થઈ ગઈ હતી. બીજી તરફ આજથી ૧૨ વર્ષ પહેલાં ગ્રુપના જે બધા સિનિયર્સે તેમના નામનો વિરોધ કર્યો હતો એ બધા પણ રિટાયર થઈ ચૂક્યા હતા. આથી હવે નોએલના નામનો વિરોધ કરે એવું ખાસ કોઈ ગ્રુપમાં રહ્યું નહોતું. વળી તેમના માટે બીજું એક સૌથી મોટું સકારાત્મક કારણ એ હતું કે તાતા ગ્રુપનો દોર સાંભળી શકે એવું નોએલ જેવું અને નોએલ જેટલું અનુભવી તાતા પરિવારમાં હવે કોઈ નહોતું. આ બધાં કારણોથી આખરે નોએલ તાતાની તાતા ગ્રુપના ચૅરમૅન તરીકે વરણી થઈ અને ૧૨ વર્ષ પહેલાં અધૂરી રહી ગયેલી તક હવે નોએલ માટે પૂર્ણ થઈ એમ કહી શકાય.

નોએલ તાતાની પાછળ-પાછળ

રતન તાતા જેવા એક જન્મમાં અનેક જન્મોનું કામ કરી ગયેલા કૉર્પોરેટ વર્લ્ડના નામાંકિત અને મહાન વ્યક્તિત્વના નિધન બાદ તાતા ગ્રુપમાં અંધકાર છવાઈ જશે? એવો પ્રશ્ન ઘણી વાર લોકોને થતો હતો. પણ ગયા શુક્રવારે આખરે નોએલ તાતાનું નામ જાહેર થયું અને ભવિષ્યના રસ્તાઓ પરથી જાણે અંધકાર હટ્યો હોય એમ લાગ્યું એટલું જ નહીં, નોએલનું નામ જાહેર થતાં હવે તાતાનું સુકાન ભવિષ્યમાં પણ કયા હાથોમાં રહેશે એ વિશે પણ ઘણી ક્લૅરિટી મળી છે.

તાતા સન્સના ચૅરમૅન તરીકે નોએલ તાતાનું નામ જાહેર થતાં જ આગળની પેઢી માટે પણ રસ્તાઓ ઘણેખરે અંશે હવે ખૂલી ગયા છે. નોએલ તાતાનો એક દીકરો છે નેવિલ અને બે દીકરીઓ છે માયા અને લીહ. આ ત્રણ યુવાનો હવે પછીનાં મહત્ત્વનાં સ્થાનો અને જવાબદારીઓ માટે તૈયાર રહેશે એવી આશા રાખી શકાય. એમાં કોઈ સંદેહ નથી કે તાતા પરિવારના આ ત્રણ વંશજો આવનારાં વર્ષોમાં તાતા સન્સમાં મહત્ત્વની ભૂમિકા અને પદ માટે દાવેદારી નોંધવા માટે તૈયાર હશે.             

ગયા શુક્રવારે જ્યારે તાતા ટ્રસ્ટના પ્રમુખ તરીકે નોએલ તાતાની નિયુક્તિ થઈ ત્યારબાદ તેમને કહ્યું હતું કે તેઓ રતન તાતા અને તાતા ગ્રુપ કંપનીઓની વિરાસતને વધુ આગળ વધારવા અને તેમનો વિસ્તાર અને વિકાસ કરવા માટે આતુર છે! આ જ બાબતે આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેમને પોતાની ટીમ એટલે કે બીજા ટ્રસ્ટીઓ દ્વારા અપાયેલી જવાબદારીઓથી ખૂબ સન્માનનીય અનુભૂતિ થઈ રહી છે. એક સદી કરતાંય વધુ સમયથી વિદ્યમાન એવું તાતા ટ્રસ્ટ સામાજિક ભલાઈનાં કાર્યો માટેનું એક અલાયદું માધ્યમ છે. હું કહીશ કે વિકાસ અને પરોપકારનાં એ કાર્યો આગળ વધારવામાં અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં
મારી જાતને સમર્પિત કરવામાં હું ગૌરવ અનુભવીશ.          

આ રીતે રતન તાતાના નિધન બાદ નોએલ તાતા હવે ૧૬૫ બિલ્યન ડૉલરનું વૅલ્યુએશન ધરાવતી કંપની (ટ્રસ્ટ)ના ઉત્તરાધિકારી અને પ્રમુખપદે આરૂઢ થયા છે. આઇરિશ નાગરિક એવા નોએલ નવલ તાતા અને સિમોન તાતાના દીકરા છે.

નોએલની કૉર્પોરેટ સફર

તાતા સમૂહની સ્થાપના ૧૮૬૮માં રતન તાતાના પરદાદા જમશેદજી તાતા દ્વારા કરવામાં આવી હતી એ આપણને બધાને જ ખબર છે. કંપનીની સ્થાપનાનાં થોડાં વર્ષો બાદ જ જમશેદજીએ દેશ અને સમાજ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારીઓ પણ સ્વીકારી અને તેમણે એક ટ્રસ્ટનો આરંભ કર્યો. આ ટ્રસ્ટ દ્વારા તેમણે સ્વાસ્થ્ય, ખેલ વગેરે જેવાં ક્ષેત્રોમાં પોતાનું આર્થિક અને શારીરિક યોગદાન આપવાનું શરૂ કર્યું.

૧૯૬૨ની સાલમાં રતન તાતા પણ કંપનીમાં જોડાયા અને પરિવારના બિઝનેસનો વધુ ફેલાવો અને બ્રૅન્ડ નેમ બનાવવામાં કાર્યરત થયા. ૧૯૯૧ની સાલમાં રતન તાતા ટ્રસ્ટના ચૅરમૅન બન્યા અને ત્યાર બાદ કંપની જ નહીં, આખુંય તાતા ગ્રુપ નવી ઊંચાઈઓનાં શિખર આંબવા માંડ્યું.

રતનના સાવકા ભાઈ એવા નોએલ ઇંગ્લૅન્ડની સસેક્સ યુનિવર્સિટીથી ગ્રૅજ્યુએટ થઈને આવ્યા અને તેઓ પણ કંપનીમાં જોડાયા. ત્યાર બાદ તેઓ તાતા ગ્રુપની જ કંપનીઓ ટ્રેન્ટ અને વૉલ્ટાસના ચૅરમૅનપદે આરૂઢ થયા અને સાથે જ તાતા ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો.

તેમણે પોતાની આ પ્રોફેશનલ કરીઅર દરમિયાન અનેક સિદ્ધિઓ મેળવી અને કંપનીને આગળ વધારી. વધુ નહીં તો તેમણે જે કંપનીથી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી એ તાતા ઇન્ટરનૅશનલના જ એક ઉદાહરણની વાત કરીએ તો નોએલના નેજા હેઠળ કંપની આવ્યા બાદ એનું ટ્રેન્ડિંગ આર્મ જેનો બિઝનેસ અથવા ટર્નઓવર ૫૦૦ મિલ્યન ડૉલર હતો, જેને નોએલ ૩ બિલ્યન ડૉલર સુધી લઈ ગયા. ૧૯૯૯ની સાલમાં નોએલ તાતા ઇન્ટરનૅશનલની જ રીટેલ આર્મ ગણાતી કંપની ટ્રેન્ટના મૅનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. આ કંપનીની સ્થાપના નોએલનાં મમ્મી સિમોન તાતા દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૦૦૩ની સાલમાં નોએલ ટાઇટન કંપનીના પણ ડિરેક્ટર તરીકે અપૉઇન્ટ થયા અને તેમની યશકલગીમાં ત્યાર બાદ ત્રીજી પણ એક કંપની ઉમેરાઈ જેનું નામ હતું વૉલ્ટાસ.

columnists tata trusts noel tata ratan tata tata gujarati mid-day