ચૌરી-ડકૈતી સરેઆમ કરેંગે, પર કોઈ ચોર કહે યે બરદાસ્ત નહીં કરેંગે

21 July, 2024 07:30 AM IST  |  Mumbai | Pravin Solanki

ભારતના સૌથી મોટા ચંદનચોર વીરપ્પન જેવી નિર્દયતા ન બીજા કોઈ હત્યારામાં હતી, ન હશે

પ્રતીકાત્મક તસવીર

૧૦૦થી વધુ પૉલીસ ઑફિસરો અને અનેક ફૉરેસ્ટ અધિકારીઓની હત્યા કરનારા આ નરાધમે વીસ-વીસ વર્ષ સુધી જંગલ પર એકચક્રી રાજ કર્યું હતું અને ૩૦૦૦થી વધુ હાથીઓનું નિકંદન કાઢ્યું હતું. તેણે કરેલી નિર્મમ હત્યાઓનો સિલસિલો જોઈએ તો ક્યારેક સવાલ થાય કે પૈસાથી વફાદારી ખરીદવાનું આટલું સહેલું કેમ હશે?

આજે આવા એક માથાફરેલ, ખૂંખાર, ખોફનાક, ખતરનાક ચોર, કિડનૅપર અને ખૂનીની વાત કરવી છે. તે માત્ર ચોર જ નહોતો; હત્યારો, નિર્દય નરાધમ હતો. ૧૦૦થી વધારે પોલીસની તેણે હત્યા કરી હતી. તેને પકડવા માટે ત્રણ રાજ્યોની પોલીસે ઇનામો જાહેર કર્યાં હતાં અને સરકારે કરોડો રૂપિયાનું પાણી પણ કર્યું હતું. તેણે એક ફિલ્મસ્ટારનું અપહરણ કરીને પૈસા પડાવ્યા એ તો ઠીક, એક પ્રધાનનું અપહરણ કરીને સરકારને પણ ખંખેરી નાખી હતી. લોકો તો તેનાથી કાંપતા હતા અને પોલીસો પણ તેના નામથી થરથરતા હતા.

ત્રણ રાજ્યો કર્ણાટક, તામિલનાડુ અને કેરલાની પોલીસટુકડી તેને પકડવા ખડેપગે તૈયાર રહેતી હતી. કોણ હતો તે શખ્સ? તમે જાણી જ ગયા હશો. તે હતો ચંદનચોર વીરપ્પન. તેનું પૂરું નામ હતું કોસે મનુસ્વામી વીરપ્પન. ચંદનચોર અને હાથીદાંતનો મોટામાં મોટો સ્મગલર વીરપ્પન. તેનો જન્મ ૧૯૫૨ની ૧૮ જાન્યુઆરીએ એ સમયના મદ્રાસ રાજ્યના ગોપીનાથમ ગામમાં થયો હતો. અત્યારે આ ગામ કર્ણાટકના ચામરાજનગર જિલ્લાનો એક ભાગ છે.

આ મહાચોરે ૨૦-૨૦ વર્ષ સુધી જંગલોમાં એકચક્રી રાજ કર્યું. તેણે પોતાની સેના બનાવી હતી. એ લોકો વીરપ્પનને એટલા વફાદાર હતા કે પોતાનો જીવ આપવા પણ તૈયાર થઈ જતા. જંગલની આસપાસના લોકો તેના ખબરી હતા, તેના હિતેચ્છુ હતા. ગરીબ લોકોને મદદ કરીને તેમનો વિશ્વાસ મેળવી લેવામાં તે પાવરધો હતો.

નાનપણથી તે ચંદનચોરી તો કરતો હતો, પણ તેના કાકા હાથીદાંતના સ્મગલિંગનો ધંધો કરતા હતા. વખત જતાં તે કાકા સાથે હાથીદાંતના ધંધામાં જોડાયો અને ધંધો વિકસાવ્યો. તે એવો ક્રૂર અને ઘાતકી હતો કે હાથીઓની હત્યા કરતાં જરા પણ અચકાતો નહીં. તેણે ૧૦૦-૨૦૦ નહીં પણ ૩૦૦૦ હાથીઓની તેની કારકિર્દી દરમ્યાન હત્યા કરીને કાળો કેર વર્તાવ્યો હતો. પરશુરામે જેમ ક્ષત્રિયવિહોણી ધરતી કરવાનું પણ લીધું હતું એમ વીરપ્પને જાણે હાથીવિહોણું જંગલ કરી નાખવાનું પણ લીધું હોય એમ આડેધડ હાથીઓની હત્યા કરતો.

કાકા સાથે મતભેદ થતાં તેણે સ્વતંત્ર રીતે ચોરીમાં ઝંપલાવ્યું અને બહુ ટૂંકા સમયમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું. તેની ગણના ભારતના સૌથી મોટા ચંદનચોરમાં થવા લાગી. બહુ બુદ્ધિપૂર્વક અને ચતુરાઈથી તેણે પોતાના ધંધામાં આડે આવતા લોકોનો સફાયો કરવા માંડ્યો.

એક વાર તે ફૉરેસ્ટ ઑફિસરના હાથે ઝડપાઈ ગયો. વર્ષ હતું ૧૯૭૨નું. ત્યારે તેની ઉંમર ૨૦ વર્ષની આસપાસની હતી. જ્યારે-જ્યારે તે પકડાઈ જતો ત્યારે-ત્યારે દરેક વખતે પોલીસને હાથતાળી આપીને છટકી જવામાં સફળ થયો હતો અને બમણી તાકાતથી ફરીથી ધંધો શરૂ કરી દેતો હતો.

પહેલી વાર જે ફૉરેસ્ટ ઑફિસરે તેને પકડ્યો હતો એનું વેર લેવા માટે તેણે તેની હત્યા કરી નાખી. આ તેનું પહેલું ખૂન હતું. એક વાર હત્યા કર્યા પછી તે હત્યાનો હેવાયો થઈ ગયો. જે-જે ખબરી તેને પકડાવવામાં ફાળો આપતા એ બધાને ઢાળી દેવામાં તે પછી જરાય અચકાતો નહીં.

૧૯૮૭માં ચિદમ્બરમ નામના એક ફૉરેસ્ટ અધિકારીએ તેને ઝડપી લેવા માટે જડબેસલાક પ્લાન બનાવ્યો. ચિદમ્બરમ માનતા હતા કે તેમનો પ્લાન જડબેસલાક છે, પણ હકીકતમાં વીરપ્પન તેમનો બાપ નીકળ્યો. વીરપ્પનને ખબરીઓ દ્વારા તેમના પ્લાનની ગંધ આવી ગઈ. વીરપ્પને તેમને જ પકડી પાડ્યા અને તેમની હત્યા કરીને સનસનાટી મચાવી દીધી અને સૌથી પહેલી વાર તે મીડિયામાં ચમકી ગયો. નૅશનલ લેવલ પર તેને પ્રસિદ્ધિ મળી અને હવે તેની ધાક વધારે બેસી ગઈ.

સરકાર વધારે સજાગ બની ગઈ. વીરપ્પનને ગમે એ રીતે પકડવા માટે એક જવાબદાર સિનિયર IFS ઑફિસર પી. શ્રીનિવાસની નિમણૂક થઈ. આ વખતે શ્રીનિવાસે ખરેખર જડબેસલાક પ્લાન બનાવ્યો અને વીરપ્પનને ઝડપી લીધો, પણ વીરપ્પન તો વીરપ્પન હતો. શેરના માથે સવાશેર. તેના ચાલાક અને ગંદા દિમાગમાં એક તરકીબ આવી. તેણે સખત માથું દુખવાનો ઢોંગ કરીને પોલીસ પાસે માથામાં ચોળવા માટે તેલની માગણી આજીજીપૂર્વક કરી. પોલીસે પલળી જઈને તેલ પૂરું પાડ્યું. વીરપ્પને થોડું માથામાં નાખીને બાકીનું બધું તેલ હથેળીમાં ચોળીને હાથ પર ઘસી નાખ્યું અને ધીમે-ધીમે ચોરીછૂપીથી હાથકડી પર ઘસીને હાથકડી આબાદ રીતે સરકાવી નાખી અને ભાગી છૂટ્યો.

તે ભાગી તો છૂટ્યો, પણ મનમાં શ્રીનિવાસ પર વેર લેવાની ગાંઠ વાળી દીધી. તેણે તેના ભાઈની મદદ લીધી. ભાઈને કહ્યું કે તું શ્રીનિવાસ પાસે જઈને તેને સમજાવ કે હું સરેન્ડર થવા માગું છું, આ પકડદાવથી ત્રાસી ગયો છું. ભાઈ શ્રીનિવાસને મળે પણ છે. શ્રીનિવાસ તેની વાતોમાં આવી જાય છે. પોલીસ આટલી હદે બેવકૂફ હશે એની કલ્પના પણ ન કરી શકાય. છતાં એ સાચું ઠર્યું. શ્રીનિવાસ ૧૯૯૧માં જાતે તેની શરણાગતિ માટે જંગલમાં ટુકડીને લઈને જાય છે અને બન્ને આમનેસામને આવે છે; પણ વીરપ્પન દગો કરીને, ગોળી મારીને તેની હત્યા કરી નાખે છે. એટલેથી તે અટકતો નથી. વેરની આગ તેના મનમાં એવી લાગે છે કે તેણે શ્રીનિવાસનું માથું કાપી નાખી પગથી જાણે ફુટબૉલ રમતો હોય એમ એને ​કિક મારીને તેનો ક્રોધ શાંત કરે છે. આ બનાવથી વીરપ્પનનો ખોફ વધારે ફેલાય છે અને તેના ઘાતકીપણાના ડરથી લોકો તેનાથી દૂર રહેવા લાગે છે.

વીરપ્પને કરોડો રૂપિયા સહેલાઈથી કમાવા માટે ફરીથી અપહરણ કરવાનો શૉર્ટકટ શોધી કાઢ્યો. ગ્રેનાઇટની ખાણના એક માલિકના પુત્રનું અપહરણ કરીને તે એક કરોડ રૂ​પિયાની માગણી કરે છે. બન્ને વચ્ચે વાટાઘાટ ચાલે છે અને ૧૫ લાખ રૂપિયામાં સોદો નક્કી થાય છે.

તામિલનાડુ અને કર્ણાટકની સરકાર પણ હવે વીરપ્પનથી તોબા પોકારી ચૂકી હતી. હવે કોઈ પણ હાલતમાં વીરપ્પનને જીવતો કે મરેલો પકડવા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરે છે. સિનિયર IPS અધિકારી ટી. હરિકૃષ્ણ વીરપ્પનને પકડવાનું બીડું ઝડપે છે.

આપણને સવાલ એ થાય છે કે આટઆટલા ઑફિસરો અને આટઆટલી મહેનત પછી પણ સરકાર સફળ કેમ નથી થતી? દીવા જેવું ચોખ્ખું કારણ છે... લાલચ-તંત્રની ખાયકી. વીરપ્પન એવો શાતિર મગજવાળો માણસ હતો કે જ્યાં-જ્યાં અને જ્યારે-જ્યારે જરૂર પડે ત્યારે પોલીસતંત્રને ભાગીદાર બનાવતો. તે છુટ્ટા હાથે પૈસા વેરતો અને તેના ખબરીઓને પણ મુશ્કેલ સમયમાં મદદ કરવાનું ભૂલતો નહીં. તે જાણતો હતો કે કોની કેટલી કિંમત છે.

ટી. હરિકૃષ્ણે બહુ જ સાવચેતી અને જવાબદારીપૂર્વક વીરપ્પનની ગતિવિધિ પર નજર રાખવા માંડી, પણ ફૂટેલા તંત્રને કારણે એની જાણ પણ વીરપ્પનને થઈ જાય છે. કહેવાય છેને કે પૈસા જેવું કોઈ હથિયાર નથી અને રિશવત જેવો કોઈ રિશ્તો નથી. ૧૯૯૨માં ટી. હરિકૃષ્ણની પણ હત્યા થઈ જાય છે એટલું જ નહીં, હવે તે ભુરાટો બનીને શકીલ અહમદ નામના એક મોટા પોલીસ અધિકારીને પોલીસ-થાણામાં જ ઠાર મારે છે અને સાથે-સાથે બીજા પાંચ પોલીસની પણ હત્યા કરે છે અને એક IPS અ​ધિકારીને પણ ઢાળી દે છે. ખૂનખરાબો જાણે તેને મન એક રમત થઈ ગઈ હતી અને પ્રશાસન માટે માથાનો દુખાવો. પ્રશાસને હવે પોલીસને બદલે BFS એટલે કે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની મદદ લીધી. BFSના તમામ જવાનોને તામિલનાડુ અને કર્ણાટકના જંગલમાં ગોઠવી દીધા, પણ તકલીફ એ થઈ કે BFSના જવાનોને સ્થા​નિક ભાષા બહુ આવડતી નહોતી એટલે તકલીફ થવા લાગી અને BFSના જવાનોની ખુવારી પણ થવા માંડી. છેવટે BFSને હટાવી દેવી પડી.

હવે ફોકસમાં આવે છે ગોપાલ કૃષ્ણ નામનો અધિકારી. તેણે વીરપ્પનને ગિરફ્તાર કરવાનું બીડું ઝડપ્યું. તારીખ હતી ૧૯૯૩ની ૯ એપ્રિલ. ગોપાલ કૃષ્ણ કડક અને એટલો જ નિર્દયી ઑફિસર ગણાતો હતો. તેણે વીરપ્પનને થોડો તંગ પણ કરી નાખ્યો. એક સવારે તેણે ગુસ્સામાં ગોપાલ કૃષ્ણના એરિયા કોલાપુર ગામની આસપાસ ગંદાં, બીભત્સ ગાળો દેતાં પોસ્ટરો દીવાલો પર લગાવીને તેની ઠેકડી ઉડાવી. ગોપાલ કૃષ્ણને પડકારતાં ચૅલેન્જ પણ આપી કે તારામાં તાકાત હોય તો મને પકડી બતાવ.

 આ ચૅલેન્જથી ગોપાલ કૃષ્ણ પણ ઉશ્કેરાયો. તે ૫૩ પોલીસની ટુકડી લઈ જંગલમાં પલાર પુલની આસપાસ જીપ લઈને પહોંચી ગયો. અક્કરમીનો પડિયો કાણો કે તેની જીપ બગડી ગઈ. આવી ઘટનાથી ઘણી વાર મનમાં વિચાર આવે છે કે નસીબ હંમેશાં દુર્જનોને સાથ કેમ આપતું હશે? જીપ બગડતાં ગોપાલ કૃષ્ણ જે બસમાં પોલીસનો કાફલો હતો એમાં બેસી જાય છે. એ બસમાં ૧૫ પોલીસ સાથે ચાર ખબરીઓ પણ હતા. એ બસની પાછળ બીજી એક બસ પણ હતી જેમાં તામિલનાડુના પોલીસ-ઇન્સ્પેક્ટર અશોકકુમાર અને બીજા ૬ પોલીસ હતા.

વીરપ્પનનું નેટવર્ક એવું મજબૂત હતું કે આ બાતમી પણ તેના કાને પહોંચી ગઈ. તેણે પોતાના ખબરીઓનો એવો વિશ્વાસ મેળવ્યો હતો અને સામા પક્ષે પોલીસો એનાથી બમણા વિશ્વાસઘાતી હતા.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki