28 February, 2023 02:33 PM IST | Mumbai | Rashmin Shah
દેશી ઇન્ડિયન ફૂડ જેવી મજા બીજા કોઈ ફૂડમાં નથી
દુનિયાભરનાં ક્વિઝીન ટ્રાય કર્યા પછી આજે તે ટેસ્ટી ફૂડને હેલ્ધી ફૂડ કેવી રીતે બનાવવું એની ટિપ્સ શૅર કરતાં કહે છે, ‘ઇન્ડિયન ફૂડ જેવી મજા બીજે ક્યાંય નથી’
યસ, આઇ ઍમ અ બિગ ટાઇમ ફૂડી. તમે નામ લો અને એ પણ ઇન્ડિયન ક્વિઝીન જ નહીં, દુનિયાના કોઈ પણ ફૂડનું નામ લો; દુનિયામાં હું જ્યાં-જ્યાં પણ ગઈ છું ત્યાંના લોકલ સ્ટ્રીટ ફૂડથી લઈને ત્યાંનું કૉન્ટિનેન્ટલ ફૂડ મેં ટ્રાય કર્યું છે. હું ફરવાની શોખીન છું પરંતુ પણ તમે માનશો નહીં, ફરવાનો પ્લાન બનતો હોય ત્યારે હું મારા આ ફૂડ-ટ્રાય કરવા માટેના પ્લાનનું પણ ખાસ અલગ બજેટ બનાવું છું અને દરેક વખતે એ બજેટ ઘટતું હોય છે! મને ખાવાનો શોખ એટલો કે ફરવાની સાથે ખાવાનું પણ બધું જ ટ્રાય કરવાનું ફિક્સ હોય અને એ ટ્રાય કરવામાં મારે કોઈ કૉમ્પ્રોમાઇઝ ન કરવું પડે એટલે એનું જુદું બજેટ સાથે જ લઈને ચાલવાનું.
નવું-નવું ટ્રાય કરતા રહેવું મને ગમે. હું કહીશ કે જો તમને ખાવાનો શોખ હોય તો તમે જીવનથી ક્યારેય કંટાળો નહીં. લાઇફ તમને હંમેશાં હૅપનિંગ લાગે. ફૂડી હોય તેમનો મૂડ બરાબર કરવાનું કામ પણ બહુ ઈઝી છે. તેમની સામે કંઈક બેસ્ટ ફૂડ આઇટમ મૂકી દો, તેમનો મૂડ સુધરી જશે.
ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ | હું ખૂબ ફરી છું અને સતત ફરતી રહી છું. મારા અનુભવ પરથી કહું છું કે દુનિયામાં સારામાં સારું ફૂડ ટ્રાય કર્યા પછી અને દુનિયાનું તમામ ટાઇપનું સ્ટ્રીટ-ફૂડ ટ્રાય કર્યા પછી પણ ઇન્ડિયન ફૂડ જેવી મજા મને નથી મળી.
આપણે ત્યાં જે લેવલની વરાઇટી અને સ્વાદનાં કૉમ્બિનેશન્સ છે એ કૉમ્બિનેશન રેર ઑફ ધ રૅર છે. દુનિયામાં ક્યાંય તમને આટલી વરાઇટી કે કૉમ્બિનેશન નહીં મળે એની ગૅરન્ટી હું તમને આપીશ અને મારી જેમ બીજા ફૂડ એક્સપર્ટ્સ પણ આપશે. ઇન્ડિયન ફૂડ પછી મારું જો કોઈ ફેવરિટ ફૂડ હોય તો એ થાઇ ફૂડ છે. હા, હું એ પણ કહીશ કે મને હોમ કુક્ડ ફૂડ સૌથી વધારે ભાવે, જેની ક્રેડિટ મારી મૉમને જાય છે. તે ઘરમાં જ એટલું ફૂડ બનાવતાં હોય છે કે બહારનું કંઈ ખાવાનું મન જ તમને ન થાય. જે ઘરમાં પ્રશ્ન ઊભો થતો હોય કે આજે શું બનાવીશું એ ઘરને તમારે ફૂડી માનવું જોઈએ એ પણ મારા એક્સ્પીરિયન્સ પરથી હું તમને કહીશ.
એક અખતરો છે યાદગાર | બહુ પ્રામાણિકતા સાથે કહું છું કે આજ સુધી લાઇફમાં જ્યારે પણ કિચનમાં જે પણ એક્સપરિમેન્ટ કર્યા છે એ બધા જ હૅપી એન્ડિંગ સાથે પૂરા થયા છે એટલે કે ક્યારેય કોઈ વસ્તુ મેં બગાડી નથી. બસ, એક દિવસને બાદ કરતાં. હા, એક વાર મેં મારા જીવનનો સૌથી મોટો છબરડો કિચનમાં કર્યો હતો.
એમાં બન્યું એવું કે કુકિંગમાં હું કંઈક અલગ છું એવા મૂડ સાથે મેં કેક બનાવવાનું શરૂ કર્યું. કેક માટેની તમામ સામગ્રી પણ મગાવી લીધી અને ઘરમાં એક ખાસ મહોલ બનાવી દીધો કે આજે હું કંઈક બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનાવી રહી છું, જે તેમણે ક્યારેય ટેસ્ટ કર્યું નહીં હોય. સંજોગો પણ એવા જ ઊભા થયા કે તેમણે કોઈએ એ પહેલાં એવી વરાઇટી ક્યારેય ખાધી નહોતી! એટલી વાહિયાત કેક બની હતી કે આજ સુધીમાં મેં પોતે પણ એવી કેક જોઈ નથી અને સાચું કહું તો એ કેક ખાઈ શકાય એવી પણ નહોતી બની.
મેં મારી લાઇફમાં અગિયાર વર્ષની ઉંમરે પહેલી વાર દાલ-રાઇસ બનાવ્યાં હતાં એ પણ બેસ્ટ બન્યાં હતાં. એ પછી તો ઘણુંબધું ટ્રાય કર્યું અને એ પણ બધું જ અફલાતૂન બન્યું છે પણ પેલી કેક બનાવતી વખતે કોને ખબર શું થયું કે દરેક લેવલ પર ગરબડો જ થઈ અને છેલ્લે મારે એ કેક બહાર જ ફેંકવી પડી. આ એક બ્લન્ડર સિવાય મારા હાથે કિચનમાં કોઈ બ્લન્ડર થયાં નથી. ટચ વુડ.
હું મોટા ભાગે કંઈ પણ બનાવું તો એમાં આટલી ચમચી આ સામગ્રી નાખવાની અને આટલી ચમચી પેલી સામગ્રી નાખવાની જેવા હિસાબકિતાબ નથી રાખતી. મારું બધું જ કામ અંદાજ પર ચાલે અને એ અંદાજ પર્ફેક્ટ હોય છે.