ફિરોઝ અબ્બાસ ખાન જ પોતાનો રેકૉર્ડ તોડશે

10 September, 2023 03:20 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’થી સારો કોઈ શો ઇન્ડિયામાં બન્યો નથી અને આવતા સમયમાં જો એનાથી ચડિયાતો શો બન્યો તો એ શો પણ અમારા ડિરેક્ટર ફિરોઝભાઈએ બનાવ્યો હશે એની ગૅરન્ટી

ફાઇલ તસવીર

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઇઝેશન ટુ નેશન’ની જે સેકન્ડ સીઝન ૨૧મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે એને મળતા રિસ્પૉન્સની વાત અમારે પહેલાં કરવી છે.

અત્યારથી એની ટિકિટ બુક થવા માંડી છે તો અમુક દિવસોના શો તો હાઉસફુલ પણ થઈ ગયા છે. અમે વારંવાર કહીશું કે આ શો જોવો એ એક એવો લહાવો છે જે તમે મહિનાઓ સુધી અને કદાચ વર્ષો સુધી ભૂલી નથી શકવાના. લાઇવ એન્ટરટેઇનમેન્ટનો એક્સ્પીરિયન્સ આમ પણ લેવા જેવો હોય છે, પણ ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ની વાત જુદી છે. એટલા માટે નહીં કે એ શો સાથે અમે જોડાયેલા છીએ. ના, બિલકુલ નહીં. ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ સાથે જોડાવું એ ખરેખર અમારાં સદ્ભાગ્ય છે કે અમને એ તક મળી અને એ વાત પણ કહેતાં અમે ખચકાટ નહીં અનુભવીએ કે આ શો સાથે જો જોડાવા ન મળ્યું હોત તો અમને દુ:ખ થયું હોત અને એ દુ:ખ વચ્ચે પણ અમે બધાને એ શો જોવા માટે આગ્રહ કરતા હોત. આપણા ગુજરાતી કવિ મકરંદ દવેએ બહુ સરસ કહ્યું છે, ગમતાંને ન ગૂંજે ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ. આ એક એવો જ શો છે જેનો ગુલાલ કરવાનું મન થાય. અમે કહીશું કે જેને ડાન્સમાં ઇન્ટરેસ્ટ હોય એ આ શો જોવા ખાસ જાય અને ધારો કે તમને ડાન્સમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય, તમને ડાન્સ આવડતો પણ ન હોય અને ડાન્સ જોવો પણ ન ગમતો હોય તો-તો તમે ખાસ જાઓ.

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ ડાન્સ ફૉર્મમાં ભારતના ભવ્ય ઇતિહાસની વાત કહે છે. એ ઇતિહાસની વાત જે આપણે ક્યાંય નથી સાંભળી. અહીં વેદની પણ વાત છે અને પુરાણોની પણ વાત છે. અહીં મહાભારતની વાત પણ છે અને અહીં રામાયણની પણ વાત છે. અહીં ભારતના દરેક ધર્મને સમાવવામાં આવ્યા છે તો એ ધર્મ સાથે સંકળાયેલા દરેક સંપ્રદાયને પણ અહીં પ્રાધાન્ય મળ્યું છે. અમારા ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાને આ શો માટે મહિનાઓ સુધી તો રિસર્ચ કર્યું હતું અને એ રિસર્ચ પછી તેમણે આ આખા શોને ડિઝાઇન કર્યો હતો.

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ જે પ્રકારનો શો બન્યો છે એ સ્તર પર હવે આપણે ત્યાં બીજો કોઈ શો બનશે કે કેમ એની અમને શંકા છે અને એ જ શંકાની સાથોસાથ અમને અંદરથી વિશ્વાસ છે, પૂરી ખાતરી છે કે આ શોથી પણ વધારે હાઈ લેવલનો શો જો કોઈ કરી શકે તો એ ફિરોઝસર છે. ફિરોઝસર આજના મહેન્દ્ર જોષી છે, એ આજના કે. આસિફ છે અને અમારી વાતમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. ફિરોઝસરે ડિરેક્ટ કરેલા ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ જ નહીં, અગાઉ તેમણે ડિરેક્ટ કર્યું હતું એ ‘મુગલ-એ-આઝમ’ પણ જોશો તો તમને ખબર પડશે કે એ કયા સ્તરનું વિઝન ધરાવે છે. આ જ સ્તરનું વિઝન અમે સંજય લીલા ભણસાલીમાં જોયું છે. ફ્રેમ પર શું દેખાશે અને એ જે દેખાશે એ કેટલી સેકન્ડ માટે સ્ક્રીન પર રહેશે એ આપણે વિચારી પણ ન શકીએ, પણ શૂટ ચાલુ થતાં પહેલાં તેમના માઇન્ડમાં એ વાત ક્લિયર હોય. આ જે વિઝન છે, આ જે દૃષ્ટિકોણ છે એ કુદરતની બક્ષિસ કહેવાય; જે ભાગ્યે જ લોકોને મળતી હોય છે.

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ સાવ જ સીધેસીધો શો નથી આવી રહ્યો. એમાં અમુક ચેન્જ પણ થઈ રહ્યા છે, જે ચેન્જ હવેના દિવસોમાં થનારા શોમાં જોવા મળશે અને એને લીધે શો એક નવી ઊંચાઈ પર પહોંચશે. ગરબાની વાત કરીએ તો ગરબામાં પણ અમુક નવાં સ્ટેપ્સથી માંડીને અમુક નવી સ્ટાઇલ ઉમેરાશે, જેને લીધે એના રિધમથી માંડીને એની ઝડપ એમ બધામાં બહુ મોટો ફરક જોવા મળશે.

columnists nmacc