લોખંડ કે ઍલ્યુમિનિયમનું મંદિર ક્યારેય ન બને

31 March, 2024 03:02 PM IST  |  Mumbai | Chandrakant Sompura

ભગવાનને તમે કીમતી ચીજવસ્તુ ન આપો તો ચાલે, પણ અપવિત્રની યાદીમાં આવતી સામગ્રીની આઇટમ તો ન જ આપવી જોઈએ

મંદિર

ગયા રવિવારે આપણે ઘરમંદિરની વાતો કરી, પણ એ વાતો વચ્ચે એક અગત્યની વાત કહેવાની રહી ગઈ જે છે મંદિર શાનું હોવું જોઈએ?

એક વાત હંમેશાં યાદ રાખવી કે ભગવાન ક્યારેય કોઈ કીમતી ચીજવસ્તુ માગતા નથી, પણ એનો અર્થ એવો પણ નથી કે ભગવાનને તમે અપવિત્રની યાદીમાં આવતું કંઈ પણ ચડાવી દો. ભગવાનના ધામમાં કિંમત મહત્ત્વની નથી, પણ પવિત્રતા બહુ મહત્ત્વ રાખે છે. અપવિત્ર ચીજવસ્તુની યાદીમાં જો સૌથી ઉપર કંઈ આવતું હોય તો એ લોખંડ છે અને એના પછીના સ્થાને જો કોઈ મેટલ આવતી હોય તો એ ઍલ્યુમિનિયમ છે. ઘરનું મંદિર જો માર્બલનું હોય તો એ સૌથી સારું અને એ માર્બલ પણ જો સફેદ કલરનો હોય જેમાં કાળા રંગની કોઈ ઝાંય ન હોય તો એ ઉત્તમ. માર્બલનાં મંદિર બહાર તૈયાર મળતાં હોય છે, પણ હું કહીશ કે બહારથી એ રેડી ખરીદવાને બદલે જો એ તમારી જરૂરિયાત મુજબનું બનાવવામાં આવે તો સર્વોત્તમ. ધારો કે તમને તમારી જરૂરિયાત મુજબનું તૈયાર મંદિર મળી જાય તો એમાં પણ કશું ખોટું નથી, પણ તૈયાર મંદિર ઘરે લઈ આવ્યા પછી બે કાર્ય ખાસ કરવાં જોઈએ. એક, મંદિરને ગંગાજળના છૂટ પાણીથી બરાબર પવિત્ર કરવું. જો ગંગાજળ પૂરતી માત્રામાં ન મળે તો હોય એટલું ગંગાજળ અને ગૌમૂત્ર દ્વારા એને પવિત્ર કરવું અનિવાર્ય છે. પવિત્રતા આપ્યા પછી જ એ મંદિર વપરાશમાં લેવું.
હવે પ્રશ્ન એ આવે કે માર્બલનું મંદિર રાખવું અઘરું પડતું હોય તો શું કરવું?

મુંબઈ જેવા શહેરમાં ઘરમાં મંદિર માટે કોઈ ખાસ જગ્યા ન આપી હોય અને દીવાલમાં મંદિર ગોઠવવાનું હોય તો સ્વાભાવિક છે કે માર્બલનું મંદિર દીવાલમાં લગાડવાનું સહેલું નથી તો ઘણી વાર એવું પણ બને કે ઘર ઉપરના ફ્લોર પર હોય અને માર્બલનું મંદિર બહારથી લાવવું-લઈ જવું સરળ ન હોય એટલે પણ મંદિર માટે બીજું કયું મટીરિયલ વાપરી શકાય એવું પણ પૂછવાનું મન થાય તો માર્બલ સિવાય જો મંદિર બનાવવું હોય તો એ લાકડાનું બનાવવું જોઈએ.

સાગવાન કે સીસમ જેવા લાકડાનું મંદિર બનાવી શકાય. છેલ્લા થોડા સમયથી સવનના લાકડામાંથી પણ મંદિર બનાવવામાં આવે છે. સવનના લાકડાનું શાસ્ત્રોમાં બહુ મહત્ત્વ છે, પણ એ લાકડાને ઓળખતાં આવડવું જોઈએ. સવન અને સીસમની વાત કરું તો સવનનું લાકડું પ્રમાણમાં ઘણું નરમ કહેવાય અને એની સામે સીસમ અને સાગવાનનું લાકડું મજબૂત છે એ આપણે સૌ જાણીએ જ છીએ.

જો લાકડાને મઢાવવાનો વિચાર કર્યો હોય તો પછી સીસમ કે સાગવાનનું જ મંદિર બનાવવાની હું સલાહ આપીશ. ઘણા લોકો આ મંદિરને પોતાની ક્ષમતા મુજબ સોના કે ચાંદીથી મઢી લેતા હોય છે જે સારી વાત છે. આજે ઘણાંખરાં મંદિરોમાં અંદરના ભાગને સોના અને ચાંદીથી મઢવામાં આવ્યો હોય છે. સ્વામીનારાયણ મંદિરમાં તો અંદરના ભાગમાં સોનું મઢવામાં આવ્યું હોય એ જોવા મળે જ છે એટલે જો તમારે સોનું કે ચાંદી જેવી ધાતુથી મંદિર મઢાવવું હોય તો સાગ કે સીસમના લાકડામાં મંદિર બનાવજો, એની આવરદા લાંબી રહેશે.

આગળ કહ્યું એમ ઍલ્યુમિનિયમને પવિત્ર ધાતુ ગણવામાં નથી આવતી. અમારી વાત કરું તો આજ સુધીમાં અમે ક્યારેય કોઈ મંદિરમાં ઍલ્યુમિનિયમનો ઉપયોગ કર્યો નથી. લોખંડનો ઉપયોગ પણ અમે સતત ટાળ્યો છે; પણ બજારમાં છેલ્લા થોડા સમયથી લાકડા પર ઍલ્યુમિનિયમનું જડતર કરી, એને ઑક્સિડાઇઝ પૅટર્ન આપીને તૈયાર કરેલાં મંદિરો વેચાતાં મળતાં હોય છે.

તમે તમારા વડીલોને પૂછશો તો તેઓ પણ કહેશે કે ઍલ્યુમિનિયમનો ક્યારેય વપરાશ કરવો ન જોઈએ. પહેલાંના સમયમાં તો લોકો ઍલ્યુમિનિયમનાં વાસણો વાપરવા કે ખરીદવામાં પણ નાનપ અનુભવતા. અયોધ્યાના રામલલાના મંદિરમાં લોખંડનો નામમાત્ર ઉપયોગ થયો નથી તો અનેક એવાં બીજાં મંદિરો પણ અમે બનાવ્યાં છે જેમાં લોખંડનો ઉપયોગ કર્યો ન હોય. તમે પોતે મંદિરો જોશો તો તમને એમાં જોવા મળશે કે ત્યાં લોખંડ કે ઍલ્યુમિનિયમ ધાતુની બનેલી કોઈ ચીજ નહીં હોય. તાંબું, પિત્તળ, સોનું, ચાંદી જેવી ધાતુઓનો ઉપયોગ મંદિરમાં થયો હોય. ઘરમંદિરમાં પણ આ નિયમનો ઉપયોગ કરવો જોઈએ અને લોખંડ કે ઍલ્યુમિનિયમનો ઉપયોગ દૃઢતાપૂર્વક ટાળવો જોઈએ. ઘણા લોકોને ખબર નથી હોતી એટલે તેઓ ઘરમંદિરમાં દીવો અને અગરબત્તીનું સ્ટૅન્ડ પણ સ્ટીલનું રાખતા હોય છે જે સારું નથી. અગરબત્તીના સ્ટૅન્ડના માટીના બનેલા સ્ટૅન્ડ પેલા સ્ટીલના સ્ટૅન્ડ કરતાં ઘણાં સારાં અને હવે એવાં સ્ટૅન્ડ મોટા ભાગની અગરબત્તી સાથે ફ્રીમાં આપે છે તો દીવો પંચધાતુનો વાપરવામાં આવે તો એ સારું પરિણામ આપે છે. ટૂંકમાં કહેવાનું એટલું જ કે ઘરમંદિરમાં કશું મોંઘું નહીં વાપરો તો ચાલશે, પણ ઘરમંદિરને અપવિત્ર કરે એવી ચીજવસ્તુનો વપરાશ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું.

columnists gujarati mid-day