ગાડી બુલા રહી હૈ, સીટી બજા રહી હૈઃ ટૉય ટ્રેનથી લઈને બુલેટ ટ્રેનનાં સપનાં

12 November, 2024 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેરલથી માથેરાનની ટૉય-ટ્રેન ફરી શરૂ થઈ ગઈ છે. સ્ટીમ એન્જિનથી ચાલતી આ રમકડાંગાડીની સફરની અનેરી મજા છે. ૧૯૦૭માં આ ટ્રેનને શરૂ કરવાનો યશ સર અબ્દુલ હુસેન આદમજી પીરભૉયને જાય છે.

પ્રતીકાત્મક તસવીર

હમણાં જ સમાચાર વાંચવામાં આવ્યા કે નેરલથી માથેરાનની ટૉય-ટ્રેન ફરી શરૂ થઈ ગઈ છે. સ્ટીમ એન્જિનથી ચાલતી આ રમકડાંગાડીની સફરની અનેરી મજા છે. ૧૯૦૭માં આ ટ્રેનને શરૂ કરવાનો યશ સર અબ્દુલ હુસેન આદમજી પીરભૉયને જાય છે. ફક્ત ૨૦ કિલોમીટરની જ સફર, પણ ચારે તરફના કુદરતી સૌંદર્યને માણવા માટે જ આ બાપુગાડી ધીમે-ધીમે ચાલે છે. હવે તો એમાં વિસ્ટાડોમ કોચ પણ  જોડવામાં આવ્યો છે જેથી તમે આકાશી સૌંદર્ય માણી શકો (પણ તડકો ન હોય તો જ). ફક્ત ૧૬ લાખના કુલ ખર્ચમાં શરૂ થયેલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી આ નૅરોગેજ ટ્રેનની સફર તો છે બે જ કલાકની, પણ યાદગીરી કાયમની. યાદ રાખવા માટેનું બીજું એક રોમૅન્ટિક કારણ પણ છે. રૂટમાં આવતી એક જ ટનલ. અને એ ટનલ પણ એટલી નાની કે એનું નામ જ છે વન કિસ ટનલ. આ ટ્રેનને સ્થાનિક લોકો ‘ફૂલરાણી’ કહે છે (એ નામનું એક નાટક એશિયાટિક સોસાયટીની સામે આવેલા હૉર્નિમન સર્કલ ગાર્ડનમાં મોડી સાંજે ખુલ્લા આકાશ નીચે જોયાનું યાદ આવે છે). એ વખતના મુંબઈના ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટને હિલ-સ્ટેશન તરીકે જેને વિકસાવવાનો પાયો ૧૯૦૪માં નાખેલો એ માથેરાનને આજે ૧૨૦ વર્ષ થયાં એમ કહી શકાય.

ટ્રેનની વાત નીકળી જ છે તો પુણેમાં હો તો જોશી`ઝ મિનિએચર ટ્રેન મૉડલ્સનો અડધા કલાકનો લાઇવ શો જોવા જેવો છે. આખું શહેર ઊભું કર્યું છે. ઉપરાંત દિન્યાર આંટિયા નામના પાકા રેલ-ઍન્થુઝિએસ્ટે તો તેમના પુણેના ઘરમાં ચારે દીવાલ પર ટ્રૅક બિછાવી મિનિએચર ટ્રેન દોડતી રાખેલી (યુટ્યુબ પર એમનો વિડિયો જોઈ શકાય છે ). વેસ્ટર્ન રેલવેનું ચર્ચગેટ ખાતેનું રેલ-મ્યુઝિયમ પણ જોવા લાયક છે. તો વળી મેટ્રો અને મોનોરેલના જમાનામાં લગભગ ૧૦૦ વર્ષ પહેલાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શેઠ ગંગારામ અગરવાલે શરૂ કરેલી લાકડાના પાટિયા પર લાકડાની બેન્ચ પર મુસાફરોને બેસાડતી ડબ્બા વગરની ખુલ્લી અને ઘોડા દ્વારા ખેંચાતી ટ્રેન હજી પણ ચાલુ છે એવું જાણવામાં આવ્યું છે.

એ દિવસો બહુ દૂર નથી કે માથે ‘રાન’ (જંગલ) જેવા હિલ-સ્ટેશનની બે કલાકની બાપુગાડીની ધીમી સફરની મજા લેવા અમદાવાદીઓ ઝૂમ કરતાંક બુલેટ ટ્રેનમાં બે જ કલાકમાં મુંબઈ આવશે, માથેરાન આખું ફરશે અને સાંજે પાછા બે જ કલાકમાં ઘરે પહોંચી હીંચકે ઝૂલતા હશે.

એ બુલેટ ટ્રેન માટે અત્યારે તો આપણે કહેવું પડે કે મેરે સપનોં કી રાની કબ આએગી તૂ?  -યોગેશ શાહ

matheran bullet train western railway indian railways travel travel news mumbai travel Sociology columnists