સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે

14 May, 2023 04:21 PM IST  |  Mumbai | Aashutosh Desai

પાકિસ્તાનમાં અત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાનની ઇર્દગિર્દ જે ડ્રામા ચાલી રહ્યો છે એમાં મિયાં ઇમરાન ખાનને દેશના આંતરિક રાજકારણ કરતાં બેફામ બફાટથી હાથે કરીને વહોરેલો મિત્ર દેશોનો ખોફ વધુ પજવી રહ્યો છે

ફાઇલ તસવીર

પાકિસ્તાનમાં અત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાનની ઇર્દગિર્દ જે ડ્રામા ચાલી રહ્યો છે એમાં મિયાં ઇમરાન ખાનને દેશના આંતરિક રાજકારણ કરતાં બેફામ બફાટથી હાથે કરીને વહોરેલો મિત્ર દેશોનો ખોફ વધુ પજવી રહ્યો છે.  પાકિસ્તાન એક એવો દેશ છે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક રીતે બદનામ હોવાની સાથે-સાથે અલગ-અલગ કારણોને લીધે અનેક દેશોથી દબાયેલો પણ છે. વિશ્વના ઘણા દેશોને પાકિસ્તાનમાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોવાનો જ

શું તમે કોઈ નાટકનાં રિહર્સલ જોવા ગયા છો? રિહર્સલમાં ઘણી વાર દિગ્દર્શક તેમના કલાકારોને કહેતા હોય છે, ‘ડ્રામો લાવો તમારા અભિનયમાં ડ્રામો...’ બસ, પાકિસ્તાનમાં એક અઠવાડિયાથી આ જ ચાલી રહ્યું છે. ડ્રામો અને બસ ફુલ ડ્રામો! ગયા મંગળવારે ભૂતપૂર્વ ક્રિકેટર અને વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ થઈ, હો-હલ્લા થયો, સરકારી અને બિનસરકારી મિલકતોને નુકસાન થયું, ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી ઇમરાનને છોડી પણ મૂકવામાં આવ્યા અને છૂટતાંની સાથે ફરી કોર્ટમાં હાજર પણ થવું પડ્યું.

રાજકારણના ચોપડે આટલાં વર્ષોમાં પાકિસ્તાનનો એક અનોખો ઇતિહાસ રહ્યો છે. એ દેશ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આજ સુધી એક પણ વડા પ્રધાન પોતાની પાંચ વર્ષની ટર્મ પૂરી નથી કરી શક્યો. આથી જ ૭૫ વર્ષના એ દેશના વર્તમાન વડા પ્રધાન ૨૩મા વડા પ્રધાન છે. એક બીજો અનોખો ઇતિહાસ એ પણ રહ્યો છે કે આજ સુધી જેટલા વડા પ્રધાન બન્યા એમાંના મોટા ભાગના વડા પ્રધાન સત્તા પરથી ઊતર્યા પછી ક્યાં તો તેમનું ખૂન થયું છે, ક્યાં દેશ છોડીને ભાગી જવું પડ્યું છે અથવા ધરપકડ થઈ છે. અને ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાને તેમના દેશનો આ ગૌરવપ્રદ ઇતિહાસ જાળવી રાખ્યો. જોકે ઇમરાને તો આ ઇતિહાસ જાળવી રાખવાની હોડમાં કંઈક વધારે પડતું જ કરી નાખ્યું. રાજકારણના ક્ષેત્રને પણ શરમ આવે એવો એક આંકડો ઇમરાન ખાન સાહેબે પોતાને નામે સુવર્ણ અક્ષરમાં લખાવી લીધો છે. ત્રણ વર્ષ અને આઠ મહિનાના તેમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ખબર નહીં તેમણે શું કર્યું, પણ આજે પાકિસ્તાનમાં તેમની વિરુદ્ધ ૧૨૭ કરતાં પણ વધુ કેસ નોંધાયા છે.

સાવ ટૂંકાણમાં ઘટનાક્રમ વિશેની વાતો કરી લઈએ જેથી ચર્ચા વધુ રસપ્રદ બને. ઇમરાન ખાન વિરુદ્ધ ‘અલ કાદિર ટ્રસ્ટ કેસ’ તરીકે એક ગુનો નોંધાયેલો છે, જેના સંદર્ભે નૅશનલ અકાઉન્ટેબિલિટી બ્યુરો ઑફ પાકિસ્તાન દ્વારા તેમની ગયા મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. આરોપ કંઈક એવો છે કે ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી દ્વારા અલ કાદિર યુનિવર્સિટી સ્થાપવા માટે કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે પચાવી પાડવામાં આવી હતી. આ કેસ અંતર્ગત થયેલા ગોટાળામાં ઇમરાન સહિત બીજા અનેક લોકોની ધરપકડ થઈ છે અને ત્યાર બાદ ઇમરાનના સપોર્ટર્સ દ્વારા જે ધમાલ કરવામાં આવી એમાં ૧,૦૦૦ કરતાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઇમરાન કાગારોળ કરતા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા અને ત્યાં જોકે તેમને મોટી રાહત પણ મળી જ. કોર્ટે કહ્યું કે ‘ઇમરાનની ધરપકડ ગેરકાનૂની છે અને દેશના સંવિધાન વિરુદ્ધની કાર્યવાહી છે એટલે તેમને તરત છોડી મૂકવામાં આવે.’ જોકે મુશ્કેલી એ છે કે આ તો માત્ર એક કેસ છે. બીજા અનેક ગુનાઓ સબબ આવા તો ઇમરાન પર ૧૨૦થી ૧૨૭ કરતાં પણ વધુ કેસ નોંધાયેલા છે. એમાં ટેરરિઝમથી લઈને ગોટાળાઓ અને લાંચરુશવતથી લઈને છેતરપિંડી સુધીના અનેક ગુના નોંધાયેલા છે. જોકે પ્રશ્ન એ થાય કે આટલીબધી લોકચાહના મેળવી ચૂકેલા રાજકારણીને ખુરશી પરથી હટાવી લેવાથી લઈને તેની ધરપકડ કરવા સુધીની આખી ઘટના માત્ર ડોમેસ્ટિક પૉલિટિક્સને કારણે જ તો ન હોય શકે. એમાં પણ પાકિસ્તાન એક એવો દેશ છે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક રીતે બદનામ હોવાની સાથે-સાથે અલગ-અલગ કારણોને લીધે અનેક દેશોથી દબાયેલો પણ છે. વિશ્વના ઘણા દેશોને પાકિસ્તાનમાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોવાનો જ એમાં બે મત નથી. તો પછી એવું તે શું બન્યું કે એવું તે શું ચાલી રહ્યું હશે કે અચાનક આટલી ધાંધલ-ધમાલ ચાલી નીકળી? આ માટે મહત્ત્વના ચાર ઍન્ગલ નજરે પડે છે.

પહેલો ઍન્ગલ

ઇમરાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા હતા ઑગસ્ટ ૨૦૧૮માં અને તેમને ખુરશી પરથી ઉતારી મૂકવામાં આવ્યા હતા એપ્રિલ ૨૦૨૨માં. જોકે હમણાં જે કંઈ બન્યું એનાં મૂળ કારણોમાંનું એકાદ કારણ ૨૦૧૫ની સાલમાં જ જન્મી ચૂક્યું હતું. ૨૦ એપ્રિલ ૨૦૧૫ના રોજ પાકિસ્તાન અને ચીન વચ્ચે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઍગ્રીમેન્ટ સાઇન થયું હતું. ‘ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કોરૉડોર’ જેને વિશ્વ CPEC તરીકે ઓળખે છે. આ ઍગ્રીમેન્ટ અનુસાર પાકિસ્તાનમાં ડેવલપ થનારો આ રેલવે અને રોડ પ્રોજેક્ટ પાકિસ્તાન દ્વારા ફન્ડેડ અને આવતાં આઠ વર્ષમાં પૂરો થઈ જવાનો હતો. મતલબ કે ૨૦૨૩માં. પરંતુ ૨૦૧૮ની સાલમાં ઇમરાન ખાનની સરકારે પાકિસ્તાનનું સુકાન સંભાળ્યું અને ઇમરાન ખાને સીધો જ ઘા કર્યો આ પ્રોજેક્ટ પર અને ઇનડાયરેક્ટ્લી ચીન પર. ઇમરાને એવી જાહેરાત કરી કે CPEC પ્રોજેક્ટમાં ઘણા ગોટાળા થયા છે અને લાંચ લઈને ચીન સાથે કામ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ૨૦૧૮ના ઑગસ્ટ મહિનામાં સરકાર રચાઈ અને સપ્ટેમ્બર મહિનાની નવમી તારીખે ઇમરાન ખાનના કૉમર્સ, ટેક્સટાઇલ, ઇન્ડસ્ટ્રી ઍન્ડ પ્રોડક્શન અને ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર અબદુલ રઝાક દાઉદે લંડનના ફાઇનૅન્શિયલ ટાઇમ્સ સાથેના ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમારા પહેલાંની સરકારે ચીન સાથે CPEC પ્રોજેક્ટ માટે સરખું નિગોશિયેશન નહોતું કર્યું જેને કારણે દેશને ખૂબ મોટું નુકસાન થયું છે. સાથે જ એ પણ જણાવ્યું કે ચીનને અનેક રીતે ટૅક્સ-બેનિફિટ્સ આપવામાં આવ્યા છે અને પાકિસ્તાની કંપનીઓને પણ અન્યાય કર્યો છે અને અમારી સરકાર આ વિશે જરૂરી ઇન્વેસ્ટિગેશન કરશે. 

આટલું ઓછું હોય એમ બળતામાં ઘી હોમવા જેવી બે ઘટનાઓ ઘટી. ૧૪ જુલાઈ ૨૦૨૧ના રોજ ખૈબરથી પખ્તુનખ્વા જતી બસમાં બૉમ્બબ્લાસ્ટમાં ૯ ચાઇનીઝ એન્જિનિયર માર્યા ગયા. ૨૦ ઑગસ્ટ ૨૦૨૧ના રોજ ગ્વાદરમાં બીજો એક હુમલો થયો જેમાં બે ચાઇનીઝ છોકરાઓ માર્યા ગયા અને બીજા કેટલાક ચાઇનીઝ સિટિઝન્સ ઇન્જર્ડ થયા. વડા પ્રધાનનું નિવેદન, તેમના સલાહકારનો ઇન્ટરવ્યુમાં બફાટ અને ત્યાર બાદ ચાઇનીઝ નાગરિકની આ રીતે પાકિસ્તાનમાં હત્યા. ચીન આ બધાં કારણોને લીધે પાકિસ્તાન પર જબરદસ્ત ગુસ્સે થવાનું જ હતું.

બીજો ઍન્ગલ 

બીજી તરફ અમેરિકાનો પાકિસ્તાન માટેનો પ્રેમ વિશ્વમાં કોઈથી અજાણ્યો નથી. ઇમરાને ટીવી-ચૅનલો અને ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ્સ પર કહેવા માંડ્યું કે અમેરિકા અમને ‘ભાડે રાખેલી બંદૂક’ની જેમ વાપરે છે. ‘પાકિસ્તાન સાથે અમેરિકાનો સંબંધ આત્મસન્માન વિનાનો છે. અમેરિકા પાકિસ્તાનને એનું નોકર ગણે છે.’ આવાં અનેક નિવેદનો ઇમરાન ખાને વડા પ્રધાન તરીકે અમેરિકાની પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સર્વિસ સાથેના ઇન્ટરવ્યુમાં કર્યાં હતાં. ત્યાર બાદ જ્યારે ખુરશી પરથી તેમને ઉતારી મૂકવામાં આવ્યા ત્યારે ભાન થયું કે કંઈક વધુ પડતો જ બફાટ થઈ ગયો હતો. આથી ગયા એપ્રિલ મહિનામાં અમેરિકાના જ ફાઇનૅન્શિયલ ટાઇમ્સ સાથેના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ‘પાકિસ્તાન સાથે અમેરિકાના સારા સંબંધો વર્ષોથી રહ્યા છે અને જો હું ચૂંટણીમાં ફરી જીત્યો તો આ સંબંધો વધુ ગાઢ કરવાનો પ્રયત્ન કરીશ.’

એમાં વળી આમેય અફઘાનિસ્તાનની ઘટના (૨૦૨૧, ઇમરાનના કાર્યકાળ દરમિયાન જ) દરમિયાન પાકિસ્તાને તાલિબાનીઓને જે પાછલા બારણેથી શરણ આપી હતી અને ચાઇનીઝ પ્રેશરને કારણે અમેરિકાને પાકિસ્તાનની ધરતીનો જોઈએ એટલો ઉપયોગ નહોતો કરવા દીધો એનો ખટકો તો અમેરિકાના મનમાં હતો જ. આ રીતે ચીન સાથેના સંબંધો પર ઇમરાન પેટ્રોલ છાંટીને માચીસ મારી ચૂક્યા હતા અને હવે અમેરિકા સાથેના સંબંધો પર પણ તેમણે ડીઝલ છાંટવા માંડ્યું હતું. જ્યારે સમજાયું કે બહુ મોટી ભૂલ થઈ ગઈ. ત્યાં સુધીમાં બધું બળીને ખાક થઈ ચૂક્યું હતું.

જોકે અમેરિકાની પણ મજબૂરી હતી. પાકિસ્તાન સામેની નારાજગી તે સામા મોઢે દેખાડી શકે એમ નહોતું, કારણ કે એક તરફ ચીન પાકિસ્તાનમાં ડેવલપમેન્ટ કરવાના નામે બેલ્ટ ઍન્ડ રોડ પ્રોજેક્ટ (BRI) અને CPEC પ્રોજેક્ટ દ્વારા પોતાના દેશથી સિલ્ક રૂટ સુધીનું ઍક્સેસ ખૂબ આસાનીથી મેળવી રહ્યું હતું. સાથે જ ગ્વાદર પોર્ટ જેવા પ્રોજેક્ટ્સ અને સસ્તી લોન આપીને પાકિસ્તાનને પોતાના દબાણ હેઠળ લાવી રહ્યું હતું. તો બીજી તરફ અમેરિકા પણ ઇન્ડિયન ઓશન અને એશિયન ઓશનમાં ચીન સામે મજબૂત સ્થિતિ બનાવવા માટે ભારત, શ્રીલંકા, મૉલદીવ્સ અને બંગલા દેશને અનેક રીતે મદદ કરીને ગાઢ સંબંધો બનાવી રહ્યું હતું. ચીનને બધી તરફથી ઘેરવાની અમેરિકાની આ સ્ટ્રૅટેજીમાં પાકિસ્તાન એક મહત્ત્વનો દેશ હતો. મિલિટરી મદદથી લઈને આર્થિક મદદ સુધીના તમામ પ્રયાસો દ્વારા અમેરિકા પણ પાકિસ્તાનને પોતાનાં અહેસાનો હેઠળ રાખવા માગતું હતું. આથી જાણે યુએસ કોઈક એવી તકની રાહ જોઈને બેઠું હતું જ્યારે સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે.

ત્રીજો ઍન્ગલ

પાકિસ્તાનને ભંડોળની પણ જરૂર છે અને મિલિટરી મદદની પણ. આ બંને બાબતોમાં મુખ્યત્વે ત્રણ મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશ તેને મદદ કરી શકે - અમેરિકા, ચીન અને રશિયા. આથી ચીન અને અમેરિકા બાદ પાકિસ્તાને રશિયા તરફ નજર કરવા માંડી. રશિયા માટે પણ જિયોપૉલિટિકલ સિચુએશનના આધારે પાકિસ્તાન મહત્ત્વની કડી બની શકે એમ હતું. ચીનનો BRI પ્રોજેક્ટ એને દક્ષિણ એશિયામાં પગપેસારો કરવા માટે અને રશિયા-ચીન બાયલેટરલ ઍગ્રીમેન્ટ માટે ખૂબ મહત્ત્વનો સાબિત થઈ શકે એમ હતું. તો વળી બીજી તરફ રશિયાનો સૌથી જૂનો અને સૌથી વિશ્વાસુ મિત્ર ભારત હવે ધીરે-ધીરે રશિયા પરની ડિપેન્ડન્સી ઘટાડીને આત્મનિર્ભર બની રહ્યો હતો. અધૂરામાં પૂરું, યુરોપના દેશો અને અમેરિકા દ્વારા રશિયા પર અનેક બંધનો લાદવાની જાહેરાત થવાને કારણે રશિયા ચીનમેડ પાકિસ્તાનમાં સ્થિત ગ્વાદર પોર્ટ એના વ્યાપાર-વાણિજ્ય માટે પણ વાપરી શકે એ શક્યતા રશિયાને દેખાતી હતી. જોકે ભારત સાથેના જબરદસ્ત ગાઢ સંબંધોને કારણે રશિયા ખૂલીને પાકિસ્તાન સાથે નવા સંબંધો સ્થાપિત કરી શકે એમ નહોતું. એમાં વળી મિયાં ઇમરાન ભારત સાથે રશિયાએ કરેલો કરાર જોઈને પોતે પણ સસ્તા તેલની ભીખ માગવા રશિયા પાસે પહોંચી ગયા. રશિયાએ જ્યારે ઍડ્વાન્સ પેમેન્ટની માગણી કરી ત્યારે ઇમરાને વીલા મોઢે ઘરે પાછા ફરવું પડ્યું અને બદલામાં દેશમાં આવી તેમણે રશિયા વિરુદ્ધ પણ બફાટ કરવાનું શરૂ કરી દીધું.

ચોથો ઍન્ગલ

ભારત વર્ષોથી પાકિસ્તાનના પેટના દુખાવા જેવું રહ્યું છે. નોટબંધી, ત્યાર બાદ કાશ્મીરમાં ટેરરિસ્ટબંધી અને અમેરિકા-રશિયા જેવા બે દુશ્મન દેશો સાથે પણ ભારતના સારા સબંધો. આ બધાને કારણે પાકિસ્તાનની હાલત વધુ કફોડી થતી ગઈ. આથી ભારત વિરુદ્ધ પણ ઇમરાન અનેક ધડ-માથા વિનાનાં નિવેદનો કરવા માંડ્યાં. ક્યારેક કહ્યું કે ભારત પાકિસ્તાનમાં ઉપદ્રવ ફેલાવી રહ્યું છે તો ક્યારેક કહ્યું કે ભારતના વડા પ્રધાન વિદેશોમાં જઈને પાકિસ્તાનને બદનામ કરી રહ્યા છે.

આ ચારેય ઍન્ગલને કારણે આખરે પરિસ્થિતિ એ આવીને ઊભી રહી ગઈ કે સીધી કે આડકતરી રીતે કદાચ કોઈ દેશ નહોતો ચાહતો કે ઇમરાન ખાન વડા પ્રધાનના પદ પર કાયમ રહે. જોકે આ બધી થિયરીને તમે અનુમોદન કઈ રીતે આપી શકો? કઈ રીતે કહી શકો કે આ બધા સંદર્ભો સાચા જ છે? તો એ સમજવા માટે આપણે કેટલાક આંકડા અને ઘટનાક્રમને એક કતારમાં ગોઠવવા પડશે.

પાકિસ્તાનની જ ફાઇનૅન્સ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર જૂન ૨૦૧૩ની સાલમાં પાકિસ્તાનનું કુલ દેવું હતું ૪૪.૩૫ બિલ્યન યુએસ ડૉલર. આ કુલ દેવામાં ૯.૩ ટકા દેવું ચીન પાસે મેળવવામાં આવ્યું હતું. એપ્રિલ ૨૦૨૧ની સાલમાં આ દેવું વધીને ૯૦.૧૨ મિલ્યન ડૉલરનું થઈ ગયું, જેમાં ચીન તરફથી મેળવેલું દેવું હતું ૨૪.૭ બિલ્યન ડૉલર. એટલે કે કુલ દેવાંનો ૨૭.૪ ટકા હિસ્સો તો પાકિસ્તાને માત્ર એક દેશ પાસે મેળવ્યો હતો અને એ દેશ હતો ચીન. તો આ પરિસ્થિતિમાં ચીનની પાકિસ્તાન પર પકડ કેટલી હશે એનો અંદાજ આપણે મૂકી શકીએ એમ છે. છતાં ખ્યાલ ન આવતો હોય તો એક રસપ્રદ ઘટનાક્રમ ચકાસવો જોઈએ.

કેવો જબરો યોગાનુયોગ છે કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના ચીફ ઇમરાન ખાનને ગાદી પરથી ઉતારી મૂકવામાં આવ્યા એના એક જ મહિના બાદ ઇસ્લામાબાદની ફૉરેન ઑફિસને એક ઑફર મળી. ચીનએ કહ્યું કે તે પાકિસ્તાનને નજીવા વ્યાજદરે ૨.૩ બિલ્યન ડૉલરની મદદ કરશે. બીજો પણ એક કેવો ગજબનો યોગાનુયોગ કે ઇમરાન ખાનની ધરપકડ થઈ એના બે અઠવાડિયાં પહેલાં જ પાકિસ્તાનના ચીફ ઑફ આર્મી સ્ટાફ સૈયદ અસીમ મુનીર બીજિંગ, ચીનની મુલાકાતે મહેમાન તરીકે ગયા હતા અને ત્રીજો પણ કેવો અજબનો સંયોગ કે ઇમરાન ખાનની અરેસ્ટના ત્રણ જ દિવસ પહેલાં ચીનના ફૉરેન મિનિસ્ટર કવિન ગૅન્ગ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા અને તેમણે આર્મી ચીફ સાથે પણ મુલાકાત કરી હતી.

અને એ પણ કેવું કે કોઈ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનની ધરપકડ થવા પર એના મિત્રદેશ  અમેરિકા તરફથી કોઈ સ્ટેટમેન્ટ જ ન આવે. ઉપરથી અમેરિકન પ્રેસ-કમેન્ટમાં વાઇટ હાઉસ જણાવે કે અમને પાકિસ્તાનની ડેમોક્રસી પર પૂર્ણ વિશ્વાસ છે અને પાકિસ્તાન પોતાના દેશની આંતરિક સુરક્ષા માટે જરૂરી બધું જ કરી શકશે એવી અમને ખાતરી છે. એટલું જ નહીં, પાકિસ્તાનસ્થિત ડિપ્લોમેટ ઑફિસમાં પણ કહેવામાં આવે કે કોઈ પણ અમેરિકન કોઈ ધમાલમાં ન ફસાય અને સુરક્ષિત રહે એની કાળજી લેવામાં આવે. સાથે જ જેટલા મુલાકાતી અમેરિકનોએ પાકિસ્તાન છોડી અમેરિકા આવવું હોય તેમના પ્રવાસનું ત્વરિત આયોજન કરવામાં આવે. અને રશિયા કે ભારત આ વિશે કોઈ નિવેદન જાહેર કરે એવો તો પ્રશ્ન જ નહોતો.

હવે શું?

પાકિસ્તાન કે કદાચ એને આ નિર્ણયોમાં મદદ કરતો દેશ હવે પછીની સ્ટ્રૅટેજી માટે એકદમ ક્લિયર છે. તેમણે ઇમરાન ખાનનું એસેસિનેશન તો નથી કરાવવું, પણ ઇમરાનની પાકિસ્તાનમાં હજીયે જે લોકચાહના છે એને અને ઇમરાનની કરીઅરને જડમૂળથી ખતમ કરી દેવાનો બરાબરનો પ્લાન તૈયાર કરી નાખ્યો છે.

ઇસ્લામાબાદમાં ઇમરાન ખાન વિરુદ્ધ કુલ ૩૧ કેસ નોંધાયેલા છે. ૩૦ કેસ રજિસ્ટર્ડ થયેલા છે લાહોરમાં, ૧૪ કેસ ફૈસલાબાદમાં અને ૧૨ કેસ નોંધાયેલા છે પંજાબ (પાકિસ્તાન)માં. આ સિવાય ૨૨ કેસ ટેરરિઝમ બાબતે રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. ટૂંકમાં, આખું પાકિસ્તાન મળી કુલ ૧૨૭ જેટલા કેસ હાલના તબક્કે ઇમરાન ખાન વિરુદ્ધ છે. મતલબ કે ઑક્ટોબર મહિનામાં થનારી ચૂંટણી તો ભૂલી જાવ; ઇમરાન મિયાંને કોર્ટ-કચેરી, પોલીસ સ્ટેશન અને જેલની મુલાકાતોમાંથી સમય મળે અને ફ્રેશ થવા માટે એકાદ ઓવર બોલિંગ કે બૅટિંગ કરી શકે તો પણ ઘણું, કારણ કે પાકિસ્તાનનો કાયદો ભારત જેવો નથી. ભારતનું કાયદાશાસ્ત્ર કહે છે કે ‘જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ છે!’ જ્યારે પાકિસ્તાનનું કાયદાશાસ્ત્ર કહે છે કે ‘જ્યાં સુધી નિર્દોષ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપી ગુનેગાર છે!’

એક કારણ એ પણ ખરું કે ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સર્વેસર્વા એકમાત્ર ઇમરાન ખાન જ છે. તેમણે સેકન્ડ જનરેશન તરીકે અથવા સક્સેસર તરીકે પાર્ટીના બીજા કોઈ લીડરને ઊભો થવા દીધો જ નથી. આથી હવે પાકિસ્તાનની હાલની સરકાર અને પાકિસ્તાન આર્મીએ એવો માંચડો તૈયાર કરી નાખ્યો છે કે કાયદાકીય દૃષ્ટિએ ઇમરાન ખાનની પાર્ટીનું અસ્તિત્વ જ ન રહે અને ઇમરાન ખાનની પોતાની કોઈ પૉલિટિકલ કરીઅર જીવિત ન રહે. કદાચ પડદા પાછળ રહીને પાકિસ્તાનને આ સ્ટ્રૅટેજી ઘડી આપનારને ભારતની પેલી કહેવત બરાબર ખબર હતી કે ‘સાપ ભી મર જાયે ઔર લાઠી ભી ન ટૂટે.’

જોકે એક વાત ખરેખર સ્વીકારવી પડે કે પાકિસ્તાન અને એની પ્રજા ખરેખર હોશિયાર તો ખરી. સામાન્ય જનતાનું બુદ્ધિચાતુર્ય જબરદસ્ત કહેવાય. ભલે તેમનો લીડર કોરોનાકાળની પરિસ્થિત સંભાળી ન શક્યો હોય, ભલે દેશને દેવાના કૂવામાં ઊંડે ગરકાવ કરી દીધો હોય, ભલે પાડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક દેશો સાથેના સંબંધોનું દેવાળું ફૂંક્યું હોય છતાં પણ હજી આજેય એમને એ લીડર એટલો વહાલો છે કે તેની ધરપકડ થાય તો હુલ્લડો કરે છે, દેશની મિલકત સળગાવી મૂકી દેશને ફાયદો કરાવે છે અને તે લીડર માટે ઝિંદાબાદ, ઝિંદાબાદના નારા પણ બોલાવે છે.  

columnists pakistan imran khan