એક ટૂર ઐસી ભી

27 September, 2024 09:43 PM IST  |  Mumbai | Laxmi Vanita

ગુજરાતીઓ પ્રવાસના શોખીન છે ત્યારે પ્રવાસ કેવો હોવો જોઈએ એનું જીવંત ઉદાહરણ ગણાતી મુંબઈની એક એવી મમ્મીને મળીએ જેણે કુદરતને ચોખ્ખી રાખવા એકદમ નાનાં બાળકો અને તેમની મમ્મીઓ માટે નેચર ટ્રિપનું આયોજન શરૂ કર્યું જ્યાં નેચર ચોખ્ખું રાખવાના પાઠ પણ ભણાવાય છે.

નેહલ શાહ

જસ્ટ પ્રવાસ કરવો અને કુદરત પ્રત્યેની આપણી જવાબદારીઓની સભાનતા સાથે પ્રવાસ કરવો એ બન્ને જુદી વાત છે. ગુજરાતીઓ પ્રવાસના શોખીન છે ત્યારે પ્રવાસ કેવો હોવો જોઈએ એનું જીવંત ઉદાહરણ ગણાતી મુંબઈની એક એવી મમ્મીને મળીએ જેણે કુદરતને ચોખ્ખી રાખવા એકદમ નાનાં બાળકો અને તેમની મમ્મીઓ માટે નેચર ટ્રિપનું આયોજન શરૂ કર્યું જ્યાં નેચર ચોખ્ખું રાખવાના પાઠ પણ ભણાવાય છે. આજે વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે સાઉથ મુંબઈમાં રહેતી નેહલ શાહ અને તેણે શરૂ કરેલા ‘હાર્ટ ઍન્ડ સૉઇલ’ ગ્રુપની વિશેષતાઓ જાણીએ

વિશ્વમાં ૬૩ પ્રકારનાં ટૂરિઝમ છે, પરંતુ ભારતમાં છેલ્લાં અમુક વર્ષોમાં જ ઍડ્વેન્ચર ટૂરિઝમ વિકસ્યું છે. ભારતના ઓછા જાણીતા એવા રિમોટ વિસ્તારોને એક્સપ્લોર કરવાનું મોખરે છે જેમાં હિમાચલ પ્રદેશ, સિક્કિમ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. એ સિવાય ભારતમાં બીચ ટૂરિઝમ એટલે કે દરિયાકિનારા હોય એ શહેરોમાં પ્રવાસીઓનો ધસારો, કલ્ચરલ ટૂરિઝમ, ઈકો ટૂરિઝમ, મેડિકલ ટૂરિઝમ, સસ્ટેનેબલ ટૂરિઝમ અને વાઇલ્ડલાઇફ ટૂરિઝમ વધારે જાણીતાં થયાં છે. એમાંથી આજે વાત કરીએ સસ્ટેનેબલ ટૂરિઝમ પર. એવું તમારી સાથે પણ બન્યું હશે જ્યારે બહુ જાણીતાં પ્રવાસ સ્થળો પર પહોંચ્યા પછી ત્યાંની ગંદકી જોઈને મન ખાટું થઈ ગયું હોય. મોટા ભાગના લોકો આ પરિસ્થિતિમાં આવું કરનારા લોકોને ગાળો આપીને આગળ વધતા હોય છે, પરંતુ પોતે એ સ્થિતિને બદલવા કંઈ કરતા નથી અથવા તો ઘણા કેસમાં તો બીજાને ગાળો આપનારા લોકો પોતે પણ જે-તે જગ્યાએ પ્લાસ્ટિકની બૉટલ કે નાસ્તાનું રૅપર ફેંકતાં ખચકાતા નથી. જોકે સાઉથ મુંબઈમાં મહાલક્ષ્મીમાં રહેતી નેહલ શાહ આનાથી જુદી છે. ૧૦ વર્ષના દીકરાની વર્કિંગ મધર અને ટ્રાવેલિંગની શોખીન નેહલને પોતાની ટૂર દરમ્યાન જોયેલી ગંદકી એટલી ખટકી ગઈ કે નવી પેઢીને આના પ્રત્યે સભાન બનાવવાનું પ્રણ તેણે લીધું અને ભવિષ્યમાં બાળકોને નેચર પ્રત્યે સંવેદશીલ બનાવવા માટે ‘હાર્ટ ઍન્ડ સૉઇલ’ નામનું ગ્રુપ શરૂ કર્યું. આ એવું ગ્રુપ છે જેમાં મમ્મીઓ તેમનાં બહુ જ નાનાં બાળકોને નેચર ટ્રિપ પર લઈ જાય અને તેમને નેચરને સ્વચ્થ રાખવા માટે શું કરવું જોઈએ એનું  પ્રૅક્ટિકલ જ્ઞાન આપે છે. આજે વર્લ્ડ ટૂરિઝમ ડે નિમિત્તે મળીએ એક એવી અનોખી નેચરલવરને જેણે ટૂરિઝમ સાથે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ક્રાન્તિકારી રીતે ભેળવી દીધો છે. 

પરિવારની પર્યાવરણની શીખ 
મુંબઈમાં જ જન્મેલી અને ઊછરેલી મીડિયા પ્રોફેશનલ અને નેચર આધારિત ટ્રાવેલિંગ એક્સ્પીરિયન્સ કરાવતા ‘હાર્ટ ઍન્ડ સૉઇલ’ ગ્રુપની ફાઉન્ડર નેહલ શાહ કહે છે, ‘હું નાની હતી ત્યારે મેં મારા દાદા- પપ્પાને વૃક્ષો અને પ્રાણીઓે બચાવતા જોયા હતા. અમે ત્યારે મરીન લાઇન્સ પર રહેતા. પરિવાર સાથે બગીચા અને નેચર પાર્કમાં ફરવાને કારણે મને પ્રાણી અને પક્ષીઓ પ્રત્યે પણ પ્રેમ જાગ્યો. ૨૦૦૭માં મારા સહકર્મચારીને કારણે હું હાઇકિંગ કરતી થઈ હતી. પછી તો મેં વેસ્ટર્ન ઘાટને ફંફોળી નાખ્યો. આખું અઠવાડિયું કામ કરો અને વીક-એન્ડમાં જો સક્રિય ન હો તો આળસુ બની જાઓ છો. એટલે વીક-એન્ડમાં આવી રીતે મુંબઈની આસપાસ નિયમિત કંઈક એક્સપ્લોર કરતી હતી. ૨૦૧૪માં મારા દીકરાના જન્મ પછી આ નેચર ઍડ્વેન્ચર ટ્રિપ બંધ થઈ ગઈ.’ 

અઢી વર્ષના દીકરા સાથે હાઇકિંગ
મારા દીકરાના જન્મ પછી મારે તેને નેચર સાથે કનેક્ટ કરવો હતો એમ જણાવીને નેહલ પોતાની વાત આગળ વધારતાં કહે છે, ‘મુંબઈમાં વધુમાં વધુ હું મરીન લાઇન્સ પર દીકરાને લઈને ઈવનિંગ વૉક પર જઈ શકતી હતી. પછી મેં રિસર્ચ કર્યું કે ઇન્ફન્ટ સાથે મધર માટે કોઈ પ્રવાસનું આયોજન થાય એવું ગ્રુપ છે? મને દરેક જગ્યાએથી એવો જ જવાબ મળ્યો કે બાળકની ઉંમર ઓછામાં ઓછી પાંચથી છ વર્ષ હોવી જોઈએ. ત્યારે મને વિચાર આવ્યો કે જો આપણે બાળકોને નેચર સાથે ક્નેક્ટ કરવાં હોય તો તેમને સમજણાં થાય ત્યારથી જ કુદરતના ખોળે રમવા દેવાં જોઈએ. મારો દીકરો અઢી વર્ષનો થયો અને હું તેને ક્યાંય પણ નેચરમાં નહોતી લઈ ગઈ. તો મેં અને મારા હસબન્ડ દર્શકે કામશેત ઘાટ પર મારા દીકરા દેવ સાથે કૅમ્પિંગ પ્લાન કર્યું. ત્યાં હાઇકિંગ કરવાનું હતું તો અમે બન્નેએ વારફરતી મારા દીકરાને ઊંચક્યો. આવી રીતે મેં શરૂઆત કરી. વર્ષ ૨૦૧૬માં મેં ફેસબુક પર કામશેત ઘાટ પર જ મધર્સ અને ટૉડલર્સને આવી કૅમ્પિંગ ટ્રિપમાં જોડવા માટેની એક પોસ્ટ મૂકી. તો આ ટ્રિપમાં જોડાનાર લોકોની સંખ્યા જોઈને હું જ ચોંકી ગઈ. ૩૦ લોકો મારી સાથે જોડાયા હતા અને મારી જેમ બધી મમ્મીઓ બાળકોને નેચર સાથે જોડવા ઇચ્છતી હતી. જ્યારે આ ૨-૩ વર્ષનાં ભૂલકાંઓને આવી રીતે ટ્રેકિંગ પર લઈ જાઓ તો તેઓ ખુલ્લું મેદાન જોઈને દોડાદોડ કરી મૂકતાં હોય છે. મુંબઈમાં આમ પણ ગ્રીન સ્પેસ શોધવી મુશ્કેલ હોય છે તો તેમના માટે તો આવા ટ્રેલ જ જંગલ છે. અમારી આ જર્નીમાં આજ સુધી ૨૦૦૦ કરતાં વધારે પરિવારો જોડાઈ ચૂક્યા છે.’ 

બોલબચ્ચન નહીં, ઍક્શન લો
આજે ટેક્નૉલૉજીને કારણે પર્યટન અને પ્રદૂષણ પર એટલીબધી માહિતી અને સલાહ-સૂચનો ઉપલબ્ધ છે, પરંતુ શું માત્ર વાતથી કે માહિતીથી પર્યાવરણ ચોખ્ખું થઈ જશે એવો સવાલ કરતી નેહલ કહે છે, ‘નાનપણથી પરિવારે નેચર પ્રત્યે મને સંવેદનશીલ બનાવી અને મને સપનામાંય ખ્યાલ નહોતો કે હું પર્યાવરણ માટે કંઈક આવું કરીશ. જ્યારે મેં આ ગ્રુપ શરૂ કર્યું ત્યારે મારો હેતુ મધર અને બેબી નૅચરલ વાતાવરણમાં એકબીજા સાથે ક્નેકટ થાય એવો હતો. પછી એમાં ક્યારેક ફાધર્સના કૉલ આવતા થયા અને તેઓ આવી નેચર ટ્રિપમાં જોડાતા થયા. પછી પરિવારો એકસાથે જોડાતા થયા પરંતુ જ્યારે આવી નૅચરલ જગ્યાએ કૅમ્પિંગ માટે જતા ત્યારે કચરો જોઈને સવાલ થઈ જતો કે આ શું છે? જ્યાં જુઓ ત્યાં બિઅરની ખાલી બૉટલ કે કેન, પ્લાસ્ટિકની કોથળીઓ, રૅપર્સ અને વપરાયેલાં સૅનિટરી પૅડ્સ પણ ખુલ્લામાં ફેંકેલાં દેખાયાં છે. હવે મારે બસ સવાલ નહોતા કરવા પરંતુ એનું સમાધાન જોઈતું હતું. અમે બાળકોને શીખવતાં થયાં કે જે કચરો દેખાય એ ઊંચકીને ભેગો કરવાનો. આ જ વર્ષે હું મારા પરિવાર સાથે બાલી ગઈ હતી. ત્યાંના નુસા પેનીડા નામના બીચ પર મારો દીકરો સ્નૉર્કલિંગ કરવા ગયો હતો. તેણે એટલા ચોખ્ખા પાણીમાં પ્લાસ્ટિકનો કપ જોયો તો તેણે પોતાની પાસે રાખી લીધો. સ્નૉકર્લિંગ બાદ તેણે એ કચરો જે જગ્યાએ હોવો જોઈએ ત્યાં નાખ્યો. આ કિસ્સો મેં ઇન્સ્ટાગ્રામ પર પણ શૅર કર્યો છે. આવી રીતે નેચર ટ્રિપ દરમ્યાન અમે બધા પેરન્ટ્સ બાળકોને નેચર ચોખ્ખું રાખવામાં સક્રિય ભાગ લેતાં શીખવીએ છીએ.’ 

પછી બાળકો તમને શીખવશે
કુદરતના ખોળામાં બાળકોનો કેવો અદ્ભુત વિકાસ થાય છે એનો કિસ્સો શૅર કરતાં નેહલ કહે છે, ‘આ ગ્રુપ શરૂ થયાને હવે આઠ વર્ષ થઈ જશે અને મેં મારી આંખ સામે બાળકોને મોટાં થતાં જોયાં છે. ઘણા પેરન્ટ્સ નિયમિત જોડાય છે. ગયા મહિનાની ટ્રિપની જ વાત કરું તો આ ટ્વિન ગર્લ્સ બહુ નાની હતી જ્યારે હું તેમને મળી હતી. વચ્ચે કોવિડ આવી જવાથી ઘણુંબધું બદલાઈ ગયું છે. તો ગયા મહિનાની ટ્રિપમાં એવું બન્યું કે જે મમ્મી આ ટ્વિન દીકરીઓને નેચર સાથે જોડવા માટે ટ્રિપ પર  આવતી હતી એ દીકરીઓ હવે મમ્મીને હાઇકિંગમાં સાહસ કેમ કરવું એ શીખવતી થઈ છે. કુદરતથી ઉત્તમ શિક્ષક કોઈ નથી. મોટેરાઓ બાળકોને જ્યારે આવા કુદરતી પ્રવાસ પર લઈ જાય છે ત્યારે તેઓ એકબીજા પ્રત્યે ઊંડી લાગણી અને સમજણ કેળવતાં થાય છે. બાળકો ઍડ્જસ્ટ થતાં શીખી જાય છે. તમને નેચર ગમે છે તો એને ચોખ્ખું રાખવાની જવાબદારી તમારે લેવી જોઈએ. સૌથી મહત્ત્વનું કે બાળકોને અત્યારથી શીખવશો તો ભવિષ્યમાં તેઓ સારા નેચરને માણી શકશે.’ 

પ્રવાસીઓનું પ્લાસ્ટિક પ્રદૂષણ 
તમને ખબર છે કે પર્યાવરણ પ્રદૂષણમાં સૌથી મોટો હાથ પ્લાસ્ટિકનો છે અને એમાંય સૌથી વધારે પ્લાસ્ટિક-પ્રદૂષણ ફેલાવનારા પ્રવાસીઓ છે. વિશ્વનું ૮૦ ટકા ટૂરિઝમ દરિયાકિનારે અને સમુદ્રકિનારે થાય છે. આ વિસ્તારોમાં સૌથી વધારે પ્લાસ્ટિકનો કચરો ભેગો થાય છે. જો આ જ સ્થિતિ રહી તો ૨૦૫૦ સુધીમાં દરિયામાં માછલીઓની સંખ્યા કરતાં પ્લાસ્ટિકનો કચરો વધારે હશે એવું પર્યાવરણવાદીઓ કહી ચૂક્યા છે.

columnists travel travel news mumbai travel life and style