નવરાત્રિમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે છોકરીઓની ડાન્સ-પૅટર્ન ચેન્જ થઈ છે

07 October, 2024 04:28 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

આ વર્ષની નવરાત્રિ ગયા વર્ષ કરતાં વધારે જોમદાર હોય એવું અત્યાર સુધી તો લાગ્યું છે. શરૂઆતમાં મનમાં હતું કે વરસાદ નવરાત્રિ બગાડશે પણ થૅન્ક્સ ટુ માતાજી, ખેલૈયાઓની ઇચ્છા પૂરી થઈ રહી છે

ગોરેગામના નેસ્કો સેન્ટરમાં પાર્થિવ ગોહિલના સંગાથે ઘૂંઘટ તાણીને ગરબા રમતી યુવતીઓ. (તસવીર : નિમેશ દવે)

આ વર્ષની નવરાત્રિ ગયા વર્ષ કરતાં વધારે જોમદાર હોય એવું અત્યાર સુધી તો લાગ્યું છે. શરૂઆતમાં મનમાં હતું કે વરસાદ નવરાત્રિ બગાડશે પણ થૅન્ક્સ ટુ માતાજી, ખેલૈયાઓની ઇચ્છા પૂરી થઈ રહી છે અને તેમને ગરબા રમવા મળી રહ્યા છે. 

નવરાત્રિ શરૂ થઈ એ પહેલાં જ અમારે બે ઇવેન્ટમાં જવાનું થયું. પ્રી-નવરાત્રિ એવી એ બન્ને દાંડિયા-ઇવેન્ટમાં જતાં પહેલાં અમને હતું કે ત્યાં ખાસ ક્રાઉડ નહીં હોય પણ સાચું કહીએ તો અમારા આશ્ચર્ય વચ્ચે મેદાન મસ્ત રીતે ભરાઈ ગયું હતું. એ પ્રી-નવરાત્રિ ઇવેન્ટે જ દેખાડી દીધું કે આ વખતની નવરાત્રિ જુદા જોમ સાથે આવશે. ગયા વર્ષ સાથે આ વર્ષની સરખામણી કરવાની હોય તો કહેવું પડે કે ગયા વર્ષની કમ્પૅરિઝનમાં આ વર્ષે છોકરીઓની ડાન્સ-પૅટર્ન ચેન્જ થઈ છે. આ વર્ષે છોકરીઓ છોકરાઓ સાથે સીધી કૉમ્પિટિશનમાં ઊતરીને બહુ ઊછળી-ઊછળીને ગરબા નથી રમતી. આ વર્ષે તેમનામાં લજ્જાનો ભાવ વધ્યો છે તો તેમનાં સ્ટેપ્સ પણ ગ્રેસફુલ છે. અફકોર્સ, બિલકુલ એવું નથી થતું એવું નથી. હજી પણ અમુક જગ્યાએ છોકરીઓ ફોર્સ સાથે ડાન્સ કરે છે અને એવું લાગે તો કૉમ્પિટિશન પછી અમે તેમને સૂચન પણ કરીએ છીએ કે આ રીતે ગરબા કરવાને બદલે તે પોતાના ગ્રેસને અકબંધ રાખે અને લય સાથે લચક પર ધ્યાન આપે. અરે હા, આ વર્ષે નવાં સ્ટેપ્સ પણ ઘણાં જોવા મળ્યાં. જોકે એ બધાં સ્ટેપ્સ ગમી જાય કે યાદ રહી જાય એવાં નથી, પણ કશુંક નવું જોયાની ખુશી ચોક્કસ આપે છે.

બીજી પણ એક ખાસ વાત અમારા ધ્યાનમાં આવી જે છે કૉસ્ચ્યુમ. આ વર્ષે છોકરા-છોકરીઓએ કૉસ્ચ્યુમ પાછળ ખૂબ મહેનત કરી છે. કહી શકાય કે પૈસા પણ ખૂબ વાપર્યા છે. આ વર્ષના ટ્રેન્ડમાં ટ્રેડિશનલ કૉસ્ચ્યુમનું મહત્ત્વ તો જળવાયેલું છે જ, પણ સાથોસાથ ટી-શર્ટ અને જીન્સ ઉપરાંતનાં આપણાં જે મૉડર્ન ક્લોથ્સ છે એના પર જરી-આભલાં અને ઘૂઘરીઓનું વર્ક કરેલું પણ જોવા મળ્યું છે, જે સારી વાત છે. મૉડર્ન કૉસ્ચ્યુમ સાથે જૂની સામગ્રીઓનું સુશોભન જે ફ્યુઝન ઊભું કરે છે એ જોઈને આપણને નવી જનરેશનની ક્રીએટિવિટી પર માન થાય અને લાગે પણ ખરું કે તેઓ માત્ર વાતો નથી કરતાં, કંઈક નવું પણ કરે છે અને એમાં યુનિકનેસ પણ હોય છે.

નૅશનલ અવૉર્ડ વિનર કોરિયોગ્રાફર જોડી સમીર-અર્શ તન્નાએ અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોનાં સૉન્ગ્સની કોરિયોગ્રાફી કરી છે

ફૉરેનર્સ આ વર્ષે પણ મેદાનમાં જોવા મળે છે. અમે જે જગ્યાએ જજિંગ માટે ગયાં ત્યાં કોઈ ને કોઈ તો એવું મળ્યું છે જેને ગુજરાત કે ઇન્ડિયા સાથે કોઈ એવો સંબંધ ન હોય અને એ પછી પણ એ લોકો સરસ ગરબા રમતા હોય. ખુશી સાથે કહેવું પડે કે એ ફૉરેનર્સમાંથી અમુક તો એટલા સરસ ગરબા રમે છે કે આપણને થાય કે બસ, આપણે તેમને જોયા જ કરીએ. ગુજરાતી આવડતું નથી, તળપદી ગુજરાતીમાં લખાયેલા ગરબાની ભાવના તેમને સમજાતી નથી અને એ પછી પણ તેઓ એ રીતે ગરબાનાં સ્ટેપ્સ કરતાં હોય છે જાણે એકેક શબ્દના ભાવાર્થની તેમને ખબર હોય. ગરબો કરતી વખતે તેમના ચહેરા પરનાં જે એક્સપ્રેશન હોય છે એ પણ તમને ખુશ કરી દે એટલાં સરસ હોય છે. આફ્રિકન, જર્મનથી લઈને બ્રિટિશરને પણ ગરબા રમતા અમે જોયા. આ આપણા ગરબાની જીત છે, જેણે ગુજરાતને આ સ્થાને પહોંચાડી દીધું.

navratri festivals goregaon news mumbai news columnists