આ તો ગરબે ઘૂમે છે આખી દુનિયા રે લોલ

05 October, 2024 10:57 AM IST  |  Mumbai | Ruchita Shah

અને એનું શ્રેય જાય મુંબઈની કેટલીક અગ્રણી ગરબા સ્કૂલોને જેમણે માત્ર ભારતમાં જ નહીં પણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, દુબઈ, મસ્કત, પોલૅન્ડ થી લઈને આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ જેવા અઢળક દેશોમાં લોકોને ગરબે ઘૂમતા કર્યા છે.

અંકિત ઉપાધ્યાય અને પાર્થ પટેલ (ડાબે), જિગર અને સુહૃદ સોની (જમણે)

ગુજરાતના ગરબા હવે માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યા છે અને એમાંય વિદેશમાં રહેતા ગુજરાતીઓ નહીં પણ વિદેશીઓ પણ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. આ વખતે નવરાત્રિનો દબદબો નેક્સ્ટ લેવલ પર છે ત્યારે આ સવાલ વાજબી છે કે ગરબાને આ સ્તર પર પહોંચાડ્યા કોણે? આજે સોશ્યલ મીડિયાથી લઈને મીડિયાના દરેક માધ્યમમાં એકથી એક ચડિયાતાં ડાન્સ-સ્ટેપ સાથે ચણિયાચોળી અને કેડિયું પહેરીને ગરબે ઘૂમતા દેશી-વિદેશી લોકોમાં ગરબાપ્રેમ જગાડવાથી લઈને તેમને ગરબે ઘૂમતા કરનારાં કેટલાંક ગ્રુપ છે જેણે છેલ્લાં થોડાંક વર્ષોમાં ભરપૂર કામ પણ કર્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરબા ક્લાસિસ ધરાવતા એવા જ ખાસંખાસ ગ્રુપની આજે વાત કરવાની છે. ગરબાને ગ્લોબલ લઈ જવાની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ લેવું પડે સોની સ્કૂલ ઑફ ગરબા ડાન્સનું, જેણે આજકાલમાં નહીં પણ ૨૫ વર્ષ પહેલાં ગરબા ક્લાસ શરૂ કર્યા અને લગભગ એક દાયકા કરતાં વધુ સમયથી તેઓ ખાસ ગરબા શીખવવા માટે આંતરરાષ્ટ્રીય ટૂર કરે છે. એ પછી નંબર આવે થનગાટનો. ૨૦૧૮માં જ ગરબાનો ક્લાસ શરૂ કરવા છતાં આ ગ્રુપે ગરબાના ટ્રેડિશનલ ટચ અકબંધ રાખીને એને સ્પ્રેડ કરવામાં જોરદાર સફળતા મેળવી છે. આ જ લીગમાં ‘રાસલીલા ગરબા ઍકૅડેમી’નું પણ નામ લઈ શકાય. જોકે અમે જ્યારે આ ગ્રુપનો સંપર્ક કર્યો ત્યારે રાસલીલા ગ્રુપના ફાઉન્ડર હાર્દિક મહેતા વતી તેમની ટીમે કહી દીધું કે ‘અમે તો જ ઇન્ટરવ્યુ આપીશું જો તમે માત્ર અને માત્ર અમારા જ ગ્રુપનું લખતા હો.’ તેમનો આગ્રહ હતો કે તેમના જેવું જ અથવા તો તેમનાથી પણ વધુ સારું કામ કરતા ગ્રુપનું નામ તેમની સાથે આવશે તો તેઓ ઇન્ટરવ્યુ આપવા રાજી નથી. એટલે આજના લેખમાં તેમનો સમાવેશ નથી થઈ શક્યો, પણ અન્ય બે ગ્રુપ સાથે થયેલી તેમની ‘ગરબાની ગ્લોબલ’ યાત્રા વિશેની વાતો પ્રસ્તુત છે.

ઓછા સમયમાં ગરબાના પ્રચાર-પ્રસારમાં અદ્ભુત સફળતા મળી છે આ ગ્રુપને

૨૦૧૭માં અંકિત ઉપાધ્યાયની ડાન્સ ઍકૅડેમીમાં ડાન્સ શીખવા જતા પાર્થ પટેલને સપને પણ ખ્યાલ નહોતો કે પોતાના ડાન્સ ટીચર સાથે મળીને માત્ર ટ્રાયલ ઍન્ડ એરરના ભાગરૂપે શરૂ થયેલું ગ્રુપ આ સ્તર પર પહોંચશે. ‘થનગાટ ગરબા ગ્રુપ’ના સ્થાપક અંકિત ઉપાધ્યાય અને પાર્થ પટેલ આ વર્ષે દુબઈ, અબુ ધાબી, મસ્કત, આયરલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, લંડન અને અમેરિકા જઈને ગરબા વર્કશૉપ્સ લઈ આવ્યા છે. ગરબાને દુનિયાભરમાં પૉપ્યુલરિટી મળે એના પ્રયાસમાં અગ્રેસર એવા આ ગ્રુપ પાસે ૧૦૦થી વધુ ટ્રેઇન્ડ ટીચરો છે. ખૂબ જ અનાયાસ ગરબા ટ્રેઇનિંગની દુનિયામાં તેમનાં મંડાણ થયાં હતાં. પાર્થ કહે છે, ‘મને ડાન્સનો શોખ હતો. એને જ કારણે અંકિત સાથે મારી ઓળખાણ થઈ. એ પછી અમે સાથે મળીને એક કૅફે શરૂ કરી. અંકિતને કારણે જ ગરબા રમવાનું શરૂ કર્યું અને ૨૦૧૭માં મને ફાલ્ગુની પાઠકના ગરબામાં કિંગનું ટાઇટલ મળ્યું. એ સમયે ઘણા લોકોએ પૂછ્યું કે તમે શીખવાડો છો? જવાબમાં ના ન કહેવી પડે એટલે અમે એક ફ્રી ટ્રાયલ ક્લાસ ઑર્ગનાઇઝ કર્યો. મનમાં હતું કે વીસ-પચીસ જણ આવી જાય તો ઘણું, પણ એને બદલે સો જેટલા લોકોનું રજિસ્ટ્રેશન થયું. એ બૅચ લીધા પછી એને વધુ ઑર્ગેનાઇઝ કરીને ગરબાનો એક કોર્સ ડિઝાઇન કર્યો. દરેકની નીડ મુજબ જુદા-જુદા પ્રોગ્રામ આપ્યા અને દરેક ડાન્સ શીખવા માટે આવતા લોકોને તેમની ઓરિજિનલ સ્ટાઇલ અકબંધ રાખીને શીખવવાનું શરૂ કર્યું.’

એ જ ગાળામાં બૂમ કરી રહેલા ઇન્સ્ટાગ્રામે તેમને આ કામમાં ખૂબ મદદ કરી. પાર્થ કહે છે, ‘મને પર્સનલી સોશ્યલ મીડિયાના ઍલ્ગોરિધમ અને ડાઇનૅમિક્સનો ખ્યાલ હતો જ. આ ગ્રુપનું નામ પણ અમે એકદમ અનાયાસ અને ખૂબ જ ઓછા સમયમાં આપ્યું હતું. એમાં બન્યું એવું કે ફાલ્ગુની પાઠકની એક ઇવેન્ટમાં ઑર્ગેનાઇઝરે અમારા ગ્રુપના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વિશે ડીટેલ માગી. અમે તો એવું કોઈ અકાઉન્ટ જ બનાવ્યું નહોતું. ઉતાવળમાં મારું પર્સનલ અકાઉન્ટ જ પબ્લિક કરીને એને અચાનક ‘મારું મન મોર બની થનગાટ કરે’ ગીત પરથી સૂઝેલું ‘થનગાટ’ નામ આપી દીધું, કારણ કે અમારા માટે ગરબા હૅપીનેસને સ્પ્રેડ કરવાનું માધ્યમ હતું અને અમારા આ અભિગમને આ નામ બરાબર રજૂ કરતું હતું. અને બસ, પછી જે થયું એ તમારી સામે છે.’

૧૮૦થી વધુ ગરબાના બૅચ પૂરા કરનારા અને ૮૬૦૦ સ્ટુડન્ટ્સને ગરબા શીખવી ચૂકેલા આ ગરબા ગ્રુપ દ્વારા ભારતમાં પણ પુણે, બૅન્ગલોર, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નઈ, નાગપુર, સુરત, વડોદરા જેવાં શહેરોમાં ગરબા વર્કશૉપનું આયોજન થઈ ચૂક્યું છે. પાર્થ કહે છે, ‘અમે જેમ કહીએ એમ જ કરો એવા આગ્રહ સાથે અમે નથી ચાલતા. આનંદને વહેંચવા માટે ગરબા કરીએ છીએ તો મહત્ત્વનું છે કે એ પર્પઝ પૂરો થાય. દરેક ટ્રેઇનરની પોતાની આવડત હોય છે. દરેક ડાન્સરની પોતાની વિશેષતા હોય છે અને એ દરેક પોટેન્શિયલને ખીલવાની તક મળે એવા પ્રયાસો અમે કરીએ છીએ અને એમાં અમને ભરપૂર સફળતા મળી છે. ૨૦૧૮માં શરૂ કર્યું અને ૨૦૧૯માં અમેરિકાથી ઇન્વિટેશન મળ્યું. એક જ ટ્રિપમાં સાત સિટીમાં અમારી વર્કશૉપ હતી.

૨૬ વર્ષ પહેલાં જોયેલું સપનું સાકાર કરી દેખાડ્યું ઓલ્ડેસ્ટ ગરબા ટ્રેઇનિંગ સ્કૂલે

ગરબાના ગ્લોબલાઇઝેશનનો રસ્તો જેણે કંડાર્યો એમાં તમે જિગર અને સુહૃદ સોનીનું નામ લઈ શકો. સ્કૂલ અને કૉલેજનાં પાઠ્યપુસ્તકોમાં ગરબાને સ્થાન અપાવનારા આ ભાઈઓ યુનેસ્કો સાથે જોડાયેલી ઇન્ટરનૅશનલ ડાન્સ કાઉન્સિલના મેમ્બર છે અને બે વાર તેમની સમિટ માટે વિદેશમાં જઈને તેમણે ગરબા પર લેક્ચર આપ્યાં છે. ૧૯૯૮થી લઈને આજ સુધી હજારો સ્ટુડન્ટને ટ્રેઇન કરી ચૂકેલા જિગર અને સુહૃદ સોની કહે છે, ‘ઑથેન્ટિક ગરબા પ્રત્યેનો અમારો પ્રેમ જ છે જે અમને અહીં સુધી લઈ આવ્યો છે. નાનપણથી ગરબાનો શોખ હતો. અમારાં મમ્મી બહુ જ સારાં ડાન્સર એટલે તેમની પાસેથી થોડુંક શીખ્યા એ પછી જાણીતાં ડાન્સર ઇન્દુમતી લેલે પાસે લગભગ સત્તર વર્ષ ઇન્ડિયન ફોક ડાન્સની ટ્રેઇનિંગ લીધી. આ ટ્રેઇનિંગ દરમ્યાન ગરબાના નામે શું ખોટું થાય છે અને ઑથેન્ટિક ગરબા કેવા હોય એની સમજણ પડવા માંડી અને પછી તો જીવનનું લક્ષ્ય જ એ બની ગયું કે ટ્રેડિશનલ ઑથેન્ટિક ગરબાનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવો. આ જ ઉદ્દેશ્યથી અમારી બહેન નિવૃત્તિ સાથે મળીને ૧૯૯૮માં સેશન શરૂ કર્યાં.’

આ વર્ષે સત્તર દેશોમાં ગરબાની વર્કશૉપ્સ અને નાના-મોટા કોર્સ લઈ ચૂકેલા આ ગ્રુપની મહેનતનું એવું પરિણામ આવ્યું કે કેટલાક દેશોમાં તો હવે બારેમાસ ગરબા ક્લાસ ચાલે છે. ઘરમાં શરૂ થયેલા બેઝિક ગરબા ક્લાસ આટલા મોટા સ્તર સુધી પહોંચશે એવી ખાતરી આ ભાઈઓને પહેલેથી જ હતી. સુહૃદ કહે છે, ‘પ્રામાણિકતા અને પ્યૉર ઇન્ટેન્શનથી શરૂ કરેલા કામને ઉપરવાળો સફળતા આપે છે. અમે ત્યારે શરૂ કર્યું જ્યારે ગરબા શીખવવાનો કોઈ ટ્રેન્ડ જ નહોતો. આવી કોઈ ઇન્ડસ્ટ્રી જ નહોતી. આખી દુનિયા જ અનએક્સપ્લોર્ડ હતી. બીજી બાજુ અમારું બન્નેનું પ્રોફેશન કરીઅર સેટ હતું. બહુ જ સ્ટેબલ પ્રોફેશનલ સ્ટેટસ પછી માત્ર ઑથેન્ટિક ગરબાથી લોકોને પરિચિત કરવા માટે આ જર્ની શરૂ થઈ હતી. હું તો છેલ્લાં ૧૮ વર્ષથી IT કંપનીમાં કામ કરું છું. લોકો જે રીતે ગરબામાં હિપહોપ કલ્ચર લઈને આવી રહ્યા હતા એ જોઈને દુઃખ થતું અને એટલે અમે ગરબા શીખવવાની શરૂઆત કરી. લગભગ પાંચેક વર્ષ આમ જ ઘરગથ્થુ શીખવ્યા પછી લાગ્યું કે આની પદ્ધતિસર ટ્રેઇનિંગ હોવી જોઈએ. જેમ પહેલા, બીજા અને ત્રીજા ધોરણ મુજબ શિક્ષણ અપાય છે એમ ગરબાનું શિક્ષણ પણ અપાવું જોઈએ. એ રીતે સોની સ્કૂલ ઑફ ગરબા ડાન્સની ૨૦૦૩માં શરૂઆત થઈ. ગરબાની ટ્રેઇનિંગને આ સ્કૂલના માધ્યમે અમે વધુ સિસ્ટમૅટિક કોર્સમાં ડિઝાઇન કરીને બનાવી.’

સોની બ્રધર્સની આ સ્કૂલ આખું વર્ષ ગરબા શીખવે છે. ભારતમાં તો ઠેર ઠેર તેમનાં સેન્ટર છે જ પણ સાથે યુરોપ અને દુબઈમાં પણ બારેય માસ ટ્રેઇનિંગ સેન્ટર શરૂ થઈ ચૂક્યાં છે. તેમના પ્રયાસોને કારણે સ્કૂલના પાઠ્યક્રમમાં ગરબા ઇન્ટ્રોડ્યુસ થયા છે જેને સબ્જેક્ટ તરીકે લેનારાં બાળકોને ત્રણ માર્ક ગ્રેસ મળે એવી જોગવાઈ તેમણે રાજ્ય સરકાર સાથે મળીને કરી છે. વિદેશમાં ગરબા શીખવવાની જર્ની ૨૦૧૪માં શરૂ થઈ. અહીં સુહૃદ અને જિગર કહે છે, ‘દુબઈ, યુરોપના અમુક દેશોમાં તો હવે અમે વર્ષમાં બેથી ત્રણ વાર વિઝિટ કરીએ છીએ. કેટલાક દેશોમાં તો એક પણ ઇન્ડિયન ન હોય એ રીતે વર્કશૉપ થઈ છે અને એ લોકો પ્રૉપર ઑથેન્ટિક ડ્રેસિંગ સાથે ઓરિજિનલ ગરબા જ શીખવા છે એવા આગ્રહ સાથે આવતા હોય છે. મને યાદ છે કે પોલૅન્ડમાં એક વર્કશૉપમાં બધી જ પૉલિશ છોકરીઓ હતી અને ટિપિકલ ગરબા પ્રમાણે માથામાં ચોટલો, ચાંદલો લગાવીને આવી હતી. એક વર્કશૉપમાં સાડાત્રણસો પાકિસ્તાનીઓ ગરબા શીખવા આવ્યા હતા. વૉશિંગ્ટનમાં થયેલી એક વર્કશૉપમાં ૮૦ ટકા કરતાં વધુ સાઉથ ઇન્ડિયન હાજર રહ્યા હતા.’

અહીં ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન વખતે તેમની ગરબા રાત્રિને ક્યુરેટ કરવાની જવાબદારી જિગર અને સુહૃદ સોનીએ નિભાવી હતી. સોની સ્કૂલ ઑફ ગરબા ઍન્ડ ડાન્સની ૪૦ ટ્રેઇનરની ટીમ છે. જિગર કહે છે, ‘વિદેશમાં લોકોને ઑથેન્ટિક ગરબા કરવા છે પણ આપણે ત્યાં હજીયે લોકો ફ્યુઝનના પ્રેમમાં છે. લોકો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થવા માટે કોઈ પણ હદ વટાવી રહ્યા છે. છોકરાઓને ચણિયા પહેરાવીને ગરબા રમનારા, કૉન્ટેસ્ટ અને પ્રાઇઝ માટે ગરબા પાછળ ગાંડા થનારા લોકોમાં માતાજીની ભક્તિનો ભાવ જ મિસિંગ છે. ગરબા શું કામ કરીએ છીએ, જો એ મકસદ જ ભુલાઈ જાય તો એ ગરબા રમવાનો કોઈ અર્થ છે? ગરબા જ્યારે ગ્લોબલ જઈ રહ્યા છે ત્યારે તો કમ સે કમ એની ઑથેન્ટિસિટી અકબંધ રહે એ જરૂરી છે.’

navratri Garba festivals culture news columnists ruchita shah