સિમ્પલ લુકમાં નવરાત્રિ વાઇબ ઉમેરવા માટે ટ્રાય કરી જુઓ આ બિંદી, નેઇલ અને ટૅટૂ આર્ટ

08 October, 2024 03:47 PM IST  |  Mumbai | Heta Bhushan

નવરાત્રિ હજી પૂરી નથી થઈ અને આવનારા પાંચ દિવસમાં શણગારને વધુ ખાસ અને પર્સનલાઇઝ્ડ ટચ આપવો હોય તો આ છે બેસ્ટ લેટેસ્ટ પર્યાયો

મા દુર્ગા ટૅટૂ, નેઇલ આર્ટ

નવરાત્રિનો ઉત્સવ અને ઉત્સાહ ચરમસીમાએ છે અને માત્ર કપડાં અને દાગીનામાં જ નહીં, પણ ફૅશન અને સ્ટાઇલના દરેક વિભાગમાં નવરાત્રિની વાઇબ્સ ચમકી રહી છે. માત્ર નવરાત્રિ સ્પેશ્યલ ટ્રેડિશનલ કે ઇન્ડો-વેસ્ટર્ન કપડાં અને દાગીના નથી. ગરબે ઘૂમતી ગોરીઓના હાથ નવરાત્રિ સ્પેશ્યલ નેઇલ આર્ટથી શોભી રહ્યા છે. ખાસ નવરાત્રિ ફીલ માટે ફૅશનેબલ યુવતીઓ ટેમ્પરરી ટૅટૂઝ કરાવી રહી છે. કપાળ પર સ્પેશ્યલ ડિઝાઇઈનની બિંદીઓ શોભે છે અને પગમાં ભરતકામ કરેલી જૂતી કે મોજડીઓ. ચાલો આજે પગથી માથા સુધી વિવિધ નવરાત્રિ સ્પેશ્યલ ફૅશન વિશે જાણીએ. 

નવરાત્રિ સ્પેશ્યલ નેઇલ આર્ટ 

વાઇબ્રન્ટ યલો, રેડ, પિન્ક, ઑરેન્જ રંગની નેઇલ-પૉલિશથી રંગેલા નખ તો ફેસ્ટિવ ફૅશનમાં છે. અનેક પાર્લર અને નેઇલ આર્ટ સેન્ટરે ખાસ નવરાત્રિ સ્પેશ્યલ ઑફર અને ડિઝાઇન રજૂ કરી છે. એમાં મા દુર્ગાનો ફેસ, ચમકતા રંગો, ઓમ અથવા સ્વસ્તિક ડિઝાઇન, માનાં પગલાં, ગરબો ચીતરેલી નેઇલ આર્ટ યુવતીઓ કરાવે છે. રાસગરબા રમતી ચણિયાચોળી પહેરેલી છોકરી અને કેડિયું પહેરેલો છોકરો નાનકડા નખ પર દોરવામાં આવે છે. ‘નવરાત્રિ’ લખેલા અંગૂઠાનો નખ, કુંદન અને નાનાં આભલાંથી શોભતા નખ પણ બહુ યુનિક લાગે છે. નવરાત્રિમાં ખાસ પહેરાતાં પરંપરાગત કપડાં, ભરતકામ, બાંધણી, લહેરિયા વગેરેને પણ આબેહૂબ નખ પર રંગો દ્વારા દર્શાવવામાં આવી રહ્યા છે. લાલ, કેસરી બાંધણીની ડિઝાઇન કરેલા નખ કે ભરતકામ જેવી જ ડિઝાઇનવાળા નખની સુંદરતા અલગ જ તરી આવે છે.

નવરાત્રિ સ્પેશ્યલ ટૅટૂ

ટેમ્પરરી ટૅટૂ સ્ટિકર

નવરાત્રિમાં ગરબે ઘૂમતી યુવતીઓના હાથ અને પરંપરાગત કમખા જેવા બ્લાઉઝમાંથી દેખાતી કે બૅકલેસ ચોલીમાં શોભતી સુંદર પીઠ અને ચણિયાચોળી પહેરીને ફરતી યુવતીઓને વધુ શોભાવવા એના પર સ્પેશ્યલ ટૅટૂ કરાવવાનું અલ્ટ્રા-મૉડર્ન યુવતીઓ પસંદ કરી રહી છે. સ્પેશ્યલ નવરાત્રિ ટેમ્પરરી ટૅટૂ રિમૂવેબલ ઇન્ક, માર્કર પેન કે રંગ અને પીંછીથી કરવામાં આવે છે. નવરાત્રિ સ્પેશ્યલ ટૅટૂના ખાસ ગરબે ઘૂમતી છોકરીઓ-છોકરાઓ અને કપલનાં ટૅટૂ સ્ટિકર પણ ખૂબ જ ડિમાન્ડમાં છે જે પળવારમાં તમારા હાથ કે પીઠ પર લગાવી તમે મૉડર્ન ફૅશન કરી શકો છો. ટેમ્પરરી ટૅટૂ ડિઝાઇનમાં મા દુર્ગાનું મોટી આંખોવાળું મુખ ખૂબ જ ડિમાન્ડમાં છે. ગોરા હાથ પર ફૂલપાનની ટેમ્પરરી ડિઝાઇન પણ હિટ છે, પીઠ પર દાંડિયારાસ રમતા કપલનું ટૅટૂ યુવતીઓ કરવી રહી છે, મેંદીની ડિઝાઇન જેવું, ગુલાબ, કમળ કે મોરની ડિઝાઇન પણ બધા પસંદ કરે છે. વિવિધ નવરાત્રિ માટે ખાસ સ્પેશ્યલ મેંદી ડિઝાઇન શોખીન યુવતીઓ મુકાવે છે. 

નવરાત્રિ સ્પેશ્યલ મેંદી

નવરાત્રિ સ્પેશ્યલ બિંદી 

નવરાત્રિ સ્પેશ્યલ બિંદીમાં ઘણી ડિઝાઇન ઇન છે, કારણ કે આમ બહુ બિંદી ન કરતી મૉડર્ન યુવતીઓ પણ નવરાત્રિ ડ્રેસઅપમાં બિંદી કરે જ છે અને કપાળ પર શોભતા આ ચાંદલાથી જ લુક કમ્પ્લીટ થાય છે. સ્ટિકર બિંદીઓ તો ઑલટાઇમ ફૅશનમાં જ હોય છે, નવરાત્રિમાં ગોળ લાલ ચાંદલાની આજુબાજુ સફેદ કે બ્લૅક ટપકાં અને ડિઝાઇન કરવામાં આવે છે. કોઈ પણ બિંદીની આજુબાજુ આઇલાઇનરથી કરેલાં નાનાં કાળાં ટપકાં અને આઇબ્રો પાસે કે આંખ પાસે કરેલાં ટપકાં એકદમ પરંપરાગત નવરાત્રિ લુક આપે છે. વૉટરપ્રૂફ બ્લૅક લાઇનરથી એકદમ યુનિક ડિઝાઇનવાળી બિંદી એકદમ ટ્રેન્ડમાં છે. સાથિયો, ઓમ લખેલી બિંદી ડિઝાઇન, અર્ધ ચંદ્ર બિંદી, નાનો સૂર્ય, ત્રિશૂલ, મોર, મંદિર આકારની ટપકાંઓથી શોભતી બિંદીઓ યુવતીઓ કરી રહી છે. એક નહીં, અનેક ટ્રેડિશનલ અને મૉડર્ન ડિઝાઇન આઇડિયાથી ઇન્સ્ટાગ્રામ ઊભરાઈ રહ્યું છે. આજે ગરબે રમવા જાઓ ત્યારે એમાંથી એક ડિઝાઇન કરી જ લેજો. બ્લૅક ઍન્ડ વાઇટ, રેડ ઍન્ડ વાઇટ જેવાં બે કલર-કૉમ્બિનેશનથી પણ જુદી-જુદી ડિઝાઇન કરવામાં આવે છે. આ હૅન્ડ પેઇન્ટેડ ડિઝાઇનર બિંદી દરેક જણને શોભે છે અને નવરાત્રિ લુકને પૂરેપૂરી પૂર્ણતા આપે છે.

navratri festivals fashion columnists heta bhushan mumbai gujaratis of mumbai gujarati community news