08 October, 2024 03:46 PM IST | Mumbai | Kajal Rampariya
મુલુંડનાં સાવિત્રી ભાનુશાલી
સામાન્ય ગરબા તો બધા રમે, મુલુંડનાં સાવિત્રી ભાનુશાલી તો બેડાંરાસ કરે છે
પ્રવૃત્તિ જો મનને ગમતી હોય તો તન અને મન બન્ને ખુશ રહે છે. મુલુંડમાં રહેતાં ૬૭ વર્ષનાં સાવિત્રી ભાનુશાલી પર આ વાક્ય બંધ બેસે છે. ચેતના ભાનુશાલી તેમનાં સાસુ સાવિત્રીબહેનના ગરબા પ્રત્યેના પ્રેમ વિશે કહે છે, ‘આમ તો મમ્મીને પહેલેથી જ ગરબાનો બહુ શોખ છે. ગરબાનું નામ પડે ત્યાં મસ્ત તૈયાર થઈને ગરબા રમવા પહોંચી જાય છે. પહેલાં તો અમારી સોસાયટીમાં આયોજિત થતી નવરાત્રિમાં તેઓ ભાગ લેતાં અને સિનિયર સિટિઝનની કૅટેગરીમાં તેઓ ઇનામ લઈને આવતાં. તેઓ મુલુંડના સિનિયર સિટિઝનના ગ્રુપ સાથે પણ જોડાયેલા હોવાથી જ્યાં પણ ગરબાના નાના-મોટા કાર્યક્રમો થાય તો એમાં તેઓ મોખરે જ હોય.’
સાવિત્રીબહેન સામાન્ય ગરબા ન રમતાં બેડારાસ રમે છે. ગુજરાતના ગરબાના પ્રકારમાં બેડારાસ એક વિશેષ પ્રકારનો રાસ હોય છે. એમાં મહિલાઓ માથા પર બેડું મૂકીને અથવા હાથમાં બેડું લઈને ગરબા કરે છે. આ પ્રકારના ગરબા આખા ગ્રુપમાં ફક્ત સાવિત્રીબહેન જ કરે છે. તેમના આ યુનિક ગરબા વિશે જણાવતાં ચેતનાબહેન કહે છે, ‘સામાન્ય ગરબા તો બધા જ કરે છે પણ મારાં સાસુ હંમેશાં અન્ય કરતાં હટકે અને યુનિક કરવાનો પ્રયત્ન કરતાં હોય છે. ગુજરાતી સંસ્કૃતિમાં બેડારાસનો કન્સેપ્ટ અલોપ થઈ રહ્યો છે ત્યારે તેમણે આ રાસને જીવંત રાખવાના પ્રયાસો કર્યા છે. જ્યાં પણ ગરબા રમવા જાય ત્યાં તેઓ બેડાંરાસ રમે. લોકો શું કહેશે, હું કેવી લાગીશ, એનો જરાય વિચાર કર્યા વગર તેમને જે મન છે એ મન મૂકીને એન્જૉય કરશે. આખા ગ્રુપમાં તેઓ એકલા જ બેડારાસ કરે છે અને તેમને ગર્વ થાય છે. બેડારાસ તેમને અલગ તારે છે અને લોકોને પણ એ ગમે છે. મુલુંડમાં છેલ્લાં ત્રણ વર્ષથી કાલિકાસ અને રાસરંગમાં તેઓ પારંપારિક પોશાક પહેરીને તેમની સહેલીઓ ભેગા રમવા જાય છે. નવેનવ દિવસ તેઓ ગરબા રમતાં હોવા છતાં થાકતાં નથી. હું પણ ગરબાપ્રેમી છું તેથી મારાં સાસુના પૅશનને બહુ જ સપોર્ટ કરું છું. મારા પતિ, સસરા અને દીકરીને ગરબાનો એટલો ક્રેઝ નથી પણ મમ્મીના શોખને સપોર્ટ પણ કરે છે અને મોટિવેટ પણ કરે છે. નવેનવ દિવસ ગરબા રમીને પણ આ ઉંમરે તેમને થાક લાગતો નથી. કહેવાય છેને ગમતી પ્રવૃત્તિને લોકો મનથી માણે છે. એમાં બોર નથી થતું. ગરબાના નામમાત્રથી તેમના ચહેરા પર ફ્રેશનેસ આવી જાય છે તેથી રમવામાં તેમને થાક લાગતો નથી અને તેમના ગરબા પ્રત્યેના જુસ્સાને જોઈને અમે પણ તેમને રોકતાં નથી.’
મુલુંડનું યંગ કપલ ભલભલાને થકવી દે એવા ગરબા કરે છે
એજ ઇઝ જસ્ટ અ નંબર. છેડા દંપતી પર આ વાક્ય બંધબેસતું છે એમ કહીએ તો કંઈ ખોટું નહીં. મુલુંડમાં રહેતાં ૬૭ વર્ષનાં ચંદન છેડા તેમના પતિ સાથે છેલ્લાં ૧૦ વર્ષથી મુંબઈની મોટી નવરાત્રિમાં ગરબા રમવા જાય છે. જુવાનિયાઓને હંફાવે એવા જોશ અને જુસ્સા સાથે જ્યાં ગરબા રમે ત્યાં પ્રાઇઝ જીતે એ તો પાક્કું જ. ચંદન છેડા તેમના ગરબા પ્રત્યેના પ્રેમ વિશે વાત કરતાં કહે છે, ‘મને તો નાનપણથી જ ગરબાનો બહુ શોખ છે. ગરબાથી હું મારી જાતને દૂર કરવાનો વિચાર પણ કરી શકું એમ નથી. આજથી છ દાયકા પૂર્વે મારા પપ્પાએ મને ગરબા રમવાની છૂટ આપી એટલે હું આજ સુધી એને મન મૂકીને માણી શકું છું. ગરબાને કારણે તો મારું જીવન છે. મારા પતિ અને હું અમે બન્ને ગરબાઘેલાં છીએ. હું તો એકેય નવરાત્રિમાં રમવાનો મોકો ચૂકું નહીં, પણ મારા પતિને જવાબદારીઓને કારણે રમવા મળતું નહોતું. હવે તેઓ જવાબદારીઓમાંથી મુક્ત થયા તો અમે બન્ને સાથે જ રમીએ. જ્ઞાતિનો કાર્યક્રમ હોય કે પછી પ્રી-નવરાત્રિ ગરબા હોય, અમે એમાં અચૂક ભાગ લઈએ. મારા પતિની ઉંમર ૭૫ વર્ષ છે પણ તેઓ આજે પણ ગરબા રમે તો ભલભલાને પાછળ મૂકી દે. માતાજીની કૃપાથી આ ઉંમરે અમને નખમાં પણ રોગ નથી. પ્રેરણા રાસ હોય કે રાસરંગ, બોરીવલીમાં ફાલ્ગુની પાઠકના ગરબા હોય કે પછી પ્રીતિ-પિન્કી, અમે જ્યાં જઈએ ત્યાં સિનિયર સિટિઝનની કૅટેગરીમાં ઇનામો જીતીએ છીએ. મારા પતિને પાઘડીનો બહુ શોખ છે. તેઓ એ પહેરીને અસ્સલ ગુજરાતી બનીને ગ્રાઉન્ડ પર આવે છે, ત્યારે હું પણ ઘેરદાર ચણિયાચોળી અને જ્વેલરીથી સજ્જ થઈને રમવા જાઉં છું. લોકોએ અમારું નામ ‘મુલુંડનું યંગ કપલ’ પાડ્યું છે અને અમે ખરેખર જીવનના આ તબક્કાને માણી રહ્યાં છીએ. પહેલાં મારા ઘરે ગરબા ક્લાસિસ ચલાવતી હતી એમાં મેં આશરે ૫૦ લોકોને ગરબા શીખવાડ્યા છે.’
ગરબા સિવાય ચંદનબહેન તેમના પતિ સાથે નવરાત્રિના ગ્રાઉન્ડમાં દાંડિયા પણ કરે છે. આ વિશે વાત કરતાં ચંદનબહેન જણાવે છે, ‘હમણાં ગરબાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે લોકો દાંડિયાને ભૂલી જ ગયા છે. હું અને મારા પતિ એકલું એવું કપલ છીએ કે અમે ગરબાની સાથે થોડી વાર દાંડિયા પણ રમીએ છીએ.’
વાતના દોરને આગળ વધારતાં ચંદનબહેન અને તેમની દીકરીની લવ-સ્ટોરીમાં પણ ગરબા કનેક્શન છે. તેઓ કહે છે, ‘કચ્છમાં અમારી જ્ઞાતિના સંમેલનમાં ગરબા કાર્યક્રમ દરમિયાન મારી મારા હસબન્ડ છબિલ છેડા સાથે મુલાકાત થઈ અને એ દરમિયાન અમે એકબીજાના પ્રેમમાં પડ્યાં અને લગ્ન કર્યાં. ગરબાને બના દી જોડી કહેશો તો કંઈ ખોટું નહીં. મારી દીકરીની સાથે પણ અમારી જ કહાની રિપીટ થઈ. તે ઈલા અરુણના ગ્રુપમાં ફોક ડાન્સર અને તેને અમારી જ જ્ઞાતિનો છોકરો મળ્યો અને લગ્ન કર્યાં. અમારા ઘરમાં મારી પુત્રવધૂને બાદ કરતાં બધા જ ગરબાપ્રેમી છે, પણ મારી વહુ બહુ સપોર્ટિવ છે. મારે કયાં કપડાં પર કેવાં ઘરેણાં પહેરવાં જોઈએ એમાં મને મદદ કરે છે. ટૂંકમાં કહું તો એ અમારી ચાહક છે. હું અને મારા પતિ ગરબા ઉપરાંત નાટકોમાં પણ સાથે કામ કરીએ છીએ.’
શરીર સાથ આપે ત્યાં સુધી ગરબા રમવા છે નર્મદા કારાણીને
મુલુંડમાં રહેતાં ૭૪ વર્ષનાં નર્મદા કારાણી આ ઉંમરે પણ ગરબા રમવામાં પાછળ પડતાં નથી. ગરબા પ્રત્યેની તેમની ઘેલછાને વ્યક્ત કરતાં નર્મદાબહેન કહે છે, ‘ગુજરાતી હોય અને ગરબા ન આવડે અથવા ન ગમે એવા લોકો વિશે જ્યારે સાંભળું તો મને બહુ નવાઈ લાગે. ગરબા તો ગુજરાતીઓની રગ-રગમાં વણાયેલા હોય. હું પણ નાનપણથી જ ગરબાપ્રેમી છું. જ્યાં પણ ગરબા રમાય ત્યાં હું સૌથી પહેલાં પહોંચી જતી. ઉંમરને કારણે જોશ થોડો ઓછો થઈ ગયો છે, પણ જુસ્સો અકબંધ છે અને રહેશે. પ્રેરણા રાસ અને રાસરંગમાં તો મને ઇનામ પણ મળ્યાં છે. મારી ચિયરલીડર્સ મારી બન્ને દીકરીઓ છે. મોટી દીકરી પણ મારા જેવી ગરબાઘેલી છે. તે અમદાવાદમાં રહે છે તો હું ક્યારેક અમદાવાદની નવરાત્રિમાં પણ રમવા જાઉં છું. મારા પતિને ગરબાનો શોખ નથી, પણ તેમણે મારા શોખ સામે વાંધો ઉઠાવ્યો નથી. પહેલેથી જ તેમનો પણ ઘણો સપોર્ટ રહ્યો છે. આજે પણ હું એકધારી અડધો કલાક સુધી ગરબા રમી શકું છું. માતાજીની કૃપાથી હું શારીરિક રીતે એકદમ ફિટ ઍન્ડ ફાઇન છું. મને ખબર પડે કે અહીં ગરબા થવાના છે તો હું મારાં ચણિયાચોળી પહેરીને રેડી જ રહું છું. હું આજેય ગરબા રમવાનો એકેય મોકો છોડતી નથી અને જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી ગરબા તો હું રમીશ, રમીશ અને રમીશ જ.’
ઉંમર ભલે ૬૧ની પણ ગરબા ૧૬ વર્ષના કિશોર જેવા કરે છે હરીશ માલિવાર
ચર્ની રોડમાં રહેતા ૬૧ વર્ષના હરીશ માલિવાર યંગસ્ટર્સને પાછળ મૂકી દે એવા જોશ સાથે ગરબા રમે છે. રાસરંગ, સહારા સ્ટાર, નેસ્કો, કાલિદાસ અને ફાલ્ગુની પાઠક જેવી મુંબઈની પ્રમુખ નવરાત્રિમાં ભાગ લઈને બેસ્ટ ગરબા પ્લેયર તરીકે ઇનામો જીતનારા હરીશભાઈ તેમના ગરબા સાથેના કનેક્શન વિશે જણાવે છે, ‘ઉંમર ભલે ૬૧ વર્ષની થઈ, પણ જ્યારે ગરબાની વાત આવે ત્યારે એ ૧૬ વર્ષની થઈ જાય છે. ગરબાનું ઘેલું તો બાળપણથી જ હતું. પહેલાં શેરી ગરબામાં મિત્રો સાથે એન્જૉય કરતો હતો અને ત્યારે ગરબાને માણવાની અલગ મજા હતી. આમ તો હું ચાર દાયકાથી ગરબા રમું છું અને આગળ પણ રમતો રહીશ. પહેલાંના ગરબા અને અત્યારના ગરબામાં બહુ મોટો ફરક આવી ગયો છે. હવે ગરબાની સાથે સાથે કૉસ્ચ્યુમ પર પણ બહુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. તેથી જો સ્પર્ધામાં કોઈ ખેલૈયાને જીતવું હોય તો ગરબાની સાથે-સાથે કૉસ્ચ્યુમ પર સારા હોવા બહુ જરૂરી છે અને આ અમારા માટે પડકારજનક પણ છે. આ ઉપરાંત ગરબા ક્લાસિસનો કન્સેપ્ટ પણ બહુ ધૂમ મચાવી રહ્યો હોવાથી જે પણ ખેલૈયાઓ ગ્રાઉન્ડ પર રમે છે તેઓ સારું જ રમે છે. સ્પર્ધા વધી ગઈ હોવાથી એમાં ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું છે. જોકે મેં ક્યાંયથી પ્રોફેશનલ ટ્રેઇનિંગ લીધી નથી. માતાજીની કૃપાથી મને ગરબા રમ્યા બાદ પણ શારીરિક થાક લાગતો નથી. અરે, હું ફ્રેશ ફીલ કરું છું એ માતાજીની કૃપા છે.’
નવરાત્રિની તૈયારીઓ વિશે વાત કરતાં હરીશભાઈ કહે છે, ‘હું ચાર મહિના પહેલાં નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દઉં છું. ગરબાની પ્રૅક્ટિસથી લઈને નવેનવ દિવસ દરમિયાન કયાં કપડાં પહેરવાં એ બધાનું પ્લાનિંગ શરૂ થઈ જાય છે. હું મિડ-ડેના ફાઇનલ રાઉન્ડ સુધી સાત વાર પહોંચ્યો છું અને અહીં સુધી પહોંચવું મારા અને મારા પરિવાર માટે ગર્વની વાત છે. મારી દીકરી અને દીકરો પણ ગરબાપ્રેમી છે. મને જોઈ-જોઈને તેમને પણ ગરબા ગમવા લાગ્યા અને બંને બહુ સારા ગરબા રમે છે. હું મારા મિત્રોને કોઈ પણ જાતની ફી ચાર્જ કર્યા વગર ગરબા શીખવાડું છું. અમારો ટેક્સટાઇલનો બિઝનેસ છે. નવરાત્રિ નજીક આવે એટલે બધાને ખબર પડી જાય કે હરીશને જલદી છુટ્ટો કરવો પડશે તો હું સમય કરતાં થોડો વહેલો નીકળી જાઉં અને બિઝનેસ મારા મોટા ભાઈ સંભાળે. હું પોતાને બહુ જ નસીબદાર માનું છું કે આ ઉંમરે મને માતાજીએ ગરબા રમવાની શક્તિ આપી છે, બાકી મારા કરતાં નાના લોકો ઘણી બીમારીના શિકાર બની રહ્યા છે.’
બૅરલ્સ અને આઠ સ્પિનવાળા ગરબા કરે છે જયદીપ કનેરિયા
હાફ સેન્ચુરી વટાવી ચૂકેલા કાંદિવલીમાં રહેતા જયદીપ કનેરિયા પહેલેથી જ ગરબા રમવાના શોખીન છે. વર્ષોથી ફાલ્ગુની પાઠકના ગરબામાં જઈ-જઈને ગરબા પ્રત્યેના વધતા પ્રેમે તેમને અત્યારે ટ્રેઇનર બનાવી દીધા છે. જયદીપ તેની ગરબાની જર્ની અને ગોલ્સ વિશે વાત કરતાં કહે છે, ‘મારી ગરબાની જર્ની ૧૯૯૧માં શરૂ થઈ હતી. ત્યારે હું ખાર રોડ રહેતો હતો અને હું મારા ફ્રેન્ડ્સ સાથે ફાલ્ગુની પાઠકની નવરાત્રિમાં ગરબા રમવા જતો હતો. ત્યાં પોપટ અને ત્રણ રાઉન્ડ ગરબા જેવાં સિમ્પલ સ્ટેપ્સ રમતા હતા. ગરબા ગમતા હતા પણ ઘેલછા નહોતી, પણ ધીરે-ધીરે એ વધતી ગઈ. ૨૦૧૯માં મેં ગરબાની પ્રોફેશનલ ટ્રેઇનિંગ લેવાનો નિર્ણય લીધો અને થનગાટ ઍકૅડેમી જૉઇન કરી. હું જ્યારે બૅરલ્સ અને આઠ સ્પિન જેવા ગરબા કરું તો લોકો વાતો કરતા હોય કે આ ઉંમરમાં હવે ગરબા કરવાની શું જરૂર છે? આ ઉંમરે આવા ગરબા શોભા ન આપે. શરૂઆતમાં મને એમ્બૅરૅસ થતું હતું પણ પછી એમ થયું કે જે લોકો આવી વાતો કરે છે તેમના કરતાં હું બહુ સારા ગરબા રમું છું અને મારી તોલે આવવા માટે તેમને બહુ મહેનત કરવી પડશે.’
તાતા કન્સલ્ટન્સીમાં બિઝનેસ કન્સલ્ટન્ટની પોસ્ટ પર નોકરી રહી રહેલા કાંદિવલીના રહેવાસી જયદીપભાઈ વાતના દોરને આગળ વધારતાં જણાવે છે, ‘જ્યારે હું પ્રોફેશનલી ગરબા શીખવા માટે થનગાટ ઍકૅડેમીમાં જોડાયો ત્યારે શરૂઆતમાં બહુ ચૅલેન્જિંગ હતું. બૅરલ્સ અને સ્પિનની સાથે-સાથે ગરબાનાં નવાં અને ટ્રેન્ડિંગ વેરિએશન શીખવાં અઘરાં હતાં પણ ગરબા મને ગમતો વિષય હોવાથી મેં શીખી લીધાં. નવરાત્રિના ગ્રાઉન્ડમાં આજેય હું જુવાનિયાઓને હંફાવીને ઇનામ જીતવાની તાકાત રાખું છું. નવરાત્રિ માટે હવે તો હું જૂનથી તૈયારીઓ શરૂ કરી દઉં છું. સેલ્ફ-ટ્રેઇનિંગની સાથે હવે મારે લોકોને પણ શીખવાડવાનું હોય છે. બે વર્ષથી હું થનગાટમાં જ લોકોને ગરબા શીખવાડું છું. નવરાત્રિ નજીક આવે ત્યારે કામ અને ગરબાને મૅનેજ કરવું થોડું અઘરું બની જાય છે. હું સિનિયર લેવલ પર કાર્યરત હોવાથી યુરોપ અને અમેરિકાના ક્લાયન્ટ્સ સાથે વાતચીત કરવી પડે છે. તેથી નવરાત્રિ દરમિયાન રજા મળવી થોડું અઘરું પડે છે, પણ હું ગમેતેમ કરીને છુટ્ટી લઈ લઉં છું. આ નવ દિવસ હું મન મૂકીને માણી લઉં છું. આમ તો ફાલ્ગુની અને હું બન્ને એક જ સ્કૂલમાં ભણ્યાં છીએ અને તે મારી સિનિયર હતી. હું તો વર્ષોથી તેની જ નવરાત્રિમાં જાઉં છું.’