11 October, 2024 04:44 PM IST | Mumbai | Darshini Vashi
સોનાલી ચંદારાણા, હેતલ દેસાઈ
નવરાત્રિ ભક્તિ, સંગીત, નાચગાન અને ઉત્સાહનો કદાચ એકમાત્ર એવો તહેવાર છે જેમાં લોકો મન મૂકી નાચે છે અને આનંદ લે છે પણ અમુક ગરબાપ્રેમીઓ એવા પણ છે જેઓ દરેક અવરોધને વટાવીને ગરબા રમે છે જેને તમે ક્રેઝ કહો કે પછી ગરબા પ્રત્યેનો પ્રેમ, પણ નવલી નવરાત્રિમાં ઝૂમવા માટે ગરબારસિકો પોતાને થયેલી ઈજા અને ગંભીર મેડિકલ ઇશ્યુને ભૂલીને પણ મેદાનમાં ઊતરી પડે છે ભલે પછી ગરબા રમતાં-રમતાં પગમાં છાલાં પડવા લાગે અને કમર રહી જાય તો પણ ગરબા અટકવા ન જોઈએ એવા આનંદ અને ઉત્સાહ સાથે રમતા ખૈલયાઓને મળીએ.
ઘૂંટણમાં ઍક્સિડન્ટને કારણે ભયંકર ઈજા થઈ હતી, પણ પછીયે ગરબા તો હું રમી જ
કાંદિવલીમાં રહેતાં હાઉસવાઇફ સોનાલી ચંદારાણા ગમેતેટલાં થાકેલાં હોય અને ઉભા રહેવાની તાકાત પણ ન બચી હોય છતાં ગરબા રમવાનું શરૂ કરે તો છેલ્લે સુધી અટકતા નથી. ૩૫ વર્ષની સોનાલી કહે છે, ‘ગરબા મને એનર્જી આપે છે. મારા માટે દવાનું પણ કામ કરે છે. બે વર્ષ પહેલાંની જ વાત કરું તો નવરાત્રિ શરૂ થવામાં નવ દિવસની વાર હતી અને હું મારાં બાળકો સાથે સ્કૂટર પર જઈ રહી હતી ત્યાં કાંદિવલી એમ. જી. રોડ પાસે મારા સ્કૂટરનો ઍક્સિડન્ટ થયો હતો. મારા ઘૂંટણમાં મોટી ઈજા થઈ હતી. સારુંએવું બ્લડ નીકળી ગયું હતું. ડૉક્ટરે મને આરામ કરવાની સલાહ આપી હતી. પગે પાટો બાંધેલો હતો. ડૉક્ટર ડ્રેસિંગ કરવા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે ઘાવ હજી ભરાયો નથી તો આ વખતે ગરબા રમવા જતાં નહીં નહીંતર તમને જ મોટો પ્રૉબ્લેમ આવી શકે છે. તેમ છતાં હું ડૉક્ટર અને ફૅમિલીની ઉપરવટ જઈને ગરબા રમવા ગઈ અને પ્રથમ ઇનામ પણ જીતી લાવી. નો ડાઉટ ગરબા રમીને આવી પછી મારાથી પગને જમીન પર મુકાતો નહોતો એટલી પીડા થઈ હતી. આ વખતની વાત કરું તો મને હમણાં જ ભારે તાવ આવી ગયો છે. સોમવારે જ મેં ડેન્ગીથી લઈને દરેકના રિપોર્ટ પણ કઢાવ્યા તો પણ એમાં કંઈ આવ્યું નહીં. હવે તાવ નથી પણ બૉડી પેઇન સખત છે. તેમ છતાં હું આ વખતે પણ નવરાત્રિ રમવા જઈ રહી છું. પછી જે થવાનું હોય તે થાય.’
બન્ને ઘૂંટણમાં પ્રૉબ્લેમ છે અને ડૉક્ટરે દાદરા ચડવાનીયે ના પાડી છે, પણ એનો અર્થ એવો તો નથી જ કે ગરબા નહીં રમું
જો મને પૂછવામાં આવે કે તું તારો છેલ્લો શ્વાસ ક્યાં લેવાનું પસંદ કરીશ તો હું ગરબા સ્ટેજનું જ નામ આપીશ.
ગરબા માટે આવા પ્રેમી એસ્ટેટ ક્ષેત્રની સાથે સંકળાયેલાં મલાડમાં રહેતાં ૪૪ વર્ષનાં પ્રીતિ ગણાત્રા-રાયચુરા આગળ કહે છે, ‘મને એક પગનાં ઘૂંટણમાં લિગામેન્ટ ટેઅર થયું છે અને બીજા પગના ઘૂંટણમાં એક પ્રકારનો આર્થ્રાઇટિસ છે જેને લીધે મારા બીજા પગનો ઘૂંટણ ઘસાઈ ગયો છે. રિપોર્ટ બાદ ડૉક્ટરે મને દાદરા ચડવાની અને નીચે પલાંઠી વાળીને બેસવાની પણ ના પાડી છે. ઉંમર નાની હોવાથી મને અત્યારે ઑપરેશન કરવા માટે પણ ના પાડી છે. તેમ છતાં મેં ગરબા રમવાનું છોડ્યું નથી. ગરબા કરું છું એવું નથી પણ ગરબા શીખવું પણ છું. બે મહિના પહેલાંથી ગરબાના ક્લાસ લેવાના પણ હું શરૂ કરી દઉં છું. તમે માનશો નહીં પણ મને મેદાનમાં રમતાં-રમતાં ઘણી વખત પગમાં ફોડલા પણ થઈ જાય છે છતાં હું પાટો બાંધીને પણ ગરબા રમવાનું ચાલુ રાખું છું. ત્યાં સુધી કે ઘણી વખત નવરાત્રિ દરમિયાન પગમાં એટલો અસહ્ય દુખાવો ઊપડે કે મારે ઇન્જેક્શન લેવા જવું પડે છે અને ઇન્જેક્શન લઈને હું ફરી મેદાનમાં ઊતરી પણ જાઉં છું. આટલી તકલીફો થતી હોવા છતાં મેં ક્યારેય હાર માની નથી. દર વર્ષે હું પ્રાઇઝ પણ લાવું છું. મુંબઈની દરેક મોટી નવરાત્રિમાં હું રમવા જાઉ જ છું. જોકે મને પ્રાઇઝની કોઈ પડી નથી મારે તો રમવું છે. ગરબાનો આનંદ લેવો છે હું ઇચ્છું છે કે મને મૃત્યુ આવે તો પણ સ્ટેજ ઉપર જ આવે એટલો મને સ્ટેજ સાથે લગાવ છે. એનું એક કારણ એ પણ છે કે મેં ભરતનાટ્યમમાં PhD કરેલું છે અને કથકનાં પણ ત્રણ વર્ષ ક્લાસ કર્યા હતા એટલે મને નૃત્યની સાથે અનેરો લગાવ છે.’
સ્લિપ્ડ ડિસ્કે ત્રણ વખત ઊથલો માર્યો અને ડૉક્ટરથી લઈને ઘરના બધા જ ના પાડતા હતા, પણ ગરબા કેમ છોડાય?
બોરીવલીમાં રહેતાં ૪૫ વર્ષનાં હેતલ દેસાઈને છેલ્લાં ૧૮ વર્ષથી સ્લિપ્ડ ડિસ્કનો પ્રૉબ્લેમ છે છતાં એક પણ વર્ષ તેમણે નવરાત્રિ મિસ નથી કરી એટલું જ નહીં, ગરબા રમતાં તેમને આજ સુધીમાં ત્રણેક વખત સ્લિપ્ડ ડિસ્કની સમસ્યા ઊથલો મારી ચૂકી છે તો પણ તેમણે પીછેહઠ કરી નથી. આ વિશે લોઅર પરેલમાં આવેલી કૅમ્બ્રિજ સ્કૂલનાં ઍડ્મિન ઑફિસર હેતલ દેસાઈ કહે છે, ‘તમારી શારીરિક સમસ્યા તમારા શોખને આડે આવવી જોઈએ નહીં એવું મારું માનવું છે. ૨૦૦૬માં મને સ્લિપ્ડ ડિસ્ક થયું હતું. હું કમ્પ્લીટ બેડ-રેસ્ટ પર હતી. કમર અને કરોડરજ્જુને કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ પહોંચે નહીં એનું ધ્યાન રાખવાની મને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી છતાં હું એ વર્ષે ગરબા રમી હતી. એ વાતને આજે લગભગ ૧૮ વર્ષ થઈ ગયાં છે પણ એક પણ નોરતું એવું નહીં હોય જ્યારે હું એમાં રમી ન હોઉં. ભલે મને પ્રાઇઝ મળે કે ન મળે, મને એની કોઈ ચિંતા નથી પણ એન્જૉય કરીને ગરબા રમવા મળે છે એ મહત્ત્વનું છે. અમારું ગ્રુપ દર વર્ષે ફાલ્ગુની પાઠકના સીઝન પાસ ઍડ્વાન્સમાં જ બુક કરી લે છે. સ્કૂલમાંથી આઠેક વાગ્યાની આસપાસ આવું છું અને તરત ગરબા રમવા નીકળી જાઉં છું. દસેદસ દિવસનો મારો આ કાર્યક્રમ ફિક્સ જ હોય છે. ઘણી વખત તો કમર પર પટ્ટો બાંધીને પણ હું મેદાનમાં રમવા ઊતરી છું. કોરાનામાં જાહેર નવરાત્રિ નહોતી થઈ તો હું ઘરે ટીવી પર ફાલ્ગુની પાઠકનાં ગીતો મૂકીને રમતી હતી. મારા માટે રમવું સરળ હતું નહીં કેમ કે આજ સુધીમાં મને ત્રણથી ચાર વખત ગરબા રમતાં-રમતાં બૅકમાં પ્રૉબ્લેમ વધી ગયો હતો. પથારી પર સૂવાનો વારો પણ આવ્યો હતો. ડૉક્ટરથી લઈને ઘરનાએ બરોબરના મારા ક્લાસ લઈ લીધા હતા તેમ છતાં મેં ક્યારેય રમવાનું છોડ્યું નથી અને છોડીશ પણ નહીં.’
લોહી નીકળતું હોય, ભયંકર આગ લાગી હોય કે ધમધોકાર વરસાદ વરસતો હોય; અમે ગરબા રમ્યાં એટલે રમ્યાં જ છીએ
શૅરમાર્કેટમાં કામ કરતાં અને કાંદિવલીમાં રહેતાં કિંજલ પારેખની અને તેની બહેન અશ્વિની દોશીની જોડી છે. તેઓ કહે છે, ‘અમને બહેનોને ગરબા રમવાનો ખૂબ જ શોખ છે. આજથી નહીં પણ નાનપણથી અમને જો કોઈ રોજ ગરબા રમવા માટે કહે તો અમે રમીએ એવા લોકોમાંના અમે છે. અમે સાથે જ ગરબા રમીએ. એવી એક પણ નવરાત્રિ એવી નથી ગઈ જ્યારે મારા પગ છોલાયા ન હોય. આખાં ને આખાં પગનાં ચામડાં નીકળી જાય તો પણ ગરબા રમવા વગર અમને ચાલતું નથી. એક તરફ પગમાં લોહી નીકળતું દેખાતું હોય તો પણ અમારા પગ અટકતા નથી. લોહી તો કાંઈ નથી. ગયા વર્ષે અમે જ્યાં રમવા જવાના હતા ત્યાં આગ લાગી હતી. અંધારું હતું. નો મ્યુઝિક સિસ્ટમ, નો લાઇટ એવું હતું છતાં અંધારામાં પણ અમે નૉર્મલ અવાજમાં પણ ગરબા રમ્યાં હતાં. આવી જ રીતે એક વખત ધોધમાર વરસાદ વરસતો હતો છતાં અમારા પગ અટક્યા નહોતા.’