11 October, 2024 04:49 PM IST | Mumbai | Ruchita Shah
મુસા પાઈક
મુસા પાઈક
‘પંખીડા તું ઊડી જાજે’, ‘કૂકડા તારી બોલી મને’ કે ‘ઢોલીડા ઢોલ રે વગાડ’ જેવાં ગીતો સાંભળો અને જેનો અવાજ યાદ આવે એ મુસા પાઈકે મલાડની એક શેરીમાં બૅન્જો વગાડવાથી નવરાત્રિની શરૂઆત કરેલી. બૅન્જો વગાડનારી વ્યક્તિ આગળ જઈને સિંગર બનીને નવરાત્રિમાં આઇકન બની ગઈ. મુસા પાઈક ઘણાં વર્ષ સુધી મુંબઈની નવરાત્રિના સુપરસ્ટાર સિંગર રહ્યા, પણ પછી જમાનો બદલાયો અને તેઓ લાઇમલાઇટથી દૂર થતા ગયા. આ વર્ષે બોરીવલી-ઈસ્ટમાં દેવીપાડા વિસ્તારમાં નવરાત્રિ કરાવી રહેલા મુસાભાઈ જૂના દિવસોને યાદ કરતાં કહે છે, ‘મલાડમાં વઝીર કમ્પાઉન્ડમાં નવરાત્રિ કરી. એ પછી કાંદિવલીની મધુરિમા સોસાયટી એમ લગભગ પાંચેક વર્ષ ફ્રીમાં નવરાત્રિમાં વગાડવા જતો. લોકોને કામ ગમતું હતું એટલે દર વર્ષે જુદા-જુદા એરિયામાંથી લોકો બોલાવતા. ૧૯૮૪માં કાંદિવલીના પારેખનગરમાંથી નવરાત્રિની ઑફર આવી. વગાડવાની સાથે મને ગાવાનો શોખ હતો અને અઝીઝ નાઝા નામના કવ્વાલીના ફેમસ સિંગરનું ‘ચડતા સૂરજ ધીમે ધીમે’ ગીત સાંભળી-સાંભળીને હું ગાતો. તેમને સાંભળીને જ મારો અવાજ એવો ઘડાઈ ગયો હતો કે મેં લોકોના આગ્રહથી જ ગાવાનું શરૂ કર્યું, પણ મારી લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો ૧૯૮૮માં. બોરીવલીના સુમેરનગરમાં નવરાત્રિ કરી અને લોકોની કલ્પનાની બહાર ક્રાઉડ આવવાનું શરૂ થયું. એ ગાળામાં નાટક-લાઇનમાં બહુ જ જાણીતા એવા જે. અબ્બાસ એન. એલ. કૉલેજ પાસે નવરાત્રિ કરાવતા. એ વર્ષે એવું બન્યું કે તેમને ત્યાં જનારું ક્રાઉડ પણ અમારે ત્યાં સુમેરનગરમાં આવવા માંડ્યું એટલે બીજે વર્ષે એટલે કે ૧૯૮૯માં તેમણે મારો સંપર્ક કરીને અમારા ગ્રુપને નવરાત્રિ માટે બુક કરી લીધું. મને યાદ છે કે પહેલા જ દિવસે રાતે સાડાઅગિયાર વાગ્યે ગ્રાઉન્ડ પર કોઈ માણસ નહીં. ગરબાનો સમય શરૂ થયો હતો પણ કોઈ રમનાર જ નહીં. મને ટેન્શન થઈ ગયું કે કોઈ નહીં આવે તો? પણ સાડાબાર સુધી તો લગભગ ત્રણ હજારની કૅપેસિટી ધરાવતું ગ્રાઉન્ડ હકડેઠઠ ભરાઈ ગયું. ગરબાની ટિકિટ એ સમયે બ્લૅકમાં વેચાતી એટલી પબ્લિક. દોઢ-દોઢ કલાકના ત્રણ રાઉન્ડ પતે પછી પણ લોકો ઘરે જવા તૈયાર ન હોય એટલે વહેલી સવાર સુધી ગરબા ચાલે. એવા દિવસો મેં જોયા છે જ્યારે લોકો બાલ્કનીમાં ઊભા રહીને બ્રશ કરતા હોય અને અમારા ખેલૈયાઓ ગરબા રમીને ઘરે જવા નીકળ્યા હોય, બેસ્ટની બસો ખેલૈયાથી ભરેલી હોય અને ગરબાના વેન્યુ પાસેના બસ-સ્ટૉપ પર આખી બસ ખાલી થાય.’
અહીં ઉલ્લેખનીય છે કે પબ્લિકની ડિમાન્ડને કારણે ૧૯૮૯માં મુસા પાઈકનાં ગીતોની CD લૉન્ચ થઈ અને એનું પણ રેકૉર્ડબ્રેક વેચાણ થયું હતું. એક સમયે જે મ્યુઝિક લેબલે તેમની CD બનાવવાની ના પાડી દીધી હતી એ જ કંપનીએ એ CDના પાઇરેટેડ વર્ઝનનું અંધાધૂંધ વેચાણ કર્યું હોવાનું પણ મુસાભાઈ જણાવે છે. ગરબા ગીતો સાથે ગુજરાતી ફિલ્મોનાં ગીતો, મરાઠી ગીતો, ગુજરાતી નાટકનાં ગીતો, કવ્વાલી ગાનારા મુસાભાઈ કહે છે, ‘હું મુસ્લિમ હોવા છતાં ગુજરાતીઓ સાથે ઊછર્યો છું અને ગુજરાતી સમાજે મને ખૂબ પ્રેમ અને સન્માન આપ્યાં છે. એટલે જ આ સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે મને કલ્પનાતીત આદરભાવ છે. તમે માનશો નહીં પણ ૧૯૮૪માં મેં ઑફિશ્યલી કમર્શિયલ નવરાત્રિમાં ગાવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આજ સુધી મારી નવરાત્રિમાં ટ્રેડિશનલ અને ગુજરાતી ગીતો સિવાયના મ્યુઝિકને સ્થાન આપવાનું ટાળું છું. આજે ગુજરાતી વિસ્તારમાં લોકો હિન્દી ગીતોનું ફ્યુઝન માગે છે પરંતુ એ પછીયે હું તેમને પરંપરાગત ગરબા સાથે જોડાયેલા રાખવા માટે મથી રહ્યો છું. અત્યારે મારી નવરાત્રિ જ્યાં ચાલે છે ત્યાં મોટા ભાગનું મરાઠી ક્રાઉડ છે એ પછીયે ઑર્ગેનાઇઝરે સામેથી જ મને કહ્યું છે કે માતાજીના ગરબા અને ટ્રેડિશનલ ગુજરાતી ગીતો જ લેવાય તો સારું. આજની નવરાત્રિમાં ચકાચૌંધ વધી છે પણ સાથે પોતાના રૂટ્સથી દૂર ન થવાય એની સાવધાની ઘટી છે એ પણ એટલું જ સાચું છે.’
રાજેન્દ્ર ગઢવી
૨૦૨૩માં કોરા કેન્દ્રમાં ઓસમાણ મીર સાથે નવરાત્રિમાં સિંગર તરીકે સક્રિય રહેલા ઓલ્ડ બટ ગોલ્ડ તરીકે ઉલ્લેખવા પડે એવા રાજેન્દ્ર ગઢવીએ આ વર્ષે નવરાત્રિમાં બ્રેક લીધો છે. ૧૯૮૪થી છૂટક-છૂટક નવરાત્રિ શરૂ કરનારા રાજેન્દ્રભાઈએ ૧૯૮૮માં કમર્શિયલ નવરાત્રિની પાક્કા પાયે શરૂઆત કરી હતી. કાંદિવલીના અખાડા ગ્રાઉન્ડ પર તેમની પહેલી કમર્શિયલ નવરાત્રિની મેમરીઝ શૅર કરતાં તેઓ કહે છે, ‘આજે જ્યાં કાંદિવલી રેક્રીએશન ક્લબ છે ત્યાં પહેલાં અખાડા ગ્રાઉન્ડ હતું. ત્રણ હજાર જેટલી જનમેદની ભેગી થતી અને રાતે અગિયાર વાગ્યે ગરબા શરૂ થતા અને આખી રાત ચાલતા. એ વખતે લોકો વરસાદ, કાદવ, કીચડ જેવા કોઈ વિચાર કર્યા વિના મન મૂકીને રમતા. નવરાત્રિ ભલે કમર્શિયલ હતી, પણ આજ જેટલું કમર્શિયલાઇઝેશન નહોતું ત્યારે. માતાજીના ગરબા જ ગવાતા અને માતાજીનું ઔચિત્ય પણ એટલું વ્યવસ્થિત રીતે જળવાતું. તમને કહું કે આજે જેમ લોકો વચ્ચે ચંપલ રાખીને ફરતે ગરબા રમે છે અને માતાજી સાઇડમાં ક્યાંક હોય અને કોઈ ત્યાં જઈને માનાં દર્શન કરવાની તસ્દી પણ ભાગ્યે જ લે એવું ત્યારે નહોતું થતું.’
આજના સમયે ગરબાની એ ઑથેન્ટિસિટી અને ગરબાનો એ ચાર્મ મિસ કરતા રાજેન્દ્ર ગઢવી ૭૭ વર્ષની ઉંમરે પણ હિન્દી ગીતોનું ઑર્કેસ્ટા વગાડે છે. ‘જમનાના કાંઠે કાનો વાંસળી વગાડે’, ‘રાધાશ્યામ રમે ગોકુળમાં રાસ’, ‘તારા રે નામનો’ જેવાં ગીતો રાજેન્દ્ર ગઢવી ગાતા અને ગ્રાઉન્ડ પર વન્સ મોરનો દેકારો મચી જતો. મોહમ્મદ રફીનાં ગીતો ગાઈને ઑર્કેસ્ટ્રા સાથે કરીઅરની શરૂઆત કરી હતી અને ૫૪ વર્ષ પછી પણ તેઓ એ કામ સરસ રીતે કરી રહ્યા છે.
દક્ષા વેગડા
૧૯૮૭માં સિંગર તરીકે લલિત સોઢા સાથે નવરાત્રિમાં સિન્ગિંગની શરૂઆત કરનારાં દક્ષા વેગડાનું આજે પણ નવરાત્રિમાં ગાવાનું ચાલુ છે પણ તેમણે વેશભૂષા અને ગીતોની પસંદગીમાં ક્યાંય માતાજીના પવિત્ર પર્વને આંચ ન આવે એનું ધ્યાન રાખ્યું છે. દક્ષાબહેન કહે છે, ‘મહેશ કુમાર, મુસા પાઈક એમ ટૉપના ગ્રુપ સાથે વર્ષોથી નવરાત્રિ કરું છું. આ વર્ષે ગોરેગામના આઝાદ મેદાનમાં નવરાત્રિ કરી રહી છું. મારા પિતાજી ભજનિક હતા અને મારા માટે નવરાત્રિ માતાજીની દિવ્ય આરાધનાના દિવસો છે. એમાં બીભત્સતા ખપે જ નહીં. મેં જ્યારે શરૂ કર્યું ત્યારે લોકોમાં આ વાતની સભાનતા હતી. સ્ટેજ પર સિંગરે ઠેકડા મારવાની જરૂર મને નથી લાગતી હોતી. શરીરનું પ્રદર્શન કરીને સ્ટેજ પર ચડવાની વાત મને ગળે નથી ઊતરતી. ભલે કરીઅરને અસર પહોંચે તો એ મંજૂર છે પરંતુ પવિત્ર નવરાત્રિમાં ક્યાંય માના ઔચિત્યને ભંગ ન થાય એની સભાનતા મેં હંમેશાં રાખી છે.’