11 October, 2024 04:43 PM IST | Mumbai | Darshini Vashi
કામિની મહેતા
પ્રેમમાં તો લોકો સાત સમંદર પાર કરતા હોય છે પણ આજે આપણે એવા લોકોની વાત કરવાના છીએ જેમણે માત્ર ને માત્ર મુંબઈમાં પોતાની પસંદગીની નવરાત્રિમાં ગરબા રમવા માટે હજારો કિલોમીટરનું અંતર પાર કર્યું છે. કેટલાકની નવી નોકરી છે તો કેટલાકનું ફૅમિલી શેડ્યુલ ટાઇટ છે તો કેટલાક લોકોનું ઍર ટિકિટના લીધે બજેટ ખોરવાયું છે. તેમ છતાં માત્ર પોતાના શોખને પૂરા કરવા માટે તેઓ ગમે તેમ કરીને સમય કાઢીને મુંબઈ રમવા આવ્યા છે. તો ચાલો તેમના આ પ્રેમ વિશે થોડી વધુ જાણકારી મેળવીએ.
છેલ્લી ઘડીએ આવવાનું નક્કી થયું એટલે લંડનથી મુંબઈ આવવા માટે ૮૦૦ પાઉન્ડની ટિકિટનો રેટ પણ આપી દીધો : કામિની મહેતા
ફિટનેસ ડાન્સ ક્લાસ સાથે સંકળાયેલાં ૩૯ વર્ષનાં કામિની મહેતા છેલ્લાં ૧૫ વર્ષથી લંડનમાં રહે છે. કામિની કહે છે, ‘પહેલાં તો દર વર્ષે હું નવરાત્રિમાં ભારત આવતી, પણ આ વખતે હું છ વર્ષ પછી નવરાત્રિ રમવા મુંબઈ આવી છું. છ વર્ષથી કોઈ ને કોઈ કારણસર હું નવરાત્રિ દરમિયાન મુંબઈ આવી નહોતી આવી શકતી અને મારા પસંદગીના કલાકારની નવરાત્રિ નહોતી માણી શકતી. પહેલાં બાળકો નાનાં હતાં; પછી તેમની સ્કૂલનો સમય, ઘરનાં કામ વગેરેને લીધે અટવાયેલી રહેતી. આ વખતે બધું બરોબર ઍડ્જસ્ટ થઈ ગયું એટલે મેં છેલ્લી ઘડીએ મુંબઈ આવવાનો નિર્ણય લીધો હતો. જોકે એને લીધે મને ઍરફેર પણ મોંઘું પડ્યું હતું. મને ટૂ વેની ટિકિટ ૮૦૦ પાઉન્ડની પડી હતી, પણ ગરબા માટે એક વખત આ અમાઉન્ટને પણ નજરઅંદાજ કરી દીધો હતો. આ વખતે મારી સાથે મારા હસબન્ડ અને મારો છોકરો પણ છે. મારું નવરાત્રિનું આખું ગ્રુપ મુંબઈમાં છે એટલે મેં ગરબામાં પહેરવાનાં કપડાં પણ ત્યાં ઍડ્વાન્સમાં કરાવી લીધાં છે. દર વર્ષે અમે મુંબઈથી ચણિયાચોળી મગાવીએ. વિદેશમાં હોઉં ત્યારે ત્યાં પણ નવરાત્રિમાં ટ્રેડિશનલ કપડાં પહેરીને રમું એટલું જ નહીં, હું ત્યાં રહેતા ગુજરાતી અને બિનગુજરાતી લોકોને ગરબા શીખવું છું.’
બે મહિના પહેલાં જ રજા મંજૂર કરાવી લઉં : વિનય ભાટેલિયા
લંડનમાં સ્ટડી કરવા ગયેલા અને હવે ત્યાં જ જૉબ કરતા ૨૫ વર્ષના વિનય ભાટેલિયા ગયા વર્ષે પણ નવરાત્રિમાં ખાસ ઇન્ડિયા આવ્યો હતો. વિનય કહે છે, ‘હું ગયા વર્ષે માસ્ટર્સનું ભણતો હતો ત્યારે પણ ખાસ નવરાત્રિ માટે મુંબઈ ૧૫ દિવસ માટે આવ્યો હતો. આ વર્ષે મારું ભણવાનું તો પૂરું થઈ ગયું છે અને હવે જૉબ કરું છું. આ વખતે હું ૨૧ દિવસ માટે આવ્યો છું. હું જ્યાં નોકરી કરું છું ત્યાં પણ બે મહિના પહેલાં જ રજા માટે કહી દીધું હતું. મને નવરાત્રિ અતિ પ્રિય છે અને વર્ષોથી હું એક જ જણની નવરાત્રિ અટેન્ડ કરતો આવ્યો છું અને હું કોઈ પણ હિસાબે એ મિસ કરી શકું નહીં એટલે હું જ્યાં પણ જૉબ જૉઇન કરું તો ત્યાં પહેલાંથી કહી જ રાખું કે મને આ મહિનામાં રજા જોઈશે જેથી પાછળથી કોઈ મગજમારી ન થાય. જોકે મને રજા મળી ગઈ અને આજે મુંબઈમાં નવરાત્રિ ખૂબ જ એન્જૉય કરી રહ્યો છું. નવરાત્રિમાં મુંબઈ જેવી મજા બીજે કશે ન આવે.’
હમણાં જ જૉબ લાગી છે છતાં રજા લઈને આયરલૅન્ડથી આવી છું : પ્રાચી ભાનુશાલી
મૂળ મુંબઈની અને વ્યવસાય માટે આયરલૅન્ડમાં સ્થાયી થયેલી ૨૪ વર્ષની પ્રાચી ભાનુશાલી માત્ર ને માત્ર પોતાના મનપસંદ કલાકારની નવરાત્રિને અટેન્ડ કરવા માટે ખાસ ઇન્ડિયા આવી છે. પ્રાચી કહે છે, ‘હું ત્રણ વર્ષથી વિદેશમાં છું અને છેલ્લાં બે વર્ષથી હું નવરાત્રિ સમયે જ મુંબઈમાં આવું છું. આ વર્ષે મારા માટે મુંબઈ આવવું થોડું અશક્ય હતું કેમ કે હું એક મહિના પહેલાં જ નવી નોકરી ઉપર લાગી છું. મારે આ વખતે પણ કોઈ પણ સંજોગોમાં મુંબઈની નવરાત્રિ મિસ કરવી નહોતી એટલે એક અઠવાડિયાની રજા લઈને પણ હું મુંબઈ આવી છું. હું રવિવારે સવારે જ ઇન્ડિયા લૅન્ડ થઈ છું અને હવે આ શનિવારે નીકળી પણ જઈશ. હું જે દિવસે આવી એ દિવસે જ મેં ગરબા અટેન્ડ કર્યા અને મને બેસ્ટ ડાન્સરનું પ્રાઇઝ પણ મળ્યું. મેં મારું આવવાનું સીક્રેટ રાખ્યું હતું. મેં જ્યારે ગરબામાં જઈને મારા મિત્રોને અચાનક સરપ્રાઇઝ આપી તો બધા ખૂબ જ ખુશ થઈ ગયા હતા. તેમને એમ હતું કે હું આ વખતે ઇન્ડિયા નહીં આવી શકું, પણ હું નવરાત્રિ કેમ કરીને મિસ કરી શકું? મારી આખી ફૅમિલી ભારતમાં છે. હું એકલી જ વિદેશમાં રહું છું. ગરબા બધે જ થાય છે પણ જે મજા ઇન્ડિયામાં આવે છે! નો ડાઉટ એક અઠવાડિયા માટે ઇન્ડિયા આવવું અને જવું કૉસ્ટ, ટાઈમ, વર્ક એમ બધી વસ્તુને અફેક્ટ કરે છે; પણ નવરાત્રિમાં અઠવાડિયું રમી લઈશ તો આખું વર્ષ કામ કરવાની મને એનર્જી મળી જશે.’
આખરે પ્રયાસ સફળ થયો અને ૨૩ વર્ષે મુંબઈ ગરબા રમવા આવી : ઝલક દેઢિયા ગોગરી
‘કારકિર્દી, સમય અને તક આ બધી વસ્તુ સાથ આપે ત્યારે જ તમે તમારું સ્વપ્ન પૂરું કરી શકો છો.’ ન્યુ જર્સીમાં રહેતાં અને સૉફ્ટવેર એન્જિનિયર ૪૨ વર્ષનાં ઝલક દેઢિયા ગોગરીનું એવું જ એક સ્વપ્ન આ વર્ષે પૂરું થયું છે. એ સપનું એટલે નવરાત્રિમાં મુંબઈમાં આવીને રમવાનું. ઝલક કહે છે, ‘મારું આ સપનું ૨૩ વર્ષે પૂરું થયું છે. હું નાની હતી ત્યારથી ગરબા રમતી આવી છું. ઘણી કૉમ્પિટિશનમાં ભાગ પણ લીધો હતો. અનેક પેપરમાં મારા ફોટો પણ છપાયા હતા, પરંતુ ત્યાર બાદ હું ૨૦૦૪માં બૅન્ગલોર શિફ્ટ થઈ ગઈ. ત્યાંથી પછી ૨૦૦૮માં અમેરિકા ગઈ. એ પછી તો ભણવાનું, લગ્ન અને બાળક એ બધી જવાબદારીઓમાં એવી અટવાઈ ગઈ કે મને ભારત આવવાનો સમય જ ન મળ્યો; પણ આ વર્ષે ૨૩ વર્ષ બાદ હું મુંબઈમાં દસ દિવસ માટે નવરાત્રિ રમવા માટે ખાસ અહીં આવી છું. આટલાં વર્ષો બાદ હું ગરબાને મુંબૈયા સ્ટાઇલમાં માણી શકું અને સ્ટેપ પર પ્રૉપર ગ્રિપ આવે એ માટે હું છેલ્લા કેટલાય દિવસોથી પ્રૅક્ટિસ પણ કરી રહી છું. મારી સાત વર્ષની દીકરી છે જેને દસ દિવસ માટે ન્યુ જર્સીમાં મારા ઘરે મારાં સાસુ-સસરા પાસે મૂકીને અહીં આવી છું. અત્યારે હું ઘાટકોપરમાં મારાં મમ્મીની સાથે રહું છું. નવરાત્રિ રમવામાં હું એટલી બિઝી થઈ જાઉં છું કે પેરન્ટ્સ સાથે રહેવાનો પણ મને સમય મળી રહ્યો નથી.’
આ પરિવાર દુબઈમાં ઊજવી રહ્યો છે મુંબઈથી પણ ચડિયાતી નવરાત્રિ
જેમ વિદેશથી મુંબઈ આવીને નવરાત્રિ મનાવનારા છે એમ વિદેશમાં રહીને માતાજીની ભક્તિના આ પર્વને ઊજવનારા પરિવારો પણ છે. છેલ્લાં નવ વર્ષથી દુબઈમાં સેટલ થયેલા મુકુંદ દોશીનો પરિવાર મુંબઈમાં ઊજવાય એનાથીયે સવાઈ નવરાત્રિ મનાવે છે. દરઅસલ મુકુંદ અને જયશ્રી દોશીનો દીકરો પ્રણવ અને વહુ જેસલ નવ વર્ષ પહેલાં દુબઈ શિફ્ટ થઈ ગયાં. મુંબઈમાં ધામધૂમથી નવરાત્રિ મનાવતો આ પરિવાર પોતાની દાયકાઓ જૂની પરંપરા પર બ્રેક ન લાગે અને આવનારી પેઢી પણ આ પરંપરાથી રૂબરૂ થાય એ આશયથી દુબઈમાં જ નવરાત્રિનું સેલિબ્રેશન કરે છે જેમાં ગરબાની સ્થાપના સાથે બે ટાઇમ આરતી, હોમહવન, ચંડીપાઠ, નૈવેદ્ય જેવી લગભગ દરેક ટ્રેડિશનલ વિધિનો સમાવેશ થાય છે. મુકુંદભાઈ અને જયશ્રીબહેન કહે છે, ‘નવ વર્ષનો અમારો પૌત્ર પ્રયાગ નવરાત્રિ સાથે સંકળાયેલા અમારા પરિવારથી પરિચિત થાય અને અમને જોઈને શીખે એ અમારો મુખ્ય આશય હતો. ઘરમાં ગરબાની સ્થાપના સાથે માતાજીની મૂર્તિ માટે નવ દિવસના દરેક દિવસના રંગ પ્રમાણે કપડાં અમે ખાસ મુંબઈથી લાવ્યાં છીએ. પૌત્રને બ્રહ્માંડ અને ગ્રહો તથા તારામાં ખૂબ જ રસ છે એટલે તેના માટે માતાજીની મૂર્તિની પાછળ તેણે ‘સ્પેસ થીમ’ સાથેનું ડેકોરેશન કર્યું છે. દરરોજ બન્ને ટાઇમ આરતી અને જપ અનુષ્ઠાન તો અમે કરીએ જ છીએ, પરંતુ એક દિવસ માટે દુબઈમાં રહેતા ખાસ મિત્રોને દર્શન અને પ્રસાદ લેવા માટેનું આમંત્રણ આપીએ છીએ. બે દિવસ પહેલાં જ પાંત્રીસ લોકોનો જમણવાર હતો.’
ખાસ તો પૌત્રને સંસ્કાર આપવા માટે પહેલાં મુંબઈમાં જ રહેતાં દાદા-દાદી ખાસ નવરાત્રિ દરમ્યાન દુબઈ જવા માંડ્યાં અને હવે તો તેઓ પણ મોટા ભાગનો સમય દુબઈમાં જ રહે છે. તેઓ કહે છે, ‘પ્રયાગનું હવે દરેક અનુષ્ઠાનમાં ઇન્વૉલ્વમેન્ટ હોય છે. માતાજીની ગુજરાતી આરતી તેને આવડે છે. હકીકત તો એ છે કે મુંબઈમાં થતી એના કરતાં પણ અનેકગણી ધૂમધામ અને ઉત્સાહથી અમે દુબઈમાં નવરાત્રિ સેલિબ્રેટ કરીએ છીએ.’