ગુજરાતી હોય એટલે ગરબાપ્રેમી હોય જ એવું કોણે કહ્યું?

23 October, 2023 02:55 PM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

Navratri 2023: નોરતાંની રમઝટમાં તરબોળ થઈ જવાનું હોય કે રંગબેરંગી કપડાંમાં સજ્જ ખેલૈયાઓને જોઈ આંખોને ઠંડક આપવાની હોય, કેટલાક લોકોને નવરાત્રિની આ બંને વસ્તુઓ આકર્ષી નથી શકતી. આજે મળીએ કેટલાક એવા લોકોને, જેમને નવરાત્રિનો શોખ નથી

અમન માગિયા

ગુજરાતી હોઈએ એટલે ગરબાપ્રેમી હોવું જ જોઈએ એવું કોણે કહ્યું? આવું કહે છે વિરારમાં રહેતો અને માસ મીડિયા ભણેલો ૨૭ વર્ષનો યુવાન અમન માંગિયા. નવરાત્રિ ગમે છે એવો પ્રશ્ન પૂરો થાય એ પહેલાં જ અમને સાફ નકાર ભણે છે. તે કહે છે, ‘મને યાદ છે ત્યાં સુધી હું નાનો હતો ત્યારે ગરબા જોવા જતો. ત્યારે અમે સુરતમાં રહેતા. મિત્રોની સાથે હું પણ ગરબા જોવામાં ભળી જતો. ખાસ રમતાં તો કાંઈ આવડતું નહીં. પછી અમદાવાદ રહેવા જતા રહ્યા. ત્યાં કાંઈ ખાસ ફ્રેન્ડસર્કલ નહોતું એટલે ઇચ્છા ન થતી. હવે કાયમ માટે મુંબઈમાં સ્થાયી થયા પછી ક્યારેક કૉલેજના મિત્રો આવું કશુંક પ્લાન કરે તો પણ ઇચ્છા નથી જ થતી. અત્યારે હું મારી પ્રવૃત્તિઓ, સ્ટડી, જૉબ વગેરેમાં બિઝી હોઉં છું એટલે આવું કશું કરવાનું મન જ નથી થતું. મિત્રો પાર્ટી કરે, સ્પોર્ટ્સ ક્લબમાં જાય કે નવરાત્રિના પાસ હોય તોય આવી ઇચ્છા નથી થતી. કારણ વગરની રખડપટ્ટી કે ટોળટપ્પા કરવા મને બહુ પસંદ નથી. સાચું કહું તો મને તો નવી રીતની નવરાત્રિનો કન્સેપ્ટ જ ગળે નથી ઊતરતો. એમાં નવરાત્રિ ઓછી અને શો બિઝનેસ વધુ ચાલે છે. ક્યાં શેરીમાં થતા એ સીધાસાદા ગરબા, સોસાયટીમાં એક ગરબો રાખ્યો હોય અને આરતી થાય એ ગરબાની મજા હતી. જોવા પણ ગમતા. હવે તો એવું કશું રહ્યું જ નથી. સાચું કહું તો હવે આવું થાય તો પણ ઇચ્છા જ નથી થતી. મને મંદિરે જવું પણ નથી ગમતું. અમારા ઘરમાં જે ભગવાનોની મૂર્તિ છે એ સિવાય ક્યાંય પૂજા-અર્ચના કરવા પણ જતો નથી. મારું માનવું છે તમે કર્મો એવાં કરો કે ભગવાનની કૃપા કાયમ રહે. કોઈ જરૂરતમંદને મદદ કરો, સુખદુઃખમાં સાથ નિભાવો એટલે થઈ ગઈ તમારી ભક્તિ! મારાં મમ્મીને ક્યારેક ઇચ્છા થાય. કોઈ જગ્યાએ સેલિબ્રિટી આવી હોય એમને જોવી હોય તો તે કહે, પણ છતાં મને આવી વાતો પ્રભાવિત નથી કરતી. આ બધું એક મોટા બિઝનેસના ભાગરૂપ હોય છે. તમને ખરેખર ગરબા રમતાં આવડતું હોય તો કદાચ ખુશી મળતી હશે પણ મારા કેસમાં કદાચ ઊંધું જ છે.’

ગરબાનું જે આધુનિકીકરણ થયું છે એણે કેટલાય ગરબાપ્રેમીઓનું દિલ તોડી નાખ્યું છે. ગરબાની અસલ મજા તો પહેલાં થતા શેરી ગરબામાં જ રહેતી એવું કહે છે એક ન્યુઝ ચૅનલમાં કામ કરતી ૨૮ વર્ષની આરતી મહેતા. આરતી કહે છે, ‘એ સીધોસાદો ગરબો મારા માટે બાળપણની બ્યુટિફુલ મેમરી છે. અમારા ઘરે પહેલાંથી જ દર વર્ષે ગરબો લાવવાની પ્રથા છે. મમ્મી-પપ્પા પાંચ ગરબા ગાય, પપ્પા ઢોલકી વગાડે  અને અમે ત્રણ બહેનો ગરબા રમીએ. બંને બહેનો પરણીને જતી રહી પછી ત્રણ ગરબા, પછી બે ગરબા કર્યા. હવે તો હું અને પપ્પા જ છીએ એટલે હવે સાવ એક ગરબો જ ગાઈએ છીએ. પપ્પા ઢોલકી વગાડે અને હું ગાઉં. મેં જોયું છે હવે તો જેમના ઘરે ગરબો કર્યો હોય એ લોકો પણ બહાર ફ્રેન્ડ્સ સાથે રમવા જાય છે. નવરાત્રિ આવે છે ત્યારે મને સૌથી વધુ ઇરિટેટ તો લોકોના પ્રશ્નો જ કરે છે. સૌ પૂછ્યા કરે કે તું ક્યાં રમવા જવાની છે? શું ગુજરાતી હોય એટલે ગરબા રમવા ફરજિયાત છે? ભાઈ, ઘણા લોકોને ન પણ ગમતું હોય. વચ્ચે આઇફોનનો ક્રેઝ એવો હતો કે આઇફોન ન હોય તો ફોન જ નથી એવું લાગતું, એ જ રીતે કોવિડના સમયમાં કોવિડ ન હોય એ અલગ તરી આવતા. હવે જેમને નોરતાં ગમતાં નથી એ લોકો અલગ પડે છે. એક વખત ફાલ્ગુની પાઠકનો શો જોવા ગયેલી પણ જો તમારું ગ્રુપ નથી અને સ્ટેપ્સ આવડતાં નથી તો મને તો એ વેસ્ટ ઑફ ટાઇમ અને મની લાગે. ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. શેરીમાં પણ જે ગરબા રમાય છે એમાં એવા લોકો રમે છે જેને શું વાગે છે એનો મતલબ સુધ્ધાં ખબર નથી હોતી. એ લોકો બસ મ્યુઝિક સમજીને ડિસ્કો દાંડિયા રમ્યે જાય છે. આવું જોવું એના કરતાં તો ન જોવું જ સારું. કેટલાંય વર્ષોથી મેં એ જોવાનું પણ ટાળ્યું છે. બસ, હવે ઘરમાં ગવાતા એક ગરબા પૂરતી નવરાત્રિ બચી છે. એમાં પણ ફક્ત ગાવા પૂરતું જ.’

કેટલાય લોકો એવા છે જે મૅરેજ પહેલાં ખૂબ જ શોખથી ગરબા રમતા હોય, ઇનામો જીતતા હોય અને પાછળથી એમના પાર્ટનરને ન ગમતું હોય એટલે સ્વેચ્છાએ જ એ બંધ કર્યું હોય. બોરીવલીમાં પાર્લર ચલાવતાં જ્યોતિ સંજીવ મોદી એમાંનાં જ એક છે. ‘લગ્ન પહેલાં શોખ હતો. પરણી પછી એક વાર હસબન્ડ સાથે જોવા ગયેલી, પણ એમને જરાય જ શોખ નહીં, ન જોવાનો કે ન રમવાનો. એટલે ત્યારે છોડ્યું એ છોડ્યું. એ વાતનેય આજે ૨૫ વર્ષ થઈ ગયાં છે. નવરાત્રિમાં મારા ઘરમાં માતાજીનો અખંડ દીવો થાય એટલું જ. પહેલાં હું આખા દિવસમાં એક ફ્રૂટ ખાઈને ઉપવાસ કરી લેતી, હવે એ પણ નથી થતું. ફૅમિલીમાં કે સોસાયટીમાં ગરબા થાય એમાં પણ નથી જતી. એક તો હવે ગરબા બહુ જ અલગ લેવલના થાય છે, એમાં મજા નથી આવતી. મારી દીકરીને બહુ શોખ છે. તેની કંપની છે છતાંય મને મન જ નથી થતું. તે તેના ફ્રેન્ડ્સ સાથે જાય છે. ક્યારેય તેને જોવા બહાને પણ ઇચ્છા નથી થતી.’

navratri 2023 navratri festivals columnists