માતા કી કહાની, યુવાઓં કી ઝુબાની

20 October, 2023 02:12 PM IST  |  Mumbai | Ruchita Shah

અમે મુંબઈના ત્રણ યંગસ્ટર્સને તેમની માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને તેમને જે મંદિર પ્રત્યે શ્રદ્ધા છે એ વિશે પૂછ્યું અને જાણવા મળી અદ્ભુત વાતો, જે પ્રસ્તુત છે અહીં

પ્રીત સોંડાગર, જિગર તેની બહેન ભક્તિ રાઠોડ સાથે, અક્ષિત પરેશભાઈ ધારૈયા

નવરાત્રિના નવ દિવસ ચંપલ નહીં પહેરવાનાં, દરરોજ મંદિરે જવાનું અને ઉપવાસ કરવા‍ જેવી બાબતો આજના યંગસ્ટર્સમાં પણ જે સ્તરે વ્યાપેલી છે એ જાણીને તમને આશ્ચર્ય થશે. અમે મુંબઈના ત્રણ યંગસ્ટર્સને તેમની માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને તેમને જે મંદિર પ્રત્યે શ્રદ્ધા છે એ વિશે પૂછ્યું અને જાણવા મળી અદ્ભુત વાતો, જે પ્રસ્તુત છે અહીં

‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી’

જલન માતરીનો આ શેર આજની પેઢીને લાગુ નથી પડતો એવું કહેવું પડે, કારણ કે એ જ પ્રકારનો માહોલ અને એ જ પ્રકારની વિચારધારા સાથે એ આગળ વધી રહી છે. તેમને તર્કની ભાષા સમજાય છે અને તર્ક પાછળ પુરાવાની આવશ્યકતા સબળ બને છે, પરંતુ એ પછીયે ભક્તિ માર્ગ તરફ આજની યુવાપેઢીનો વધતો ઝુકાવ આશ્ચર્ય પમાડનારો છે. એવા ઘણા સંત તમે જોયા હશે જેઓ નવી પેઢીને સાપેક્ષ રાખીને વાતો કરે છે અને યુવાવર્ગનો ત્યાં વધી રહેલો ધસારો ક્યાંક ને ક્યાંક આ જનરેશનને કન્વિન્સ કરવામાં તેઓ સફળ રહ્યા છે એનું પ્રૂફ પણ આપે છે. માતાજીની સાધનાના અને ઉપાસનાના દિવસો ચાલી રહ્યા છે. એવાં ઘણાં સ્ત્રી, પુરુષો મળશે જે આ નવ દિવસમાં બને એટલી વધારે આરાધના સાધના કરવામાં માનતા હોય. જોકે એવા યંગસ્ટર્સ મળે? જી હા, અમને એવા યંગસ્ટર્સ મળ્યા છે જેમણે માતાજીને પોતાનાં સર્વસ્વ માને છે અને નવરાત્રિ અને એ સિવાય પણ તેમનું ઔચિત્ય જાળવે છે. માતાજી પ્રત્યે તેમની અનર્ગળ શ્રદ્ધાનું ઉદ્ગમ સ્થાન શું હતું અને શું છે જે તેમને માતાજી પ્રત્યે આકર્ષે છે એ જાણીએ તેમની જ પાસેથી.

માતાજી સર્વોપરી

બોરીવલી ઈસ્ટમાં રહેતા જિગર ઇલેશ રાઠોડ અને તેની બહેન ભક્તિ રાઠોડ માટે માતાજી સર્વોપરી છે અને એટલે છેલ્લાં સાતેક વર્ષથી તેઓ નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરે અને સાથે જ પગમાં ચંપલ પણ નથી પહેરતાં. આ વર્ષે જિગરે માત્ર દૂધ અને જળ પર નોરતાંના ઉપવાસ કર્યા છે અને એ વચ્ચે પણ તે નિયમિત કામ પર જાય છે અને દરરોજની ત્રણથી ચાર કલાક માતાજીની સેવા પણ કરે છે. ૨૧ વર્ષના આ યુવાનનો માતાજી પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરતાં તે કહે છે, ‘મારા દાદાજી માતાજીને ખૂબ માનતા. તેમને જોઈને બાએ પણ માતાજીના ઉપવાસ શરૂ કર્યા. પછી તેમની પરંપરા પપ્પાએ જાળવી. જોકે પપ્પાને ડાયાબિટીઝ હતો પ્લસ તેમના કામના કલાકો એવા હતા કે તેમને વચ્ચે કંઈ ખાવાનો સમય પણ ન મળે. પપ્પાને ઉપવાસ છોડાવવા માટે હું કોશિશ કરતો હતો પરંતુ તેઓ માનતા નહોતા. તેઓ ન કરે તો ઘરમાં કોઈએ તો ઉપવાસ કરવા પડે. એ રીતે તેમના બદલે મેં ઉપવાસ કરવાનું શરૂ કર્યું. જોકે હવે મને આ નવ દિવસના ઉપવાસ એટલા ગમે છે કે વાત ન પૂછો. આ વખતે પહેલી વાર મેં માત્ર દૂધ અને પાણી પર ઉપવાસ કર્યા છે અને એમાં પણ પાંચ દિવસમાં કોઈ વાંધો નથી આવ્યો. માતાજી મને હાજરહજૂર હોય એવું ફીલ થાય. આપણે ગમે તેટલા મૉડર્ન થઈ જઈએ પરંતુ આ સૃષ્ટિને કોઈક એનર્જી તો ચલાવે જ છે એ વાત સાયન્ટિફિક છે અને આપણે એ ડિવાઇન એનર્જીને માતાજીમાં ફીલ કરી શકીએ છીએ એ સૌથી મોટી વાત છે. મને યાદ છે કે નાઇન્થમાં હેલ્થ બગડી જવાથી હું એક્ઝામ નહોતો આપી શક્યો, એ પછી પ્રાઇવેટ એસએસસી આપી ત્યારે લોકોએ મને ખૂબ ડરાવેલો કે પ્રાઇવેટ એસએસસી પાસ કરવી અઘરી છે. મને પણ ડર તો હતો પરંતુ માતાજીની કૃપાથી એ સમય પણ પાર થઈ ગયો. ધાર્યા કરતાં મારું સારું પરિણામ આવ્યું. દરરોજ સાંજે સાડાછથી સાડાઆઠ દરમ્યાન હું માતાજીની આરતી માટે જતો હોઉં છું.’

જિગરની બહેન ભક્તિની અત્યારે લગ્નની શૉપિંગ ચાલે છે પરંતુ એ પછીયે તેણે ઉપવાસ અને પગમાં ચંપલ નહીં પહેરવાની પરંપરાને અકબંધ રાખી છે.

મારું ફેવરિટ મંદિર : જિગર, ભક્તિ અને તેનો આખો પરિવાર બોરીવલી ઈસ્ટમાં આવેલા ખૂબ જ જાણીતા એવા અંબાજી ધામ મંદિરમાં નિયમિત દર્શન માટે જાય છે. દાયકાઓ જૂના આ મંદિરનો મહિમા જગજાહેર છે અને આ વર્ષે જ એનો જીર્ણોદ્ધાર થયો છે અને સુંદર કોતરણીયુક્ત દેવવિમાન જેવા નવા મંદિરમાં પહેલા નોરતે શ્રદ્ધાળુઓએ માતાજીની આરાધના કરી હતી. જિગર કહે છે, ‘આ મંદિરમાં તમને માતાજીની એક જુદી જ આભા દેખાય છે. દરેક વખતે માતાજી પોતાનું જુદું સ્વરૂપ દેખાડીને દર્શન આપતા હોય એવો અનુભવ થશે. માતાજી જીવંતતાનો અનુભવ અહીંના દર્શનાર્થીઓને  પ્રત્યેક ક્ષણે કરાવે છે.’

ઉપવાસ અને દર્શન

જીવનનું કોઈ પણ મહત્ત્વનું કામ હોય તો સૌથી પહેલાં કાંદિવલીના ઈરાનીવાડીમાં રહેતા અને સાઇબર ક્રાઇમનો અભ્યાસ કરતા પ્રીત ભીખુ સોંડાગર માતાજીને પગે લાગે. અત્યારે નવરાત્રિના નવ દિવસ એકટાણાં કરતા આ યુવાનને માતાજીના અઢળક પરચાઓ પણ મળી ચૂક્યા છે. તે કહે છે, ‘ઘરમાં પણ ભક્તિનું વાતાવરણ રહ્યું છે પરંતુ હું જ્યારે થાકું, કંટાળું કે દિશાહીન થાઉં ત્યારે માતાજી પાસે જતો અને મારી બધી ચિંતા હળવી થઈ જતી. પછી તો માત્ર સંકટ સમયે નહીં પણ જીવનના દરેક સમયે હું માતાજીની સાથે રહું અને માતાજી મારી સાથે રહે. પહેલી વાર મારાં દાદી સાથે વાત કર્યા પછી પાંચેક વર્ષ પહેલાં ઉપવાસ રાખવાનું શરૂ કરેલું, જે આજ સુધી ચાલુ છે. સવારે કૉલેજ જાઉં એ પહેલાં માતાજીના મંદિરે જાઉં. ઘરે આવીને એકટાણું કરું અને સાંજે પાછાં દર્શન અને આરતી વગેરે કરવાનાં. બે વર્ષ ચંપલ નહોતાં નવરાત્રિમાં પરંતુ આ વખતે ગરમી બહુ છે અને ભણવાનું ચાલુ છે એટલે ઘરમાં જ બધાએ ના પાડી. મને યાદ છે કે મારા એક ફ્રેન્ડની હેલ્થ બગડી ગઈ હતી અને હું બહુ જ અપસેટ હતો. મેં મા પાસે જઈને પ્રાર્થના કરી અને થોડાક સમયમાં તેની હેલ્થ બહેતર થઈ ગઈ હતી. એક્ઝામનું ટેન્શન હોય કે પછી બીજું કંઈ પણ માઇન્ડમાં ચાલતું હોય હું મા સાથે શૅર કરી દઉં અને પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય. આમાં મારા એક્સ્પીરિયન્સ જ કાફી છે. પ્રૂફની જરૂર નથી.’

ફેવરિટ મંદિર : પ્રીત સોંડાગર પોતાના બિલ્ડિંગની બાજુમાં આવેલા ઈરાનીવાડીના અંબે મા મંદિરમાં નિયમિત દર્શન કરવા જાય છે. બહુ જ સતવાળું આ મંદિર મનાય છે. અત્યારે એ બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં છે, પરંતુ એ પછીયે નવરાત્રિમાં મંદિરની જગ્યાએ લોકોની ભીડ હોય છે. અહીંના મકાનમાલિકને સ્વપ્નમાં માતાજીએ દર્શન આપ્યાં હતાં અને તેમણે સોસાયટીના અન્ય સભ્યોની મદદથી મંદિરનું નિર્માણ લગભગ પાંત્રીસ વર્ષ પહેલાં કર્યું હતું.

આવે આંખમાં આંસુ

કૉમર્સમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનનો અભ્યાસ કરી રહેલા અક્ષિત પરેશભાઈ ધારૈયાને માતાજીની આંખોમાં દૃષ્ટિ કરે અને આંખ ભરાઈ જાય એવો અનુભવ અઢળક વાર થયો છે. અક્ષિત સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળે તો સાંજે ચાર વાગ્યે ઘરે પાછો આવે. કૉલેજમાં આટલા કલાકો આપતો આ યુવાન જોકે એ પછીયે નવરાત્રિમાં પોતાના ઉપવાસ કરવાના નિયમને વળગી રહ્યો છે. મેં માતાજીનો સાક્ષાત્કાર મારા જીવનમાં કર્યો છે. મારા ઘરમાં ઘણી સમસ્યાઓમાંથી માતાજીએ અમને બહાર કાઢ્યા છે એ હું માત્ર ઉપજાવી કાઢેલી વાતો નથી કરતો એમ જણાવીને અક્ષિત કહે છે, ‘મારા દાદાજી ખોડિયાર માતાને ખૂબ માને છે. અમે અમરેલી પાસે આવેલા ધારી ગામમાં ખોડિયાર માનાં દર્શન કરવા માટે વર્ષમાં ઓછામાં ઓછું એક વાર તો જઈએ જ. નવરાત્રિમાં નવ દિવસ અમારા ઘરે અખંડ દીવો થાય, માતાજીની સવાર-સાંજ પૂજા થાય. એટલે ઘરના સંસ્કારો તો ખરા જ પણ વ્યક્તિગત રીતે પણ શક્તિનું વાસ્તવિક હોવું અનુભવ્યું છે. તમને કહું, ધારીમાં જ્યારે અમે આરતી કરતા હોઈએ ત્યારે માતાજી ત્યાં સાક્ષાત બેઠાં છે અને આપણી સાથે વાતો કરી રહ્યાં છે એવું લાગતું હોય છે. ત્યારે આંખમાં આંસુ આવી જતાં હોય છે. અમારા ઘરે બીજો એક ચમત્કાર પણ અમે અનુભવ્યો છે. મારા ભાઈને જન્મથી જ કિડનીનો પ્રૉબ્લેમ હતો. મુંબઈના ટૉપ ડૉક્ટર પાસે એનો ઇલાજ નહોતો ત્યારે મારા દાદાજીએ ખોડિયાર માની માનતા માની અને મુંબઈથી ધારી લગભગ સાડાસાતસો કિલોમીટર ચાલીને ગયા. તેઓ પાછા આવ્યા ત્યાં સુધી મારો ભાઈ એકદમ સાજો થઈ ગયો હતો. આવા તો ઘણા અનુભવો મને થયા છે.’

મારું ફેવરિટ મંદિર : અક્ષિત તેના ઘરમાં જ સ્થાપના કરવામાં આવેલા ખોડિયારમાના મંદિરમાં સવાર-સાંજ, ઘરેથી બહાર જતાં પહેલાં, ઘરે આવીને માનાં દર્શન કરવા જેવા નિયમો પાળે છે પરંતુ એ સિવાય દહિસર વેસ્ટમાં સ્ટેશન પાસે આવેલા ખોડિયારમાના મંદિરે પણ તે રવિવારે દર્શન માટે જાય છે. આ ખોડિયારમાનું મંદિર પણ ખાસ્સું જૂનું અને અનેક શ્રદ્ધાળુઓનું કેન્દ્રબિંદુ છે.

navratri 2023 navratri columnists ruchita shah