મારું મન મોર બની થનગાટ કરે

23 October, 2023 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Navratri 2023: પીકૉક ગ્રીન એટલે કે મોરપીંછ કલર જેટલી બાહ્ય અસર કરે છે એનાથી અનેકગણી ઘટ્ટ અસર એની માનસ પર રહે છે અને એટલે જ ઝવેરચંદ મેઘાણીએ થનગાટ કરતા મનને મોર સાથે સરખાવ્યું છે

મારું મન મોર બની થનગાટ કરે

Navratri 2023: નવરાત્રિના અંતિમ એટલે કે નવમા દિવસે વાત કરવાની છે પીકૉક ગ્રીન એટલે કે મોરપીંછ રંગની. મોરપીંછ કલરની વાત વાંચતાં પહેલાં તમે તમારી આંખ સામે મોરનું એક પીછું કે એક ફોટોગ્રાફ રાખશો તો તમને આખી વાત સમજવામાં સરળતા રહેશે.

મોરના પીંછામાં અનેક કલર છે. દરેક મિલીમીટર પર એ પીંછાનો કલર બદલાય છે. આ આખું પીંછું એક થયા પછી જે કલર બને છે એવો બ્લુ કલરની ઝાંય સાથેના ચળકતા ગ્રીન કલરને મોરપીંછ કલર કહેવામાં આવે છે. પીકૉક ગ્રીનની એક ખાસિયત છે. એ કોઈ પણ સામાન્ય અને સરળ લાગતી વ્યક્તિ કે વસ્તુને જાજરમાન બનાવી દે છે તો સાથોસાથ આ પીકૉક ગ્રીન કલરની બીજી પણ એક ખાસિયત છે. આંખ સામે જેવો પીકૉક ગ્રીન આવે કે તરત શરીરમાં નવી ઊર્જા આવી જાય. 

સૌથી પહેલાં તન
Navratri 2023: કૃષ્ણનો વિરહ ન કનડે એ માટે ગોપીઓ પોતાના જીવનમાં મોરપીંછ કલરનો સમાવેશ કરતી અને સાથોસાથ મોરપીંછ પોતાની સાથે રાખતી. શાસ્ત્રો કહે છે કે મોરપીંછ સાથે હોવાથી મનમાં પ્રસન્નતા રહે છે અને શરીર તનાવમુક્ત રહે છે. યુપીમાં જઈને જુઓ તો દસમાંથી ઓછાંમાં ઓછાં પાંચ ઘર એવાં નીકળે જે ઘરમાં તમને મોરપીંછ જોવા મળે જ મળે, એનું કારણ પણ આ જ છે. જેમ રુદ્રાક્ષના પોતાના અનન્ય લાભ હોવાનું કહેવાય છે એવી જ માન્યતા ઓરિજિનલ યાદવોમાં છે. મોરપીંછ સાથે હોવાથી જીવનમાં તકલીફો દૂર થાય છે અને મોરપીંછ સાથે રાખવાથી ભૂત-પ્રેત પણ દૂર રહે છે.

પીકૉક ગ્રીન રિચનેસનો પ્રતીક છે. રિચનેસ એટલે શ્રીમંતાઈ નહીં પણ પૂર્ણતા. ભગવાન શ્રીકૃષ્ણના મુગટનું મોરપીંછ તેમની સર્વગુણ પૂર્ણતાનું પ્રતીક હતું એ સહેજ તમારી જાણ ખાતર. જો તમને વિજય માલ્યા યાદ આવતા હોય તો તમને એ પણ યાદ આવવું જોઈએ કે માલ્યા ઘણી વાર પીકૉક ગ્રીન કલરના સૂટમાં કે જમૈકન શર્ટમાં જોવા મળતા. માલ્યા પણ દુનિયાની સામે એવું જ પુરવાર કરવા માગતા હતાં કે તેની પાસે જગતનું તમામ પ્રકારનું ઐશ્વર્ય છે અને આ વાત પુરવાર કરવા માટે જ તે મોરપીંછ કલરનો મહત્તમ ઉપયોગ કરતા.

હવે વાત મનની
Navratri 2023: સાઇકોલૉજિસ્ટનું કહેવું છે કે મોરપીંછ કલર વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા ખોલવાનું કામ કરે છે તો સાથોસાથ એ ગોલ પર ફોકસ રહેવાનું પણ સૂચવે છે. સાઇકોલૉજિસ્ટ આ વાતને શ્રીકૃષ્ણ સાથે પણ જોડે છે. ડૉ. મુકુલ ચોકસીના કહેવા મુજબ શ્રીકૃષ્ણની સાથે તમને સતત મોરપીંછ દેખાય છે, જે દર્શાવે છે કે એક ચોક્કસ ધ્યેય સાથે તે આગળ વધતા હતા. જન્મ સમયે તેમનો ગોલ હતો કે મથુરાને રાક્ષસોથી બચાવવું અને કંસને દંડ આપવો. આ બન્ને કાર્ય પછી પણ તેમના ગોલ ક્લિયર હતા અને ક્લિયર ગોલ હોવાને લીધે જ તે ક્યારેય પીકૉક ગ્રીન કલરથી દૂર થયા નથી. 

પીકૉક ગ્રીન ધ્યેયની બાબતમાં સ્પષ્ટ પણ રાખે છે અને તમને ખોટી દિશામાં ડાઇવર્ટ થતાં પણ રોકે છે. પીકૉક ગ્રીનની બીજી પણ એક ખાસિયત છે. 

પીકૉક ગ્રીન કલર અફેક્શન એટલે કે આકર્ષણનું પણ પ્રતીક છે. જે વાઇફની એવી સતત ફરિયાદ હોય કે તેના પતિ પાસે પોતાના માટે સમય નથી તેણે પીકૉક ગ્રીન કલરનો વપરાશ વધારવો જોઈએ. પીકૉક ગ્રીન કલર સંબંધોમાં નવેસરથી આકર્ષણ જન્માવવાનું કામ કરશે જ કરશે.

અંતિમ વાત ધનની
શાસ્ત્રોમાં મોરપીંછને જ્ઞાનનો કલર કહ્યો છે. તમે જુઓ, મા સરસ્વતી પાસે મોર બેઠો છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં ધન હોય અને ધારો કે ધન ન હોય તો પણ ધનની અતૃપ્ત વાસના પણ ન હોય, જે જ્ઞાનની જીત છે. કહેવાનો ભાવાર્થ કે પીકૉક ગ્રીન વ્યક્તિને જ્ઞાનની દિશામાં આગળ વધારે છે, જે જ્ઞાન અંતે ધનપ્રાપ્તિ સુધીની લઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જે ઘરના મંદિરને પીકૉક ગ્રીન કલરનું સુશોભન કરવામાં આવ્યું હોય એ ઘરમાં ધનની ખોટ ક્યારેય વર્તાતી નથી તો આ જ વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો સંતાનોના રૂમમાં મોરપીંછ કલરનો સમાવેશ કરવામાં આવે તો તે જ્ઞાનની બાબતમાં અવ્વલતા પ્રાપ્ત કરે છે.

દશકાઓ પહેલાં જ્યારે આપણા ફાધર કે દાદા ભણતા ત્યારે તેમનાં પુસ્તકોમાં મોરપીંછ મૂકવાની પરંપરા હતી, જેને સીધો જ વાસ્તુશાસ્ત્ર સાથે સંબંધ છે. 

મોરપીંછથી જીવજંતુ ભાગે છે એવી લોકવાયકાઓ છે, જેમાં તથ્ય હોઈ શકે છે; કારણ કે મોરપીંછને દૈવી વાસ સમાન ગણવામાં આવ્યું છે અને જ્યાં પણ કુદરતી શક્તિ હોય ત્યાંથી અગોચર શક્તિ હંમેશાં દૂર રહે છે.

navratri 2023 navratri festivals columnists