નવેનવ દિવસ ગરબા રમવા એ ખાવાના ખેલ નથી

20 October, 2023 05:11 PM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

ગરબે ઘૂમવું ગમતું હોય એટલે ગરબાની થાપ પડે અને તન થીરકવા માંડે, પણ નવેનવ દિવસ સરસ ઊર્જા અને તરવરાટ સાથે ગરબે ઘૂમવું હોય તો ખાવા-પીવાની અને આરામની બાબતમાં કેટલીક કાળજી લેવામાં હજી મોડું નથી થયું

પ્રતીકાત્મક તસવીર

નોરતાંમાં રાતની ઊંઘની પૅટર્ન સાથે ખાવા-પીવાનું રૂટીન પણ ડ્રા​સ્ટિકલી ચેન્જ થાય છે. એવા સમયે શું ખાવું અને શું ન ખાવું એની સાથે ગરબા પહેલાં અને પછી શું ખાવું એનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. રોજ જો આ રીતનું જમણ હોય તો રાતની રમતનો થાક ઉતારવામાં શરીરને ખાસ્સીએવી મદદ મળે છે.

ગરબા પહેલાં શું ખાવું?

ગરબા માટે શરૂઆતના દિવસોમાં તો બહુ જ એનર્જી હોય છે, પણ સમય જતાં દિવસે-દિવસે એ એનર્જી ઓછી થતી જાય છે ત્યારે ડાયટમાં હાઈ એનર્જી સોર્સિસ હોવા ખૂબ જ જરૂરી છે. એમાં કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનરિચ ફૂડનો સમાવેશ કરવો જોઈએ એમ ડાયટિશ્યન કુંજલ શાહ કહે છે.

પ્રોટીન : અમુક પ્રોટીનને ડાયજેસ્ટ થતાં વાર લાગે છે. એટલે પ્રોટીનરિચ ફૂડથી ત્રણ-ચાર કલાક પેટ ફુલ થઈ જાય છે. ઉપરાંત ઓછા કન્ટેન્ટમાં ખવાયેલું ખાવાનું પણ સારી એવી એનર્જી આપી દે છે. દૂધ, દહીં, ઘી જેવી મિલ્ક પ્રોડક્ટ્સ, સ્પ્રાઉટ્સ, દાળ, એગ્સ કે કોઈ પણ ઍનિમલ પ્રોડક્ટ્સ પ્રોટીનનો સારોએવો સોર્સ છે.’

કાર્બોહાઇડ્રેટ્સ : કોઈ પણ ફૂડ જે ઇન્સ્ટન્ટ એનર્જી આપતું હોય જેમ કે એગ્સ, ફ્રૂટ્સ, મ​લ્ટિ-ગ્રેન બ્રેડ વગેરે. ગરબા પહેલાં લીધેલો આ ખોરાક સ્ટૅમિના બનાવી રાખવામાં મદદ કરે છે.

ક્યારે ખાવું?

ગરબા રમવા જવાના હો ત્યારે થોડું વહેલું ડિનર કરીને જવાનું રાખવું. ફુલ પેટ ભરીને જમીને રમવાથી નોશિયા થઈ શકે છે. એટલે ગરબાના પહેલાંનો ખોરાક નીકળવાના એક-દોઢ કલાક પહેલાંનો હોવો જોઈએ. ધ્યાન રહે કે સ્ટમક ૮૦ ટકા જ ફુલ કરવું, જેથી લેથાર્જી ન થાય અને ડાઇજેશનની પ્રક્રિયા સરળ થઈ રહે. આનાથી વધુ ખાવાનું રેગ્યુલર ડેઝમાં પણ અવૉઇડ કરવું જોઈએ.

ગરબા દરમ્યાન શું ખાવું?

ગરબા દરમ્યાન જો પેટ ખાલી લાગે તો એનર્જી બાર્સ, ગ્લુકોઝ બિસ્કિટ, ડ્રાય ફ્રૂટ્સ, ખજૂર, અંજીર વગેરે સાથે રાખી શકાય. આ ઉપરાંત ખાસ યાદ રાખીને પોતાને હાઇડ્રેટેડ રાખવું. ગયા વર્ષે ગરબા દરમ્યાન અમુક લોકો હીટ-સ્ટ્રોકથી મૃત્યુ પામેલા. ગરમીને લઈને ડીહાઇડ્રેશન ખૂબ જ વધુ થાય છે. ઉપરાંત ગરબામાં ખૂબ જ એનર્જી ખર્ચાય છે. માટે સાદું પાણી, ફ્રૂટ-જૂસ કે લીંબુપાણી એવું કશુંક સાથે રાખવું.

ગરબા પછી શું ખાવું?

ગરબા રમીને લાગેલો થાક ઉતારવા માટે અમુક લોકો જે હાથ લાગે એ ખાઈ લે છે. ભૂખ વધુ લાગી હોય છે એટલે માઇન્ડલેસલી ઓવરઈટિંગ કરી નાખે છે. આવું અવૉઇડ કરવા અડધા કલાક પછી જ કશુંક ખાવું. આવા સમયે થાકેલું શરીર ઇન્સ્ટન્ટ એનર્જી માગતું હોય છે. સરળતાથી ડાઇજેસ્ટ થાય એવું પ્રોટીનરિચ ફૂડ જેવું કે પનીર અને વે-પ્રોટીન પાઉડર કે જે ઈઝીલી ઍબ્સૉર્બ થઈ શકે છે એ આમાં મદદરૂપ થઈ શકે. નૉન-વેજિટેરિયન લોકો એગ-વાઇટ્સ કે ચિકન પણ લઈ શકે. આવા સમયે જો અનાજ ખાવામાં આવે તો પછી તરત જ સૂવાનું હોવાથી ફૅટ વધી શકે છે.

બ્રેકફાસ્ટમાં શું ખાવું?

બીજા દિવસે સવારનો નાસ્તો પણ ખૂબ જ મહત્ત્વનો છે. નવરાત્રિમાં એનર્જી લેવલ બચાવવા માટે નાસ્તાની અગત્યતા ચૂકવી નહીં. અમુક લોકોને સવારમાં ચા કે દૂધ સિવાય કશું ખાવાની આદત હોતી નથી. આ આદત અવૉઇડ કરવી. ફાઇબર, પ્રોટીન અને કાર્બ્સ ઇન્ક્લુડેડ હોય એવો ખોરાક લેવો. જેમ કે પૌંઆ હોય તો એમાં થોડાં વેજીસ નાખવાં, થોડા બૉઇલ્ડ ચણા કે સ્પ્રાઉટ ઉમેરવા. આ સિવાય ઉપમામાં પણ આવું કૉમ્બિનેશન સારું રહે. મ​લ્ટિગ્રેન વેજ સૅન્ડવિચ, ઇડલી-સાંભાર, પોરેજ, ઓટ્સ, એગ-વાઇટ્સ વગેરે આખા દિવસની એનર્જી માટે સારો સોર્સ બની શકે છે.’

navratri navratri 2023 columnists