આપ કે આ જાને સે...

23 October, 2023 03:22 PM IST  |  Mumbai | Darshini Vashi

લગ્ન પહેલાં નવરાત્રિમાં ગરબાનું એક સ્ટેપ પણ ન કરનાર લગ્ન બાદ પોતાના પાર્ટનરના સથવારે અને સહકારે મસ્ત મન મૂકીને કેવા રમી રહ્યા છે એ જુઓ તો ખરા...

શ્રદ્ધા સંઘવી પતિ અને દીકરી સાથે

લગ્નજીવનને સુમધુર જાળવી રાખવા માટે પ્રેમ અને વિશ્વાસ જેટલો જરૂરી છે એટલો જ જરૂરી એકબીજાનો સથવારો અને સહકાર પણ છે. પોતાની ઇચ્છાને પાર્ટનર ઉપર થોપીને કે જબરદસ્તીથી મનાવીને નહીં પણ તેને એ ઇચ્છાના પ્રેમમાં પાડીને પૂરી કરાવતાં યુગલોને મળવા જેવું છે. સાથે ગરબે રમતાં પ્રેમ થયો અને લગ્ન થઈ ગયાં હોવાનું તો ઘણાનું સાંભળ્યું છે પણ લગ્ન બાદ ગરબાના પ્રેમમાં પડ્યા હોવાનું તો જવલ્લે જ સાંભળવા મળ્યું હશે, બરાબરને? લગ્ન સુધી નવરાત્રિ દરમિયાન એક તાળી પણ ન પાડનાર જુઓ લગ્ન બાદ કેવા પોતાના લાઇફપાર્ટનરની સાથે કદમ મિલાવીને જ નહીં પણ ગરબાના સ્ટેપની સાથે સ્ટેપ મેળવીને ગરબે ઘૂમી રહ્યા છે.

શરમાળ હતી હું

ઘણી વખત શરમના લીધે આપણે જીવનમાં ઘણું મિસ કરી દેતા હોઈએ છીએ પણ જો કોઈ આપણી શરમ દૂર કરનાર મળી જાય તો શરમ તો દૂર થાય જ સાથે લાઇફને વધુ એન્જૉય કરીને જીવતાં પણ આવડી જાય છે. કાંદિવલીમાં રહેતાં હાઉસવાઇફ મીના મહેતા કહે છે, ‘હું લગ્ન પહેલાં ગોરેગામમાં રહેતી હતી. ત્યાં મોટા ભાગની વસ્તી મહારાષ્ટ્રિયન લોકોની હતી. એટલે ત્યાં નવરાત્રિ તો થતી પણ વિશાળ ફલક પર નહોતી થતી. નવરાત્રિ વખતે મારી મમ્મી તો ગરબા રમવા ઊતરે પણ મને શરમ આવતી હતી. એટલે લગ્ન પહેલાં મેં ગરબાનો એક રાઉન્ડ પણ નથી માર્યો અને મને શોખ પણ નહોતો. મારાં લગ્ન થયા બાદ જ્યારે પહેલી નવરાત્રિ આવી ત્યારે મેં જોયું કે મારા હસબન્ડ તો બહુ સરસ ગરબા રમી લે છે અને પાછો તેમને ગરબા રમવાનો પણ એટલો જ શોખ. એટલે અમે ક્યારેક બહાર જતાં કે પછી ગ્રુપમાં જતાં તો તેઓ રમવામાં એકલા પડી જતા. તેઓ ક્યારે પણ મને ફોર્સ નહોતા કરતા પણ મને રમવા માટે બોલાવતા. પહેલાં તો હું ના જ પાડતી પણ પછી તેમને રમવામાં કંપની આપવા માટે ધીરે-ધીરે શીખતાં-શીખતાં રમવા લાગી. અમે જ્યાં રહીએ છીએ ત્યાં અને આસપાસ પણ બહુ જ સરસ નવરાત્રિ થાય છે. એટલે રમવાની મજા પણ આવવા લાગી. ત્યારથી એક પણ નવરાત્રિ એવી બાકી નથી રહી જ્યારે અમે બન્ને જોડીમાં ન રમ્યાં હોય. જોતજોતામાં શરમ તો ક્યાં ગાયબ થઈ ગઈ એ ખબર પણ ન પડી. આજે તો મારા હસબન્ડ ગરબા રમવા ન આવવાના હોય તો પણ હું એકલી રમી લઉં છું. આવી હિંમત માટે થૅન્ક્સ ટુ માય હસબન્ડ.’

વાઇફની ખુશી મારી ખુશી

મને ડૉક્ટરે એવી ઍક્ટિવિટી કરવાની ચોખ્ખી ના પાડેલી છે જેનાથી મારી બૅકને કોઈ નુકસાન થાય તેમ છતાં હું મારી પત્નીને ચિયર અપ કરવા અને તેના મોઢા ઉપર વધુ સ્માઇલ લાવવા ગરબા રમું છું એમ જણાવતાં અને કાંદિવલી ઈસ્ટમાં રહેતા અમર ચંદારાણા આગળ કહે છે, ‘મારી પત્ની ખૂબ જ સરસ રમે છે અને દર વખતે મોટી મોટી નવરાત્રિમાં પ્રાઇઝ લાવે જ છે. હું નૉર્મલ રમું છું, તેની જેમ નહીં અને આમ પણ લગ્ન પહેલાં હું નવરાત્રિમાં ખાસ જતો પણ નહીં. રમતો પણ લગ્ન બાદ મારી પત્નીની સાથે રમતો પણ સીડી પરથી પડી જવાને લીધે મને બૅકનો પ્રૉબ્લેમ થઈ ગયો છે એટલે બસ, પત્નીને પ્રોત્સાહન આપવા હવે હું થોડું ધીમે-ધીમે રમી લઉં છું.’

આ વિશે વધુ માહિતી આપતાં અમરભાઈનાં પત્ની સોનાલી કહે છે, ‘લગ્ન બાદ તેઓ ગરબા રમતા થયા અને હવે બૅકપેઇન હોવા છતાં તેઓ મારા માટે થોડું તો થોડું રમી લે છે એ જ મારા માટે બહુ મોટી વાત છે. ત્યાં સુધી કે મને સતત પ્રોત્સાહન પણ આપતા રહે છે, જેના લીધે આજે હું કેટલાં બધાં પ્રાઇઝ જીતી લાવું છું.’

પતિદેવનો પ્રેમ જ કહો

જ્યાં સુધી તમને કોઈ મોટિવેટ કરનારા ન મળે ત્યાં સુધી તમે કોઈ કાર્ય કરવામાં સફળ થતા નથી. ભલે એ પછી ઑફિસ વર્ક હોય કે ઘરનું કામ હોય કે પછી ગરબા જ કેમ ન હોય. દહિસરમાં રહેતાં હેતલ કરેલિયા કડકિયાની સ્ટોરી પણ કંઈક આવી જ છે. તેઓ કહે છે, ‘મને પહેલાંથી જ ગરબા રમવા હતાં. એમાં ભાગ લેવા માગતી હતી પણ મોટિવેશન હતું નહીં. મને એમ જ હતું કે હું ગરબા રમી શકીશ કે નહીં. ગરબા જોવા આવતી હતી અને ટોળામાં ઊભી રહી જતી હતી. રમવાની ઇચ્છા થતી પણ ત્યાં જ ઊભી રહેતી હતી. લગ્ન બાદ આ મોટિવેશન મને મારા હસબન્ડે આપ્યું. તેઓ ખૂબ જ સરસ રમે છે. હું મોટિવેટ થઈ શકું એટલે મારી સાથે ગરબા કલાસમાં જોડાયા. અમારા બન્નેનું પૅશન એક જ હતું, જે અમે સાથે મળીને શીખ્યા જેને લીધે આફ્ટર મૅરેજ અમારું બૉન્ડિંગ વધુ મજબૂત બન્યું. અમે એટલું સરસ શીખી ગયાં કે આજે લગ્નનાં પાંચ વર્ષ થઈ ગયાં છે અને અમે દર વર્ષે સીઝન પાસ લઈને કપલમાં રમીએ છીએ. આજે મારા હસબન્ડે મને એટલી બધી મોટિવેટ કરી દીધી છે કે તેમના કરતાં વધારે મને ગરબા રમવાનો રસ વધી ગયો છે.’

મારો ડર દૂર થયો

‘મારા હસબન્ડ અને દીકરી બન્નેએ મને ગરબા રમવા માટે પ્રેરણા આપી’ એમ મહાવીરનગરમાં રહેતાં અને હાઉસવાઇફ એવાં શ્રદ્ધા સંઘવી રાજી થઈને આગળ કહે છે, ‘મને શરમ કે ડર એવું કશું નહોતું પણ બસ, એમ જ રમતી નહોતી. કદાચ એમ પણ કહી શકો કે રમવા માટે પ્રૉપર કંપની કે પછી પ્રોત્સાહન જેવું નહોતું. મારા હસબન્ડ સારા ગરબા રમે છે. તેમની સાથે લગ્ન બાદ મેં પણ થોડું થોડું રમવાનું ચાલુ કર્યું. પછી મને દીકરી આવી જે એકદમ નાની હતી ત્યારથી મસ્ત રમતી. મારા હસબન્ડ અને મારી દીકરી બન્ને ગરબા રમવાનાં શોખીન. બસ, પછી મેં નક્કી કરી લીધું કે હવે તો હું પણ રમીશ. એટલે મેં પણ તેમની સાથે રમવાનું શરૂ કરી દીધું. આજે અમે ત્રણે જણ એક ગ્રુપ બનાવીને ગરબે રમી રહ્યાં છીએ અને ઘણી વખત કમર્શિયલ નવરાત્રિમાં પણ રમવા જઈએ છીએ. લાઇફપાર્ટનરની સાથે રમવાની મજા જ કંઈ ઓર હોય છે.’

navratri 2023 navratri columnists darshini vashi