ભવ્ય, જાજરમાન અને દેદીપ્યમાન એટલે વાયલેટ

22 October, 2023 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો છોકરો જોવા આવવાનો હોય અને તમને મેકઅપ કરવાનો સમય મળ્યો ન હોય તો વાયલેટ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી લેજો, તમારા રૂપને એક નવો જ ઉઠાવ મળી જશે એની ખાતરી રંગશાસ્ત્રથી લઈને જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર સુધ્ધાં આપે છે

તસવીર: યોગેન શાહ

આમ તો ‘મિડ-ડે’ના તંત્રીની છૂટ હતી કે આપણે રંગોની વાત કરવી છે, જેમાં જરૂરી નથી કે નવરાત્રિના જ રંગ ફૉલો કરવા, તમને અનુકૂળ લાગે તો તમે બીજા રંગ પણ લઈ શકો છો, પણ અનાયાસ જ આપણે જે રંગોની વાત કરી એ તમામ રંગો નવરાત્રિના જ રંગ હતા, આ જ સિરીઝમાં આજે વાત કરવાની છે 
વાયલેટ રંગની.

જાંબુડિયા રંગ તરીકે ગુજરાતીમાં પૉપ્યુલર એવો વાયલેટ રંગ એના નામ મુજબ જ પાક્કા-લચી પડેલા જાંબુના અર્ક જેવો કલર ધરાવે છે. આ વાયલેટ કલર બ્યુટીનું પ્રતીક છે. વાયલેટની એક મોટી ખાસિયત એ છે કે એ સુંદરતામાં ઉમેરો કરે છે અને નમણાશ વધારે છે. જરા ધ્યાનથી આ શબ્દો નોંધજો. ખૂબસૂરતીમાં ઉમેરો અને નમણાશ ઉમેરો. કલરથેરપિસ્ટ પણ આ જ કારણે સૂચન કરે છે કે જો કોઈ અગત્યની ઇવેન્ટમાં જવાનું હોય અને તમને તૈયાર થવાનો સમય ન મળે તો વાયલેટ કલરના કૉસ્ચ્યુમ પહેરવા. 

સૌથી પહેલાં તન
વ્યક્તિગત રીતે વાયલટ કલરનો ઉપયોગ જો નિયમિત કરવામાં આવે તો હસબન્ડ-વાઇફ કે પછી બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે રોમૅન્સ ટકી રહે છે. પુરુષો માટે વાયલેટ કલર જો તમને વાજબી ન લાગતો હોય તો એના શેડ્સ વાપરી શકાય છે. કલરની દુનિયામાં વાયલેટ એકમાત્ર એવો કલર છે જેની પાસે વેરિએશનના અઢળક શેડ્સ છે. વાયલેટ અને વાઇટ કલરના કૉમ્બિનેશનથી ઊભા થતા આ તમામ શેડ્સ રૉયલ લુક આપે છે. કલરથેરપિસ્ટ કહે છે કે જો ઇન્ટરવ્યુ આપવા જવાનું બને તો છોકરીઓએ કૉસ્ચ્યુમમાં વાયલેટ સાથે વાઇટ કલરનું કૉમ્બિનેશન કરવું, જે મહત્વકાંક્ષાની સાથોસાથ જમીન પર રહીને શાંતિ સાથે આગળ વધવાનું સૂચવે છે.
વાસ્તુશાસ્ત્ર કહે છે કે વાયલેટ કલરનો ઉપયોગ બેડરૂમમાં કરવામાં આવે તો અગાઉ કહ્યું એમ, હસબન્ડ-વાઇફ વચ્ચે સંવાદિતા વધે છે, ઘર્ષણ ઓછું થાય છે.

હવે વાત મનની
શરીરમાં રહેલાં સાત ચક્રો પૈકીના સહસ્રદલનો કલર વાયલેટ છે. આ ચક્રને ક્રાઉનચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કૉસ્ચ્યુમથી માંડીને આસપાસ વાયલેટ કલરનો ઉપયોગ કરવાથી નબળી નિર્ણયશક્તિ, બેધ્યાનપણું કે બેચેનીની સમસ્યા દૂર થાય છે, પણ એની સામે જો તમારી ઇમેજ અહમી વ્યક્તિ તરીકેની હોય, રાતે ખરાબ સપનાં આવતાં હોય અને દરેક વાતને નકારાત્મકતાથી જોવાનો સ્વભાવ ઘર કરી ગયો હોય એવી વ્યક્તિએ વાયલેટ કલરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. 
વાયલેટ કલર ઇમેજને રૉયલ બનાવવાનું કામ કરે છે. તમે જોશો તો તમને પાર્ટીમાં વાયલેટ કલરના સૂટ પહેરેલા લોકો વધારે જોવા મળશે તો મહિલાઓ પણ પાર્ટીમાં વાયલેટ કલરનો ઉપયોગ સવિશેષ રીતે કરે છે, જેની પાછળ આ રૉયલ ઇમેજ કારણભૂત છે. સાયકિયાટ્રિસ્ટ કહે છે કે જે સંસારથી દૂર ભાગવા માટે મથતો હોય તેની લાઇફમાં વાયલેટ કલર ઉમેરવામાં આવે તો તે ફરીથી સંસાર તરફ વળે છે.

અંતિમ વાત ધનની
આર્થિક વૈભવને સિમ્બૉલાઇઝ કરવાનું કામ વાયલેટ કલર કરે છે. તમે જુઓ કે જ્યાં પણ ધન, વૈભવ, ઠાઠામાઠનો ત્રિવેણી સંગમ હશે ત્યાં વાયલેટ રંગની પ્રેઝન્સ હશે જ હશે. અરે, પૈસો કેવી રીતે બનાવવો અને કેવી રીતે કરોડપતિ બનવું એ વિષય પર લખાયેલી મોટા ભાગની બુક્સના જૅકેટનો કલર પણ વાયલેટ હોય છે, તો અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની ભવ્યતા વાયલેટ રંગના સેટ-ડિઝાનિંગને આભારી છે અને જેના વિના જીવનનું કશું લૂંટાઈ ન જાય એવી ‘કુછ મીઠા હો જાયે’વાળી કૅડબરી ચૉકલેટને જોશો તો પણ ઊડીને આંખે વળગે એવો ચળકતો વાયલેટ કલર દેખાઈ આવશે.

ક્રિસ્ટલ્સની દુનિયામાં સૌથી સુંદર ક્રિસ્ટલની વાત આવે તો અમેથિસ્ટ વિના વાત આગળ ન વધે. અમેથિસ્ટનો રંગ વાયલેટ હોય છે. તેનું ટમ્બલ કે ક્લસ્ટર તમે જુઓ તો વાયલેટ કલરની રિચનેસનો તમને અંદાજ આવી જાય. ઇન્સોમિયાથી પીડાતા વ્યક્તિને આ વાયલેટ કલરના અમેથિસ્ટ બહુ લાભદાયી પુરવાર થાય છે. શરીરમાં રહેલા ક્રાઉન ચક્રને બૅલૅન્સ કરવામાં પણ આ અમેથિસ્ટ લાભદાયી છે એ સહેજ તમારી જાણ ખાતર.

(ધર્મેશ રાજદીપ)

columnists navratri 2023 sunday mid-day