ગ્રીન મીન્સ ગો, ગ્રીન મીન્સ ગ્રો

20 October, 2023 04:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૃષ્ટિ પર જ્યારે કલરની શોધ પણ નહોતી થઈ ત્યારે લીલા કલરનું અસ્તિત્વ આવ્યું હતું અને આ વાતનો સ્વીકાર તમામ પ્રકારનાં સાયન્સ કરે છે. આ જ કારણે ગ્રીન રંગનો તમામ ધર્મોએ સહર્ષ સ્વીકાર કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

આજે વાત કરવાની છે ગ્રીન એટલે કે લીલા કલરની. આ લીલા કલરની વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે આ લીલો કલર ક્યાંય કોઈ પ્રકારનું નુકસાન કરવાની માનસિકતા ધરાવતો નથી. એ હંમેશાં આગળ વધવાની અને ઉત્તરોત્તર પ્રગતિની દિશામાં લઈ જવાની વાત કરે છે. આ જ તો કારણ છે કે ગ્રીન કલરનો અર્થ જ ગો એટલે કે આગળ વધો એવો કરવામાં આવ્યો છે, તો સાથોસાથ ગ્રીન કલરને ઊગવાનો એટલે કે વિકાસના કલર તરીકે જોવામાં આવ્યો છે. પહેલાં વાત કરીએ ગ્રીન મીન્સ ગોની.

તમે જુઓ, જગતઆખાના ટ્રાફિક સિગ્નલમાં ગ્રીન કલરનો સીધો અર્થ એવો છે કે આગળ વધો. ગ્રીન કલર ક્યારેય કોઈને રોકતો નથી કે કોઈના કાર્યમાં રુકાવટ બનતો નથી. હવે વાત કરીએ ગ્રીન મીન્સ ગ્રોની. સૃષ્ટિ પર જ્યારે એક પણ કલરની શોધ નહોતી થઈ એવા સમયે પણ જો પહેલો કલર કોઈ સર્જાયો હોય તો એ ગ્રીન કલર હતો. આ ગ્રીન કલરના જન્મદાતા તરીકે પૃથ્વીને આપણે સ્વીકારવી રહી, જ્યારે હકીકત એ પણ છે કે નવરાત્રિના આજના આ છઠ્ઠા દિવસનો કલર, ચોથા અને પાંચમા દિવસના કલર એટલે કે રૉયલ બ્લુ અને યલો કલરના સંયોજનથી સર્જાય છે!

સૌથી પહેલાં તન | બહુ લાંબા રિસર્ચ પછી કલર થેરપી એક એવા તારણ પર પહોંચી છે કે ગ્રીન કલર વાહન નથી, વાહક છે. સરળ શબ્દોમાં સમજાવું તો ગ્રીન કલર પાણીજન્ય છે, એ જે પ્રકારના મૂડ સાથે જોડાય એ પ્રકારનું પોતાનું રૂપ લઈ લે છે. જો તમારો મૂડ સારો હોય અને તમે ગ્રીન કલર પહેર્યો હોય તો એ તમારા સારા મૂડને વધારે સારી રીતે રજૂ કરશે અને ધારો કે તમારો મૂડ ખરાબ હોય તો આ ગ્રીન કલર એને વધારે ખરાબ બનાવીને ઊભો રહી જશે. આ જ કારણસર કહેવામાં આવ્યું છે કે જો મૂડ મુજબ કૉસ્ચ્યુમના કલરને પસંદ કરવામાં આવે તો કલર દિવસને સુધારવાનું કામ કરી શકે છે.

રૉયલ બ્લુ અને યલોના કૉમ્બિનેશનથી બનતા ગ્રીન કલરની વાત કરવાની સાથોસાથ રૉયલ બ્લુ અને યલો કલરની ખાસિયતને પણ ઓળખી લેવી જોઈએ. રૉયલ બ્લુ શક્તિ દર્શાવે છે, તો યલો કલર ઉત્સાહ વ્યક્ત કરે છે. સીધો અર્થ એવો થાય કે જો શક્તિ હોય અને કંઈક કરવાનો ઉત્સાહ હશે તો જ ગ્રીન કલર એટલે કે વિકાસ શક્ય બનશે.

હવે વાત મનની | ગ્રીન કલરને સાયકોલૉજિસ્ટે સ્વાસ્થ્યનો કલર પણ ગણાવ્યો છે, તો સાથોસાથ એને નેચર તરીકે પણ સ્વીકારવામાં આવ્યો છે. નેચર એટલે અહીં માત્ર વાત સૃષ્ટિની નથી થઈ રહી, અહીં વાત માનવીય સ્વભાવની પણ થાય છે. સાયકોલૉજિસ્ટ પણ કહે છે કે જે મૂડ હોય એ મૂડને બૂસ્ટ કરવાનું કામ ગ્રીન કલર કરે છે, માટે જો અપસેટ મૂડ હોય તો એ દિવસે ગ્રીન કલર પહેરવાનું ટાળવું જોઈએ.     

ગ્રીન કલરમાં રહેલી પૉઝિટિવ એનર્જીને લીધે જ હૉસ્પિટલ કે હૉસ્પિટલના ડ્રેસમાં ગ્રીન કલર જોવા મળે છે, પણ એની સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે સાયકોલૉજીને સમજીને જ ગ્રીન કલરનો અતિરેક અહીં કરવામાં આવતો નથી.

અંતિમ વાત ધનની | વાસ્તુશાસ્ત્રમાં ગ્રીન કલરને વાયુ તત્ત્વનો કલર માનવામાં આવે છે. વાયુ તત્ત્વનું જો કોઈ દુશ્મન હોય તો એ આકાશ તત્ત્વ છે. સીધો હિસાબ છે કે ગ્રીન કલરને વાઇટ કલર સાથે ભળતું નથી. આ બન્ને કલર જ્યાં પણ સાથે વપરાયા છે ત્યાં આંતરિક કલેશનું પ્રમાણ વધ્યું છે. તમે જુઓ, ગ્રીન અને વાઇટ કલરનું કૉમ્બિનેશન જે પણ નૅશનલ ફ્લૅગ્સમાં થયું છે એ દેશોમાં અન્ય દેશોની સરખામણીએ આંતરિક વિખવાદ સતત જોવા મળ્યા છે. આ બાબતમાં ભારતથી લઈને પાકિસ્તાન, પૅલેસ્ટીન, અલ્જિરિયા, ઇટલી, જૉર્ડન, હંગેરી, ઈરાન જેવા દેશોનાં નામ લેવાં પડે અને સ્વીકારવું પણ પડે કે એ દેશની પ્રગતિને રોકવાનું કામ બાહ્ય પરિબળો જેટલી જ અસરકારકતા સાથે આંતરિક પરિબળોએ પણ કર્યું છે.

જો ઑફિસ કે ઘરની વાત કરીએ તો ગ્રીન રૂમનો સંયમ સાથે ઉપયોગ કરવામાં આવે તો એ લાભદાયી પુરવાર થઈ શકે છે, પણ ગ્રીન કલર વાપરવાની ચોક્કસ દિશાઓ પણ છે. જો એ સિવાય એનો ઉપયોગ કરવામાં આવે તો મહેનત પાણીમાં જાય છે.

 

- ધર્મેશ રાજદીપ

navratri navratri 2023 columnists