નાગરોના ગરબા માત્ર નાગરોના નથી રહ્યા હવે

21 October, 2023 02:59 PM IST  |  Mumbai | Darshini Vashi

લાઉડ મ્યુઝિક, બૉલીવુડ સંગીતનો જબરદસ્ત પગપેસારો અને ગરબાની મૉડર્ન રમઝટ વચ્ચે પણ પરંપરાગત શૈલી, વાદ્ય અને જમીન પર બેસીને ગાવામાં આવતા ગરબાની ધરોહર કેવી રીતે વ્યાપક બની અને સચવાઈ છે એ જાણીએ

પ્રીતિ વૈષ્ણવ પોતાના ગ્રુપ સાથે

જૂનાગઢના નાગરવાડાથી શરૂ થયેલી બેઠા ગરબાની પરંપરા નાગરો જ્યાં-જ્યાં ગયા અને વસ્યા ત્યાં ચાલુ થઈ હતી. બેઠા ગરબા એટલે બેસીને ગાવાના ગરબા. મજાની વાત એ છે કે નાગરો નથી તેઓ પણ સાથે મળીને બેઠા ગરબા કરે છે, એ પણ અસ્સલ ઢબે. ત્યારે આ વિશે વધુ માહિતી મેળવવા અમે કેટલાક નાગરો નથી તેવા લોકો સાથે વાત કરી, જેઓ નાગરોના બેઠા ગરબાને જીવંત રાખવામાં સિંહફાળો આપી રહ્યા છે ત્યારે આ પરંપરાનો વિસ્તાર અને વર્તમાન બન્ને વિષય પર માંડીને વાત કરીએ. 

ભક્તિનો આનંદ
સાંતાક્રુઝના શક્તિ ગ્રુપનાં સભ્ય સરોજ કોરડિયા કહે છે, ‘અમે ઘણાં વર્ષોથી બેઠા ગરબા કરાવીએ છીએ. ચૈત્રી અને આસો એમ બન્ને નવરાત્રિમાં અમે બેઠા ગરબા કરાવીએ જ છીએ. જે બહેનો તૈયાર થાય તેના ઘરે અમે વારાફરતી બેઠા ગરબા કરવા માટે ભેગા થઈએ. અમે નાગર નથી છતાં અમે આ ગરબા કરીએ છીએ એનું કારણ એક જ છે કે અમને બહુ આનંદ થાય છે અને માતાની ભક્તિ કરવાનો મોકો મળે છે. બહુ વર્ષ પહેલાં અમારા ગ્રુપમાં એક વડીલ હતા તેમણે અમને બેઠા ગરબા ગાવાની સ્તુતિ કેવી રીતે કરવાની એ બધું શીખવ્યું હતું. ત્યારથી અમે પરંપરા ચાલુ રાખી છે. હવે ધીરે-ધીરે બધાને ખબર પડવા લાગી એટલે બેઠા ગરબામાં ભાગ લેનાર બહેનોની સંખ્યા પણ વધતી જઈ રહી છે. જેવી જેની ભક્તિ એ રીતે બહેનો ગરબામાં તૈયાર થાય છે અને અન્યનો પણ શણગાર કરે છે. જેમ કે ગયા વર્ષે એક બહેન જય અંબે માની પટ્ટી માથા ઉપર પોતે તો બાંધીને આવ્યાં હતાં સાથે આવનાર દરેક વ્યક્તિને પણ આવી જ પટ્ટી બાંધી પણ આપી હતી. ગરબા શરૂ કરવા પહેલાં અમે હલદી-કંકુની રીત પણ કરીએ છીએ. દરેક મહિલાને માથે ચાંદલો કરીએ છીએ અને પછી ગરબા ચાલુ કરીએ છીએ. નવરાત્રિ ઉપરાંત અમે એકાદશીના દિવસે પણ ગરબા લઈએ છીએ. કૃષ્ણને રાસ બહુ ગમતા એટલે અમે ત્યારે પણ ગરબા રમીએ છીએ.’

ત્રણ મુખ્ય વાદ્ય
શક્રાદય માતાજીની સ્તુતિ હોય, જે આખી બોલાય. એમાં કડવાં બોલાય. પહેલું, બીજું એવી રીતે દરેક કડવા બોલાય. માતાની છડી હોય એ બોલવાની અને પાંચ કે સાત ગરબા. 
શક્રાદય સ્તુતિ વિશે માહિતી આપતાં અને વડનાગરા નાગર મહિલા ગ્રુપની સાથે સંકળાયેલાં પણ અનાવિલ બ્રાહ્મણ એવાં કાંદિવલીનાં અલ્પા પંડ્યા કહે છે, ‘હું અનાવિલ બ્રાહ્મણ છું. લગ્ન પહેલાં હું વડનાગરા નાગર હતી. લગ્ન પહેલાં હું જૂનાગઢ હતી ત્યારે ત્યાં અમે બહુ બેઠા ગરબા રમતાં હતાં, પણ લગ્ન બાદ મુંબઈમાં આવી એ વાતને ૨૦ વર્ષ થઈ ગયાં છે. હું બેઠા ગરબાને બહુ મિસ કરતી હતી. એટલે હું છેલ્લાં ચાર-પાંચ વર્ષથી મારા ઘરે બેઠા ગરબા રાખું છું જેમાં નાગર અને નાગર નથી એ મહિલાઓ પણ સામેલ થાય છે. કાંદિવલીમાં વર્ષોથી બેઠા ગરબા થાય છે, જેમાં શક્રાદયમાં ભાઈઓ અને બહેનો બન્ને જણ ભાગ લઈ અને બપોરે જે બેઠા ગરબા થાય એમાં બહેનો આવે. બધા આનંદ કરે. અમે ગરબા ગાઈએ એમાં કોઈ આધુનિક સંગીતનાં ઉપકરણોનો ઉપયોગ કરતાં નથી. પરંપરાગત રીતે બેઠા ગરબામાં માત્ર ત્રણ સંગીત વાદ્યનો ઉપયોગ થતો હોય છે - ઢોલ, ઝાંઝ અને મંજીરા. હાર્મોનિયમ અને બીજાં વાદ્ય પણ વગાડાય, પણ આ ત્રણ મુખ્ય વાદ્ય હોય છે જેના પર જ અમે ગરબા ગવડાવીએ છીએ. આજે પણ જૂનાગઢમાં નાગરો આ જ ત્રણ મુખ્ય વાદ્ય ઉપર ગરબા ગવડાવે છે.’

સિનિયર માટે વરદાનરૂપ
ગરબા માત્ર યુવાનોને જ નહીં પણ દરેક વયના લોકોને રમવાની ઇચ્છા તો થતી જ હોય છે, પણ આટલી બધી ગિરદીમાં જવું ક્યાં અને અમુક ઉંમર પછી પગ માંડ મંડાય ત્યારે બેઠા ગરબા સિનિયર સિટિઝનો માટે વરદાનરૂપ છે. આવો જ વિચાર વિલે પાર્લેના મંડળને આવ્યો હતો. લગભગ ૩૦ વર્ષથી બેઠા ગરબા કરી રહેલા વિલે પાર્લે સાંઈ મંડળનાં મીના દેસાઈ કહે છે, ‘અમારા મંડળમાં મોટા ભાગના લોકો ૬૦ વર્ષથી મોટી ઉંમરનાં છે એટલે હવે કોઈને ફરીને ગરબા કરતાં ફાવતું નથી. થાકી જાય છે. એટલે અમે બેઠા ગરબા જ કરીએ છીએ. અમે નાગરો નથી અને અમારા ગ્રુપમાં બધા અલગ કાસ્ટમાંથી આવે છે. અમે લગભગ ૮૦ જણ છે. તમને નવાઈ લાગશે કે ભલે ગ્રુપના અન્ય કાર્યક્રમોમાં સભ્યો વધારે નહીં આવતા હોય પણ બેઠા ગરબા માટે મોટી સંખ્યામાં સભ્યો હાજર રહે છે અને છેલ્લા થોડા સમયથી આ સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ ગરબા અમે પાર્લામાં આવેલા સાંઈ મંદિરમાં કરીએ છીએ. નાગરો જે રીતે બેસીને ગાય છે એ રીતે અમે પણ વાદ્યના સંગાથે અને પરંપરાગત ગરબા ગાઈને રમીએ છીએ. ગીતો ઝીલીએ છીએ. ખૂબ મજા આવે છે. દરેક જણની રીત અલગ-અલગ હોય છે. અમારી પણ અલગ છે. એકદમ નાગરોના જેવું નથી હોતું પણ ઘણે અંશે અમે તેમની રીતે જ કરીએ છીએ. જેમ કે અમે જ્યારે ગરબા કરીએ ત્યારે એક જણને માતાજી આવે જ છે અને જેને માતાજી આવે છે તે ઊભા રહીને ખોળો ખૂંદે જ છે.’

વધુ ને વધુ વ્યાપક બની રહેલા ટ્રેન્ડ પાછળનાં કારણો
મુંબઈમાં નાગરોનાં કેટલાંક ગ્રુપ સાથે વાત કરી. તેઓ આજની તારીખમાં પણ અદ્દલ વર્ષો પહેલાં જે રીતે બેઠા ગરબા કરતા હતા બસ, એવી રીતે આજે પણ કરે જ છે. મલાડથી લઈને વિરાર સુધીના વિસ્તારમાં રહેતી નાગર મહિલાઓનું એક સ્વસ્તિક ગ્રુપ પણ છે જેમાં બધી બહેનો નવેનવ દિવસ અલગ-અલગ નાગર બહેનોના ઘરે જઈને માતાજીના બેઠા ગરબા ગાય છે. આ વિશે સવિસ્તર માહિતી આપતાં સ્વસ્તિક ગ્રુપના મલાડમાં રહેતા એક સદસ્ય પ્રીતિ વૈષ્ણવ કહે છે, ‘અમારા નાગરોમાં લગભગ દરેક મહિલાને ગરબા ગાતાં આવડતા જ હોય છે એટલે ગરબા ઝીલવાની મજા આવે છે. એમાં અમારું ૨૫ જણનું ગ્રુપ હોય અને જેના ઘરે ગરબા હોય તેઓ પણ તેનાં સગાંસંબંધીઓને બોલાવે એટલે ઘણી મજા આવે. ફાસ્ટ અને સ્લો એમ બન્ને રીતે ગરબા ગાઈએ. અમારામાં સંગીતનું મહત્ત્વ વધારે હોય એટલે ગરબા ગવડાવીએ ત્યારે એમાં મ્યુઝિક જ વધારે હોય. એ પણ ક્લાસિકલ જ વધારે હોય. થોડાક ગરબા ગવાય એટલે અમે પહેલા છંદે, બીજે છંદે એમ માતાજીના ફોટોની સામે માતાજીનો ખોળો ખૂંદીએ છીએ, જેનો આનંદ કંઈક અલગ જ આવે. આવી મજા આજકાલ રમાતા ગરબામાં નહીં મળે. અમારા દરેક નાગર ગ્રુપની વચ્ચે પણ બેઠા ગરબાની સ્પર્ધા થાય. એમાં ખૂબ મજા પણ આવે. આમ તો બેઠા ગરબામાં માત્ર બહેનો જ ભાગ લેતી હોય છે, પણ અમારામાં જે શક્રાદય માતાની સ્તુતિ થાય છે એ રાતના સમયમાં જ થાય છે, એમાં પુરુષો પણ ભાગ લે છે.’ 

મલાડમાં રહેતાં ૮૮ વર્ષનાં નાગર જયશ્રી ધોળકિયા છેલ્લાં ૬૦ વર્ષથી હાર્મોનિયમ ઉપર બેઠા ગરબા ગવડાવે છે. તેઓ કહે છે, ‘જેમ ગણપતિમાં આપણે દર્શન કરવા આપણાં કુટુંબીઓ અને સગાંસંબંધીઓને આમંત્રણ આપીએ છીએ એમ અમે નવરાત્રિમાં બેઠા ગરબા ગાવા માટે સગાંસંબંધીઓને બોલાવીએ છીએ. અમે લગભગ ૬૦ વર્ષથી ઘરમાં જ કુટુંબીઓ સાથે મળીને બેઠા ગરબા ગાઈએ છીએ. એમાં હું હાર્મોનિયમ વગાડીને ગરબા ગવડાવું છું. મારો દીકરો ઢોલક વગાડે છે અને મારો પૌત્ર મંજીરાં વગાડે છે. નવેનવ દિવસ રાત્રે દોઢ કલાક બેઠા ગરબા કરીએ. ઘરને પણ એકદમ ટ્રેડિશનલ રીતે સજાવીએ. આરતી, સ્તુતિ અને પછી પાંચ બેઠા ગરબા ગવડાવીએ છીએ.’

બેઠા ગરબા વિશે આ જાણો છો?
બેઠા ગરબાની શરૂઆત જૂનાગઢના નાગરવાડાથી થઈ હતી. બેઠા ગરબાની રચનામાં માતાજીના વિવિધ શણગાર અને જુદાં-જુદાં રૂપોનું વર્ણન થયેલું જોવા મળે છે. આ ગરબા શાસ્ત્રીય રાગ ઉપર આધારિત હોય છે. બેઠા ગરબાની શરૂઆત કેમ કરવામાં આવી એને લઈને ઘણી લોકવાર્તા પ્રચલિત છે, પણ જે બે વાર્તા પ્રચલિત છે એમાં એક એવી છે કે પાકિસ્તાન સાથે જોડાવા માગતા નવાબે જૂનાગઢની શેરીમાં નવરાત્રિ રમવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે ભક્તોએ ઘરમાં જ રહીને ઘરના સભ્યો સાથે મળીને માતાના ગરબા ગાવાનું શરૂ કરી દીધું હતું. અને આમ બેઠા ગરબાની શરૂઆત થઈ હોવાનું કહેવામાં આવે છે. બીજી વાર્તા પ્રમાણે વર્ષો પહેલાં જ્યારે મોગલોનું રાજ હતું ત્યારે રાત્રિ દરમિયાન મોગલોથી સુરક્ષિત રહેવા સ્ત્રીઓ ઘરની બહાર ગરબા રમવા નીકળી શકતી નહતી એટલે તેમણે ઘરમાં જ ગરબા રમવાની શરૂઆત કરી દીધી હતી. અને આમ બેઠા ગરબા ગાવાની શરૂઆત થઈ હતી. મુંબઈમાં એની શરૂઆત લગભગ ૭૦ વર્ષ પૂર્વે થઈ હતી ત્યારે આ ગરબા દક્ષિણ મુંબઈ બાજુ જ થતા પણ પછી આશરે ૫૦ વર્ષે પૂર્વે શ્રી અંધેરી નાગર મંડળે બેઠા ગરબાની શરૂઆત કરી હતી.

navratri 2023 navratri festivals darshini vashi columnists