એવરેસ્ટ બેઝ કૅમ્પ પર ગરબા

21 October, 2023 04:45 PM IST  |  Mumbai | Alpa Nirmal

૭૩ વર્ષના કચ્છી-અમેરિકન ન્યુરોફિઝિશ્યને એવરેસ્ટ બેઝ કૅમ્પનું ટ્રેકિંગ કર્યું અને પહેલા નોરતે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમ્યા

એવરેસ્ટ બેઝ કૅમ્પ પર ગરબા

‘ગુજરાતીઓ બ્રહ્માંડના કોઈ પણ સ્થળે ગરબા રમી શકે એવું એમનેમ નથી કહેવાતું. જુઓને, ૧૫ઑક્ટોબરે નવરાત્રિના પ્રથમ દિવસે ૧૦ ઇન્ડિયન ટ્રેકર્સે એવરેસ્ટના બેઝ કૅમ્પ પર ૧૭,૭૧૭ ફુટની ઊંચાઈએ ગરબા રમ્યા. બરફાચ્છાદિત ડુંગરાળ જમીન, માઇનસ પાંચથી સાત ડિગ્રી તાપમાન, ૧૫થી ૨૫ કિલોમીટરની ગતિથી વાતા ઠંડાગાર અને કાતિલ પવન વચ્ચે ઈબીસી (એવરેસ્ટ બેઝ કૅમ્પ) સુધી ટ્રેક કરનાર આ ગ્રુપ ૧૫-૧૭ મિનિટ બ્લુટૂથ વડે નાના સ્પીકર પર અર્વાચીન ગુજરાતી ગરબા વગાડીને ગોળ ગરબે ઘૂમ્યું હતું. એટલું જ નહીં, આ ૧૦માંથી ૭ જણે તો કોટી, કુર્તો, બાંધણી અને દુપટ્ટા જેવા ભારતીય પરંપરાગત પોશાક પણ પહેર્યા હતા.
ગરબા રમવાનું અને એ માટે ટ્રેડિશનલ ડ્રેસ લઈ જવાનું પ્લાનિંગ અગાઉથી  હતું? એના જવાબમાં ૭૩ વર્ષના ડૉ. રમેશભાઈ છેડા કહે છે, ‘અમારા ગ્રુપમાં બધા જ ભારતીય હતા. એમાંથી મારા સહિત ૭ યુએસએના, એક લેડી ટૉરોન્ટોની અને બીજા બે ટ્રેકરમાંથી એક મુલુંડ અને એક પુણેનાં બહેન હતાં. અમે કુલ ૧૦માંથી ૮ ગુજરાતી હતાં. અમારો બેઝ કૅમ્પ સુધીનો ટ્રેક-પ્લાન અમારા હાથમાં આવ્યો ત્યારે ખબર પડી કે ૧૫ ઑક્ટોબરે અમે એ ટ્રેકના ટૉપ મોસ્ટ પૉઇન્ટ ઉપર હોઈશું અને એ જ દિવસે નવરાત્રિ શરૂ થશે. આથી અમે બધાએ નક્કી કર્યું હતું કે આપણે ઉપર ગરબા રમીશું અને એ માટે યોગ્ય આઉટફિટ પણ લઈ જઈશું. ઍન્ડ કુદરતની મોટી મહેરબાની કે એ દિવસે ત્યાં વેધર સૂટેબલ રહી જેથી અમે અમારા પ્લાન મુજબ ગરબા રમી શક્યાં. એ ગીતો અને રિધમનાં વાઇબ્સ એવાં વાઇબ્રન્ટ હતાં કે અમારી સાથે રહેલા શેરપાઓ પણ અમારી સાથે જોડાઈને ગરબાની જેમ તાળીઓ પાડીને રમવા માંડ્યા હતા.’
હીટવેવથી તપતી મુંબઈમાં બેઠાં-બેઠાં આપણને થાય કે ૧૦ મિનિટ ગરબા રમ્યા એમાં શું મોટી વાત! એમાં મોટી વાત એ છે કે દરિયાની સપાટીથી ૫૪૦૦ મીટર ઊંચે ઑક્સિજનનું લેવલ એટલું નીચું હોય કે ચાર ડગલાં ચાલતાં-ચાલતાં હાંફ ચડી જાય, બૉડી ઍન્ડ માઇન્ડ ૧૦૦માંથી બે-ચાર ટકા જ જાગ્રત હોય. એવામાં ૮થી ૧૦ કલાકના કઠિન ટ્રેકિંગ પછી એક્સ્ટ્રા એનર્જી ભરી નૃત્ય કરવું એ નાનીસૂની વાત નથી. એ જ રીતે ૧૨ દિવસના આ ટ્રેકિંગમાં ફક્ત જરૂરિયાત પૂરતો જ સામાન લઈ જવાનો હોય. અમુક કિલોગ્રામથી વધુ વજન ન લઈ જવાનું હોય. વેઇટના ૮-૧૦ ગ્રામ પણ ગણતરીમાં લેવાતાં હોય. અરે બામની બૉટલ સુધ્ધાં આખી ન લઈ જવાય, ફક્ત જોઈએ એટલું જ સાથે લેવાય. એવામાં કોટી કે કુર્તો છેક નીચેથી ઊંચકી જવો એ પણ રીમાર્કેબલ વાત છે ભાઈ. 
જોકે ઈબીસી પર ગરબા સાથે આ સ્ટોરીમાં બીજું સબળ એલિમેન્ટ પણ  છે, ‘જીવનના સવાસાત દાયકા પૂરા કરનાર ગુજરાતી વડીલે આ ટ્રેક પૂર્ણ કર્યો છે.
૪૩ વર્ષથી અમેરિકાના મિશિગનમાં બાળકોના ન્યુરોફિઝિશ્યન તરીકે પ્રાઇવેટ પ્રૅક્ટિસ કરનાર અને ગયા વર્ષે જ રિટાયર થનાર કચ્છ-રતાડિયા ગામના ડૉ. રમેશ છેડા કહે છે, ‘છેલ્લાં ૧૦ વર્ષથી હું અમેરિકાના વિવિધ પહાડો પર હાઇકિંગ કરી ચૂક્યો છું. વળી યુવાનીથી રનિંગ, વૉકિંગ, કસરત, યોગ, નેચરોપથી, મેડિટેશન ફૉલો કરું છું એટલે મને કૉન્ફિડન્સ હતો કે મારાથી એ થઈ શકશે. જોકે એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી આવવું હતું એટલે ૬ મહિના પહેલાંથી મેં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મેં પાંચેક કિલો વજન પણ ઘટાડ્યું જેથી મારાં ઘૂંટણ પર વધુ પ્રેશર ન પડે. એમ અડધું વર્ષ મેં  દિવસના ચાર કલાક બૉડી ટ્રેઇનિંગ કર્યું.’ 
તો કેવું રહ્યું તમારું ટ્રેકિંગ, કોઈ ચૅલેન્જિસ આવી? એના જવાબમાં રિટાયરમેન્ટ પછી વર્ષના ૪ મહિના મુંબઈ-કચ્છમાં રહેતા ડૉ. છેડા કહે છે, ‘સી, બેઝ કૅમ્પનું આરોહણ ચૅલેન્જિંગ તો છે. વિષમ વેધર, ઑક્સિજનનો અભાવ અને હાઈ ઍલ્ટિટ્યુડ જે ટ્રેઇન્ડ ટ્રેકર્સ માટે પણ ટફ બની જાય છે, પરંતુ બાય ગૉડ ગ્રેસ હું ફિઝિકલી અને મેન્ટલી બહુ પૉઝિટિવ અને ફર્મ હતો એથી ઈટ વૉઝ અ પ્લેઝન્ટ એક્સ્પીડિશન ફૉર મી... 

columnists alpa nirmal navratri 2023 navratri festivals