28 December, 2024 05:00 PM IST | Mumbai | Deepak Mehta
નવલ તાતા
દુનિયાની ૬૯ ભાષાઓમાં જુદી-જુદી રીતે જોવા મળતી સિન્ડ્રેલાની પરીકથા અને આજની આપણી આ કથા વચ્ચે એક જ ફરક છે. આજની કથાનું મુખ્ય પાત્ર કોઈ છોકરી નહીં પણ એક છોકરો છે. તેનું નામ નવલ. બાવાજીનું નામ હોરમસજી. એવનને તન પોરિયા. નવલ સૌથી નાહ્લો. હોરમસજી અમદાવાદની ઍડ્વાન્સ મિલમાં સ્પિનિંગ માસ્તરની મામૂલી નોકરી કરે. નોકરીમાં નહીં પેન્શન કે નહીં કોઈ બી જાતનો વીમો. હજી તો નવલ માંડ ચાર વરસનો થિયો તેવામાં હોરમસજી ખોદાયજીને પ્યારા થઈ ગિયા! થોરા દિવસ તો નવસારીના પરગજુ પારસીઓએ તન છોકરા અને તેમની માયને સાચવિયાં. પન પછી? તન પોરિયાઓને લઈને મમ્મા ગિયાં સુરત. ભરત-ગૂંથન, શીવણકામ અને બીજા ન્હાલ્લાં મોટ્ટાં કામ કરીને માંડ-માંડ ચાર દોઝરાં ભરે.
એક વેળાએ દોરાબજી તાતા ગિયા હુતા સુરત. ખોદાયજીની એવી મરજી હોસે તે મળિયા પેલા તન છોકરાનાં માયજીને. દોરાબજીએ એવનને સમજાવિયાં : તન તન છોકરાને તમે એકલે હાથે મોટા નહીં કરી સકસો. એમને અહીંના ઑર્ફનેજમાં મૂકી દો. સુરતનું આય અનાથાશ્રમ મુંબઈના રહેવાસી જમશેદજી નસરવાનજી પીતીતની યાદમાં એવનના બાવા નસરવાનજીએ સુરુ કીધેલું. નસરવાનજી હુતા એ જમાનાના એક મોટ્ટા વેપારી. એકનો એક પોરિયો જમશેદજી. માત્ર બત્રીસ વરની આવરદા ભોગવનાર જમશેદજી એક અચ્છા પારસી લેખક હુતા, જુદી જુદી ભાષાઓના જાણકાર ચાહક હુતા. ‘માહરી મજેહ’ એવનની કવિતાની કિતાબ. જુદી-જુદી ભાષાઓની કહેવતોનો દળદાર સંગ્રહ તે ‘કહેવતમાળા.’ બન્ને ચોપડી એવનના ગુજરી ગિયા પછી છપાઈ. નસરવાનજીએ જમશેદજીની યાદમાં મુંબઈમાં બંધાવેલી જે. એન. પીતીત લાઇબ્રેરી આજે બી ફ્લોરા ફાઉન્ટન પાસે અડીખમ ઊભી છે.
ભારતની હૉકી ટીમ સાથે નવલ તાતા (વચમાં કાળા સૂટમાં બેઠેલા)
પણ આ તો વાત જરા આરે પાટે ચરી ગઈ. તન પોરિયાઓને લઈને દોરાબજી ગિયા પેલા ઑર્ફનેજમાં. પન એના મૅનેજર કહે કે અમે બે છોકરાને રાખસ પણ આય તીજો નવલ હજી બૌ નાલ્લો છે એટલે આવતે વરસે તેને દાખલ કરસું. અને એક વરસ વેરે નવલ બી ગિયો બે મોટા ભાઈની સાથે ઑર્ફનેજમાં.
અને હવે આવે છે આય વાતમાં જબરો ટ્વિસ્ટ! ૧૯૧૮માં દોરાબજીના ભાઈ રતનજી (આર.ડી.) એકાએક લંડનમાં ગુજરી ગિયા. નહીં રતનજીને ઓલાદ, નહીં દોરાબજીને. પન રુવાન (મૃતદેહ)ને અવલમંજલ પહોંચારવા માટે દીકરો તો જોઈએ! એટલે કોઈ છોકરાને દત્તક લેવો પરે. અને બરાબર એ જ ટાણે દોરાબજીને સાંભરી આયા પેલા તન પોરિયાઓ જેને સુરતના ઑર્ફનેજ્માં પોતે જ દાખલ કીધા હુતા. અને ભલે દૂરના, પણ એ તને પોરિયા તાતા ખાનદાનના હુતા. એ વલી કઈ રીતે? દોરાબજી અને રતનજીનાં માયનું નામ હીરાબાઈ, જે હુતાં સર જમશેદજીનાં ધણિયાણી. પોરિયા નવલનાં દાદી અને હીરબાઈ બે સગ્ગી બહેનો! એટલે રતનજીનાં વિધવા નવાજબાઈને લઈને ગિયા સુરતના ઑર્ફનેજમાં. તન ભાઈઓને બતલાવીને બોલિયા કે આ તનમાંથી કોઈ બી એકને પસંદ કરી લો. જોતાંવેંત નવાજબાઈની નજરમાં નાલ્લો પોરિયો નવલ વસી ગિયો. વરસો પછી આય વાતને યાદ કરતાં નવલ તાતા બોલિયા હુતા કે એ દહાડે નવાજ મમ્મા મારે વાસ્તે તો હાથમાં જાદુઈ છડી લઈને જ આયાં હુતાં. એવને મુને એ છડી અડકાવેલી બી નહીં. અને છત્તાં તે દહારે હું ઑર્ફનેજમાંથી તાતા ખાનદાનના રાજમહેલ જેવા બંગલામાં પૂગી ગિયો!
પન એ જ દહારે નહીં હોં! કેમ વારુ? નવલ અને તેના બન્ને ભાઈ ઑર્ફનેજમાં ફી ભરીને નહીં, બિલકુલ ફ્રીમાં રહેતા હુતા. અને ઑર્ફનેજનો નિયમ હૂતો કે આય રીતે ફ્રીશિપ મેળવનાર પોરિયા મેટ્રિક (આજની એસએસસી) ની પરીક્ષા પાસ કરે એ પછી જ ઑર્ફનેજ છોરી સકે. એટલે મેટ્રિક થયા પછી જ નવલજી તાતા ખાનદાન સાથે રહેવા ગિયા. મુંબઈ યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ બનિયા, લંડન જઈ અભ્યાસ કીધો અને ૧૯૩૦માં તાતા ગ્રુપમાં કોઈ ઊંચા હોદ્દા પર નહીં, એક સામાન્ય ડિસ્પૅચ ક્લાર્ક તરીકે જોડાયા. મજૂરોને લગતા કાયદા-કાનૂન, મજૂરોની સુખાકારી વગેરેમાં નવલજીને જબરી જાણકારી. ફક્ત આપરા દેશમાં જ નહીં, બીજા દેશોમાં પન એ માટે તેમની જબરી નામના. પૂરાં ૩૮ વરસ સુધી ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનિઝેશન (ILO)માં એવને હિન્દુસ્તાનનું પ્રતિનિધિત્વ કીધું. પોતાની કંપનીના મજૂરો સાથે બી નવલજી હસી મજાક બી કરી પણ શકતા અને સામી મજાક ઝીલી બી શકતા. એક વાર એક મજૂર તેના મશીન પરથી પૂરા એક કલાક માટે ગાયબ થઈ ગયેલો માલમ પડ્યો. પાછો આવ્યો ત્યારે સુપરવાઇઝર તેને નવલજી પાસે લઈ ગિયો અને ફરિયાદ કીધી. નવલજીએ પૂછયું: ‘કામ છોડીને એક કલાક સુધી ક્યાં ગિયો હૂતો?’ મજૂર: ‘સાહેબ! વાળ કપાવવા ગયો હતો.’ ‘એટલે જે ટાઇમમાં કામ કરવા માટે હું તુને પગાર આપું છ, એ ટાઇમનો ઉપયોગ તું વાળ કપાવવા માટે કરે છ?’ મજૂર હતો હાજરજવાબી. કહે : ‘ના, સાહેબ. મેં બધ્ધા વાળ નથી કપાવ્યા. આપ જે ટાઇમનો પગાર આપો છો એ ટાઇમમાં ઊગેલા એટલા જ વાળ કપાવ્યા છે!’ આય સાંભળી નવલજી ખડખડાટ હસી પડિયા અને આંગળીનો ઇશારો કરી કહ્યું કે ‘જા.’
નવલજીનો બીજો ખાસ શોખ તે રમતગમત. ઇન્ડિયન હૉકી ફેડરેશનનાં લાગલાગટ પંદર વરસ સુધી એવન પ્રેસિડન્ટ હુતા. આપરો દેસ આઝાદ થિયો એ પછી પહેલવહેલી ઑલિમ્પિક્સ ગેમ્સ ૧૯૪૮માં લંડનમાં રમાવાની હુતી. નવલજીનો ખાસ આગ્રહ કે આઝાદી પછીની આ પહેલી ગેમ્સમાં હિન્દુસ્તાનની હૉકીની ટીમે ભાગ લેવો જ જોઈએ. લાંબા વખત સુધી સરકાર સાથે લખાપટ્ટી કીધી. પન સરકારી અમલદારો જેનું નામ! ન હા પાડે, ન ના પાડે. કારણ? કારણ ટીમનો આવવા-જવાનો, રહેવા કરવાનો ખરચ કયે ખાતે ઉધારવો એની વિમાસણ. છેવટે નવલજી ગિયા પંડિત જવાહરલાલ નેહરુ પાસે. અને એવણને હૉકી ટીમને મોકલવા રાજી કીધા. આઝાદ ભારતની હૉકી ટીમ ગઈ અને ગ્રેટ બ્રિટનને (૪-૦) હરાવીને પહેલો ગોલ્ડ મેડલ જીતીને પાછી આવી. એ પછી ૧૯૫૨માં નેધરલૅન્ડ્સને (૬-૧) હરાવ્યું. ૧૯૫૬માં પાકિસ્તાન સામે ત્રીજો ગોલ્ડ મેડલ. પણ જીત મળી હુતી થોરી નાલ્લી : ૧-૦ ગોલથી. નવલજી નેહરુને મલવા ગિયા તે વારે નેહરુ થોરા નારાજ હુતા. કહે : ‘૧-૦ એ તે કાંઈ જીત કહેવાય? આવી જીત ટેનિસમાં ચાલે, પણ હૉકીમાં? શું આપણી ટીમની રમતનું ધોરણ કથળવા લાગ્યું છે?’ તરત નવલજીનો જવાબ મળ્યો : ‘ના, જી. પન બીજા દેશોનું ધોરણ સુધરવા લાગ્યું છે.’ ૧૯૬૯માં ભારતના રાષ્ટ્રપતિએ નવલ તાતાને પદ્મભૂષણથી નવાજ્યા હતા. નવલ તાતાના હૉકી માટેના લગાવની યાદગીરી સાચવવા માટે જમશેદપુરમાં ૨૦૧૭માં નવલ તાતા હૉકી ઍકૅડેમીની સ્થાપના કરવામાં આવી.
૧૯૬૯માં રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસેનના હાથે પદ્મભૂષણ
૧૯૭૧ની લોકસભાની ચૂંટણી વખતે નવલજી દક્ષિણ મુંબઈ મતદાર વિભાગમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા ત્યારે ઘણાને નવાઈ લાગેલી. તેમની સામેના બે ઉમેદવારો હતા જ્યૉર્જ ફર્નાન્ડિસ અને ડૉક્ટર એન. એન. કૈલાસ. એ જમાનામાં મુંબઈના ‘બેતાજ બાદશાહ’ ગણાતા સદોબા પાટીલને હરાવીને આગલી ચૂંટણીમાં ફર્નાન્ડિસ જીતેલા. પણ પરિણામ કોઈએ ધારેલું નહીં એવું આવ્યું : ફર્નાન્ડિસ અને નવલ તાતાને હરાવીને લગભગ અજાણ્યા ગણાય એવા ડૉ. કૈલાસ જીતી ગયા!
કૅન્સરના રોગથી પીડાઈને ૧૯૮૯ના મે મહિનાની પાંચમી તારીખે નવલ તાતા મુંબઈમાં બેહસ્તનશીન થિયા.
નવલજી પછીના તાતા ખાનદાનના મોભીની અજીબોગજબ વાતો હવે પછી.