આ દાદી ૬૫ વર્ષની ઉંમરે બન્યાં ગોલ્ડન ગર્લ

18 October, 2024 08:10 AM IST  |  Mumbai | Kajal Rampariya

આ બુધવારે ગોવામાં નૅશનલ બેન્ચપ્રેસ ચૅમ્પિયનશિપમાં ૪૫ કિલો વજન ઊંચકવાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી આવેલાં કાંદિવલીનાં રીટા મહેતાએ રિટાયરમેન્ટ પછી શરૂ કરેલી ફિટનેસ-યાત્રાની વાતો ભલભલાને અચંબિત કરે એવી છે

રીટા મહેતા

નિવૃત્તિની ઉંમરે મોટા ભાગના લોકો પ્રવૃત્તિ છોડી દેતા હોય છે ત્યારે કાંદિવલીમાં રહેતાં ૬૫ વર્ષનાં શિક્ષિકા રીટા મહેતાએ નિવૃત્તિ બાદ ફિટનેસક્ષેત્રે નવી જર્ની શરૂ કરી. ૧૬ ઑક્ટોબરે ગોવામાં રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી નૅશનલ બેન્ચપ્રેસ ચૅમ્પિયનશિપમાં માસ્ટર થ્રી કૅટેગરીમાં એટલે કે ૬૦થી ૭૦ વર્ષના વયજૂથમાં ૪૫ કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીતનારાં તેઓ પ્રથમ ગુજરાતી છે.

ફિટ રહેવાનો ચસકો પહેલેથી

નૅશનલ લેવલની સ્પર્ધા સુધી પહોંચવાની તેમની જર્ની રસપ્રદ રહી છે. તેઓ કહે છે, ‘મેનોપૉઝના સમયે મારું વજન ૯૯ કિલો સુધી પહોંચી ગયું હતું. ૨૦૧૮માં મેં જિમ જૉઇન કર્યું અને છથી ૭ મહિનામાં મેં ટ્રેઇનર વગર પચીસ કિલો જેટલું વજન ઉતાર્યું હતું. એ સમયે મારું લક્ષ્ય વજન ઉતારવાની સાથે ફિટનેસ જાળવવાનું હોવાથી હું સ્ટ્રિક્ટ ડાયટ ફૉલો કરતી હતી. શરૂઆતના સમયે તો બહુ મુશ્કેલ લાગતું હતું, કારણ કે વધતી ઉંમરને લીધે દરરોજ બધા મસલ્સ ખેંચાઈ જતા હતા. વર્કઆઉટને કારણે હાથના મસલ્સમાં દુખાવો થતો હોવાથી મારાથી બેસાતું પણ નહોતું અને ૧૫ દિવસ સુધી વાળમાં કાંસકો ફેરવવાનું પણ મુશ્કેલ બન્યું હતું. મારે કોઈ પણ ભોગે લક્ષ્ય પૂરું કરવાનું હતું એથી આ દુ:ખને મેં ગણકાર્યું જ નહીં. વેઇટલૉસ જર્નીએ મારા માટે નવા દરવાજા ખોલ્યા અને મુંબઈથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી નૅશનલ લેવલની સ્પર્ધામાં બેન્ચપ્રેસમાં ગોલ્ડ મેળવનારી હું એકલી ગુજરાતણ છું. આ પહેલાં પણ હું ફિટનેસ-ફ્રીક તો હતી જ. હું રોજ સવારે ચાલવા જતી. મારાં દીકરા-દીકરીને જિમમાં મોકલતી જેથી તેઓ ફિટ ઍન્ડ ફાઇન રહી શકે. મેં નિવૃત્ત થયા બાદ ફુલટાઇમ ફિટનેસમાં જ ઝંપલાવ્યું.’

ગોલ્ડ સુધીની જર્ની

ગોલ્ડ મેડલ માટેની વિનિંગ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે સેલ્ફ-મોટિવેટેડ રીટાબહેન કહે છે, ‘હું જે જિમમાં જતી ત્યાં બાંદરાની નૅશનલ કૉલેજનો છોકરો પણ આવતો. તેણે મને કહ્યું કે અમારી કૉલેજમાં બેન્ચપ્રેસની સ્પર્ધા છે, જઈને જુઓ. હું ત્યાં પહોંચી ગઈ. બેન્ચપ્રેસ શરીરના ઉપરના ભાગના સ્નાયુને મજબૂત બનાવવા માટેની કસરત હોય છે. એમાં એક બેન્ચ પર સૂઈ જવાનું હોય અને બાર્બેલ્સ એટલે કે બન્ને હાથ વડે ઊંચકવામાં આવતા જિમ-ઇક્વિપમેન્ટ વડે બન્ને હાથથી છાતીના ભાગથી હાથને ઉપર-નીચે કરીને કસરત કરવાની હોય. ત્યાં જઈને મેં નામ નોંધાવ્યું.’

જિમસ્તરે યોજાતી સ્પર્ધામાં રીટાબહેન ઘણી વાર ભાગ લેતાં અને એમાં જ એક વાર તેમના પર્ફોર્મન્સથી પ્રભાવિત થઈને પાવરલિફ્ટિંગ ઇન્ડિયાના પ્રેસિડન્ટે તેમને મુંબઈ સબર્બન લેવલ પર ભાગ લેવાની ભલામણ કરી.  રીટાબહેન કહે છે, ‘ત્યાં મેં બેન્ચપ્રેસની સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો અને ત્યાં મને રાજ્યસ્તરે યોજાતી સ્પર્ધામાં સહભાગી થવાનું આમંત્રણ આવ્યું. આ સ્પર્ધા સપ્ટેમ્બરમાં વડાલામાં આયોજિત કરવામાં આવી હતી અને ત્યાં પણ મેં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એ પછી ગોવામાં આયોજિત ૩૩મી નૅશનલ બેન્ચપ્રેસ ચૅમ્પિયનશિપમાં માસ્ટર થ્રી કૅટેગરીમાં મેં ભાગ લીધો અને ૪૫ કિલો વજનનું  બાર્બેલ ઊંચકીને રેકૉર્ડ કર્યો. આ સ્પર્ધામાં ઉત્તર ભારતથી ઘણા લોકોએ ભાગ લીધો હતો, પણ પશ્ચિમ ભારતમાંથી ઘણા ઓછા લોકો હતા અને એમાંથી હું એકલી ગુજરાતણ હતી. અર્જુનની નજર જેમ માછલી પર હતી એ રીતે મારી  નજર ફક્ત ગોલ્ડ પર હતી અને મેં મારો ગોલ અચીવ કર્યો.’

વૉટ નેક્સ્ટ?

હવે રીટાબહેન એશિયન અને કૉમનવેલ્થ જેવી ઇન્ટરનૅશનલ સ્પર્ધામાં સહભાગી થવા એલિજિબલ થઈ ગયાં છે અને તેમનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું અને ભારતનું નામ રોશન કરવાનું છે. હવે તેઓ પર્સનલ ટ્રેઇનરના માર્ગદર્શન હેઠળ તાલીમ લેશે. અત્યારે તેઓ ૯૫ કિલો અને ૧૦૦ કિલોની ડેડલિફ્ટ પણ કરે છે. ડેડલિફ્ટ એક વેઇટલિફ્ટિંગની કસરત છે જે સામાન્ય રીતે બાર્બેલ્સની મદદથી કરવામાં આવે. એ પ્રૉપર ટેક્નિક સાથે ન કરવામાં આવે તો કરોડરજ્જુને ગંભીર ઈજા થઈ શકે છે.

સોમવારથી શનિવાર સવારે ૮ વાગ્યે નિયમિત જિમ પહોંચી જતાં રીટાબહેન માટે જિમ હવે બીજું ઘર બની ગયું છે. તેઓ કહે છે, ‘જ્યારે મેં જિમ જવાનું શરૂ કર્યું ત્યારે મારી ફ્રેન્ડ્સ મને સંભળાવતી કે આ ઉંમરે સ્લિમટ્રિમ બનીને શું કરીશ? ઘણા સમયથી તું જિમ જાય છે તોય કંઈ ફરક નથી પડતો. અને જવાબમાં હું કહેતી કે પાતળી થવા નહીં, ફિટ રહેવા માટે જિમ જાઉં છું. ઘરમાં હું મારી વહુને ઉપાડીને આખા ઘરમાં ફેરવી શકું છું. તમે આવું કરી શકો છો? મને પહેલેથી જ મારા જીવનમાં એવું કંઈક કરવાની ઇચ્છા હતી કે હું એક્ઝામ્પલ સેટ કરી શકું. આજે જુઓ એ સાબિત કરી બતાવ્યું કે ૬૫ વર્ષે પણ ફિટનેસ-ગોલ્સ અચીવ કરી શકાય છે. આમાં કન્સિસ્ટન્ટ રહેવું બહુ જરૂરી છે. હું ઘરમાં બધું કામ કરું છું. મારાં સંતાનોનાં બાળકોને સંભાળું છું અને ઍક્ટિવ લાઇફ જીવું છું.’

બની ગયાં છે ફૅમિલીનાં પર્સનલ ટ્રેઇનર

અંધેરીની સ્કૂલમાં સંસ્કૃત, મરાઠી અને હિન્દીના ટીયર તરીકે સક્રિય રહેલાં રીટા મહેતા ઘરે બાળકોને સંસ્કૃત પણ શીખવતાં હતાં. આજે સંપૂર્ણપણે ફિટનેસને જ શેકસમાં રાખી રહેલાં રીટાબહેન ભુતકાળની યાદોને વાગોળતાં કહે છે, ૨૦૦૭માં મને સ્લિવ્ડ ડિસ્કનો પ્રોબ્લેમ આવ્યો હતો ત્યારે એક મહિનો કોઈ પણ દવા લીધા વગર બેડ-રેસ્ટ કર્યો હતો. પછી હું ફિટ ઍન્ડ ફાઇન થઈ ગઈ. અત્યારે મને નખમાં પણ રોગ નથી. હું મારા ઘરના બધા મેમ્બર્સને એક-એક કસરત કરાવું છું જેથી તેઓ પણ ફિટ રહી શકે. મારા દીકરો-વહુ, દીકરી- જમાઈ, તેમનાં સંતાનો અને મારા પતિ મારા અચીવમેન્ટથી બહુ ખુશ છે અને મને આગળ વધવાની પ્રેરણા આપે છે.”

જ્યારે મેં જિમ જવાનું શરૂ કર્યું ત્યારે મારી ફ્રેન્ડ્સ મને સંભળાવતી કે આ ઉંમરે સ્લિમ-ટ્રિમ બનીને શું કરીશ? ઘણા સમયથી તું જિમ જાય છે તોય કંઈ ફરક નથી પડ્યો. જવાબમાં કહેતી કે હું પાતળી થવા માટે નહીં, ફિટ રહેવા માટે જિમ જાઉં છું. ઘરમાં હું મારી વહુને ઉપાડીને આખા ઘરમાં ફેરવી શકું છું. તમે આવું કરી શકો છો? ફિટનેસ બહુ મહત્ત્વપૂર્ણ છે. 

mumbai goa kandivli bandra andheri maharashtra columnists gujaratis of mumbai