બહેન ગ્રીન કાર્ડધારક છે એટલે મને સ્ટુડન્ટ વિઝા આપવાની ના પાડી દીધી, એવું કેમ?

12 May, 2023 03:53 PM IST  |  Mumbai | Dr. Sudhir Shah

અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા હેઠળ તમે ફરી પાછી વિઝાની અરજી કરી શકો છો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ગ્રૅજ્યુએટ થયા પછી હું નોકરીમાં જોડાઈ. પાંચ વર્ષ સર્વિસ કરી અને મને પ્રતીતિ થઈ કે મારું શિક્ષણ અધૂરું હતું. મેં વધુ અભ્યાસ કરવાનું વિચાર્યું. એ માટે અમેરિકાની થોડી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા અરજી કરી. લગભગ બધી જ યુનિવર્સિટીઓએ મને પ્રવેશ આપ્યો. એક યુનિવર્સિટીની પસંદગી કરી એમાં ભણવા જવું છે એવું જણાવીને અમેરિકાના ‘એફ-૧’ સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા મેળવવાની મેં અરજી કરી. મારી મોટી બહેન ત્રણેક વર્ષ પહેલાં અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરીને અમેરિકા રહેવા ગઈ છે. મેં આ પહેલાં કૅનેડા અને અમેરિકા ફરવા જવા માટેના વિઝાની અરજી કરી હતી. બન્ને નકારવામાં આવી હતી. સ્ટુડન્ટ વિઝાની અરજી કરતાં વિઝા કન્સલ્ટન્ટે મને મારી બહેન અમેરિકામાં  રહે છે, ગ્રીન કાર્ડધારક છે એ જણાવવાની ના પાડી હતી. એટલે વિઝાની અરજીમાં મેં એ જણાવ્યું નહોતું. ઇન્ટરવ્યુમાં કૉન્સ્યુલર ઑફિસરે એ વાત પકડી પાડી. મને એવું પણ જણાવ્યું કે ગ્રૅજ્યુએટ થયા બાદ પાંચ વર્ષ નોકરી કર્યા પછી વધુ ભણવાની ઇચ્છા કેમ જાગી? એણે મારી અરજી નકારી કાઢી. શું એ ઑફિસરનો નિર્ણય યોગ્ય છે? શું હું બીજી વાર અરજી કરી શકું?

તમે પોતે જ કબૂલ કરો છો કે વિઝા કન્સલ્ટન્ટના કહેવાથી તમે અરજીપત્રકમાં તમારી બહેન અમેરિકન ગ્રીન કાર્ડધારક છે એ વાત છુપાવી છે. ભારતીયો સામાન્ય રીતે ભણતર સળંગ રીતે પૂરું કરતા હોય છે. તમે ગ્રૅજ્યુએટ થયા બાદ પાંચ વર્ષ પછી વધુ ભણવાની ઇચ્છા દર્શાવી છે. આ કારણસર પણ કૉન્સ્યુલર ઑફિસરને તમારી સચ્ચાઈ વિશે શંકા આવી હશે. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા હેઠળ તમે ફરી પાછી વિઝાની અરજી કરી શકો છો. એ જો કરો તો સચ્ચાઈપૂર્વક ફૉર્મ ભરજો. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના જાણકાર ઍડ્વોકેટની સલાહ મેળવશો તો એ ફાયદાકારક રહેશે.

દસ દિવસ રહેવા માટે ૪૦ કપડાં કેમ છે? એમ કહીને અમારા વિઝા કૅન્સલ કરવામાં આવ્યા

મારી વાઇફને સવાર-સાંજ કપડાં બદલવાનો અને નવાં-નવાં કપડાં પહેરવાનો પુષ્કળ શોખ છે. તે દિવસમાં ચારથી પાંચ વાર કપડાં બદલે છે. અમે જ્યારે દસ દિવસની અમેરિકાની ટૂરમાં જોડાયા ત્યારે ત્યાં રોજ પહેરવા માટે એણે ચાર જોડી કપડાં એટલે કે કુલ ચાલીસ જોડી કપડાં લીધાં. ઍરલાઇન્સ અમને દરેકને બે બૅગ લઈ જવાની છૂટ આપે છે. એટલે આટલાં બધાં કપડાં લઈ જવામાં કોઈ પ્રકારની અગવડ નહોતી. ન્યુ યૉર્કના જેએફકે ઍરપોર્ટ પર ઇમિગ્રેશનના ઓફિસરે અમને અમેરિકામાં પ્રવેશવા દીધા, પણ અમે જ્યારે અમારી બૅગ લેવા ગયા ત્યારે ત્યાંના ઑફિસરે અમારી પાસે ચાર વજનદાર બૅગ અને ખભાથેલાઓ હતાં એ જોયાં અને અમને રોક્યાં. અમારી બૅગો ખોલાવી. અંદર મૂકેલી મારી પત્નીની સાડીઓ અને ડ્રેસિસ જોયાં અને પ્રશ્ન કર્યો ‘તમે અહીં કેટલા દિવસ રહેવાના છો?’ અમે દસ દિવસ કહ્યું એટલે તેણે પૂછ્યું કે ‘દસ દિવસ માટે આટલાં બધાં કપડાં કેમ લાવ્યાં છો? નક્કી તમે અહીં કાયમ રહેવા આવ્યાં છો.’ તેણે ઇમિગ્રેશન ઑફિસરને બોલાવ્યો. તેણે અમારા વિઝા કૅન્સલ કર્યા. અમારે ઇન્ડિયા પાછા આવવું પડ્યું. અમેરિકાના ઑફિસરોનું આવું વર્તન શું વાજબી હતું?   

 દસ દિવસના પ્રવાસ માટે જો ચાલીસ જોડી કપડાં લઈ જવામાં આવે તો આવી શંકા આવે એ સ્વાભાવિક છે. એ શંકાના કારણે જ તમને પાછાં મોકલવામાં આવ્યાં હતાં. કોઈ સારા અમેરિકાના ઇમિગ્રેશનના જાણકાર ઍડ્વોકેટની સલાહ મેળવીને માફી માગીને, તમારી પત્નીની આદત જણાવીને વેવરની અરજી કરો તો તમને ફરી પાછાં અમેરિકા જવા માટે નૉન-ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવશે.

columnists united states of america