હેમંતકુમારનાં ગીતો સાંભળીએ ત્યારે એવું લાગે કે કોઈ સાધુ મંત્રોચ્ચાર કરી રહ્યા છે

20 October, 2024 01:05 PM IST  |  Mumbai | Rajani Mehta

સફળતા મળ્યા બાદ પણ હેમંતકુમાર બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભૂલ્યા નહોતા

હેમંતકુમાર

સમય હતો જ્યારે કવિમિત્ર સ્વ. સુરેશ દલાલની ઇમેજ પબ્લિકેશનની અમારી ઑફિસ એટલે સાહિત્યકારોની ગોઠડીની પરબ. અવારનવાર ગુજરાતી સાહિત્ય અને સંગીતની જાણીતી હસ્તીઓ ત્યાં આવે અને તેમનો સત્સંગ થાય. એક દિવસ સ્વ. કવિ અને લોકસાહિત્યના મરમી સુરેન ઠાકર ‘મેહુલ’ સાથે ગુફ્તગૂ ચાલતી હતી ત્યારે તેમણે મનની પીડા કહી, ‘અમારા માટે તો બાવાના બેઉ બગડ્યા જેવી વાત છે. કવિ સંમેલનવાળા અમને ડાયરાના માણસ ગણી આમંત્રણ ન આપે અને લોકસાહિત્યવાળા અમને કવિ સમજીને ન બોલાવે.’

આજે તેમની આ વાત એટલા માટે યાદ આવી કે આપણે આવો જ કૈંક વ્યવહાર સંગીતકાર-ગાયક હેમંતકુમાર સાથે કર્યો છે. સંગીતકારોની સૂચિ બનાવીએ ત્યારે પહેલી યાદીમાં ભાગ્યે જ કોઈ હેમંતકુમારનું નામ લે. એવી જ રીતે પ્લેબૅક સિંગર્સની યાદીમાં ‘અને હા, હેમંતકુમાર પણ સારા ગાયક હતા’ એમ કહીને છેલ્લે તેમનો સમાવેશ થાય. હકીકત એ છે કે બન્ને ક્ષેત્રમાં તેમણે ઉત્તમ યોગદાન આપ્યું છે. (સંગીતકાર અને ગાયક તરીકે સી. રામચંદ્ર આ શ્રેણીમાં ન આવે. ક્રિકેટની ભાષામાં જેમ કુશળ બૅટ્સમૅન સમય આવે બોલિંગ કરી શકે એને બૅટિંગ ઑલરાઉન્ડર કહેવાય એમ ઉત્તમ સંગીતકાર સી. રામચંદ્ર ખપપૂરતા પ્લેબૅક સિંગર બની જતા.)

‘જાગ દર્દ-એ-ઇશ્ક જાગ’ (અનારકલી), ‘રુલાકર ચલ દિએ એક દિન હંસી બનકર જો આએ થે’ (બાદશાહ), ‘નૈન સો નૈન નાહીં મિલાઓ’ (ઝનક ઝનક પાયલ બાજે), ‘જાને વો કૈસે લોગ થે જિનકે પ્યાર કો પ્યાર મિલા’ (પ્યાસા), ‘વો શામ કુછ અજીબ થી’ (ખામોશી) જેવાં અનેક ગીતો સાંભળીએ ત્યારે એવી અનુભૂતિ થાય કે હૃદયના તારને આવી રીતે ઝંકૃત કરતો સ્વર અલૌકિક છે. લતાજી કહે છે, ‘હેમંતદાનાં ગીતો સાંભળીએ ત્યારે એવું લાગે કે પર્વતની ટોચ પર આવેલા મંદિરમાં કોઈ સાધુ મંત્રોચ્ચાર કરી રહ્યા છે.’

૧૯૨૦ની ૧૬ જૂને બનારસમાં હેમંતકુમાર મુખોપાધ્યાયનો જન્મ થયો. પિતા કાલિદાસ કલકત્તામાં શિપિંગ કંપનીમાં કારકુન હતા. એક પુત્રી અને ત્રણ પુત્રોના પિતા કાલિદાસ હેમંતકુમારને કોઈ મોટી પેઢીમાં સ્ટેનોગ્રાફર બનાવવા માગતા હતા, પણ હેમંતકુમારને સંગીત સિવાય બીજા કોઈમાં રસ નહોતો. પિતાની નારાજગી હોવા છતાં માતાના સહારે હેમંતકુમાર સંગીતની દુનિયામાં આગળ વધતા હતા. કિશોરવસ્થામાં તેમના ઘેઘૂર અવાજની પ્રસિદ્ધિ વધતી ગઈ અને દુર્ગાપૂજામાં તેમનાં ગીતો પર શ્રોતાઓ મુગ્ધ થઈ તાળીઓ વરસાવતા. નસીબજોગે ઑલ ઇન્ડિયા રેડિયો પર એક બંગાળી ફિલ્મના કોરસમાં ગીત ગાવાનો મોકો મળ્યો.

સત્તર વર્ષે મેટ્રિક પાસ કરી પિતાના આગ્રહથી કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીમાં એન્જિનયરિંગમાં ઍડ્મિશન લીધું પણ મન સંગીતમાં હતું. અંતે પરિવારની મરજી વિરુદ્ધ અભ્યાસ છોડી સંગીતમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો. અનેક રેકૉર્ડિંગ કંપનીમાં ઑડિશન આપ્યું પણ દરેકે એમ જ કહ્યું કે તારો અવાજ યોગ્ય નથી. નાસીપાસ થઈને ટાઇપરાઇટિંગ અને શૉર્ટહૅન્ડ શીખવાનું શરૂ કર્યું. સાથે-સાથે કવિતા અને ટૂંકી વાર્તા પણ લખતા જે બંગાળી સામયિકોમાં છપાતી હતી.

આ અરસામાં તેમની મુલાકાત શૈલેશ દત્ત ગુપ્તા સાથે થઈ. તેમણે રવીન્દ્ર સંગીત પર આધારિત ટાગોરની કવિતાઓ આપી અને તૈયાર કરવાનું કહ્યું. હેમંતકુમારના દર્દીલા સ્વરમાં આ સ્વરાંકનો સાંભળી મિત્ર શૈલેશ કોલંબિયા રેકૉર્ડિગ કંપનીમાં લઈ ગયા. ત્યાં તેમનું ઑડિશન થયું અને ૧૯૪૦માં હેમંતકુમારના સ્વરમાં પહેલી રેકૉર્ડ બહાર પડી. એ લોકપ્રિય થઈ અને એક જ વર્ષમાં હેમંતકુમારના સ્વરમાં બાર આલબમ રેકૉર્ડ થયાં. સ્વરને વધુ ધારદાર બનાવવા તેમણે ઉસ્તાદ ફૈયાઝ ખાન પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું.

હેમંતકુમાર રેડિયો, સ્ટેજ અને રેકૉર્ડિંગમાં વ્યસ્ત થઈ ગયા અને પરિવારને આર્થિક રીતે સહાય કરવા લાગ્યા. આ સાથે તેમણે ટ્યુશન આપવાનું શરૂ કરી દીધું જેથી સતત વ્યસ્ત રહેવાય અને આવક પણ વધે. એ દિવસોમાં તેમનું પ્રથમ હિન્દી ગીતોનું આલબમ પણ લોકપ્રિય થયું જેના ગીતકાર હતા ફૈયાઝ હાશ્મી અને સંગીતકાર હતા કમલદાસ ગુપ્તા.

ઘેર-ઘેર જઈ ટ્યુશન આપતા હેમંતકુમાર અનેક યુવાન-યુવતીઓના પરિચયમાં આવતા. એમાં એક હતી બેલા મુખરજી. સંગીતની ઊંડી સમજ ધરાવતી બેલા અને હેમંતકુમાર વચ્ચે પ્રણયના અંકુર ફૂટ્યા અને થોડા જ વખતમાં બેલાએ લગ્નની માગણી કરી. હેમંતકુમારે કહ્યું કે હજી મારી કારકિર્દી પાટે નથી ચડી. આટલી જલદી લગ્ન કરવાં યોગ્ય નથી. પણ બેલાનો આગ્રહ હતો. ‘લગ્ન ભલે પછી કરીશું, સગાઈ કરવામાં શું વાંધો છે?’

હેમંતકુમારે પરિવાર સાથે વાત કરી તો જબરો વિરોધ થયો, કારણ કે બન્ને મુખરજી એટલે એક ગોત્રના થયા. આ વિવાહ ન થઈ શકે. (બંગાળના મુખોપાધ્યાય મુખરજી, બંદોપાધ્યાય બૅનરજી અને ચટ્ટોપાધ્યાય ચૅટરજી કહેવાય છે.)

૧૯૪૧માં ‘નિમાઈ સંન્યાસ’માં પહેલી વાર હેમંતકુમારના સ્વરમાં એક ગીત રેકૉર્ડ થયું. તેમના પર કે. એલ. સાયગલ અને ખાસ કરીને પંકજ મલિકનો પ્રભાવ હતો. ત્યાર બાદ બીજી ફિલ્મોમાં થોડાં ગીતો રેકૉર્ડ થયાં. ૧૯૪૪માં સંગીતકાર પંડિત અમરનાથે ‘ઇરાદા’માં હેમંતકુમારના સ્વરમાં પ્રથમ હિન્દી ગીત રેકૉર્ડ કર્યું, ‘ ફિર મોહબ્બત કે પયામ આને લાગે.’ એ દિવસોમાં તેમનો પુરસ્કાર હતો ૧૫૦ રૂપિયા. ૧૯૪૫માં સંગીતકાર તરીકે તેમની પહેલી બંગાળી ફિલ્મ આવી ‘પૂર્વરાગ’. ચાર વર્ષથી રાહ જોતી બેલા હવે ધીરજ ખોઈ ચૂકી હતી. અંતે ૧૯૪૫માં ગરીબ ઘરની, એક જ ગોત્રની કન્યા સાથે હેમંતકુમારે લગ્ન કર્યાં. પરિણામે તેમણે ઘર છોડવું પડ્યું. લગ્નના થોડા દિવસ બાદ સાળા અને સાળીઓ પણ તેમના ઘરે આવી ગયાં.

કમનસીબે ‘પૂર્વરાગ’ અને સંગીત બન્ને નિષ્ફળ ગયાં. બેલાનાં ભાઈ-બહેનોથી ઘેરાયેલા હેમંતકુમાર ઘરનો ખર્ચો કેમ પૂરો કરવો એની ચિંતામાં સિગારેટના બંધાણી બની ગયા. એ દિવસોમાં તે ઇન્ડિયન પ્યુપિલ થિયેટર ‘ઇપ્ટા’માં જોડાયા જ્યાં તેમની મુલાકાત સલિલ ચૌધરી, કમલદાસ ગુપ્તા અને હેમેન ગુપ્તા સાથે થઈ. કમલદાસ ગુપ્તાએ હિન્દી ફિલ્મ ‘જવાબ’માં હેમંતકુમારના સ્વરમાં એક અને ‘ઝમીન આસમાન’માં બે ગીતો રેકૉર્ડ કર્યાં.

૧૯૫૨માં બૉમ્બે ટૉકીઝમાંથી છૂટા પડી શશધર મુખરજીએ ફિલ્મીસ્તાનની સ્થાપના કરી. એ સમયે તેમણે બંગાળી ફિલ્મોના અનેક કલાકારોને મુંબઈ બોલાવ્યા, જેમાં હેમંતકુમાર પણ હતા. તેમણે બે ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું ‘આનંદમઠ’ અને ‘શર્ત’. બન્નેના સંગીતની જવાબદારી હેમંતકુમારને મળી. બન્ને ફિલ્મો ઍવરેજ ફિલ્મ હતી પરંતુ ‘આનંદમઠ’નું ‘વંદે માતરમ’ અને ‘શર્ત’નું ‘ન યે ચાંદ હોગા ન તારે રહેંગે’ લોકપ્રિય થયાં. 

હેમંતકુમારનું મન મુંબઈમાં નહોતું લાગતું, પણ શશધર મુખરજીએ કહ્યું કે જ્યાં સુધી એક હિટ ફિલ્મ નહીં આપો ત્યાં સુધી કલકત્તા જવા નહીં દઉં. કમને તે રોકાઈ ગયા, પણ કહ્યું કે કલકત્તામાં ઘણું કામ બાકી છે એટલે હું મુંબઈ-કલકત્તા આવ-જા કરીશ.

૧૯૫૪માં ‘નાગિન’ રિલીઝ થઈ. ધીમે-ધીમે ફિલ્મનાં ગીતો લોકપ્રિય થતાં હતાં, પરંતુ ફિલ્મ જોવા બહુ લોકો નહોતા આવતા. એસ. મુખરજીએ મુંબઈની હોટેલ અને રેસ્ટોરાંમાં રેકૉર્ડ્સ મોકલાવી અને ચારે તરફ ગીતો ગુંજવા લાગ્યાં. આ યુક્તિનું ધાર્યું પરિણામ આવ્યું. થિયેટર્સ હાઉસફુલ થવા લાગ્યાં અને ફિલ્મ સુપરહિટ થઈ. હેમંતકુમારના દરવાજે પ્રોડ્યુસરોની લાઇન લાગી ગઈ. એમ કહેવાય છે કે તેમણે પાંચ-પાંચ હજાર ઍડ્વાન્સ લઈને લગભગ ૪૦થી ૫૦ ફિલ્મના કૉન્ટ્રૅક્ટ કર્યા. ખારમાં ‘ગીતાંજલિ’ નામના બંગલાનું બાંધકામ શરૂ થયું. આમ હેમંતકુમાર હિન્દી ફિલ્મોના એક સફળ સંગીતકાર તરીકે એસ્ટાબ્લિશ થયા.

સફળતા મળ્યા બાદ પણ હેમંતકુમાર બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભૂલ્યા નહોતા. મુંબઈ અને કલકત્તા વચ્ચે તે એટલા વ્યસ્ત હતા કે વારંવાર વહેલી સવારની ફ્લાઇટ પકડીને કલકત્તા જતા અને રાતે પાછા આવતા. આ કારણે ઍર ઇન્ડિયાએ તેમને ‘Daily Passenger’નો અવૉર્ડ આપ્યો હતો.

શા માટે ભારત સરકારે આપેલા પદ્મશ્રી અને પદ્મભૂષણ સન્માનનો હેમંતકુમારે ઇનકાર કર્યો એ વાત આવતા રવિવારે.

columnists indian music indian classical music