મારો એ પહેલો મોબાઇલ...

08 April, 2023 02:24 PM IST  |  Mumbai | Jigisha Jain

ભારતમાં મોબાઇલ આવ્યાને તો હજી ૨૯ વર્ષ જ થયાં છે. એ સમયના ફોન વજનમાં ખાસ્સા ભારે આવતા. ફક્ત વાત કરવાના કામમાં આવતા આ મોબાઇલનો પણ એ સમયે ક્રેઝ ઘણો હતો. આજે ચાલો યાદ કરીએ ખાસ્સા મોંઘા પડતા છતાં ખૂબ સ્પેશ્યલ એવા જીવનના એ પહેલા મોબાઇલ ફોનને

પ્રતિકાત્મક તસવીર

વૈજ્ઞાનિક માર્ટિન કૂપરે બનાવેલા મોબાઇલ ફોનથી ૧૯૭૩માં ત્રીજી એપ્રિલે પહેલો કૉલ કર્યો એનાં ૧૦ વર્ષ પછી એ માર્કેટમાં વેચાવા આવ્યાે. જોકે ભારત આવતાં એને બીજાં ૧૧ વર્ષ લાગ્યાં. ૨૨ ઑગસ્ટ, ૧૯૯૪થી ભારતમાં મોબાઇલ ફોન સર્વિસ ચાલુ થયેલી. મોટોરોલા ડાયના ટેક ૮૦૦૦x એ ભારતમાં આવનારો પહેલો મોબાઇલ ફોન હતો. જોકે એ દરમિયાન નોકિયાએ બનાવેલા પીસીઓ કે લૅન્ડલાઇનના અધિક વપરાશમાં એક એવા ફોનનું આગમન થયું હતું જેને લઈને તમે ગમે ત્યાં જઈ શકો અને વાત કરી શકો. ટ્રાવેલ દરમિયાન પણ તમે સંપર્ક કરી શકો, જે એ સમયે ખૂબ મોટી બાબત હતી. ફોન વધુ લોકોના વપરાશમાં આવ્યા હતા. જીવનમાં આવેલો પહેલો મોબાઇલ ફોન કોને ભુલાય? શરૂઆતના આ પહેલા મોબાઇલની વાતો આજે વાગોળીએ. 

ઍપલ 13 પણ એટલું સુખ નથી આપતો જેટલું એ પહેલા ફોને આપ્યું હતું
ડૉ. દર્શના ઓઝા, પ્રોફેસર, કાંદિવલી  


આ વાત છે ૧૯૯૬-’૯૭ની. ત્યારે મોબાઇલ ફોન હજી શરૂ જ થયા હતા. મારી નવી-નવી નોકરી હતી. હું રહેતી કાંદિવલી અને એસએનડીટી યુનિવર્સિટીમાં જૉબ કરતી એટલે એના માટે દરરોજ ચર્ચગેટ જતી. નવી વસ્તુઓનો ક્રેઝ ભરપૂર. મોબાઇલ ફોન આવ્યો ત્યારે લાગ્યું હતું કે લેવો તો છે જ. પણ મોંઘો ફોન લેવો કઈ રીતે?  ફોર્ટ પાસે રસ્તા પર એક દિવસ જોયું મોબાઇલ ફોન વેચાઈ રહ્યો હતો. સેકન્ડ-હૅન્ડ તો સેકન્ડ-હૅન્ડ. મોબાઇલ ફોન ખરીદી લીધો. મેં અને મારી બહેન બંનેએ મોબાઇલ ફોન ખરીદ્યો, જેનું એક ખાસ કારણ હતું. અમારું ઘર ત્રીજા માળે હતું અને લિફ્ટ નહોતી. કામેથી સાંજે પાછા ફરતી વખતે ઘરે જમવામાં શું બનાવીશું અને બહારથી શું લાવવાનું છે એ નક્કી કરવા માટે અમને મોબાઇલ ખૂબ કામ લાગતો, કારણ કે એક વાર ઘરે ત્રણ દાદર ચડીને ગયા પછી ફરી બહાર નીકળવું ખૂબ આકરું લાગતું. એ મોબાઇલની મજા જ જુદી હતી. મારી પાસે એમટીએનનો ગરુડા ફોન હતો. મહિને ૨૦૦ રૂપિયા બિલ હું ભરતી એનું એ પણ મને યાદ છે. એ ફોન અત્યંત ભારે, સમજો પથ્થર જ પકડ્યો હોય તમે હાથમાં. ફક્ત રિંગ વાગે અને પીળી લાઇટ થાય એટલે ફોન ઊંચકવાનો. પણ સાચું કહું તો એ ફોન એટલો સ્પેશ્યલ હતો કે આજે મારી પાસે ઍપલ 13 છે પણ એ મને એટલી ખુશી નથી આપતો જેટલો ગરુડા આપતો હતો. 

૧૦ વર્ષ ચલાવ્યો એ પહેલો મોબાઇલ
અમિત સાવલા, દુકાનદાર, દાદર 


ફોન એ સમયે કમ્યુનિકેશનનું માધ્યમ માત્ર હતો. અમે ઘરમાં પાંચ જણ અને પાંચ જણ વચ્ચે એક મોબાઇલ અમે ખરીદેલો. સાલ યાદ આવતી નથી પણ મને યાદ છે કે એ મોબાઇલ હોવા છતાં ઘરમાં જ પડ્યો રહેતો, કારણ કે એ સમયે બહાર ફોન લઈને જવું અને સતત સંપર્કમાં રહેવું એવી કોઈ જરૂરિયાત જ લાગતી નહીં. મોટાભાઈ દુકાને જાય તો લઈને જતા. મહત્ત્વની વાત એ છે કે 
આજના મોંઘા ફોન ૧-૨ વર્ષમાં ખરાબ થઈ જાય છે. આ જીવનનો પહેલો મોબાઇલ કે મને યાદ છે ત્યાં સુધી ૨૦૦૦ રૂપિયામાં ખરીદેલો એ અમે ૧૦ વર્ષ ચલાવેલો. 
એને કંઈ જ થયું નથી. એક વાર પણ રિપેર કરવાની જરૂર જ પડી નથી. ૩૦૦ રૂપિયા એનું બિલ આવતું હતું એ પ્રી-પેઇડ જ ભરી દેતા અમે. મહત્ત્વની વાત એ હતી કે મોબાઇલ હોય કે ન હોય, ખાસ ફરક પડતો નહીં. વાત કરવા કામ લાગે એટલું જ. આજના જેવું બંધાણ નહોતું કે મોબાઇલ ન હોય તો ચાલે જ નહીં એવું કશું નહોતું. હવે બધું બદલાઈ ગયું છે. આજે મોબાઇલ વગર કોઈને ચાલતું નથી. મને પણ નહીં. પણ એ દિવસો શરૂઆતના હતા અને આપણે બધા એક ડિવાઇસ સાથે થોડા કમ્ફર્ટેબલ થઈ રહ્યા હતા. પહેલાં કોઈ બહાર જતું અને સાંજ સુધી એનો પત્તો ન હોય તો પણ ગભરાટ નહોતો થતો. એ વિશ્વાસ હતો કે એ વ્યક્તિ આવી જશે. મોબાઇલ આવ્યા પછી 
આપણે કૉલ કરીએ અને એ ન ઉપાડી શકે ત્યાં જ બધાના જીવ ઉપર-નીચે થઈ જતા હોય છે. આમ ઘણું બદલાય ગયું છે.

મિસકૉલથી વાત કરતા
કિન્નરી ઠક્કર, પ્રોફેસર, ચેમ્બુર 


આ વાત છે ૧૯૯૯ની. મેં હજી કમાવાનું શરૂ કર્યું હતું અને પહેલા પગારમાંથી મેં ખરીદ્યો પહેલો મોબાઇલ ફોન. એ સમયે રિક્ષાનું ભાડું ૨.૬૦ રૂપિયા હતું અને ઇનકમિંગ કૉલનો ચાર્જ પાંચ રૂપિયા હતો. ભૂલથી પણ કોઈ નકામો કૉલ રિસીવ થઈ જાય તો જીવ બળી જતો કે પાંચ રૂપિયા વેડફાઈ ગયા. આ સમય હતો મિસ્ડ કૉલનો. અમે ફોન કે મેસેજ કરીને નહીં, મિસકૉલથી કમ્યુનિકેટ કરતા. હું કામ પર પહોંચીને મમ્મીને એક મિસકૉલ કરતી કે હું પહોંચી ગઈ છું. એ સમયે જ મેં મારા પિતાને ગુમાવી દીધા હતા. મમ્મીને એકલું લાગે ત્યારે એ મને મિસકૉલ કરતી. હું જ્યાં હોઉં ત્યાંથી તેને પીસીઓ પર જઈને કૉલ કરી દેતી, કારણ કે એ સમયે ૧ રૂપિયામાં પીસીઓ પરથી વાત થઈ જતી. ઇનકમિંગના પૈસા વધુ લાગતા. પણ એ સમયે મોબાઇલ જરૂરિયાત કરતાં આન-બાન-શાનનો સવાલ વધુ હતો. નવરાત્રિમાં ગરબા રમવા ગઈ ત્યારે ઘરેણાં અને ચણિયાચોળી કરતાં મોબાઇલ મહત્ત્વની ઍક્સેસરી હતી જે લોકોનું ધ્યાન ખેંચતી. 

કોઈની પાસે જે નથી એ મારી પાસે હતું
છાયા સાલિયાન, હાઉસવાઇફ, વસઈ


૧૯૯૮ આસપાસ મારા બર્થ-ડે પર મારા પતિએ મને બેસ્ટ ગિફ્ટ ભેટ આપી અને એ હતો નોકિયાનો મોટી સાઇઝનો બ્લૅક કલરનો ફોન. મને ટેક્નૉલૉજીમાં કોઈ પણ નવી વસ્તુ આવે તો મારી પાસે હોવી જોઈએ એવો આગ્રહ ખરો. એ સમયે પેજર પણ હતું મારી પાસે. મજાની વાત તો એ છે કે વસઈ વિસ્તારમાં કોઈ પાસે લૅન્ડલાઈન નહોતી ત્યારે મારી પાસે મારા ઘરે લૅન્ડલાઇન હતી, જેના માટે લોકો છેક સ્ટેશનેથી પણ મારા ઘરે ફોન વાપરવા આવતા. એવું જ મોબાઇલનું થયું. અમારી આજુબાજુ કોઈ પાસે મોબાઇલ નહોતો એ સમયે મારી પાસે મોબાઇલ આવ્યો. હું જ્યાં પણ જાઉં ત્યાં મોબાઇલ એ લોકો માટે આકર્ષણ ઊભું કરતો. એનો ચાર્મ જ જુદો છે કે તમારી પાસે એવી કોઈ વસ્તુ છે જે ભાગ્યે જ કોઈ પાસે મળે. એ સમયે જ્યારે ઇનકમિંગના પણ પૈસા લાગતા ત્યારે હું મારા મોબાઇલ પર મારી ફ્રેન્ડ્સ સાથે કે સગાંસંબંધીઓ સાથે કલાકો ગપ્પાં મારતી. ઘણી વાર તો એક કૉલના જ ૨૦૦-૩૦૦ રૂપિયા આમ જ આપી દેતી હું. લગ્ન પછી હું અને મારા પતિ બંને એકલાં જ રહેતાં. એ કામ પર જતા રહેતા ત્યારે હું સાવ એકલી પડી જતી અને ત્યારે મારી વહારે આવતો ફોન. લૅન્ડલાઇન પર એક ખૂણામાં બેઠાં-બેઠાં ગપ્પાં મારવા કરતાં મને ઘરમાં હરતાં-ફરતાં કામ કરતાં-કરતાં ગપ્પાં મારવા ગમતાં અને એમાં મોબાઇલ કામ લાગતો. વળી બહાર જાઉં ત્યારે કોઈ ઇમર્જન્સીમાં પણ મોબાઇલ ખૂબ કામ લાગેલો.

columnists Jigisha Jain gadget review