21 January, 2023 12:37 PM IST | Mumbai | Jigisha Jain
મુંબઈનો શિયાળો, ઠંડી છે કે ઠંડી લાગે છે?
‘અત્યારે દિલ્હીમાં ઠંડી છે અને મુંબઈને લાગે છે કે ત્યાં ઠંડી છે.’ આ લાઇન એક તાજેતરની રીલમાં વાપરીને એક જાણીતી કમેડિયને બધાને હસાવવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈમાં હાલમાં તાપમાન ૧૩.૮ ડિગ્રી ગયું, જે આ સીઝનનું સૌથી નીચું તાપમાન હતું અને મુંબઈગરાઓ થરથરી ગયા. ઠંડી-ઠંડી કરવા લાગ્યા. આટલી ઠંડી તો અહીં કોઈ દિવસ પડી જ નથી. સંક્રાંતિ પતી ગઈ છતાં આટલી ઠંડી? ડિસેમ્બરમાં ઠંડી હોય તો સમજાય, પરંતુ જાન્યુઆરીમાં આટલી ઠંડી? એક સમય હતો કે મુંબઈમાં ઠંડી જ નહોતી પડતી અને હવે જુઓ, જાન્યુઆરી પતવા આવ્યો છતાં સવારે સ્વેટર પહેરવાં પડે છે. મુંબઈમાં ઠંડી આવી કે નહીં પરંતુ આવી બધી વાતોની મોસમ ચાલુ થઈ. ખરું તો એ છે કે મુંબઈની ઠંડી ખરેખરની હોવાને બદલે વાતોમાં વધુ હોય છે. ગુજરાત ૩ ડિગ્રીમાં ફ્રીઝ થતું હોય ત્યારે મુંબઈ ૧૩ ડિગ્રીમાં હાય તોબા કરતું હોય છે. ત્યારે ચાલો, આજે મુંબઈના શિયાળાનું અવલોકન કરીએ. જાણીએ કેટલીક રસપ્રદ વાતો મુંબઈના શિયાળા વિશે.
સમુદ્રને લીધે
મુંબઈ દરિયાકિનારે વસેલું મહાનગર હોવાને કારણે અહીં સમશીતોષ્ણ તાપમાન જ રહે. એટલે કે જ્યાં વધુ ગરમી કે વધુ ઠંડી પડતી નથી, ઍવરેજ તાપમાન જળવાઈ રહે છે એવી જગ્યા. એટલે જ અહીં રાજસ્થાન જેવી બાવન ડિગ્રીની ગરમી નથી હોતી કે કચ્છ જેવી બે-ત્રણ ડિગ્રીની ઠંડી નથી હોતી. એની પાછળનું સાયન્સ આપણે બધા સ્કૂલમાં આમ તો ભણી ગયા પરંતુ રિવિઝન કરવા માટે સમજીએ તો ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ (IMD), મુંબઈનાં સાયન્ટિસ્ટ ડૉ. સુષમા નાયર કહે છે, ‘મુંબઈના શિયાળાને જે વ્યાખ્યામાં અમે બંધ બેસાડીએ એને માઇલ્ડ શિયાળો જ કહેવાય. જે જગ્યાની હવામાં ભેજ હોય એનું તાપમાન જલદીથી વધી કે ઘટી ન શકે. જ્યાં સમુદ્ર છે એની હવામાં ભેજ તો હોવાનો જ. બીજું એ કે જે સમુદ્રનું પાણી દિવસ દરમિયાન ગરમ થાય એ પાણીને ૧૨ કલાક થાય છે ઠંડું પડતાં. જમીન જેટલી જલદી ગરમ થાય એટલી જલદી જ ઠંડી થઈ જતી હોય છે. એટલે સમુદ્રકિનારા પર ઠંડી આવતાં અને પ્રસરતાં વાર લાગે. એવું જ ગરમીનું સમજવું. એટલે જ સમુદ્રકિનારે તાપમાનમાં એકદમ ઘટાડો કે વધારો શક્ય બનતો નથી.’
ઉત્તરથી ફૂંકાતા પવનો
મોટા ભાગે તો આ નિયમને આધારે તાપમાન વધ-ઘટ થતું નથી, પરંતુ જ્યારે મુંબઈનું તાપમાન નીચે જાય છે એનું શું કારણ? એ સમજાવતાં વેગરીઝ ઑફ વેધરના બ્લૉગ દ્વારા પ્રસિદ્ધિ મેળવનાર ૫૫ વર્ષથી પણ વ્યાપક અનુભવ ધરાવનાર જાણીતા હવામાનશાસ્ત્રી રાજેશ કાપડિયા કહે છે, ‘મુંબઈની ઠંડીનું કારણ ઉત્તરમાં પડતી ઠંડી છે એ સૌકોઈ જાણે છે. ઉત્તર ભારતમાં પડતી ઠંડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર આધારિત છે. ત્યાં એને કારણે જે હિમવર્ષા થાય છે અને હિમવર્ષાને લીધે ઉત્તર તરફથી ફૂંકાતા પવનો ઠંડા હોય છે. આ પવનો મહારાષ્ટ્ર તરફ આવે એટલે મુંબઈ ઠંડું થાય છે. સમજવાની વાત એ છે કે આ પવનો જ્યારે મુંબઈ પરથી પસાર થાય તો એને ૧૩ ડિગ્રી જેટલું ઠંડું કરી શકે છે. જ્યારે આ જ પવનો પુણે પરથી પસાર થાય તો એનું તાપમાન ૮ ડિગ્રી જેટલું નીચે જાય છે. ઠંડા પવનોને લીધે જ તાપમાન નીચું જાય છે, પરંતુ સમુદ્ર હોવાને કારણે બીજી જગ્યાઓની સરખામણીમાં ઓછું ઠંડું કરે છે.’
સૌથી ઠંડી જગ્યા
મુંબઈમાં બે જગ્યાએ સાંતાક્રુઝ અને કોલાબા પર હવામાન વિભાગ તાપમાનની નોંધણી કરતો હોય છે. એ વિશે વાત કરતાં ડૉ. સુષમા નાયર કહે છે, ‘આ બંને જગ્યાઓએ વર્ષોથી હવામાન વિભાગ સ્થાપિત છે. અહીં મૅન્યુઅલી પણ તાપમાનની નોંધણી થાય છે. બાકી જુદા-જુદા એરિયામાં ઑટોમૅટિક વેધર સ્ટેશન છે. જ્યાં તાપમાન સેન્સર્સ દ્વારા જાતે રેકૉર્ડ થતું હોય છે. તાપમાનની દૃષ્ટિએ મુંબઈના એક એરિયાથી બીજા એરિયામાં ફરક નોંધપાત્ર નથી હોતો. થોડોઘણો ફરક હોવાની શક્યતા રહે છે.’
છતાં એવું કેમ થાય છે કે અમુક એરિયામાં વધુ ઠંડી લાગે છે અને અમુક એરિયામાં હૂંફાળું લાગતું હોય છે? જેમ કે બાંદરાથી બોરીવલી જવા નીકળીએ ત્યારે ગોરેગામથી એકદમ જ ઠંડી શરૂ થઈ જાય છે. ત્યાંથી પસાર થઈએ ત્યારે એમ લાગે કે હવે શાલ ઓઢવી પડશે. એવું કેમ? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. નાયર કહે છે, ‘એક હોય છે ઠંડી હોવી અને બીજું હોય છે ઠંડી લાગવી. સાયન્સ અનુભવો પર નહીં, આંકડાઓ પર ધ્યાન આપે છે. પરંતુ આ જ પ્રશ્નનો વિજ્ઞાન થકી જવાબ આપવાનો પ્રયાસ કરીએ તો ચોક્કસ જવાબ આપી શકાય કે કેમ ત્યાં ઠંડી વધુ છે. બોરીવલીનો સંજય ગાંધી નૅશનલ પાર્ક જંગલ હોવાને લીધે એ એરિયા મુંબઈનો સૌથી વધુ ઠંડો એરિયા છે. એટલે બોરીવલી તરફ જતાં-જતાં ધીમે-ધીમે ઠંડી વધતી જાય અને એ બદલાવ અનુભવાય પણ ખરા.’
ઠંડી વધુ ક્યારે લાગે?
એ વાત સાચી છે. મુંબઈવાસીઓને ઠંડીની આદત જ નથી એટલે ૧૩-૧૫ ડિગ્રી ઠંડી હોય ત્યારે ગુજરાતના લોકો સ્વેટર વગર પણ ફરતા હોય પરંતુ અહીં ૧૬ ડિગ્રીએ પણ સ્વેટર અને પગનાં મોજાં પહેરીને મુંબઈકર ફરવા લાગે છે એનું કારણ જ એ છે કે અહીંના મોટા ભાગના લોકોને ઠંડી સહન કરવાની આદત નથી હોતી. આમ ઠંડી હોવી અને ઠંડી લાગવી એ બે જુદી બાબતો છે જ. ઠંડી લાગવાની વાત કરીએ તો એવાં કયાં કારણો છે જેને લીધે તાપમાન ખાસ નીચું ન હોવા છતાં વ્યક્તિને ઠંડી ફીલ થાય છે? એ વિશે વાત કરતાં રાજેશ કાપડિયા કહે છે, ‘ખુલ્લી જગ્યા હોય ત્યાં ઠંડી વધુ લાગે છે. જેમ કે સાઉથ મુંબઈમાં બધું ગીચ છે એટલે ત્યાં ઠંડી લાગતી જ નથી. પરાંઓ બાજુ જઈએ ત્યાં એની સરખામણીમાં ખુલ્લી જગ્યાઓ છે એટલે ઠંડી લાગે છે. બીજું એ કે પવન જ્યારે જોરથી ફૂંકાય ત્યારે ઠંડી લાગે છે. તાપમાન નીચું હોય પણ પવન ન હોય તો ઠંડી ઓછી લાગે. તાપમાન થોડું નીચે જાય પણ પવન ખૂબ હોય તો ઠંડી વધુ લાગે એટલે જ બીચ પર તમે ઊભા હો તો ઠંડી વધુ લાગે. એક તો ખુલ્લી જગ્યા અને પવન વધુ.’
ખુશનુમા વાતાવરણ
ઘણી વાર એવું પણ બને છે કે સવારે તાપમાન ૧૫ ડિગ્રી હોય પરંતુ દિવસ દરમિયાન એ ૩૦ ડિગ્રી સુધી પહોંચ્યું હોય તો ઠંડી ન પણ લાગે, કારણ કે દિવસ દરમિયાન ગરમી એટલી વધી ગઈ છે. પણ જ્યારે સવારે તાપમાન ૧૫ હોય અને દિવસ દરમિયાન પણ ૨૨ સુધી જ ગયું હોય તો ઠંડી વધુ લાગે. બીજી એક ખાસિયત એ છે કે જે જગ્યાઓ ઠંડી છે ત્યાં શિયાળામાં ડ્રાયનેસ ઘણી વધી જાય છે. મુંબઈમાં એવું થતું નથી. એ વિશે વાત કરતાં રાજેશ કાપડિયા કહે છે, ‘મુંબઈમાં ભેજ ઍવરેજ ૬૦થી ૭૫ ટકા જેટલો જોવા મળે છે. આટલા ભેજવાળા વાતાવરણમાં ઠંડી આવે તો ભેજ ઓછો થાય, પરંતુ એટલો વધુ પ્રમાણમાં ઓછો ન લાગે કે ચામડી ફાટી જાય. ઊલટું થોડો ભેજ ઓછો, થોડી તાપમાન નીચું જાય એટલે મુંબઈનો શિયાળો વધુ ખુશનુમા બનતો હોય છે.’
મુંબઈમાં આટલી ઠંડી?
લગભગ દર શિયાળે આ ચર્ચાઓ થતી હોય છે કે મુંબઈમાં તો ઠંડી હોતી જ નથી અને આ શિયાળે જ વધુ છે. શું ખરેખર આ શિયાળે ઠંડી વધુ છે? એ વાતનો જવાબ આપતાં ડૉ. સુષમા નાયર કહે છે, ‘પબ્લિક મેમરી હંમેશાં શૉર્ટ સ્પૅન માટે હોય છે. હમણાં ઠંડી લાગી રહી છે તો બધા કહેશે કે આવી ઠંડી તો જોઈ જ નથી. પછી બે વર્ષ પછી ઠંડી આવશે તો ત્યાં સુધીમાં ભૂલી જશે કે ઠંડી હતી. હકીકત એ છે કે મુંબઈમાં જે પ્રકારની થોડા દિવસ ઠંડી રહે છે એ એકદમ નૉર્મલ છે. વર્ષોથી અહીં આ જ પ્રકારનું વાતાવરણ છે. ડિસેમ્બર કરતાં જાન્યુઆરીમાં જ અહીં ઠંડી વધુ હોય છે અને ઘણી વાર તો ફેબ્રુઆરીમાં પણ અમુક દિવસો ઠંડા થઈ જતા હોય છે. છેલ્લાં ૧૦ કે ૨૦ વર્ષમાં તો મુંબઈની ઠંડીમાં કોઈ ખાસ ફેરફાર કે પૅટર્ન જોવા મળી નથી. મુંબઈનો શિયાળો વર્ષોથી આવો જ છે.’