12 October, 2024 09:13 AM IST | Mumbai | Deepak Mehta
જ્યાં ગાંધીજી અને કસ્તુરબા ઊતર્યાં એ ગેટવે ઑફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું અપોલો બંદર
૧૯૧૫ના જાન્યુઆરી મહિનાની નવમી તારીખ. શનિવાર. શિયાળો હજી ગયો નહોતો અને ઉનાળાને આવવાને વાર હતી. જોકે એ દિવસે ભાગ્યે જ કોઈને એવો ખ્યાલ હતો પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ દિવસ ખૂબ મહત્ત્વનો બની રહેવાનો હતો. એ દિવસે સવારે લગભગ સાડાસાત વાગ્યે એસ. એસ. અરેબિયા નામનું જહાજ મુંબઈના બારામાં નાંગર્યું. બે ભૂંગળાંવાળું અને વરાળથી ચાલતું આ જહાજ ૧૮૯૮માં બંધાયું હતું અને એ પી. ઍન્ડ ઓ. નામની કંપનીની માલિકીનું હતું. કલાકના ૧૮ દરિયાઈ માઇલની ઝડપે ચાલતું આ જહાજ એ વખતે ખૂબ ઝડપી ગણાતું હતું. એ દિવસે એ જહાજ પર એક ખાસ મુસાફર અને તેમનાં પત્ની પણ હતાં. અગાઉથી સરકારની મંજૂરી લઈને એ બે મુસાફરો બીજા મુસાફરોની જેમ ગોદી પર નહીં પણ અપોલો બંદર પર ઊતરે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાધારણ રીતે વાઇસરૉય અને રાજામહારાજાઓ જ આ રીતે અપોલો બંદર પર ઊતરી શકતા. એવું અસાધારણ માન મેળવનાર એ બે મુસાફરો તે મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમનાં પત્ની કસ્તુરબા.
ગાંધીજીને આવકારવા માટે એક ખાસ સ્ટીમ લૉન્ચમાં મુંબઈના કેટલાક મહાનુભાવો એસ. એસ. અરેબિયા પર ગયા હતા. એમાં શેઠ નરોત્તમ મોરારજી, જમશેદજી બી. પેટિટ, સર ભાલચંદ્ર કૃષ્ણ, બી. જી. હૉર્નિમન, બહાદુરજી વગેરેનો સમાવેશ થતો હતો. તો બીજી એક સ્ટીમ લૉન્ચમાં નારણદાસ ગાંધી અને રેવાશંકર જગજીવન ઝવેરી ગાંધીજીને આવકારવા ગયા હતા. ગાંધીજી અને કસ્તુરબા જ્યારે અપોલો બંદર પર ઊતર્યાં ત્યારે તેમને આવકારવા ત્યાં સેંકડો લોકો એકઠા થયા હતા. મૂળ યોજના તો અપોલો બંદર પર ગાંધીજીનો જાહેર સત્કાર કરવાની અને પછી સરઘસ આકારે તેમને શહેરમાં લઈ જવાની હતી પણ સરકારે એ માટે મંજૂરી આપી નહોતી એટલે એ વાત પડતી મૂકવી પડી હતી.
મુંબઈમાં આવતાંવેંત સભાઓ, મુલાકાતો, મિજબાનીઓ માટેની માગણીઓનો તો જાણે વરસાદ વરસ્યો હતો. ગાંધીજી મુંબઈ આવ્યા એ જ દિવસે બૉમ્બે ક્રૉનિકલ નામના અખબારને તેમણે મુલાકાત આપી હતી. ૧૦ તારીખે ગાંધીજી કેટલાક કુટુંબીજનોને મળવા બજારગેટ સ્ટ્રીટ ગયા હતા. ત્યાં તેઓ પહેલી વાર સ્વામી આનંદને મળ્યા હતા. પછીનાં વર્ષોમાં સ્વામી ગાંધીજીના નિકટના સાથી બન્યા હતા. એ જ દિવસે કોટ વિસ્તારમાં બે સત્કાર સમારંભ યોજાયા હતા. કોટ વિસ્તારના રહેવાસીઓ તરફથી પ્રભુદાસ જીવણજી કોઠારીની વાડીમાં અને મોઢ વણિક જ્ઞાતિ તરફથી જીવણદાસ પીતાંબરદાસના બંગલે. એ વખતે ૧૭ વર્ષની ઉંમરના રઘુનાથ બ્રહ્મભટ્ટનું નાટક ‘બુદ્ધદેવ’ મુંબઈના એમ્પાયર થિયેટરમાં આશારામ મૂળજીની નાટક કંપની ભજવી રહી હતી. તેમણે પણ ગાંધીજી માટે સમારંભ યોજ્યો હતો. આ નાટકનું એક ગીત ‘સાર આ સંસારમાં ન જોયો’ આજ સુધી નાટકપ્રેમીઓની જીભ પર રમતું રહ્યું છે.
જે. બી. પેટિટના બંગલે પાર્ટીમાં ગાંધીજી અને કસ્તુરબા
૧૧ જાન્યુઆરીએ ઘાટકોપર ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. રાવબહાદુર વસનજી ખીમજી પ્રમુખસ્થાને હતા. ચાંદીના કાસ્કેટમાં તેમને માનપત્ર અપાયું ત્યારે ગાંધીજીએ ભાષણમાં કહ્યું કે જેને માથે છાપરું નથી અને જેના ઘરને બારણાં નથી તેવા માણસને તમે સોના-ચાંદી આપો એ શા ખપનું? ૧૨ જાન્યુઆરીએ ગાંધીજી અને કસ્તુરબાના માનમાં એક શાનદાર સમારંભ પેડર રોડ પર આવેલા જે. બી. પેટિટના ‘માઉન્ટ પેટિટ’ નામના બંગલે યોજાયો હતો. ત્યારે ૬૦૦ જેટલા ‘દેશી’ તેમ જ અંગ્રેજ મહેમાનો હાજર હતા. પ્રમુખસ્થાને હતા સર ફિરોઝશાહ મહેતા. એ સમારંભના ઠાઠ અને રૂઆબથી ગાંધીજી અકળાઈ ગયા હતા. કીમતી ભેટો માટેનો અણગમો આ સમારંભમાં પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
૧૩ જાન્યુઆરીએ હીરાબાગ ખાતે બૉમ્બે નૅશનલ યુનિયન તરફથી સભા યોજાઈ હતી. એ માટેનું આમંત્રણ ન હોવા છતાં બાળ ગંગાધર તિલક એમાં હાજર રહ્યા હતા એટલું જ નહીં, ભાષણ પણ કર્યું હતું. ૧૪ તારીખે ગુજરાત સભા તરફથી ગિરગામના મંગળદાસ હાઉસ ખાતે ‘ગાર્ડન પાર્ટી’ યોજાઈ હતી. પ્રમુખસ્થાને હતા મહંમદઅલી ઝીણા. કનૈયાલાલ મુનશીએ ગાંધીજીનો પરિચય આપ્યો હતો. બન્નેએ ગાંધીજીનાં મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. આ સમારંભમાં ઘણાંખરાં ભાષણો અંગ્રેજીમાં થયાં હતાં. ગાંધીજીએ જવાબ ગુજરાતીમાં આપ્યો હતો અને ગુજરાતીઓના મેળાવડામાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ વિશે ટકોર કરી હતી. આત્મકથામાં ગાંધીજી નોંધે છે કે ગુજરાતીઓના કાર્યક્રમમાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ વિશે આ રીતે ગુજરાતીમાં બોલીને મેં નાનકડો સત્યાગ્રહ કર્યો હતો. ૧૪ તારીખે જ ગાંધીજીએ મુંબઈના ગવર્નર લૉર્ડ વિલિંગ્ડનની મુલાકાત પણ લીધી હતી. ૧૫મી તારીખે સાંજે મુંબઈની સ્ત્રીઓ તરફથી કસ્તુરબાને માનપત્ર આપવામાં આવ્યું હતું. માધવબાગમાં યોજાયેલા સમારંભમાં લેડી ફિરોઝશાહ મહેતા પ્રમુખસ્થાને હતાં. એ જ દિવસે ગોપાળ કૃષ્ણ ગોખલે મુંબઈ આવતાં ગાંધીજી તેમને મળવા ગયા હતા. એ જ દિવસે રાત્રે ગાંધીજી અને કસ્તુરબા પોરબંદર, રાજકોટ, વગેરે કાઠિયાવાડનાં શહેરોમાં જવા માટે ટ્રેનમાં નીકળ્યાં. બન્નેએ થર્ડ ક્લાસમાં મુસાફરી કરી હતી. એ વખતે કાઠિયાવાડ જવા માટે વિરમગામ સ્ટેશને ટ્રેન બદલવી પડતી. એ સ્ટેશને બ્રિટિશ રાજ્યની હદ પૂરી થતી અને દેશી રાજ્યોની હદ શરૂ થતી. એટલે વિરમગામ સ્ટેશને બધા મુસાફરોનો સામાન ખોલાવીને તપાસતા અને જકાત વસૂલતા અને જરૂર લાગે તો મુસાફરની દાક્તરી તપાસ પણ કરતા. એ વખતે પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને મુસાફરીના દિવસે ગાંધીજીને થોડો તાવ હતો એટલે તેમની દાક્તરી તપાસ થઈ હતી, પણ તેમને રોકવામાં આવ્યા નહોતા.
૧૯૧૫માં સાઉથ આફ્રિકાથી મુંબઈ આવ્યાં ત્યારે ગાંધીજી અને કસ્તુરબા
ગાંધીજી સાઉથ આફ્રિકાથી હિન્દુસ્તાન પાછા આવ્યા એ પછી પચાસ વર્ષે ૧૯૬૫માં, કનૈયાલાલ મુનશીએ લખ્યું હતું : ‘સૌપ્રથમ તો ગાંધીજીએ અહિંસક આંદોલન દ્વારા રામરાજ્ય સ્થાપવાની વાત કરી ત્યારે એ કાળના નેતાઓએ એને સ્વપ્નદૃષ્ટાની તરંગલીલા કહી, ઘણાએ એમની વાતને હસી કાઢી, તેઓને લાગ્યું કે અવ્યવહારુ ધર્માત્માનું આ આંધળું સાહસ છે. પરંતુ ગાંધીજીની આ નવી પદ્ધતિ એ પછી તેમની પ્રેરણામાંથી જાગેલા આંદોલનમાં અજમાવાઈ અને એનું સામર્થ્ય સૌને સમજાયું. ગાંધીજીનો અહિંસાનો આગ્રહ નિર્બળતામાંથી નહોતો પ્રગટ્યો. એ શક્તિમાંથી આવ્યો હતો.’ મુનશીના આ શબ્દો વાંચતાં સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીને અંજલિ આપતાં કવિ કરસનદાસ માણેકે લખેલા લાંબા કાવ્ય ‘કલ્યાણયાત્રી’ની બે પંક્તિ યાદ આવે છે :
સત્યનું કાવ્ય છો બાપુ,
કાવ્યનું સત્ય છો તમે,
ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ
આ આપને નમે.