25 March, 2025 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈની ચાલીઓએ મુંબઈને એક વિશિષ્ટ ઓળખ આપી હતી. મોટા-મોટા લેખકો, તંત્રીઓ અને સંગીતકારોએ જીવનની શરૂઆત ચાલીઓથી કરી હતી. એક રૂમ-રસોડાની મહોલાતમાં કવિઓની બેઠકો ગોઠવાતી અને સંગીતની તરજો પણ સજાવાતી. જમીન પર શેતરંજી અને તકિયા ગોઠવ્યાં એટલે થઈ ગયો સભાખંડ. ચા અને ભજિયામાં જ બત્રીસ પકવાનની સોડમ અને સ્વાદ આવી જતાં. સાથે જો પાન અને સિગારેટ હોય તો એ જાહોલાલીની નિશાની. દસ-પંદર દિવસે મિત્રો સંબંધીઓના ઘરે જવું કે તેમને બોલાવવા એ જ જાણે કે વ્યસન. કેટલાંક બિલ્ડિંગોની ચાલીઓ પણ ખાસી એવી લાંબી-પહોળી રહેતી (હજીયે ક્યાંક-ક્યાંક છે). રૂમની બહારનો આવો પહોળો ભાગ એક વધારાની રૂમની ગરજ સારતો. નાના-મોટા પ્રસંગોએ મહેમાનોનાં તકિયા-શેતરંજી ત્યાં જ ગોઠવાઈ જતાં. ચા-પાણી આજુબાજુવાળા આપી જતા ને હસી-મજાકમાં જોડાઈ પણ જતા. તમારાં કાકા-મામા-ફોઈ કોણ છે એની ખબરેય તેમને રહેતી. એમ જ તમને પણ. ચાવીનો ઝૂડો બાજુવાળાને આપીને જ બહાર જવાનું. બહારગામથી પાછા આવવાનું થાય એ પહેલાં હકથી ફોન પર કહેતાંય ખરાં કે ‘જરા પાણી ભરી રાખજોને. કાલની ગાડીએ આવીએ છીએ.’
એ દિવસે તો જમવાનું વગર પૂછ્યે આવી જ જતું ને પાછો સામે વિવેક પણ કરવાનો, ‘આવી શું તકલીફ લીધી, બેન?’
‘લે, તકલીફ શેની આમાં? મારું-તમારું અલગ ગણવાનું? મારો દીકરો આખો દા’ડો તમારે ઘરે જ પડ્યો રહે છેને?’
આવી મરક-મરકમાં જિંદગી છલકાતી રહેતી. નાની રૂમમાં મોટી જિંદગી જિવાતી. દેશનાં મોટાં-મોટાં વાડાબંધ ઘરો છોડીને આવનારા એટલે જ મુંબઈમાં ગોઠવાઈ જતાં. પણ સંતાનો મોટાં થાય, લગ્ન થાય એટલે જગ્યાની સંકડાશને કારણે નાછૂટકે જુદા રહેવા જવું પડતું. ગામડાનાં સંયુક્ત કુટુંબો મુંબઈમાં તૂટતાં ગયાં.
પણ સમય કરવટ બદલે છે. જૂનાં તૂટું-તૂટું થતાં બિસમાર બિલ્ડિંગો માટે આવે છે રીડેવલપમેન્ટનો નવો વિકલ્પ. રીડેવલપમેન્ટે મુંબઈની શિકલ બદલી નાખી છે. મોટા ટાવરોમાં મોટી અને વધુ રૂમ્સ મળે છે. નોકરી કરતાં સંતાનોને કંપની કે બૅન્ક તરફથી પ્રમાણમાં જલદી લોન મળે છે. હાઉસિંગ લોન સેફ અને સિક્યૉર્ડ હોવાથી બૅન્કો પણ ઉત્સુક હોય છે. પરિણામે એક રૂમ-રસોડામાં રહેતો પરિવાર ટૂ-બીએચકે વિથ માસ્ટર બેડરૂમમાં રહેતો થયો. વળી મોટું કુટુંબ હોય તો આજુબાજુમાં કે ઉપર-નીચે વધારાનો ફ્લૅટ લઈને પણ સાથે રહે. સંયુક્ત કુટુંબની આ નવી વ્યાખ્યા. તો શું એમ ન કહી શકાય કે ચાલીઓ તૂટી પણ રીડેવલપમેન્ટે કુટુંબોને તૂટતાં બચાવ્યાં?
- યોગેશ શાહ
(યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)