26 August, 2019 02:53 PM IST | મુંબઈ | મુંબઈ તને લાખ લાખ નમસ્કાર - પદ્મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.
મરીન ડ્રાઈવ
એ પરું હતું મુંબઈનું.
એ યુવકની ઉંમર હશે કદાચ ૨૮-૩૦ વર્ષની આસપાસ.
તેને કૅન્સર હતું અને એય જડબાનું.
તેના વિકૃત બની ગયેલા ચહેરા સામે નજર પડતાં પળભર તો ખળભળી જવાયું. વર્ષો પહેલાં તેને જોયો હતો, એ વખતનો તેનો લાલ-ગુલાબી ચહેરો ક્યાં અને અત્યારનો, તેનો આ વિકૃત ચહેરો ક્યાં? એ વંદન કરીને બેઠો.
‘આ શું?’
‘મારું જ ફરજંદ છે.’
‘એટલે?’
‘એટલે બીજું કાંઈ નહીં. જડબાનું કૅન્સર છે. ડૉક્ટરે વધુમાં વધુ ૬ મહિના જણાવ્યા છે અને આ કૅન્સર મારા જ આમંત્રણથી આવ્યું છે.’
‘સમજાયું નહીં.’
‘રોજ ખાતો હતો તમાકુવાળા ૨પ-૨પ માવા. ડૉક્ટરની ચેતવણીની પણ જો અવગણના કરી તો આપના જેવા પૂજ્ય પુરુષોની ચેતવણીને ગંભીરતાથી મન પર લેવાનો તો પ્રશ્ન જ ક્યાં હતો? પરિણામ જે આવવાનું હતું એ જ આવ્યું. રાતના સૂતી વખતેય જડબામાં માવો ભરાવીને સૂતો હતો. એ પાગલપણાએ જડબામાં જ કૅન્સર પેદા કર્યું.’
‘વેદના કેવી છે?’
‘અસહ્ય.’
‘પ્રસન્નતા?’
‘ખૂબ સારી.’
‘શી વાત કરે છે?’
‘સાવ સાચી વાત કરું છું. મોત માટેની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યો છું. પત્નીને અને બે બાળકોને ખૂબ અન્યાય કર્યો હોય એવું અત્યારે સ્પષ્ટ લાગે છે, પણ હવે એનો બળાપો કરવાનો કોઈ જ અર્થ નથી. હા, એ સૌને ભાવિમાં કોઈ તકલીફમાં મુકાવું ન પડે એ ખ્યાલે એ સૌની આર્થિક વ્યવસ્થા મેં બરાબર કરી લીધી છે.
બાકી મહારાજસાહેબ, સાચી વાત કહું?
જડબાનું આ કૅન્સર ભલે માવાને આભારી હોય, પણ મેં મારી જિંદગીમાં કેટલાં પાપ કર્યાં છે એનો મને બરાબર ખ્યાલ છે. કેવાં-કેવાં પાપ કરવાના મેં અભરખા સેવ્યા છે એનોય મને બરાબર ખ્યાલ છે. એ કરેલાં પાપ અને કરવા ધારેલાં પાપ જ્યારે ઉદયમાં આવશે ત્યારે કર્મસત્તા મારી રેવડી કેવી દાણાદાણ કરી નાખશે એનોય મને બરાબર ખ્યાલ છે.
પરમાત્માને હું રોજ પ્રાર્થના કરું છું કે ‘હે પ્રભુ! મારા પર આવનારાં દુખોને તું અટકાવી દેજે એવી લાચારી હું તારી પાસે દાખવતો નથી, પણ આવનારાં એ જાલિમ દુખોમાં હું મારા મનની પ્રસન્નતા અકબંધ ટકાવી શકું એવું બળ તો તું મારામાં પૂરતો જ રહેજે. એ બળના આધારે હું જૂનાં અશુભ કર્મોને સાફ કરતો જઈશ અને મારા આત્માને નવા અશુભ કર્મબંધથી બચાવતો રહીશ.’
અને હા,
એક વિનંતી મારે આપને પણ કરવાની છે, આપ માનશો?’
‘શું છે?’
‘એક, મોતની સંપૂર્ણ તૈયારી તો કરી જ ચૂક્યો છું છતાં જીવનની અંતિમ પળ સુધી મસ્ત સમાધિ ટકી રહે એવા આપ આશીર્વાદ આપો. અને બીજું એ કે મુંબઈમાં આપના ચાલતાં પ્રવચનોમાં આપ ક્યાંય પણ માવાની ભયંકરતા પર બોલવાના હો ત્યાં મને બોલાવી લેજો. ચાલુ પ્રવચનમાં મને ઊભો કરી દેજો અને ઉપસ્થિત તમામને મારાં દર્શન (?) કરાવીને કહેજો કે ‘પ્રેમાળ પત્ની અને બબ્બે માસૂમ બાળકોના જીવન સાથે વિશ્વાસઘાત કરીને માત્ર ૩૦ વર્ષની aતૈયારી કરી ચૂકેલા આ યુવકને જોઈ લો. તેની આ સ્થિતિમાં જવાબદાર કોઈ એક પરિબળ હોય તો એ છે તમાકુ! તમારે સૌએ તમારા જીવનમાં પણ આ જ સ્થિતિનું સર્જન કરવું હોય તો ખુશીથી ખાજો માવો.’
આટલું બોલતાં-બોલતાં એ યુવકની આંખમાં આંસુ તો આવી ગયાં, પણ આટલી જાલિમ વેદના વચ્ચેય સમ્યક્ સમાજના સહારે તે યુવકે જે પ્રસન્નતા અને સ્વસ્થતા જાળવી રાખેલી એ નિહાળીને મારી આંખમાંય આંસુ આવી ગયાં.
મનોમન હું એ યુવકની પ્રસન્નતા અને સ્વસ્થતાને વંદી રહ્યો તો સમ્યક્ જ્ઞાનની ઊભી થયેલી સમ્યક્ સમાજની તાકાતનેય મનોમન વંદી રહ્યો હતો.
વાંચી લો કોઈક શાયરની આ પંક્તિઓને!
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો
એ મુસીબત! આટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.