18 October, 2024 01:57 PM IST | Mumbai | Kajal Rampariya
દસ વર્ષની ઉંમરે પગની સર્જરી થઈ ત્યારની તસવીરમાં દીપ સાથે હર્ષા લોડાયા.
મુલુંડમાં રહેતાં ૫૪ વર્ષનાં હર્ષા લોડાયાએ વીસ વર્ષના અથાક પ્રયત્નોથી સેરિબ્રલ પૉલ્ઝીથી પીડાતા પોતાના દીકરાને સામાન્ય જિંદગી જીવતો કરી દીધો, પણ એટલાથી તેઓ અટક્યાં નથી; ઑક્યુપેશનલ થેરપિસ્ટ અને રેમેડિયલ ટીચર બનીને આ જ બીમારીથી પીડાતાં અન્ય બાળકોના જીવનને બહેતર બનાવવાની દિશામાં પણ મચી પડ્યાં છે.
જીવનમાં વળાંક આવ્યો
નિરાંતમાં જીવન પસાર થઈ રહ્યું હતું. એક હસતી-રમતી દીકરીને ઉછેરી રહ્યાં હતાં એ દરમ્યાન ઘરમાં બીજા બાળકનું આગમન થયું અને જાણે કે ખુશી બેવડાઈ ગઈ, પરંતુ એ આનંદ લાંબો ન રહ્યો. દીકરા દીપના જન્મ પછી જીવનમાં અચાનક ૩૬૦ ડિગ્રી વળાંક આવ્યો હતો એ સ્થિતિને વર્ણવતાં હર્ષાબહેન કહે છે, ‘ભવ્યા છ વર્ષની થઈ એ પછી જીવનમાં દીપની એન્ટ્રી થઈ. એક વર્ષ બાદ પણ તેને ચાલવામાં તકલીફ પડતી હતી ત્યારે અમારી ચિંતા વધી અને ડૉક્ટરને દેખાડ્યું ત્યારે ખબર પડી કે તે સ્પેશ્યલ ચાઇલ્ડ છે. તેના ડાબા પગ અને ડાબા હાથની ઍબ્નૉર્મલ મૂવમેન્ટ હતી અને મગજમાં પણ જમણી બાજુએ ક્લૉટ છે ત્યારે હું પૂર્ણપણે ભાંગી પડી હતી. જીવનમાં અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો અને એમાંથી ઊગરવા માટે ભગવાને શક્તિ આપી અને દીપને સાજો કરવાનો સંકલ્પ લીધો. હું સારા ડૉક્ટરની તપાસ કરતી થઈ.’
આર્થિક તંગીનો પડકાર
હર્ષાબહેનને દીપને સાજો કરવા માટે આર્થિક મદદની જરૂર હતી ત્યારે તેમના જીવનમાં ફાઇનૅન્શિયલ ક્રાઇસિસના નવા પડકારો ઊભા થયા. એ સમયના સંઘર્ષ વિશે વાત કરતાં હર્ષાબહેન કહે છે, ‘અમારો મધ્યમવર્ગીય પરિવાર. સાહ્યબી નહોતી, પણ રૂટીન જીવન સારી રીતે જીવતા હતા. ૨૦૧૫ની વાત છે. એક બાજુ દીપની સારવાર ચાલુ થઈ અને બીજી બાજુ આર્થિક તંગી. મારા પતિ અભય રેડિયો, માઇક અને ઍમ્લિફાયર રિપેરિંગનું કામ કરતા હતા ત્યારે અચાનક લાઉડસ્પીકરનો કાયદો સરકારે અમલમાં લાવ્યો હોવાથી અમારા બિઝનેસને બહુ નુકસાન થયું ત્યારે આર્થિક ભીંસમાં આવી ગયા. બે ટંકનો રોટલો રળવા સ્ટ્રગલ કરવી પડતી હતી પણ આખા પરિવારે એકબીજાને બહુ સપોર્ટ કર્યો હતો. મારા પતિને ઇલેક્ટ્રૉનિક ફીલ્ડનું થોડું નૉલેજ હોવાથી તેમણે નાનો કોર્સ કરીને એ ફીલ્ડમાં કૉન્ટ્રૅક્ટ મેળવવાનું શરૂ કર્યું અને હું મારી દીકરીની સાથે તેના મિત્રોને ભણાવતી. બીજી બાજુ મારા સસરાએ આવક થાય એ આશયથી બાળકોના સ્કૂલ પ્રોજેક્ટના ઑર્ડર લેવાનું અમે શરૂ કર્યું અને અમે બધા જ મળીને અડધી રાત સુધી જાગીને બચ્ચાંઓના પ્રોજેક્ટ પર કામ કરતા. એ સમયે આવી રીતે અમારું ઘર ચાલતું.’
દીપના પગ નૉર્મલ થઈ શકે એમ હોવાથી ૨૦૧૫માં મુલુંડની જ હૉસ્પિટલમાં તેમણે દીપની સર્જરી કરાવી. હર્ષાબહેન આગળ કહે છે, ‘ત્યારે દીપ ૧૦-૧૧ વર્ષનો હતો ત્યારે સર્જરી કરી એટલે સાજો થઈ ગયો એવું નહોતું. તેને રેગ્યુલર ફિઝિયોથેરપી આપવાની હતી. એક સેશનમાં જે કસરત શીખવાડે એ ઘરે દિવસમાં પાંચથી છ વાર કરાવવાની. હું શીખીને આવતી અને પછી ઘરે વારાફરતે બધા દીપને કસરત કરાવતા. ચાલી ન શકનારા બાળકને લઈને હું હાજી અલીમાં આવેલી દિવ્યાંગ બાળકો માટેની સ્પેશ્યલ હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે ટ્રેનમાં ટ્રાવેલ કરીને લઈ જતી હતી, કારણ કે ટૅક્સી કરવી પરવડે એવું નહોતું.’
મિશન સક્સેસફુલ
હર્ષાબહેનની બે દાયકાની મહેનત રંગ લાવી રહી છે. તેઓ કહે છે, ‘જો દીપનું ઑપરેશન સમયસર ન થયું હોત તો અત્યારે તે વ્હીલચૅર પર જીવન વિતાવી રહ્યો હોત. પગની સર્જરી કરાવ્યા બાદ તેની રેગ્યુલર ફિઝિયોથેરપીની સાથે દીપની સમજણશક્તિને પણ ઇમ્પ્રૂવ કરવી જરૂરી હતી. દીપના પગ એકદમ નૉર્મલ થઈ ગયા છે, પણ મગજમાં હજી પણ ક્લૉટ છે જ અને ડાબો હાથ નૉર્મલ નથી. હાથની સર્જરી શક્ય ન હોવાથી તેને રેગ્યુલર ફિઝિયોથેરપી આપીએ છીએ. દીપને દવાની આડઅસર થતી હોવાથી તેની મેમરી ઝાંખી પડી જતી હતી. ભણવામાં તે ધ્યાન આપતો પણ એને યાદ રાખવું મુશ્કેલ થતું હતું. હું પોતે BCom ભણેલી છું અને મારા દીકરાને હું જ ભણાવું છું. અત્યારે દીપ ૨૧ વર્ષનો છે અને ડિગ્રીના ફાઇનલ યરની સ્ટડી કરી રહ્યો છે. જ્યારે તેની પગની સર્જરી હતી ત્યારે તેણે પરીક્ષા માટે હૉસ્પિટલમાં પણ ભણવાનું ચાલુ રાખ્યું હતું. તેથી દીપ આત્મનિર્ભર બને એ માટે હું તેને નાનપણથી જ પોતાનાં કામ પોતે કરતાં શીખવાડતી હતી. અત્યારે દીપનો હાથ ભલે નૉર્મલ નથી, પણ તે ડેસ્ક જૉબવાળી સરકારી નોકરી મેળવવામાં સક્ષમ છે. એક હાથથી કામ કરી શકે એવી જૉબ હોય તો દીપ કરી શકે. તે કેળકર કૉલેજથી ગ્રૅજ્યુએશન કરી રહ્યો છે, પણ તે ફક્ત પરીક્ષા આપવા જ કૉલેજમાં જાય છે. જેમ દીપનું ઑપરેશન કરાવ્યું એમ સેરિબ્રલ પૉલ્ઝીથી પીડિત લોકોને ઑપરેશનની જરૂર છે કે નહીં એ તેમની હેલ્થ કન્ડિશનના આધારે ખબર પડે છે. જો કોઈની હેલ્થ દીપ કરતાં સારી હોય તેને ફિઝિયોથેરપીથી પણ સારું થઈ જાય છે અને તેનાથી વિપરીત સ્થિતિ હોય તો ઑપરેશન બાદ પણ કૉમ્પ્લિકેશન રહે છે. હું મારા મિશનમાં સક્સેસફુલ થઈ છું, પણ પૂર્ણપણે નહીં.’
મમ્મીની મહેનતને કારણે આવેલા પરિવર્તન વિશે વાત કરતાં દીપ જણાવે છે, ‘પહેલાં મારામાં આત્મવિશ્વાસ નહોતો ઘણી વાર ચીજો સમજવામાં સમય લાગી જતો, પણ આજે હું કોઈની મદદ
વગર ફ્રેન્ડ્સ સાથે એકલો ફરવા જાઉં છું. મારી મમ્મીની મહેનતને લીધે આ શક્ય બન્યું છે.’
પરિવારનો અમૂલ્ય સપોર્ટ
મારા દીપને સાજા કરવાના મિશનમાં પરિવારનો બહુ જ સપોર્ટ મળ્યો છે એમ જણાવીને હર્ષાબહેન કહે છે, ‘મારી દીકરી ભવ્યા ભલે નાની હતી, પણ દીપની બીજી મા થઈને રહેતી હતી. જ્યારે તેને ખબર પડી કે મારો ભાઈ સ્પેશ્યલ ચાઇલ્ડ છે તો એ વાતને સકારાત્મક રીતે લઈને તેનું ધ્યાન રાખતી, જ્યાં પણ જાય ત્યાં ભાઈને ભેગો લઈને જાય. મારા દીકરાને લઈને હું દવાખાનાં અને હૉસ્પિટલો ફરતી ત્યારે મારાં સાસુ ઘર સાચવી લેતાં. ફંક્શનમાં પણ જઈએ તો મારો પરિવાર દીપને સાચવી લેતો અને હું દિવ્યાંગ બાળકની માતા છું એવું ફીલ થવા દીધું નથી.’
પોતે જ બની ગયાં ઑક્યુપેશનલ થેરપિસ્ટ અને રેમેડિયલ ટીચર
પોતાનાં સંતાનોની જેમ જ અન્ય બાળકોને પણ ટ્રેઇનિંગની જરૂર હોય છે એની સમજણ પડી એ વાતને યાદ કરતાં હર્ષા લોડાયા કહે છે, ‘દીપની સર્જરી બાદ રેગ્યુલર ફિઝિયોથેરપી જરૂર હતી ત્યારે મારો કૉન્ટૅક્ટ બાળકોનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. હરિતા શાહ સાથે થયો. જે રીતે મેં દીપની સારસંભાળ રાખીને તેને સાજો કરવામાં મહેનત કરી છે એ જાણીને અને જોઈને હરિતાબેન પ્રભાવિત થયા અને તેમણે કહ્યું કે અન્ય દિવ્યાંગ બાળકોને પણ આ રીતે ટ્રેઇનિંગ આપી શકાય જેથી તેમને પોતાની મૂળભૂત જરૂરિયાતો માટે બીજી વ્યક્તિ પર નિર્ભર ન રહેવું પડે. હરિતા શાહે મને થોડી ટેક્નિકલ રીતે તાલીમ આપી અને ૨૦૨૩માં તેમણે આવાં બાળકો માટે મુલુંડમાં સ્કૂલ શરૂ કરી. એમાં હું બાળકોને ટ્રેઇનિંગ આપવા જતી. ઑક્યુપેશનલ થેરપીમાં બાળકોને બાટલીનું ઢાંકણ ખોલતાં અને બંધ કરતાં, કપડાં સૂકવવા માટે ક્લિપ લગાવતાં, કપડાંની ગડી કરતાં શીખવવામાં આવે છે ત્યારે રેમેડિયલ ટીચિંગમાં એકની એક ચીજ ત્યાં સુધી રિપીટ કરવી પડે જ્યાં સુધી એ બાળકને આવડી ન જાય. જેમ કે ઘડિયા કે કવિતા યાદ રખાવવી, તેઓ સરળતાથી યાદ રાખી શકે એ માટે ગેમ રમાડીને શીખવાડવું જેવી પ્રવૃત્તિ હોય છે. આવાં બાળકોએ માનસિક રીતે સક્રિય રહેવું બહુ જરૂરી છે. મેં થોડા સમય માટે સ્કૂલમાં ટીચર તરીકે કામ કર્યું અને હવે હું મારા રૂટીનમાંથી સમય ફાળવીને બાળકોના ઘરે જઈને શીખવાડું છું.’