17 July, 2023 05:17 PM IST | Mumbai | Bhavini Lodaya
ફિઝિકલની સાથે મેન્ટલી ફિટ રહેવા માટે મેં નવું-નવું શીખવાનું શરૂ કરી દીધું જેનાથી નવી સ્કિલ તો ડેવલપ થાય જ સાથે જ્ઞાન પણ વધે અને રિલૅક્સ્ડ પણ રહેવાય. ઇન્ડિયન માર્શલ આર્ટ કલરીપયટ્ટુની ટ્રેઇનિંગ પણ મેં લીધી : રાજેશ ચંદ્રા
બસ, આ એક જ વિચારે ૧૦૪ કિલો વજન અને ડાયાબિટીઝ ધરાવતા રાજેશ ચંદ્રાએ ઝટપટ વજન ઉતારવાનું નક્કી કર્યું. જોકે રનિંગ દ્વારા ફટાફટ વેઇટલૉસની લાયમાં શરીરને વધુ નુકસાન થયું અને પછી તેમણે પકડ્યો સંતુલન જાળવીને ડાયટ અને એક્સરસાઇઝનો એવો રાહ જેમાં કોઈ શૉર્ટકટ્સને અવકાશ નથી. બૅલૅન્સ્ડ ડાયટ અને ઍક્ટિવિટીથી ૮ મહિનામાં ૧૯ કિલો વજન ઘટાડવાની તેમની સફર કેવી રહી એ જાણીએ
દસમા ધોરણની પરીક્ષા પછી પપ્પા સાથે કામમાં જોડાઈ ગયો. ભણવામાં રસ પડ્યો નહીં, ફુલટાઇમ જૉબને કારણે સ્પોર્ટ્સ અને સોશ્યલાઇઝિંગ ઍક્ટિવિટી બંધ થઈ ગઈ અને રોડસાઇડ સ્નૅક્સનો મારો પેટમાં વધતો જ ગયો. દિવસમાં કેટલી ચા પેટમાં જતી એનો હિસાબ નહોતો અને એને કારણે વજન વધતું ગયું અને શરીર અંદરથી નબળું પડતું ગયું. નબળા સ્વાસ્થ્યની આપવીતી જણાવતાં ૪૮ વર્ષના મુલુંડના રાજેશ ચંદ્રા કહે છે, ‘જોકે મોટા થયા પછી પરિવારની જવાબદારી માથે આવે એ પછી જીવનમાં ઘણી ચૅલેન્જ ફેસ કરવી પડતી હોય છે. ૧૦૪ કિલો વજન થયા બાદ પોતે હાઈ ડાયાબેટિક હોવાને લીધે ૩૫ વર્ષની ઉંમરે લાઇફમાં ઘણા ચેન્જ આવ્યા. ડૉક્ટરે મને મારી ફૂડ હૅબિટ બદલી હેલ્થ પર વધારે ધ્યાન આપવા કહ્યું. ત્યાર બાદ ત્રણ વર્ષ દસથી અગિયાર કિલોમીટર રનિંગ કર્યું અને ૧૩ વખત ૨૧ કિલોમીટરની હાફ મૅરથૉનમાં પાર્ટિસિપેટ કર્યું અને બાર વાર ૧૦ કિલોમીટરની રનિંગમાં ભાગ લીધો છે. ૩૬૫ દિવસ મારી રનિંગની પ્રૅક્ટિસ જ ચાલુ રાખી. વજન ઓછું કરવા માટે ઘણી વખત જિમમાં પૈસા ભર્યા પણ ક્યારે કન્ટિન્યુઅસ ગયો જ નહીં. મેં એવો રસ્તો ગોત્યો કે હું ગમે ત્યારે ગમે ત્યાં મારું રનિંગ કરી શકું અને રનિંગ માટે ફક્ત શૂઝ અને જર્સી હોય એટલે બસ... રેડી ટુ ગો ફૉર રનિંગ. રનિંગ કરવું કંઈ સહેલો ટાસ્ક નહોતો. એના લીધે વેઇટલૉસ તો થયો પણ મારા બૉડી મસલ્સ પણ વીક થયા, પગમાં સ્પ્રેન થયું, ઇન્જરી થઈ અને પછી ડૉક્ટરે મને રનિંગ સ્ટૉપ કરવાનું કહ્યું. રનિંગ બંધ કર્યું તેમ જ બિઝનેસના ટેન્શનને લીધે પાછો મારું વજન વધવા લાગ્યું.’
વજન ઓછું કરવા માટે રાજેશભાઈએ બીજા પર્યાય પણ ટ્રાય કર્યા. એની વાત કરતાં તેઓ કહે છે, ‘૪૭ વર્ષની ઉંમરે હું જાગૃત થઈ ગયો, કારણ કે મને કંઈ થઈ ગયું તો મારી ફૅમિલી માટે કોણ? બસ, આ એક વિચારે મને હેલ્ધી રહેવા માટે સાચો રસ્તો શીખવ્યો. હું બાસ્કેટબૉલ શીખ્યો. રોજ વીસ કિલોમીટર સાઇક્લિંગ કર્યું. ઑનલાઇન દોઢ વર્ષ કલરીપયટ્ટુની ટ્રેઇનિંગ લીધી. આ ઇન્ડિયાની ટ્રેડિશનલ માર્શલ આર્ટ છે. પોતાને ઍક્ટિવ રાખવા માટે અલગ-અલગ ઍક્ટિવિટી કરતો રહેતો, જેના કારણે ડિપ્રેશન ન આવે અને નેગેટિવ વિચારોથી દૂર રહી શકું. લૉકડાઉન પછી મારા ફ્રેન્ડે ઈઝી વર્કઆઉટ કરાવે એવો તેના ફેન્ડનો સ્ટુડિયો સજેસ્ટ કર્યો. પછી ધીરે-ધીરે કોચને ફૉલો કરતો ગયો અને ડેડિકેશન વર્કઆઉટ અને ફૂડ હૅબિટ કન્ટ્રોલમાં રાખી એટલે વેઇટલૉસ થતો ગયો. કોચના કહ્યા પ્રમાણે ધીરે-ધીરે પહેલાં કરતાં સારું પરિણામ મળતું ગયું.’
બૅલૅન્સિંગ હોવું જરૂરી
સોશ્યલ મીડિયા દ્વારા કે પછી અહીં-ત્યાંથી વાંચી આપણે જ્યારે વર્કઆઉટ શરૂ કરીએ છીએ ત્યારે આપણને જોઈતું પરિણામ મળતું નથી. આપણું વજન તો ઓછું થઈ જાય છે પણ આપણી અંદર અનર્જી રહેતી નથી. ઘણી વખત ન્યુટ્રિશનની ઊણપ આવતી હોય છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તેઓ પોતાના રૂટીન વિશે જણાવતાં કહે છે, ‘હું રોજ સવારે વહેલો ઊઠીને સ્ટુડિયોમાં સાડાપાંચ વાગ્યે વર્કઆઉટ સ્ટાર્ટ કરું. કોચે સૂચવ્યા મુજબનું જ મીલ લેવાનું. પાણી કેટલું પીવાનું એ પણ મૉનિટર કરવાનું. સ્લીપિંગ ટાઇમ બધું ફિક્સ કર્યું હતું. લેટ નાઇટ જાગીને મૂવી જોવાનું બંધ કર્યું. રોજ રાતના સાડાદસથી અગિયાર સુધીમાં સૂઈ જ જવાનું અને હું ધીરે-ધીરે ડિસિપ્લિનમાં આવીને મારાં બધાં કામ, ખાવાપીવાની હૅબિટ બધું જ ડિસાઇડેડ પ્રમાણે જ કરતો. હવે વહેલા ૬.૩૦ વાગ્યે જમી લઉં છું અને ૧૦૪માંથી ૮૩ કિલો વજન કર્યું છે જે મેઇન્ટેન્ડ છે.’
વજન અને એજ ઘટ્યાં
હંમેશાં તમારે તમારા ઇનર બૉડીની એજ પણ ચેક કરતા રહેવું જોઈએ. આપણે આપણી જન્મતારીખ પ્રમાણે ક્રોનોલૉજિકલ બૉડી એજ અને બાયોલૉજી બૉડી એજ આના પર ફોકસ કરવાની જરૂર છે એવું સમજતા રાજેશભાઈ કહે છે, ‘જો આપણા શરીરની અંદર અનનેસેસરી ફૅટ જમા થતી હોય તો આપણાં ઑર્ગન્સ પર ખૂબ જ દબાવ નિર્માણ થાય છે અને એવા વખતે રનિંગ એક્સરસાઇઝથી આપણી બૉડીને રિસ્કમાં નાખી દેતા હોઈએ છીએ. બધા જે અંધાધૂંધ જોયા વગર કંઈ પણ ફૉલો કરવા માંડે છે એને બદલે બૉડીનું પ્રૉપર સ્કૅનિંગ કરાવી બૉડી ચેકઅપ કરાવીને એ હિસાબે ડાયટ અને એક્સસાઇઝ ઍડ કરી, સંતુલન જાળવીને દિનચર્યા બનાવો. ક્રૅશ ડાયટ, ફેડ ડાયટ, કીટો અને ઇન્ટરમિટન્ટ આ બધી ડાયટ પ્રૉપર વેથી ન કરવામાં આવે તો બૉડીને એની અસર થઈ શકે છે. રેગ્યુલર પોતાની બૉડીને પોર્શન કન્ટ્રોલ કરીને ફૂડ પ્રોવાઇડ કરતા રહેવાથી વધારે ભૂખ પણ નહીં લાગે અને તમારું વેઇટ પણ લૂઝ થતું જશે. તમારી બૉડી હંગર ઝોનમાં નહીં જાય. આપણા શરીરમાં ન્યુટ્રિશનની ખામી હોવાને કારણે આપણને ક્રેવિંગ્સ થતું હોય છે.’
માત્ર ફિઝિકલ ફિટનેસની જ ચિંતા ન કરવી, મેન્ટલ ફિટનેસ પણ એટલી જ મહત્ત્વની છે. આ વાત જાણ્યા પછી રાજેશભાઈ કહે છે, ‘મેં નવું-નવું શીખવાનું શરૂ કરી દીધું જેનાથી નવી સ્કિલ તો ડેવલપ થાય જ સાથે જ્ઞાન પણ વધે અને રિલૅક્સ્ડ પણ રહેવાય. એ માટે હું ગ્રાફોલૉજી શીખીને હૅન્ડરાઇટિંગ ઍનલાઇઝ કરતાં શીખ્યો. ૪૮ વર્ષની ઉંમરે પહેલી વાર ડાન્સ કરતાં શીખ્યો. વેકેશનમાં કુદરતના ખોળે ટ્રેકિંગ કરવા પહોંચી જાઉં છું. અત્યાર સુધીમાં મેં નાના ટ્રેકિંગમાં કરનાળા ટ્રેકિંગ, શિવનેરી કિલ્લો, પરીગઢ, નાશિક અને મોટું ટ્રેકિંગ કેદાર કાંઠામાં કર્યું છે.’
લોકો માટે હાસ્યનું પાત્ર
પોતાની લાઇફમાં મોટો ચેન્જ લાવીને ડિસિપ્લિનમાં રહેવાનું શીખવતા રાજેશભાઈનું કહેવું છે કે લોકો ઘણી વખત મારી મસ્તી કરતા હોય છે કે તારો તો ૬ વાગ્યે જમવાનો સમય છે અને અહીં નવ વાગ્યે મળશે. હું ત્યારે સૅલડ, રાઇસ લાઇટ ફૂડ ખાઈને ડાયટને મેઇન્ટેન કરી લઉં. કોઈ મજાક કરે તો હસીને ઇગ્નૉર કરી દેવાનું, કારણ કે લોકો સમજી નથી શકતા કે આનાથી આપણને શું મળ્યું છે. એ સમયે સંયમ રાખવો જરૂરી છે. ડિમોટિવેટ અને ઇરિટેટ થવાનો કઈ મતલબ જ નથી, કારણ કે લોકો આવું કરશે જ. આપણે ઘણી વખત ગમે તે ખાતા હોઈએ છીએ, આપણે માનીએ છીએ કે શરીરને એની ખબર ન પડે. પણ એવું નથી, શરીરની અંદરના કોચને બધું સમજાય છે. તમે જેટલું લેટ સૂશો એટલું તમારું એનર્જી લેવલ ડાઉન થઈ જાય છે. પાણી ન પીધું હોય, ઠીકથી જમ્યા ન હો એટલે ખબર પડી જાય. એટલે કોઈ પણ બહાના વગર ડાયટ મેઇન્ટેન રાખવું આપણા જ હાથમાં છે.