07 September, 2023 06:43 PM IST | Mumbai | Morari Bapu
મિડ-ડે લોગો
એક પ્રશ્ન વારંવાર પુછાતો હોય છે કે માણસને જાણવો હોય તો કેવી રીતે જાણવો જોઈએ.
કોઈ પોતાના ગુણોને જુએ છે, બીજાના દોષો જુએ છે. પોતાના ગુણ જોવાથી અહંકાર આવે અને બીજાના દોષો જોતાં-જોતાં તેના પર રોષ આવે. દોષદર્શનનું કાર્ય હંમેશાં રોષ ઉત્પન્ન કરાવે છે. ગુણદર્શન અહંકારની સૃષ્ટિ પેદા કરે છે અને માટે જ બીજાના ગુણ જોવા અને પોતાના, સ્વયંના દોષ જોવા. આ થોડી સારી વાત છે, પણ પૂરી સારી બાબત નથી.
આ જીવન માટે ઠીક છે કે બીજાના ગુણ જુઓ, તેની પ્રશંસા કરો, પણ એમાં ખતરો શું ઊભો થઈ શકે છે એ સમજવું રહ્યું. બીજાના ગુણો જોતા રહેવાથી અને તેની પ્રશંસા કરતા રહેવાથી બીજાને એટલે કે સામેની વ્યક્તિને પણ અહંકાર આવી શકે છે. બેટા, તું તો અદ્ભુત છે. તારા જેવો કોઈ નથી. જો આવું કહેવાતું રહે તો આ શબ્દોના ભારથી બેટો પડશે. આમાં પણ એક સીમા હોવી જોઈએ અને પોતાના દોષ જ જોયા કરવાની જે માનસિકતા છે એનાથી ઓછપ આવી શકે છે. મનમાં થાય કે શું આપણામાં કોઈ ગુણ છે જ નહીં? વિનોબાજીએ બહુ સરસ વાત કહી છે.
‘પોતાનું પણ ગુણદર્શન કરો. તમારામાં પણ કોઈ અસ્મિતા છે. અરે, ઠાકોરજી સ્વયં તમારામાં બેઠેલા છે. તું દોષ જ કાં કાઢે છે? ઈશ્વર સ્વયં બિરાજમાન છે, પછી શા માટે રડે છે?’
આ જે વાત છે એનાથી ત્રીજો પણ દૃષ્ટિકોણ ઊભો થાય છે. ન ગુણ જોવા, ન દોષ જોવા. ‘ગુણ હી ઉભય ન દેખિયો.’
મહાપુરુષો આવા હોય છે. ન કોઈના ગુણ જુએ કે નથી એ કોઈનામાં દોષ જોતા. બસ, એ સહજ ભાવ સાથે દ્રષ્ટા બની રહે છે, પણ આ દ્રષ્ટા બનવાની સાથોસાથ પેલો પ્રશ્ન તો હજી પણ ઊભો જ છે કે માણસને જાણવો હોય તો કેવી રીતે જાણી શકાય?
કોઈને જાણવા માટે, કોઈની પહેચાન કરવા જો ચાર ચાવીનો ઉપયોગ કરો તો તમે સાચા ઠરો. આ ચાર ચાવી જાણવા જેવી છે.
નીતિ, પ્રીતિ, સ્વાર્થ અને પરમાર્થ.
આ ચાર ચાવી વિશે વિગતે વાત કરીશું આપણે હવે પછી.
બીજાના ગુણો જોતા રહેવાથી અને તેની પ્રશંસા કરતા રહેવાથી બીજાને એટલે કે સામેની વ્યક્તિને પણ અહંકાર આવી શકે છે. બેટા, તું તો અદ્ભુત છે. તારા જેવો કોઈ નથી. જો આવું કહેવાતું રહે તો આ શબ્દોના ભારથી બેટો પડશે. આમાં પણ એક સીમા હોવી જોઈએ