હેલ્પ

03 March, 2023 01:20 PM IST  |  Mumbai | Rashmin Shah

આ જ આખી ઘટના પરથી પપ્પાએ ઢબ્બુને સ્ટોરી કહેવાનું શરૂ કર્યું હતું. પપ્પાની સ્ટોરીમાં પણ ઢબ્બુ વારંવાર ભગવાનનો જ વાંક શોધતો હતો. જોકે પપ્પાને એનાથી કોઈ અકળામણ થતી નહોતી.

પ્રતીકાત્મક તસવીર

બન્યું એમાં એવું કે સ્કૂલ-મૅચની લાસ્ટ ઓવરમાં ઢબ્બુએ અઢાર રન કરવાના આવ્યા. ઢબ્બુએ પહેલા બૉલે ફોર મારી. બીજા બૉલે સિક્સની ટ્રાય કરી, જેમાં કૅચ ચડી ગયો પણ થયો નહીં. ઢબ્બુ આઉટ થતાં બચી ગયો પણ ફોર મળી. ત્રીજા બૉલે ઢબ્બુએ ફરી લોફ્ટેડ શૉટ માર્યો, ફરી કૅચ ચડ્યો પણ થયો નહીં અને ઢબ્બુને ત્રણ રન મળ્યા. એ પછીના ત્રણ બૉલમાં સાત રન કરવાના હતા પણ ઢબ્બુને સ્ટ્રાઇક મળી જ નહીં. એક વખત તો સ્ટ્રાઇક ચેન્જ કરવા માટે ઢબ્બુ છેક દોડીને પોણી પીચ પર પહોંચી ગયો પણ જે પ્લેયર હતો એ દોડ્યો નહીં અને ઢબ્બુ માંડ-માંડ રનઆઉટ થતાં બચ્યો.

નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભેલો ઢબ્બુ સતત ભગવાનને યાદ કરતો હતો અને ભગવાનને કહેતો હતો કે તેને સામેના છેડે મોકલે પણ એવું થયું નહીં અને છેલ્લા બૉલ સુધી પછી ઢબ્બુ નૉન-સ્ટ્રાઇક એન્ડ પર જ રહ્યો.

ઢબ્બુની સ્કૂલ મૅચ હારી ગઈ અને મૅચની એ હારનો ગુસ્સો ઢબ્બુએ ભગવાન પર કાઢ્યો કે ભગવાને મને સાથ આપ્યો નહીં અને એ ગુસ્સો એવો તે આકરો હતો કે ઢબ્બુએ નક્કી કરી લીધું કે હવેથી તે દેરાસર દર્શન કરવા નહીં જાય.

lll

આ જ આખી ઘટના પરથી પપ્પાએ ઢબ્બુને સ્ટોરી કહેવાનું શરૂ કર્યું હતું. પપ્પાની સ્ટોરીમાં પણ ઢબ્બુ વારંવાર ભગવાનનો જ વાંક શોધતો હતો. જોકે પપ્પાને એનાથી કોઈ અકળામણ થતી નહોતી.

સ્ટોરી એક ગામ, ગામમાં આવેલા મંદિર અને મંદિરમાં રહેલા કૃષ્ણની ચોવીસ કલાક સેવાપૂજા કરતા પૂજારીની હતી. પોતાની ફૅમિલીને ભૂલીને પૂજારી આખો દિવસ ભગવાનની પૂજાવિધિ કરે. એક દિવસ ગામમાં અતિશય વરસાદ આવ્યો. વરસાદ અટકવાનું નામ લે નહીં. બહુ રાહ જોયા પછી લાગ્યું કે જો આમ જ વરસાદ ચાલુ રહ્યો તો આખું ગામ ડૂબી જશે.

ગામના મુખીએ નક્કી કર્યું કે સૌકોઈએ ગામ છોડીને પાસે આવેલા ડુંગર પર ચાલ્યા જવું. બધા જવાનો વિચાર કરતા જ હતા ત્યાં તો સરકારનો પણ આદેશ આવી ગયો કે આખું ગામ તાત્કાલિક અસરથી ખાલી કરી નાખવું.

બધા ગામ છોડી નીકળવા માંડ્યા, પણ પૂજારી હજી પણ મંદિરે જ બેઠા હતા.

ગામના મુખી પૂજારી પાસે આવ્યા.

‘પૂજારી ચાલો, પાણી વધતું જાય છે...’

‘ના, મને કંઈ નહીં થાય.’ પૂજારીએ કૃષ્ણ સામે જોઈને કહ્યું, ‘બેઠો છેને મારો લાલો, મારી રક્ષા એ કરશે.’

‘અરે પણ...’ મુખીએ ગામ દેખાડ્યું, ‘જુઓ તો ખરા, કેટલું પાણી આવી ગયું છે. સરકાર પણ કહે છે કે ગામનો ડૅમ જોખમમાં છે. ગમે ત્યારે તૂટશે અને જુઓ ઉપર... વરસાદ પણ અટકવાનું નામ નથી લેતો.’

‘હા પણ તમતમારે નીકળો. હું તો અહીં જ રહીશ, મારા લાલા પાસે.’

‘જેવી તમારી મરજી...’

મુખી તો રવાના થઈ ગયા અને થોડી વારમાં આખું ગામ ખાલી થઈ ગયું. જાણે કે વરસાદ પણ એ જ રાહ જોતો હોય એમ થોડી વારમાં પૂરનાં પાણી આખા ગામ પર ફરી વળ્યાં. પહેલાં જે પાણી મંદિરના બીજા અને ત્રીજા પગથિયા સુધી હતું એ પાણી પૂરના કારણે હવે છેક આઠમા પગથિયા સુધી પહોંચી ગયું. જો ગામની જમીનના લેવલથી વાતને જુઓ તો ગામમાં દસ ફુટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને મંદિરના લેવલથી જુઓ તો ત્યાં છ ફુટથી વધારે પાણી ભરાઈ ગયું હતું.

આઠમા પગથિયે શાંતિથી બેઠેલા પૂજારી ઊભા થઈને હવે અંદર આવી ગયા હતા.

તેમણે ભગવાનની સામે જોયું અને પ્રાર્થના કરી,

‘લાલા, તારી ખાતિરદારી કરવા અહીં બેઠો છું. ધ્યાન રાખજે.’

lll

એકાદ કલાકમાં તો પૂરનાં પાણી આખા ગામ પર ફરી વળ્યાં. હવે ગામનું એક પણ ઘર દેખાતું નહોતું અને ગામનો એક માણસ પણ ત્યાં બાકી બચ્યો નહોતો. સિવાય કે મંદિરના આ પૂજારી.

વધતું આ પાણી મંદિરના છેક ગર્ભદ્વાર સુધી આવી ગયું હતું. પૂજારી પણ હવે અંદર આવીને છેક મૂર્તિની બાજુમાં બેસી ગયા હતા. તેમના મોઢે ભગવાનનું નામ હતું અને સતત તે ભગવાનને કહેતા હતા કે તું મારું ધ્યાન રાખજે, તારે મને મદદ કરવાની છે.

‘છે કોઈ અંદર?’

થોડી વાર થઈ ત્યાં તો બહારથી અવાજ આવ્યો એટલે પૂજારીજી ગર્ભદ્વારમાંથી બહાર નીકળ્યા.

‘હું છું, કોણ?’

સામે એક બોટ હતી, જેમાં નેવીના તરવૈયાઓ બોટ લઈને આવ્યા હતા.

‘ચાલો, તમને લેવા આવ્યા છીએ.’

એક તરવૈયાએ કહ્યું કે તરત પૂજારીએ ના પાડી.

‘ના, હું નહીં આવું... હું તો મારા લાલા પાસે રહીશ.’

‘અરે પણ... પાણી વધતું જાય છે.’

‘ભલેને વધે, મારે ક્યાં ચિંતા કરવાની છે. ભગવાન બેઠો છેને!’

પેલા લોકોએ પૂજારીને બહુ સમજાવ્યા પણ પૂજારી માન્યા જ નહીં એટલે છેવટે થાકી-હારીને એ તરવૈયાઓ બોટ લઈને રવાના થઈ ગયા. જેવા એ રવાના થયા અને પાણીમાં દેખાતા બંધ થયા કે ત્યાં જ પાણીનો ફ્લો વધ્યો અને પાણી છેક ગર્ભદ્વારની સીસીલિંગ સુધી પહોંચી ગયું.

વધતા પાણીના આ જોર વચ્ચે પૂજારીજી માંડ-માંડ બહાર નીકળ્યા અને મહામુશ્કેલીએ તે શિખર પર ચડી ત્યાં બેસી ગયા.

અહીંથી તેમને આજુબાજુનો બધો વિસ્તાર દેખાતો હતો. માત્ર તેમનું જ ગામ નહીં પણ આજુબાજુનાં બધાં ગામો પાણીમાં ગરક થઈ ગયાં હતાં. ચારેકોર પાણી હતું અને એ પાણી વચ્ચે હવે તેમને પેલી બોટ પણ દેખાતી નહોતી. વરસાદ હજી પણ ચાલુ જ હતો.

વરસાદમાં પલળતા પૂજારીને હવે ઠંડી લાગવા માંડી હતી પણ ભગવાન પર તેમને ભરોસો હતો અને એ ભરોસાના આધાર પર જ તે ટકી રહ્યા હતા.

હજી તો બપોર માંડ પડી હતી પણ વરસાદના કારણે વાતાવરણ એવું ખતરનાક થઈ ગયું હતું કે જાણે સમીસાંજ હોય. વરસાદમાં પલળતા, ધ્રૂજતા પૂજારી ભગવાનની રાહ જોવા માંડ્યા અને થોડી વાર થઈ ત્યાં તો આકાશમાં ઘરઘરાટી થઈ.

lll

‘ભગવાન આવ્યા?’

ઢબ્બુ એક્સાઇટ થઈ ગયો હતો. અત્યાર સુધી તે પપ્પાના ખોળામાં સૂતો હતો પણ જેવી આકાશમાં ઘરઘરાટીની વાત આવી કે તરત જ તે ઊભો થઈ ગયો.

‘ના, ભગવાન નહીં, હેલકૉપ્ટરમાં રેસ્કયુ ઑપરેશન માટે ઑફિસર આવ્યા હતા.’

પપ્પાએ જેવો ખુલાસો કર્યો કે તરત જ ઢબ્બુનો ઉત્સાહ ઓસરી ગયો.

lll

રેસ્ક્યુ ટીમનો એક અધિકારી સીડી નીચે ઉતારીને ઉપરથી અવાજ કરતો રહ્યો પણ પૂજારી નીચે બેઠા ના પાડતા રહ્યા. પેલા રેસ્ક્યુ ઑફિસરને લાગ્યું કે હેલિકૉપ્ટરમાંથી લટકતી સીડી પર ચડવામાં તેમને ડર લાગતો હશે એટલે એ બિચારો નીચે આવ્યો.

‘ચાલો આવી જાઓ...’

‘ના, નથી આવવું...’

પેલાને બહુ અચરજ થયું.

‘કેમ, શું થયું?’

‘અરે, કંઈ નહીં...’ પૂજારીએ ધ્રૂજતાં-ધ્રૂજતાં જવાબ આપ્યો, ‘આ મંદિરનો હું પૂજારી છું, આખી જિંદગી ભગવાનની સેવા કરી છે, એ કંઈ થોડો મને મરવા દે... જાઓ તમે, હું અહીં જ છું.’

પેલા ઑફિસરે પૂજારીને બહુ સમજાવવાની કોશિશ કરી પણ પેલો માન્યો જ નહીં એટલે નાછૂટકે એ ફરી પાછો હેલિકૉપ્ટરમાં ચાલ્યો ગયો અને હેલિકૉપ્ટર રવાના થઈ ગયું.

lll

પાણીનો ફોર્સ તો વધતો જ જતો હતો અને પાણી હવે છેક મંદિરના ઉપરના ભાગ સુધી આવી ગયું હતું. પૂજારી પણ પાણીથી ગભરાઈને હવે મંદિરના શિખર પર જેના પર ધજા લગાડી હોય એ ધ્વજદંડને પકડીને છેક ઉપર ચડી ગયા હતા. તેમને સતત ડર લાગતો હતો પણ ભગવાન પર તેમને ભરોસો હતો, તેમને ખાતરી હતી કે ભગવાન તેમને બચાવવા આવશે જ એટલે તે પોતાના વિશ્વાસ પર ટકી રહ્યા હતા.

‘ભગવાન લાજ રાખજે તારી, આવજે બચાવવા મને તું...’

પૂજારીએ આકાશ સામે જોઈને ભગવાનને કહ્યું અને જાણે કે ભગવાને એ સાંભળ્યું હોય એમ કડાકાભેર વીજળી થઈ.

જેવી વીજળી થઈ કે તરત જ એની પાછળ ફરીથી ઘરઘરાટીનો અવાજ આવ્યો.

આ વખતે પૂજારીને ખાતરી થઈ ગઈ કે ભગવાન હવે તેને લેવા આવ્યા છે પણ તેનું માનવું ખોટું હતું. ફરી વખતે નેવીનું હેલિકૉપ્ટર આવ્યું હતું અને ફરી વાર પેલો જ ઑફિસર ત્યાં આવ્યો હતો.

વરસતા વરસાદ વચ્ચે એ ઑફિસર બિચારો ફરી નીચે આવ્યો અને તેણે પૂજારીને વિનંતી કરી કે હવે ચાલો, પાણી વધતું જાય છે અને હજી વધારે વરસાદ પડે એવી આગાહી પણ છે.

‘ના, બેઠો છેને મારો ભગવાન...’

lll

‘એ બેઠા જ રહેવાના છે... ખબર છે મને...’

ઢબ્બુએ કમેન્ટ કરી અને મમ્મીને તેના પર ગુસ્સો આવ્યો. જોકે તેણે પપ્પા પર વિશ્વાસ રાખી ગુસ્સો દબાવ્યો અને સ્ટોરીને આગળ વધવા દીધી.

lll

‘સર, આપ સમજીએ, અભી યે સબ પરીક્ષા લેને કા વક્ત નહીં હૈ...’ પેલા ઑફિસરે રીતસર કરગરીને કહ્યું, ‘આપ આ જાઓ... પ્લીઝ...’

‘ના ભાઈ, ના. એવી કોઈ જરૂર નથી.’ પૂજારીએ જીદ ચાલુ રાખી, ‘તમે જાઓ, તમારું ધ્યાન રાખજો.’

‘અરે, વો ટેન્શન આપ મત કરો...’ ઑફિસરે ગુસ્સે થયો, ‘આપ જલદી ચલો. હવે અમે છેલ્લી વાર આવ્યા છીએ. વરસાદ વચ્ચે વધારે હેલકૉપ્ટર ચલાવી શકાય એમ નથી.’

‘કોઈ વાંધો નહીં...’ ફરી પૂજારીની એ જ વાત, ‘બેઠો છેને મારો લાલો...’

ઑફિસર પાસે હવે દલીલ કંઈ બાકી રહેતી નહોતી એટલે તે ફરી હેલિકૉપ્ટરમાં ચાલ્યો ગયો અને હેલિકૉપ્ટર રવાના થઈ ગયું.

જાણે કે એની જ રાહ જોવાતી હોય એમ જેવું હેલિકૉપ્ટર દેખાતું બંધ થયું કે તરત જ ફરી વીજળીનો કડાકો થયો અને એ કડાકા સાથે વરસાદે જોર પકડ્યું. ક્યારના ધ્વજદંડને પકડીને બેઠેલા પૂજારીમાં પણ કોઈ તાકાત નહોતી કે તે એમ જ વળગી રહે અને ધ્વજદંડમાં પણ ક્ષમતા નહોતી કે તે પૂજારીને પકડી રાખે.

બન્ને ઊંડા પાણીમાં ખાબક્યા અને પૂજારીજીનો દેહાંત થયો.

lll

‘લુક, મેં કીધું’તું એવું જ થયુંને, ભગવાન ન આવ્યાને...’

ઢબ્બુએ દલીલ કરી કે તરત જ પપ્પાએ તેને રોક્યો.

‘સ્ટોરી હજી બાકી છે બેટા... આગળ તો સાંભળ.’ પપ્પાએ સ્ટોરી કન્ટિન્યુ કરી, ‘આખી જિંદગી પૂજારીએ ભગવાનની સેવા કરી હતી એટલે તેમને સીધા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા અને સ્વર્ગમાં દાખલ થતાંની સાથે જ પૂજારીએ દેકારો મચાવી દીધો...’

lll

‘ક્યાં છે ભગવાન, પહેલાં એને હાજર કરો, મારે એને મળવું છે... એ નહીં આવે ત્યાં સુધી હું અહીંથી ક્યાંય જવાનો નથી.’

દેવદૂતો મૂંઝાયા પણ એ બિચારા કરે શું?

એક દેવદૂતે જઈને ભગવાનને જાણ કરી એટલે ભગવાન પોતાની સભા પડતી મૂકીને પૂજારીને મળવા આવ્યા.

‘બોલ વત્સ...’

‘શું વત્સ-વત્સ કરો છો?’ પૂજારીએ ગુસ્સો કાઢ્યો, ‘જરૂર હતી ત્યારે તો આવ્યા નહીં, આવી સેવા શું કામની ને તારી આવી ભક્તિ શું લાભની?’

ભગવાન તો મંદ-મંદ સ્મિત કરતાં એમ જ ઊભા રહ્યા એટલે પૂજારીનો ગુસ્સો તો લાવારસની જેમ ફાટ્યો.

‘હસવામાં પણ શરમ આવવી જોઈએ તમને. ખબર છે, કેટલા તમને બોલાવ્યા હતા?’ પૂજારીએ ભગવાનને કહ્યું, ‘એક વાર, એક વાર તમને એવો વિચાર આવ્યો નહીં કે હું આવીને મારા આ ભક્તને બચાવી લઉં... આવું જ રાખશો તો ભવિષ્યમાં કોઈ તમારી ભક્તિ નહીં કરે એ ભૂલતા નહીં...’

‘શાંત વત્સ... શાંત.’ ભગવાને હવે જવાબ આપ્યો, ‘હું આવ્યો હતો, તું મને ઓળખી શક્યો નહીં.’

‘ખોટી વાત...’

‘સત્યવચન...’ ભગવાને પોતે આવ્યા હતા એનું લિસ્ટ ખોલ્યું, ‘પહેલી વાર હું મુખીના સ્વરૂપમાં આવ્યો. એ પછી હું નાવ લઈને આવ્યો અને હેલિકૉપ્ટર લઈને તો તારી પાસે બબ્બે વાર આવ્યો અને બધી વાર તને બહુ સમજાવ્યો પણ ના, તું માનવા રાજી નહોતો. ન તો માનવા કે ન તો મને ઓળખવા...’

પૂજારીની આંખો ફાટી ગઈ. તેણે ભગવાનના પગ પકડી લીધા.

lll

પપ્પાએ ઢબ્બુ સામે જોયું. ઢબ્બુની પણ આંખો ફાટી ગઈ હતી. તેની આંખ સામે આખી મૅચ પસાર થતી હતી.

- બે બૉલમાં કૅચ ચડ્યા પણ એ થયા નહીં અને બે વાર રન આઉટ થતાં-થતાં માંડ બચ્યો... પણ બચી ગયો. મતલબ કે...

‘ભગવાન આવ્યા’તા પપ્પા... કન્ફર્મ. મૅચમાં મને હેલ્પ કરવા આવ્યા જ હતા...’

‘ભગવાન હેલ્પ બધાને કરે... બસ, આપણને તેને ઓળખતાં આવડવું જોઈએ.’

આ વખતે પહેલી વાર મમ્મીના ચહેરા પર સ્માઇલ આવી ગયું હતું અને પપ્પાના ચહેરા પર સાચી વાત સમજાવ્યાનો સંતોષ.

 

સંપૂર્ણ

columnists Rashmin Shah