22 December, 2024 05:07 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પહેલાંના જમાનામાં પ્રેમની પરિસ્થિતિ પ્રેમીના ચહેરા પરથી જાણી શકાતી, હવે એ મોબાઇલના સ્ટેટસ પરથી પણ જાણી શકાય છે. પહેલાં ભગ્ન પ્રેમીઓ મિત્રોને પોતાના પ્રેમની વાત કરતા. હવે મિત્રોને મોબાઇલમાં બ્લૉક કરે છે. પ્રેમ કરવાના ક્યાંય વિધિવત્ ડિપ્લોમા કોર્સ નથી હોતા. ન તો ક્યાંય કોચિંગ ક્લાસ હોય છે કે ન તો ‘સ્નેહમાં સરસાઈ’ મેળવવાના સેમિનાર થાતા. વળી પ્રેમમાં ભયંકર નિષ્ફળ જનારાઓને આત્મકથા કે અનુભવો લખવાનો સમય નથી હોતો (કે રસ નથી હોતો). ‘સત્યના પ્રયોગો’ની જેમ પ્રેમના પ્રયોગો પણ ન લખાવા જોઈએ?
આપણે ત્યાં પ્રેમને આ ફિલ્મવાળાઓએ એટલોબધો ઇમોશનલ કરી નાખ્યો છે કે એના પર હસવાનું કે હળવુંફૂલ લખવાનું કદાચ ભુલાઈ ગયું છે. કાશ, રોમિયોએ એકાદ પુસ્તક લખ્યું હોત કે ‘જુલિયટને મનાવવાના મારા ૧૦૧ નુસખાઓ’ તો કદાચ એ પુસ્તક બેસ્ટસેલર હોત! અથવા ફરહાદે લખ્યું હોત કે ‘શિરીનનું હૈયું જીતવાના ૧૦૧ શિરસ્તાઓ’ તો પણ અત્યારનાં કેટલાય મજનૂઓને કામ લાગત.
પ્રેમમાં સફળ થનારાઓને પુસ્તક લખવાનો સમય નહીં મળ્યો હોય એ સમજી શકાય છે. તો વળી પ્રેમમાં નિષ્ફળતા પામનારાઓ બીજા કોઈ સફળ થાય એવી મહેનત શું કામ કરે? એ કારણ પણ સંસ્થાને વાજબી લાગી રહ્યું છે.
પ્રેમ એક શાશ્વત સંવેદના છે. જોકે સંવેદના શબ્દમાં જ વેદના છુપાયેલી છે. સમય બદલાયો છે પરંતુ પ્રેમ નથી બદલાયો. સદીઓ પહેલાં પણ પ્રેમ થતો હતો અને આજે પણ થાય છે. કદાચ ટૂલ બદલાયાં! સોશ્યલ મીડિયાને લીધે પ્રેમ પણ વિકાસની જેમ 2Gમાંથી 5G થવા લાગ્યો અને સાથોસાથ બાયપ્રોડક્ટ તરીકે ‘બ્રેકઅપ ઉત્સવ’ લેતો આવ્યો.
આદિ-અનાદિ કાળથી છોકરા-છોકરીઓનાં અમુક વાક્યો પ્રેમમાં અનિવાર્ય હતાં, છે અને સદા રહેવાનાં, જેના પર નજર નાખો અને હસી લ્યો.
‘આપણે ક્યાંક મળ્યાં હોય એવું નથી લાગતું?’
ના અલ્યા, આપણે સીધી રીતે ક્યાંય નથી મળ્યાં. તું લોકલની લાઇનમાં જગ્યા માટે રખડતો’તો એની આગળની AC લોકલમાં હું મારી નોકરીએ જતી’તી. ધૅટ્સ ઑલ.
‘તમારી આંખો બહુ સુંદર છે’
ભાઈ તું રહેવા દેને! મેં આંખોના સાડાત્રણ નંબર છુપાવવા લેન્સ પહેર્યા છે. વળી તારી આંખોનાં વખાણ કરી વાતો શરૂ કરવી એ બહુ જૂની થિયરી છે. જરા નવી ટ્રાય કર, વાલીડા...
‘આપણે તો જસ્ટ ફ્રેન્ડ છીએ બકા’
છોકરીઓ પાસેથી છાશવારે સંભળાતું આ વાક્ય આજે સદીઓથી કેટલીય લવ સ્ટોરીની ભ્રૂણહત્યા કરવા સક્ષમ છે. જસ્ટ ફ્રેન્ડવાળી તો પહેલાં કે’વું’તું, તારી પાછળ સિનેમા અને સૅન્ડવિચનો ખર્ચો માથે પડ્યો. હવે એ તારા બાપુજી પાસેથી વસૂલવો?
‘તું મને બહુ યાદ આવે છે’
હવે રહેવા દે ભઈલા...!
તારી નબળી યાદશક્તિની ગામ આખાને ખબર છે. બપોરે શું ખાધું’તું એ તું સાંજે ભૂલી જાય છે અને હું તને યાદ કેમની રહી? રગેરગથી ખોટાડા.
‘કાલે તું સપનામાં આવી હતી!’
એક નંબરનું જુઠ્ઠાણું! તારી નીંદરમાં નસકોરાં સિવાય કોઈ સાથે હોતું નથી. જૂના હીંચકામાં બેરિંગનો અવાજ આવે એવાં નાકોરડાં ઢઈડીને તું રોજ સૂઈ જાય છે. આમાં તને મારાં સપનાં જોવાનો ટાઇમ ક્યારે મળ્યો?
‘હું તારા વિના નહીં જીવી શકું!’
જીવવા માટે હવા, પાણી અને પ્રકાશની આવશ્યકતા છે, બેન! પ્રેમીને આવાં ખૂબ બધાં વાક્યો લખ્યા પછી સાસરે જઈને મોર ખોખા ગળે એમ પાણીપૂરી દાબતી તને અમે સગી નજરે ભાળી છે. એક્સએલ (XL)માંથી ડબલ એક્સએલ (XXL) થઈ ગઈ છો અમારા વિરહમાં. અને જીવવાની વાત શું કામ કરે છે બેન...!
‘તમારી ફૅમિલીમાં કોણ-કોણ છે?’
ભાઈ! આ સવાલને પ્રેમકથા સાથે શું નિસબત? જિલ્લાની મતદાર યાદી ચેક કર એમાં બધાના ફોટો સાથે માહિતી સરકારે જ પ્રસિદ્ધ કરી છે. ઍક્ચ્યુઅલી તને એ જાણવામાં રસ છે કે મારા પપ્પા કે ભાઈ પોલીસમાં તો નથીને રાઇટ? તારો વાંહો કાબરો કરે એવા અન્ય કોણ-કોણ છે મારી ફૅમિલીમાં? એ જાણવા માટે જ તું આ સવાલ કરે છેને?
‘તમારો મોબાઇલ નંબર મળી શકે?’
જી ના! ભાઈ મારો નંબર હું મારી શેરીના કે કૉલેજના એક પણ અજાણ્યા છોકરાને દેતી નથી. મારો નંબર આસાનીથી મેળવવો હોય તો ઝોમાટો કે સ્વિગીમાં નોકરી જૉઇન કરી લે.. બાકી ફાલતુ લોકો સાથે હું વાત પણ નથી કરતી.
‘તારી ફૅમિલી મારામાં હા પાડશે?’
કેવી રીતે હા પાડે બેન? તને સરખી ચા પણ બનાવતાં આવડતું નથી. માત્ર લટકમટક તૈયાર થઈને પાર્ટીઓમાં જતાં અને હોટેલનું ચાર હાથે ખાતાં જ તને આવડે છે. મેં તને હા પાડી છે એમાંય મારી ધૂળ કાઢી છે પરિવારજનોએ! હવે તને પુત્રવધૂ તરીકે હા પાડવામાં તો તારા પપ્પાનું બૅન્ક-બૅલૅન્સ જોવું પડે.
‘આપણે ફરી પાછાં ક્યારે મળીશું?’
નથી મળવું ભાઈ! પહેલી વાર તું મળ્યો અને અને મારો કોવિડ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. વૅલેન્ટાઇન્સ ડેમાં ક્યારે મળીશું એ નક્કી કરવા તું મળ્યો અને મારે આખો મહિનો ક્વૉરન્ટાઇન પડ્યું. હવે તો ઑનલાઇન જ મળીશું બકા...!
‘ભલે! આપણે સાથે નથી જીવ્યાં, પણ હું તને યાદ બહુ આવીશ’
ના એવું કાંઈ જ નહીં થાય બેન! તારા પ્રેમમાં જે નોકરી છૂટી ગઈ છે એ ફરી ગોતવાની છે. પછી તારા કરતાં પણ સારી છોકરી મમ્મીએ ગોતી રાખી છે તેની સાથે જિંદગી શરૂ કરવાની છે. પપ્પાએ લીધેલી ચાલીસ લાખની લોનના હપ્તા ભરવા દિવસ-રાત મજૂરી કરવાની છે. આમાં મને હું પણ યાદ નહીં રહું કદાચ... તું શેની યાદ આવશે? નીકળ બેન!